ચોમાસુ પુરબહારમાં ખીલ્યું છે. ચોમાસા દરમિયાન ઇકો ટૂરિઝમની મજાજ કંઇક અલગ છે. શહેરો તો પાણીમાં ડુબેલા હોય છે ત્યારે જંગલ તરફ પ્રયાણ કરીને કુદરતની વચ્ચે થોડાક દિવસો પસાર કરવાથી તમારો બધો થાક ઉતરી જાય છે. અને તમે તન અને મનથી એકદમ ફ્રેશ થઇ જાઓ છો. જાણીતા કવિ ખલીલ ધનતેજવીએ કહ્યું છે કે તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. તો કંઇક આવી જ પંક્તિઓ મનમાં ગણગણતા અમે વરસાદને ગુજરાતની અંદર જ એન્જોય કરવાનું નક્કી કર્યું અને બનાવી દીધો રતન મહાલના જંગલોમાં ફરવાનો પ્લાન. રતન મહાલના ઉધાલ મહુડા ટ્રી હાઉસમાં અમે એડવાન્સમાં બુકિંગ કરાવી દીધું હતું અને જુલાઇના અંતિમ રવિવારે ઉપડી ગયા ગડ્ડી લેકે અમદાવાદ ટુ રતન મહાલ.
અમે આ રસ્તે ગયા
અમદાવાદથી અમે બે ફેમિલી એક પેટ્રોલ અને સીએનજી કાર સાથે રતન મહાલ જવા નીકળ્યા. હવે રતન મહાલ જવા માટે અમદાવાદથી બે રસ્તા છે. એક રસ્તો વાયા કઠલાલ, ગોધરા વાયા દેવગઢ બારિયા થઇને જઇ શકાય છે. જેમાં 194 કિલોમીટર અને 4 કલાકનો સમય લાગશે. બીજો રસ્તો વડોદરા એક્સપ્રેસ વે થઇને હાલોલ વાયા દેવગઢ બારિયા થઇને જવું પડશે. જેમાં 4 કલાક 30 મિનિટનો સમય લાગશે. એટલે કે ગોધરાના રસ્તા કરતાં અડધો કલાક વધારે. પરંતુ અમે તમને વડોદરા, હાલોલવાળો રસ્તો પસંદ કરવાનું કહીશું. કારણ કે એક તો આ રસ્તો સારો છે અને ટોલ ટેક્સ પણ ઓછો લાગે છે. એટલે કે ફક્ત વડોદરા એક્સપ્રેસ વેનો જ ટોલ લાગશે. આગળ ટોલ નહીં લાગે. બીજી તરફ ગોધરાના રસ્તે ટોલ ટેક્સ 300 રૂપિયા જેટલો થશે.
ઉધાલ મહુડા ટ્રી હાઉસ
અમે હાલોલ હાઇવે પર એક રેસ્ટોરન્ટમાં ચા-નાસ્તો કરીને લગભગ 12 વાગે ઉધાલ મહુડા કેમ્પસાઇટ પહોંચ્યા. આ આખો વિસ્તાર રતન મહાલ અભયારણ્ય હેઠળ આવે છે. જે એક જંગલ વિસ્તાર છે. હવે વાત કરી લઇએ ટ્રી હાઉસની. તો અહીં કુલ બે ટ્રી હાઉસ છે. જેનું બુકિંગ તમે
vadodarawildlife.in પરથી કરી શકો છો. આ એસી ટ્રી હાઉસનું ભાડું જીએસટી સાથે 3640 રૂપિયા છે. જેમાં બે વ્યક્તિઓ રહી શકે છે. એકસ્ટ્રા બાળક હોય તો પણ રહી શકે એટલી જગ્યા છે. એસીના ભાડામાં બે વ્યક્તિ માટે લંચ, ડીનર, બ્રેકફાસ્ટ અને બપોરની ચાનો સમાવેશ થાય છે.
