આમ તો ઉદેપુર અમદાવાદીઓ માટે કોઇ નવી જગ્યા નથી. વાર-તહેવારે કે વીકેન્ડ્સમાં પણ લોકો ઉદેપુર કે આબુ જેવી રાજસ્થાનની હોટ ફેવરિટ જગ્યાઓ પર પહોંચી જતા હોય છે. ફેમિલી સાથે તો હું પણ ઘણીવાર ઉદેપુર, શ્રીનાથજી અને એકલિંગજી જઇ આવ્યો છું પરંતુ આ વખતે મિત્રો સાથે ઉદેપુરની એક નાનકડી ટૂર પર જવાનું નક્કી કર્યું. એપ્રિલ મહિનો પરિક્ષાઓનો મહિનો હોવાથી અને ગરમીની સીઝન પણ શરુ થઇ જતી હોવાથી સામાન્ય રીતે આ મહિનામાં રાજસ્થાનના ટૂરિસ્ટ પ્લેસિસ પર ભીડભાડ ઓછી હોય છે. અમે 3 મિત્રોએ પણ એપ્રિલના અંતમાં બે દિવસની ઉદેપુરની નાનકડી ટૂર પર જવાનું નક્કી કર્યું.
અમદાવાદથી ઉદેપુર બાય કાર
અમે ત્રણ મિત્રો અમદાવાદથી સવારે 8 વાગે ઉદેપુર જવા માટે મારી કારમાં રવાના થયા. રસ્તામાં ચા-પાણી અને નાસ્તો કરીને આગળ વધ્યા અને ઉદેપુરની નજીક હાઇવે પરની એક હોટલમાં લંચ લીધું. બપોરના સમયે અમે ઉદેપુરની હોટલ બાવામાં પહોંચ્યા.
કેવી છે હોટલ બાવા (bawa)
હોટલ બાવા ઉદેપુરમાં ખુલેલી એક નવી હોટલ છે. આમ તો ઉદેપુર સિવાય મુંબઇમાં પણ બાવા ગ્રુપની હોટલ્સ છે પરંતુ ઉદેપુરની આ હોટલ પણ તમને બેસ્ટ કમ્ફર્ટ પૂરો પાડે છે. બાવા હોટલનું લોકેશન જોઇએ તો આ હોટલનું લોકેશન પ્રવાસીઓ માટે બેસ્ટ છે. આ હોટલ હર્ષદજીની બાગરી, ટ્રાઇડન્ટ રોડ, મલ્લા તલાઇમાં આવેલી છે.
હોટલથી લેક પિચોલા 1.2 કિ.મી., સિટી પેલેસ 3.2 કિ.મી., સહેલિયોકી બારી 4 કિ.મી., જગદિશ મંદિર 2.8 કિ.મી., ફતેહસાગર લેક 3 કિ.મી. અને ઓલ્ડ સિટી 1 કિલોમીટર દૂર છે.
હોટલમાં કેવી છે સુવિધાઓ
હોટલમાં કુલ 28 રૂમ છે જે 3 કેટેગરીમાં વહેંચાયેલા છે. અહીં રૂફટોપ સ્વિમિંગ પુલ છે જ્યાંથી તમે લેક પિચોલા અને અરવલ્લીના પહાડો અને દૂર કરણીમાતા ટેમ્પલ કે સજ્જન ગઢનો ફોર્ટ જોઇ શકો છો. હોટલથી 10 થી 15 મિનિટમાં તમે ઉદેપુર શહેર, ફતેહસાગર લેક, લેક પિચોલા, લેક પેલેસ, સજ્જનગઢ ફોર્ટ, મહારાણા પ્રતાપ પેલેસ જઇ શકો છો. હોટલમાં 24 કલાક ફ્રન્ટ ડેસ્ક, લોન્ડ્રિ સર્વિસ, રૂમ સર્વિસ, એસી, એટેચ બાથરૂમ સાથે એલઇડી ટીવીની સુવિધા છે.
હોટલમાં એક મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ છે જેમાં તમને તમારી પસંદગી અનુસાર રાજસ્થાની, પંજાબી ખાવાનું પિરસવામાં આવે છે. અમારા માટે હોટલે ગાલા ડીનરનું આયોજન કર્યું હતું. અમે રૂફટોપ પર સ્વિમિંગ પુલની પાસે ડીનરની મોજ માણી હતી.
