પ્રકાશનો તહેવાર દિવાળીની શરૂઆત થઇ ચુકી છે. દિવાળી એટલે રોશનીનો તહેવાર. દિવાળીમાં આપણે શક્ય હોય તેટલો લાઇટિંગ, દીવાનો ઉપયોગ કરીએ છીએ. માત્ર આટલું જ નહીં ઘરની સફાઇ, ઘર સજાવવાથી લઇને દરેક વસ્તુની ખાસ કાળજી લેવામાં આવે છે.
દિવાળીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે ભારત સિવાય અન્ય દેશમાં દિવાળીનો તહેવાર ઉજવતા જોયા છે. વિશ્વના વિવિધ દેશોમાં દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે, આવો જોઈએ.
જાપાન
જાપાનના (Japan)યોકોહામામાં બે દિવસીય દિવાળીનું આયોજન કરવામાં આવે છે. આ બે દિવસોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. લાખો લોકો ડાન્સ કરે છે અને ગીત ગાય છે. લોકો વિવિધ પ્રકારના માસ્ક પહેરે છે જે મોટે ભાગે ખૂબ રમુજી હોય છે, રસોઇથી જોડાયેલ હોય છે. આ બે દિવસીય દિવાળીમાં ભારતીય ભોજન પીરસવામાં આવે છે.
ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયા અને ભારતમાં ઘણી સમાનતા જોવા મળે છે. ઈન્ડોનેશિયામાં ભારત જેવા મંદિરો અને પાંડવોના નામ પર 'પાંડવો બીચ' આવેલું છે. ઇન્ડોનેશિયાના પર્યટન સ્થળ બાલીમાં મોટાભાગના હિંદુઓ રહે છે. જેથી અહીં દિવાળી પર જાહેર રજા પણ મનાવવામાં આવે છે. અહીં લોકો એકબીજા સાથે ઉત્સાહભેર દિવાળીના તહેવારની ઉજવણી કરે છે.
ફિજી
ફિજીમાં સ્થાનિક હિંદુઓની વસ્તી નથી પરંતુ ત્યાં મોટી સંખ્યામાં હિંદુઓ વસે છે. જેથી ફિઝીમાં દિવાળીને જાહેર રજા તરીકે ઉજવવામાં આવે છે. અને દિવાળી પર દીવા પ્રગટાવવા, તહેવારો ઉજવવા, ભેટોની આપ-લે કરવી પણ સારી માનવામાં આવે છે.
મોરિશિયસ
મોરેશિયસમાં (moresis)નાના ટાપુઓ પર દિવાળી ઉજવવામાં આવે છે. આ દિવસ જાહેર રજા હોય છે. અહીંના લોકો ઘરની સફાઈ કરવામાં ઘણું માને છે, તેઓ માને છે કે આમ કરવાથી બધી નકારાત્મક ઉર્જા નીકળી જાય છે. દિવાળી પર અહીં રાવણ દહન પણ કરવામાં આવે છે. મોરેશિયસમાં 50 ટકા વસ્તી હિન્દુ છે.
મલેશિયા
મલેશિયામાં હિંદુઓ રહે છે પરંતુ અહીં તહેવારની અલગ રીતે ઉજવણી થાય છે. મલેશિયામાં તહેવારને 'લીલી દિવાળી' કહેવામાં આવે છે. અહીં દિવાળીના તહેવારની ભારત કરતા અલગ રીતે ઉજવવામાં આવે છે. અહીં દિવાળીમાં લોકો તેલથી સ્નાન કરીને મંદિરે જાય છે. જો કે અહીં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ છે. જેથી માત્ર મીઠાઈઓ, દીવડા અને સારા સમાચાર સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
નેપાળ
ભારતના પાડોશી અને વિવિધ પ્રાંતના લોકો વસતા હોવાથી નેપાળમાં પણ દિવાળીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થાય છે. જો કે અહીં તેને 'તિહાર' તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવારની ઉજવણીની રીત લગભગ સમાન છે અને તેને નેપાળનો બીજો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે.
સિંગાપુર
દિવાળીના દિવસે સિંગાપુર માં સ્પેશ્યલ બસો પર રંગોળીની ટ્રેડીશનલ ડીઝાઈન બનાવવામાં આવે છે અને આ દેખાવમાં બહુ જ સુંદર હોય છે. આ પ્રકારની સજાવટ જોઇને એકવાર તો અહીં દિવાળીમાં આવવાનું મન ચોક્કસ થશે.
ઇંગ્લેન્ડ
ઈંગ્લેન્ડ માં આ પર્વ 1605 થી મનાવવામાં આવી રહ્યો છે, અહીં અડધી રાત્રે જ ઓટરિ સેંટ મેરી શહેર રોશનીથી પ્રજ્જવલિત થઇ ઉઠે છે. જણાવી દઈએ કે આ ફાયર ફેસ્ટીવલને દરેક વર્ષે 5 નવેમ્બરે મનાવવામાં આવે છે. દિવાળી દરમિયાન લોકો સત્તર ફ્લેમિંગ બેરલ લઈને રોડ પર માર્ચ કાઢે છે અને ફટાકડા દરેક ઉંમરના લોકોના હાથમાં હોય છે, જે અંતમાં શહેરની વચ્ચે એકઠા થઈને બોનફાયર પણ કરે છે.