એકસ્ટ્રા પર્સન હોય તો રહેવા-જમવા સાથે 300 રૂપિયા ચાર્જ લાગશે. એટલે કે 4000 રૂપિયામાં 3 વ્યક્તિ આરામથી રહી શકે છે. આ ઇકો સાઇટ વનખાતાની માલિકી હેઠળની છે. એટલે હોટલ જેવી સુવિધા તમને નહીં મળે. ટ્રી હાઉસ એવરેજ છે. ગરમ પાણીની સુવિધા નથી એટલે કે તમારે ફરજીયાત ઠંડા પાણીથી ન્હાવાની તૈયારી રાખવી પડશે.
જો જમવાની વાત કરીએ તો અહીં દેશી જમવાનું જ મળે છે. એટલે કે પંજાબી, ચાઇનીઝ કે પિઝાની આશા રાખતા હોવ તો તમે નિરાશ થશો. બ્રેક ફાસ્ટમાં બટાકા પૌંઆ, ચા-કોફી મળશે. અમે લંચમાં બટાકા-રિંગણનું શાક, કઠોળમાં મગ, રોટલી, છાશ, દાળ-ભાત જમ્યા. સલાડમાં ડુંગળી મળશે. જ્યારે ડીનરમાં મકાઇનો રોટલો, ખીચડી, શાક વગેરે. અહીંનો રસોઇયા આદિવાસી છે જે ચા સારી બનાવે છે. દેશી ખાવાનું પણ ટેસ્ટી હોય છે. અમે જમીને રૂમમાં થોડોક આરામ કર્યો.
ટ્રી હાઉસમાં ન રોકાવાના કારણો
એક મહત્વની વાત કરી લઉં. જો તમે ફોટા જોઇને એવી આશાએ ગયા હોવ કે એક શાનદાર ટ્રી હાઉસનો અનુભવ મળશે તો તમે નિરાશ થશો. એક તો ગરમ પાણી નથી. સફાઇ એવરેજ છે. વળી આ વીકેન્ડ્સમાં ટૂરિસ્ટની ખાસ્સી અવરજવર હોય છે એટલે તમને શાંતિથી આરામ નહીં કરી શકો. કારણકે આ પ્રાઇવેટ પ્લેસ નથી પરંતુ પબ્લિક પ્લેસ હોવાથી લોકો તમારા રૂમની બહાર આવીને બેસી જશે. સેલ્ફી લેતા લેતા મોટેથી બૂમ બરાડા પાડતા હશે. ટ્રી હાઉસની નીચે બેસીને મોટેથી વાતો કરતા હશે. એટલે તમારા આરામમાં વિક્ષેપ પડશે.
કેમ રોકાવું જોઇએ
નેગેટિવ વાત કર્યા બાદ હવે થોડીક પોઝિટિવ વાત પણ કરી લઇને. તો સૌથી સારી વાત અહીંનું લોકેશન. ટ્રી હાઉસમાંથી તમને રતન મહાલ લેક અને પહાડોનું અદ્ભુત દ્રશ્ય જોવા મળશે. તમે બાલ્કનીમાંથી અને નીચે ઉતરીને પાછળની તરફ પથ્થર પર જઇને સુંદર ફોટોગ્રાફ ખેંચી શકો છો. તેમજ નેચરનો આનંદ લઇ શકો છો. અહીં એક ખાસ પ્રજાતિના કાચિંડા પણ જોવા મળે છે જે બ્લેક અને કેસરી કલરના હોય છે. જે તમને બીજે ક્યાંય નહીં જોવા મળે.
તળાવ પર ફોટોગ્રાફી
અમે બપોરે ચા પીને ટ્રી હાઉસથી નીચે પગથિયા ઉતરીને લેક તરફ ગયા. આ એક સુંદર તળાવ છે. અહીં અમે ખુબ ફોટોગ્રાફી કરી. ફોટોગ્રાફી માટે આ એક બેસ્ટ લોકેશન છે. ફોટોગ્રાફીનો આનંદ માણ્યા બાદ અને રૂમ પર પાછા ફર્યા. રાતે ડીનર કરીને વહેલા સુઇ ગયા કારણે બીજા દિવસે નાલધા વોટરફોલ જવાનું હતું.