જો રૂમની વાત કરીએ તો અહીં અરવલ્લી રૂમ, મેજેસ્ટિક રૂમ અને રાજસા શ્યૂટ એમ 3 પ્રકારના રૂમ છે. અરવલ્લી રૂમમાં કપલ સાથે એક બાળક પણ રહી શકે છે. આ રૂમ 254 ચોરસ ફૂટનો છે. મેજિસ્ટિક રૂમમાં પણ બે એડલ્ટ અને એક ચાઇલ્ડના રહેવાની સુવિધા છે. જ્યારે 491 ચોરસ ફૂટનો રાજસા શ્યૂટ 3 પુખ્તવયની વ્યક્તિઓ માટે છે. આ રૂમમાં અલગથી એક લિવિંગ રૂમ પણ છે.
શું છે ભાડું
હોટલનું ભાડું અત્યારે ઓફર હેઠળ 3000 રૂપિયાની આસપાસ ચાલી રહ્યું છે. જો કે સીઝન અને રૂમ પ્રમાણે તેમાં ફેરફાર થાય છે. હોટલમાં રહેનારા ગેસ્ટને ફતેહસાગર લેકમાં બોટિંગ કરવા પર હોટલ તરફથી ડિસ્કાઉન્ટ મળે છે. હોટલમાં કિટી પાર્ટી, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની અને અન્ય દરેક પ્રકારની પાર્ટીનું સેલિબ્રેશન કરી શકાય છે.
ફતેહસાગર લેક પર મોજ
હોટલ પર પહોંચીને આરામ કર્યા બાદ ચા-પાણી કરીને સાંજે અમે ફતેહસાગર લેક પર પહોંચ્યા. એપ્રિલ મહિનામાં પણ લેક પર ઠંડા પવનો આવી રહ્યા હતા. લેક પર ગરમા ગરમ ચા પીવાનો આનંદ માણ્યો. લેકના કિનારે પગપાળા વોકિંગ કર્યું. લેકની સામે બેસવાની વ્યવસ્થા છે જ્યાં ફોટોગ્રાફી કરવાની મજા આવી. લેક પર મોટાભાગના ગુજરાતી પ્રવાસીઓ હતા જે ઘોડેસવારી, ઉંટ સવારી કરતા હતા. કેટલાક લોકો આઇસ્ક્રીમ કે કુલ્ફીની જ્યાફત ઉડાવતા હતા. ફતેહસાગર લેક પર આવતા મંદ મંદ પવનોને છોડીને હોટલ પર જવાનું મન તો નહોતું થતું પરતું સવારે જયસમંદ લેક જવાનો પ્રોગ્રામ બનાવ્યો હોવાથી અમે હોટલે પહોંચ્યા.
હોટલમાં મેં અગાઉ કહ્યું તેમ ગાલા ડીનરનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂફટોપ પર પુલની બાજુમાં બેસીને પંજાબી ડીનરનો આનંદ માણ્યો.
બ્રેકફાસ્ટ અને પુલમાં મસ્તી
બીજા દિવસે સવારે અમે હોટલની મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટમાં બ્રેક ફાસ્ટ લેવા પહોંચ્યા. બ્રેક ફાસ્ટમાં અમે બ્રેડ-બટર, આલુ પરોઠા, બટાકા પૌંઆ વગેરેનો ટેસ્ટ કર્યો. અહીંની રેસ્ટોરન્ટમાં તમને એકદમ ટેસ્ટી ખાવાનું મળશે. બ્રેકફાસ્ટમાં ચા-કોફી, કે જ્યૂસ પણ લઇ શકો છો.
ત્યાર બાદ અમે રૂફટોપ સ્વિમિંગ પુલમાં મસ્તી કરી. ઠંડા પવન આવતા હોવાથી વધુ સમય પૂલમાં ન્હાવામાં ઠંડી લાગી એટલે થોડોક સમય પુલમાં સ્નાન કરીને અમે રૂમમાં પાછા ફર્યા. બાથરૂમમાં શાવર લઇને થોડોક સમય ગપ્પા માર્યા. બ્રેક ફાસ્ટ હેવી થઇ ગયો હોવાથી લંચમાં અમે ફક્ત જીરા રાઇસ અને પંજાબી દાળ લીધી.
જયસમંદ લેક તરફ પ્રયાણ
જયસમંદ લેક ઉદેપુરથી લગભગ 1 કલાકના અંતરે આવેલું છે. જેને ઢેબર લેક તરીકે પણ ઓળખવામાં આવે છે. 100 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું, જયસમંદ તળાવ ગોવિંદ બલ્લભ પંત સાગર પછી ભારતનું બીજું સૌથી મોટું માનવસર્જિત તળાવ છે. તળાવ જયસમંદ વન્યજીવ અભયારણ્યથી ઘેરાયેલું છે, જે વિવિધ દુર્લભ પ્રાણીઓ અને સ્થળાંતર કરનારા પક્ષીઓનું ઘર છે. ઉદયપુરની રાણીનો ઉનાળુ મહેલ આ સરોવરના આકર્ષણમાં વધારો કરે છે. તળાવના ડેમ પર શિવને સમર્પિત છ મંદિરો છે. મહારાણા જયસિંહે પોતે 1685માં ઢેબર તળાવ અથવા જયસમંદ તળાવ બનાવડાવ્યું હતું. 36 ચોરસ માઇલના વિસ્તારને આવરી લેતું આ તળાવ 1902માં અંગ્રેજોએ ઇજિપ્તમાં અસવાન ડેમ બનાવ્યો ત્યાં સુધી એશિયાનું સૌથી મોટું માનવસર્જિત તળાવ હતું.
