વિવિધતામાં એકતા માટે પ્રખ્યાત એવા ભારત દેશનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે. સાથોસાથ ભૂતકાળમાં અનેક રકતરંજીત ઘટનાઓએ દેશના આ ભવ્ય ઇતિહાસ પર કાળું ટીલું લગાવવાનું પણ કામ કર્યું છે. સદીઓથી વિવિધ આક્રમણકારો સામે ઝીંક ઝીલી હોવા છતાં આજે આપણો દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. ચાલો, ઇતિહાસ અને વર્તમાનની અમુક એવી જગ્યાઓ વિષે જાણીએ જ્યાં તમારો દેશપ્રેમ બમણો થઈ જાય છે.
1. કારગિલ વોર મેમોરિયલ, દ્રાસ
દ્રાસ એ ભારતની સૌથી સુંદર જગ્યામાંનું એક છે. પહાડોની વચ્ચે અહીં વોર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે જેને કારગિલ વોર મેમોરિયલ અથવા વિજયપથ તરીકે ઓળખવામાં આવે છે. કારગિલ યુદ્ધના ઓપરેશન વિજય દરમિયાન વીરગતિ પામેલા જવાનોની યાદમાં આ સ્મારક બનાવ્યું છે. આ જગ્યાએ કોઈ પણ ભારતીય દેશની સેનાનાં જવાનો માટે અનહદ ગૌરવ અનુભવે છે.
2. વાઘા બોર્ડર
ભારત અને પાકિસ્તાનને જુદા પાડતી જગ્યા એટલે વાઘા બોર્ડર. રૂંવાડા ખડા કરી દેનારી આ જગ્યાની દરેક ભારતીયે એક વખત અચૂક મુલાકાત લેવી જોઈએ. દરરોજ સાંજે અહીં બંને દેશોની ફ્લેગ-સેરેમની થાય છે. આ જગ્યાએ એવું લાગે છે જાણે રોજ 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી હોય! વાસ્તવમાં વાઘા ગામ પાકિસ્તાનમાં આવ્યું છે. ભારતમાં આ જગ્યા અટારી બોર્ડર કહેવાય છે.
3. સેલ્યુલર જેલ
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની સૌથી યાતનામય સજા એટલે કાલા-પાણી. ભારતીય મુખ્ય ભૂમિથી 1500 કિમી દૂર આવેલા અંદામાન ખાતે અંગ્રેજોએ 19 મી સદીના અંતમાં સેલ્યુલર જેલનું નિર્માણ કર્યું હતું જેમાં ભારતનાં ક્રાંતિકારીઓને ખૂબ આકરી સજા કરી તેમના પર અમાનુષી અત્યાચાર થતો. વીર સાવરકર, બટુકેશ્વર દત્ત, યોગેન્દ્ર દત્ત વગેરે હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓએ અહીં ખૂબ યાતનામય વર્ષો પસાર કર્યા હતા.
4. રેસિડન્સી, લખનૌ
1857 માં દેશભરમાં અંગ્રેજો વિરુદ્ધ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ તેમાં લખનૌ પણ બાકાત નહોતું. આ જગ્યા, એટલે કે બ્રિટિશ રેસિડેન્સી ખાતે અંગ્રેજો રહેતા હતા અને સેનાનીઓ દ્વારા અહીં હુમલો કરવામાં આવ્યો હતો. આ સ્થળે એક મ્યુઝિયમ પણ છે જ્યાં તમે આ યુદ્ધ વિષે વિગતે જાણી શકો છો.
5. જલિયાવાલા બાગ
13 એપ્રિલ 1919, વૈશાખીના દિવસે ભેગા થયેલા લોકોને ચારે તરફથી ઘેરીને ‘ફાયર’ના એક હુકમથી જલિયાવાલા બાગમાં હજારો નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. તત્કાલીન ગોળીઓના નિશાન હજુ પણ યથાવત રાખવામાં આવ્યા છે. કોઈ પણ દેશપ્રેમી આ જગ્યાએ સમસમી જાય છે.
6. લાલ કિલ્લો
ભારતની સ્વતંત્રતા બાદ સૌથી પહેલી વાર અહીં ધ્વજ ફરકવવામાં આવ્યો હતો જે પ્રણાલી આજે પણ ચાલુ જ છે.
7. તાજ મહલ
મુઘલ રાજા શારજહાંએ તેની અનેક બેગમો પૈકી એક એવી મુમતાઝની યાદમાં ભારતીય કારીગરી પાસે આ સ્મારક તૈયાર કરાવ્યું હતું જેને દેશના સૌથી નામાંકિત બાંધકામ તરીકે પણ નામના મળી છે.
8. કુતુબમિનાર
વિશ્વના સૌથી ઊંચા મિનારોમાં દિલ્હીના પ્રખ્યાત કુતુબમિનારનો પણ સમાવેશ થાય છે. દેશના અનેક ઐતિહાસિક સ્થાપત્યોની જેમ આ સ્થળ પણ મૂળે વિષ્ણુ સ્તંભ/ ધ્રુવ સ્તંભ હોવાના પુરાવાઓ મળી આવ્યા છે જે તેની પ્રાચીનતા સૂચવે છે.
9. નાલંદા યુનિવર્સિટી
વિશ્વભરના લોકો ભારતની જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવતા હતા તે જગ્યા એટલે નાલંદા વિશ્વવિદ્યાલય. બખતીયાર ખિલજીએ આક્રમણ કરીને અહીંના પુસ્તકાલયને આગ ચાંપી હતી જેમાં કુલ 90 લાખ પુસ્તકો રાખ થઈ ગયા હતા. આજે આ યુનિવર્સિટીના અવશેષ પણ ઇતિહાસમાં આપણી સાંસ્કૃતિક મહાનતા દર્શાવે છે.
10. હવા મહલ
રાજસ્થાનના દરેક રાજમહેલો ભારતીય રાજાઓના ગૌરવશાળી રાજ્યની સાક્ષી છે. વર્ષ 1799 માં મહારાજા સવાઇ પ્રતાપ સિંઘ નામનાં રાજા દ્વારા બનાવવામાં આવેલો હવામહેલ એ આર્કિટેક્ચરનું ઉત્કૃષ્ટ ઉદાહરણ માનવામાં આવે છે. આ મહેલમાં કુલ 953 બારીઓ આવેલી છે જ્યાંથી તમે બહાર જોઈ શકો છો પણ બહારથી અંદર કશું જ દેખાતું નથી.
એટલે જ કહેવાય છે ને, #MeraShandarBharat
.