નાલધા કેમ્પસાઇટ, વોટરફોલ
બીજા દિવસે બ્રેક ફાસ્ટ કરીને અમે નાલધા વોટરફોલ તરફ ગાડી હંકારી મૂકી. ઉધાલ મહુડાથી નાલધા કેમ્પ સાઇટ 10 કિલોમીટર દૂર છે. હવે જ્યારે તમે નાલધા પહોંચશો ત્યારે તમારી પાસે બે ચોઇસ હશે. એક રસ્તો સીધો રતન મહાલ વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરી જશે અને બીજો નાલધા કેમ્પસાઇટ જશે. બન્ને જગ્યાએ કાર દીઠ 400 રૂપિયા ચૂકવવા પડશે. કારમાં મહત્તમ 6 વ્યક્તિની પરમિશન છે. હવે જો તમે રતન મહાલ વાઇલ્ડ લાઇફ સેન્ક્ચુરી જશો તો તેમાં સનસેટ પોઇન્ટ અને મધ્યપ્રદેશની બોર્ડર જોવા મળશે. જ્યારે નાલધા કેમ્પસાઇટથી તમે નાલધા વોટરફોલ જોઇ શકશો.
અમે નાલધા કેમ્પસાઇટ જવાનું નક્કી કર્યું. નાલધા કેમ્પસાઇટ પાસે કાર પાર્ક કરીને અમે પગપાળા વોટર ફોલ તરફ આગળ વધ્યા. કેમ્પસાઇટ પર તમારે પ્લાસ્ટીકની વસ્તુઓ બતાવવી પડશે. જેટલું પ્લાસ્ટિક તમે અંદર લઇ જાઓ છો તેટલું પાછુ પણ લાવવું પડશે. જંગલમાં ક્યાંય પ્લાસ્ટિક ફેંકવાની મનાઇ છે. જો કે ટ્રેકિંગ દરમ્યાન અમે ઘણી જગ્યાએ પ્લાસ્ટિકની પાણીની બોટલો, નમકીનના પેકેટ, ગુટખાના પાઉચ વગેરે જોયા.
નાલધા વોટર ફોલ તરફ જવાનો રસ્તો પથરાળ છે. સાંકડી કેડીમાં તમારે 3 કિલોમીટર ચાલીને અંદર જવું પડે છે. એટલું જ પાછા આવવાનું અંતર છે. એટલે કુલ 6 કિલોમીટરનું ટ્રેકિંગ તમારે કરવું પડશે. જંગલમાં તમને સુંદર વહેતા ઝરણા, પક્ષીઓ, કાંચીડાના દર્શન થશે. લગભગ 2 કિલોમીટર ચાલશો એટલે નાનો વોટરફોલ આવશે પછી મુખ્ય વોટર ફોલ એટલે મોટા વોટરફોલ તરફ જવા માટે તમારે એક કિલોમીટર ઉપરની તરફ ચાલવું પડશે. વોટરફોલની નજીક પહોંચશો એટલે એક સાંકડો રસ્તો છે જે જોખમી હોવાથી સંભાળીને ક્રોસ કરવો પડશે. નહીંતર સીધા ઉંડા ખાડામાં પડશો. જો કે વોટરફોલ પહોંચીને અમારો બધો થાક ઉતરી ગયો. એકાદ કલાક રોકાઇને ફોટોગ્રાફી કરી અને સાથે નાસ્તો લઇને ગયા હતા એટલે થોડીક પેટપૂજા કરી.
નાલધા કેમ્પસાઇટથી લગભગ 3 વાગે અમે અમદાવાદ પાછા આવવા નીકળ્યા. રસ્તામાં ગોધરા નજીક એક કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં લંચ કર્યું. અને રાતે લગભગ 8 વાગે અમે અમદાવાદ પરત આવ્યા. આ એક ટૂંકો પણ યાદગાર પ્રવાસ હતો. જેમાં અમે ખુબ એન્જોય કર્યું. જો ખર્ચની વાત કરીએ તો રહેવા, જમવા, પેટ્રોલ સાથે 3 વ્યક્તિનો લગભગ 8000 રૂપિયાનો ખર્ચ થયો. જો તમે સીએનજી કારમાં જાઓ તો ખર્ચ ઓછો આવશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો