હું જમશેદપુર રહું છું. જમશેદપુરથી કોલકાતા માત્ર 250 કિમી દૂર છે અને રોજની અનેક ટ્રેનની કનેક્ટિવિટી છે એટલે શનિ-રવિની રજાઓમાં ઘણી સરળતાથી જઈ શકાય છે. સપ્ટેમ્બર 2021માં મારા મમ્મી-પપ્પા અને ભાઈ જ્યારે જમશેદપુર આવ્યા હતા ત્યારે મેં આ તકનો લાભ લીધો.

3 સપ્ટેમ્બર 2021, શુક્રવાર.
સાંજે અમે ટાટાનગર રેલવે સ્ટેશનથી હાવડા જતી દૂરન્તો ટ્રેનમાં કોલકાતા પહોંચ્યા. મારા પિતા અને પતિ બંને LIC અધિકારી હોવાથી કોલકાતાના અત્યંત પોશ એવા પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં એક અદભૂત ઇમારત ‘ક્વીન્સ મેન્શન’ (Queen’s Mansion)માં આવેલા LIC ગેસ્ટ હાઉસમાં અમારું રોકાણ હતું.

4 સપ્ટેમ્બર, 2021, શનિવાર.
કોલકાતા દર્શનની વિધિવત શરૂઆત થઈ કાલીઘાટ ખાતે બંગાળના અધિષ્ઠાત્રી શ્રી કાલી માતાના મંદિરની મુલાકાત સાથે. લોકોની અનહદ ભીડ, અશિસ્ત તેમજ શ્રદ્ધાનો દુર્લભ સમન્વય આ સ્થળે અમને જોવા મળ્યો. કાલી માતાનો વિશાળ માત્ર ચહેરો તેવી આકર્ષક પ્રતિમાને જોઈને આ ભીડમાંથી પસાર થયાનો સંતોષ થયો. સાથોસાથ, ગુજરાતના તમામ મહત્વના મંદિરોના ખૂબ પ્રશંસનીય વહીવટીતંત્રને બિરદાવવાનું મન થઈ આવ્યું!
ત્યાર પછી અમે ગયા બ્રિટિશ ઈન્ડિયાની રાજધાની એવા Culcuttaમાં અંગ્રેજ રાણીનું સ્મારક, એટલે કે વિક્ટોરિયા મેમોરિયલ. અમારા આશ્ચર્ય વચ્ચે આ સ્થળે અમને નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવનને આવરી લેતા એક મલ્ટી-મીડિયા એક્ઝિબિશન નિહાળવાની તક મળી. ‘નિર્ભીક સુભાષ’ નામ હેઠળ આ પ્રદર્શનમાં અમે શું શું જોયું તે વિગતે અહીં વાંચો.



બપોરે ગુજરાતી વિસ્તારમાં આવેલી પ્યોર વેજ રેસ્ટોરાંમાં લંચ પછી અમે શહેરથી 15 કિમી દૂર આવેલા ઇકો પાર્કની મુલાકાત માટે ગયા. રસ્તામાં બિરલા પ્લેનેટોરિયમ, રેસકોર્સ, ઇડન ગાર્ડન્સ, રબીન્દ્ર સદન, ગવર્નર્સ હાઉસ, RBI-BSNL-Indian Post વગેરેની અંગ્રેજોના સમયમાં બનેલી મુખ્ય ઓફિસ વગેરેનો બહારથી નજારો માણીને ઇકો પાર્ક પહોંચ્યા. ખૂબ જ મોટા વિસ્તારમાં બનેલો આ પાર્ક ફેમિલી પિકનિક માટે એક આદર્શ જગ્યા છે. અહીં એક વિશાળ સરોવર તેમજ સેવન વન્ડર્સની સૂક્ષ્મ પ્રતિકૃતિ સોનામાં સુગંધ ભેળવે છે. પગપાળા આખા પાર્કની મુલાકાત લેવી અશક્ય છે તેથી અહીં ગોલ્ફકાર્ટ તેમજ સાઇકલ રાઈડ જેવી સુવિધા ઉપલબ્ધ છે. સાંજ સુધી અમે આ પાર્કમાં જ સમય વિતાવ્યો.




5 સપ્ટેમ્બર, 2021, રવિવાર.
આજના દિવસે સૌથી પહેલા અમે શહેરથી 20 કિમી દૂર આવેલા દક્ષિણેશ્વર કાલી મંદિરના દર્શને ગયા. અહીં પણ ભીડ તો હતી જ, પણ કાલીઘાટ મંદિરની સરખામણીએ અહીં સારી વ્યવસ્થા હતી. આ મંદિરની મહત્વતાનું કારણ એ છે કે રામકૃષ્ણ પરમહંસજીને આ મંદિરમાં કાલી માતાનો સાક્ષાત્કાર થયો હતો.
દક્ષિણેશ્વર મંદિરની નજીકમાં જ બેલુર મઠ આવેલો છે પણ કોવિડને કારણે તે માત્ર સવારે 8 થી 11 અને સાંજે 4 થી 6 જ ખુલ્લો રહે છે. પરિણામે અમે બેલુર મઠની મુલાકાતથી વંચિત રહ્યા.
ફરીથી અમે કોલકાતા શહેરમાં પાછા ફર્યા અને બિરલા પ્લેનેટોરિયમ ખાતે બ્રહ્માંડ વિષે એક શાનદાર શો માણ્યો. બિરલા પ્લેનેટોરિયમ ખાતે બપોરે 2.30 વાગ્યાનો શો બંગાળી ભાષામાં હોય છે તેથી આ જગ્યાની મુલાકાત લેવામાં સમયની વિશેષ તકેદારી રાખવી.


અહીથી નીકળીને અમે જમ્યા અને ગંગા કિનારે (બંગાળના સ્થાનિકો માટે ‘હુબલી’ નદી) દસેક મિનિટનો હોલ્ટ કર્યો. અમારા ડ્રાઈવર ભાઈએ એવી જગ્યાએ કાર ઊભી રાખી હતી જ્યાંથી એક બાજુ અત્યંત પુરાણો હાવડા બ્રિજ દેખાતો હતો અને બીજી બાજુ નવોસવો બનેલો વિવેકાનંદ સેતુ.
અને અમારું અંતિમ પર્યટન સ્થળ હતું આચાર્ય જગદીશચંદ્ર બોઝ બોટનીકલ ગાર્ડન. આ ગાર્ડનની વિશેષતા છે અહીંનો ભવ્યાતિભવ્ય વડલો. 250 કરતાં જૂનું આ વડનું ઝાડ વિશ્વનું સૌથી મોટું વૃક્ષ છે તેમ કહેવાય છે. 3300 કરતાં પણ વધુ વડવાઈઓ ધરાવતો આ વડલો 18,900 ચોરસકિમી જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. Tripoto પર આ વિષે વિસ્તૃત લેખ અહીં વાંચો.





અનેક નવી જગ્યાઓની મુલાકાત અને માહિતી સાથે વીકએન્ડ તેમજ અમારો કોલકાતા પ્રવાસ બંને પૂરા થયા.
.