આગામી પાંચ વર્ષમાં ભારતને મળશે 200 નવા એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટરડ્રોમ!
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં પ્રવાસન ઉદ્યોગ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે. ભારતીય યુવાનોને નિતનવી જગ્યાઓ જોવાનો-માણવાનો ખૂબ શોખ છે. દેશનો પ્રથમ સૂર્યોદય અને અંતિમ સૂર્યાસ્ત જોવા ગમે તે અંતરિયાળ વિસ્તારમાં આજનો યુવા ટ્રાવેલર જઈ શકે છે. પરંતુ સમય મર્યાદાને કારણે પરિવહનની અછત ઘણી મુશ્કેલીઓ સર્જે છે.
જો તમે પણ આ પ્રશ્નથી પરેશાન હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે!
સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં ભારતને 200 નવા એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટરડ્રોમ મળવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે. હેલીપોર્ટ એ હેલિકોપ્ટર તેમજ અન્ય નાના પ્લેન માટેની જગ્યા છે જ્યારે વોટરડ્રોમ એ એવી વ્યવસ્થા છે જ્યાં સી-પ્લેન લેન્ડ કે ટેકઑફ થઈ શકે.
તેનાથી આખા દેશમાં ફાયદો થવાનું અનુમાન છે. ઘણા શહેરોનો ટ્રાફિક પણ અમુક અંશે ડાઈવર્ટ થઈ શકશે. ઊંચાઈવાળા વિસ્તારોમાં તેમજ નોર્થ ઈસ્ટ રાજ્યો જેવા દૂરના રાજ્યોમાં હેલીપોર્ટ એ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે.
ફેબ્રુઆરી 2017માં નવી દિલ્હીમાં ભારતનાં સર્વ પ્રથમ રોહિણી હેલીપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અહેવાલોના જણાવ્યા અનુસાર સરકાર નવી MRO પોલિસી પર પણ કામ કરી રહી છે. સરકાર મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ હબ જેવા વિવિધ ટ્રાન્સપોર્ટ હબનો વિકાસ કરશે જેથી વધુ અસરકારક રીતે અને વધુ ઝડપથી પરિવહનના વિવિધ માધ્યમો એકબીજા સાથે જોડાઈ શકશે. The Multi-Modal Transit Hub ખૂબ જ સરળતાથી મુસાફરોના આવાગમનને તેમની ટ્રાવેલ સંબંધિત અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડશે. આ તમામ પ્રવૃત્તિથી સરકાર એક અસરકારક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિકસાવવા માંગે છે.
એરપોર્ટનું આધુનિકરણ કરવા માટે લેવામાં આવેલા સરકારના મહત્વના પગલાં વિષે વાત કરતાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વ્યાવસાયિક એરપ્લેન માટે એરપોર્ટ ખુલ્લા મૂકવાના સરકારના નિર્ણયને લીધે દેશના મુખ્ય શહેરો વચ્ચે લગતા સમયમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
આપણે આશા રાખીએ કે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં થઈ રહેલા સતત વિકાસ થકી ભારતનાં વ્યાપાર તેમજ પર્યટન ઉદ્યોગને ખૂબ ફાયદો થશે.
.