અહીં એન્ટ્રી ટિકિટ 10 રૂપિયા છે. બોટિંગમાં અલગ-અલગ રેટ છે. લેકમાં થોડેક સુધી ચક્કર મારવું હોય તો પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા ચાર્જ છે. લાંબુ ચક્કર મારવું હોય તો 200 રૂપિયા ટિકિટ છે. લેકના કિનારે માછલીઓ મોટી સંખ્યામાં એટલે લોકો માછલીને ખોરાક નાંખે છે. લેક પર ઠેકઠેકાણે તમને 10-10 રૂપિયામાં માછલીને ખવડાવવાનો ખોરાક વેચતા લોકો મળી જશે. મેં પણ માછલીને ખવડાવવાનુ પૂણ્ય મેળવ્યું. અમે 3 મિત્રોએ લેકમાં બોટિંગ કર્યું. બોટિંગ કરતી વખતે આસપાસના પહાડોનું અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. જો તમારે અહીં રાત્રી રોકાણ કરવું હોય તો લેકની વચ્ચે બે આઇલેન્ડ રિસોર્ટ પણ છે. જ્યાં સુધી જવા માટે તમારે બોટમાં જ જવું પડશે.
જયસમંદથી કેસરિયાજી
જયસમંદ લેકથી અમે જૈનોના પ્રખ્યાત ધાર્મિસ સ્થળ કેસરિયાજી તરફ જવા નીકળ્યા. જયસમંદથી કેસરિયાજીનો રસ્તો ઘણો જ ખરાબ છે. એટલે 2 કલાક જેટલો સમય અમને ત્યાં પહોંચવામાં લાગ્યો. કેસરિયાજીમાં ભગવાન ઋષભદેવનું મંદિર છે.
પ્રથમ જૈન તીર્થંકર ઋષભદેવનું મંદિર, જેને કેસરિયાજી અથવા કેસરિયાનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઉદયપુરથી લગભગ 40 કિમી દૂર ધુલેવ ગામમાં આવેલું છે. આ પ્રાચીન તીર્થ અરવલ્લીની પર્વતમાળાઓની વચ્ચે કોયલ નદીના કિનારે આવેલું છે. ઋષભદેવ મંદિરને જૈન ધર્મનું મુખ્ય તીર્થસ્થાન માનવામાં આવે છે. આ સ્થળ તેના નામથી એટલું જાણીતું છે કે આજુબાજુના વિસ્તારોમાં આ ગામને તેના પોતાના નામથી ઓળખવાને બદલે લોકો ઋષભદેવના નામથી જ ઓળખે છે.
આ મંદિરમાં પ્રથમ જૈન તીર્થંકર આદિનાથ અથવા ઋષભદેવની કાળા રંગની પ્રતિમા સ્થાપિત છે. અહીંના આદિવાસીઓ માટે કેસરિયાજી કાલિયા બાબાના નામથી જાણીતા છે. મંદિરમાં કોતરેલા શિલાલેખો તેને વિક્રમ સંવત 1676માં બાંધવામાં આવ્યું હોવાનું દર્શાવે છે. અહીં તીર્થંકરોની 22 મૂર્તિઓ અને દેવકુલિકાઓની 54 મૂર્તિઓ સ્થાપિત છે, જેમાં 62 લેખો ઉપલબ્ધ છે, જે દર્શાવે છે કે આ મૂર્તિઓ વિક્રમ સંવત 1611 થી 1863ની વચ્ચે બનાવવામાં આવી હતી.
કેસરિયાજીથી અમદાવાદ
કેસરિયાજીથી અમદાવાદ આવતા રસ્તામાં શામળાજી મંદિર આવે છે. પરંતુ ત્યાં પહોંચવામાં મોડું થતાં મંદિર બંધ થઇ ગયું હતું. શામળાજીથી હિંમતનગર હાઇવે પર રસ્તામાં આસોપાલવ હોટલમાં ડિનર કરીને અમે મોડી રાતે અમદાવાદ પહોંચ્યા.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો