દરેક કપલ પોતાના લગ્ન બાદ હનીમૂન પર જવાને લઇને ઉત્સાહિત હોય છે. આના માટે તે સૌથી બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન પર જવા માંગે છે. લગ્નમાં રીતિ-રિવાજ વચ્ચે એટલી વ્યસ્તતા થઇ જાય છે કે એક બીજાને ઓળખવાની તક નથી મળતી. આ જ ટાઇમ હોય છે જ્યારે પતિ પત્ની લગ્નનો થાક ઉતારે છે અને રિલેક્સ કરે છે. હનીમૂન એક એવી મોમેન્ટ હોય છે જ્યારે કપલ પોતાની લાઇફની સૌથી સુંદર પળો વિતાવે છે. હનીમૂનમાં પસાર કરેલી ક્ષણો આખી ઝિંદગી યાદ રહે છે. આવામાં જો હનીમૂન એક સુંદર ડેસ્ટિનેશન પર થાય તો કેવું. હનીમૂન પ્લાન કરતી વખતે જગ્યાની ઘણી જ મહત્વની ભૂમિકા હોય છે. સાથે જ બજેટનું પણ ધ્યાન રાખવાનું હોય છે. લગ્ન બાદ હનીમૂન પર જવાનો પ્લાન બનાવ્યો છે પરંતુ ઓછું બજેટ તમારા માટે અડચણ બની રહ્યું છે તો પરેશાન ન થશો. આજના આ આર્ટિકલમાં અમે ભારતમાં જ સ્થિત મસ્ત હનીમૂન ડેસ્ટિનેશન અંગે તમને જણાવીશું. જ્યાં તમારો ખર્ચ પણ ઓછો આવશે અને તમે સુંદર જગ્યાનો આનંદ પણ ઉઠાવી શકશો. ભલે તમે પત્નીને હનીમૂન માટે વિદેશ નથી લઇ શકતા તો શું થયું, તમે ભારતમાં આવેલી ઘણી રમણીય જગ્યાઓ પર ફરી શકો છો. અને મજા ઉઠાવી શકો છો.
સિક્કિમ
ભારતમાં દરેક વ્યક્તિ હનીમૂન માટે શિમલા-મનાલી જાય છે, પરંતુ તમે તમારી પત્નીને સિક્કિમ લઈ જઈ શકો છો. મન, શરીર અને આત્માને શાંતિ આપતું સ્થળ સિક્કિમ તમારા હનીમૂનને યાદગાર બનાવશે. તે નેપાળ, ભૂટાન અને સિક્કિમ સરહદથી ઘેરાયેલું છે.
અહીં તમે શાંત પહાડો સાથે સુંદર નજારાનો આનંદ માણી શકો છો. તમે તમારી પત્ની સાથે જોંગરી ટ્રેઇલ પર ટ્રેકિંગનો પ્લાન પણ બનાવી શકો છો. તમે તિસ્તા નદીમાં રિવર રાફ્ટિંગ પણ કરી શકો છો. તમે સિક્કિમમાં નીચેની જગ્યાએ ફરવા જઇ શકો છો.
1. ત્સોંગમો (ચાંગુ) તળાવ
ગંગટોકથી માત્ર 40 કિ.મી. દૂર ચાંગુ તળાવ આવેલું છે. આ તળાવ શિયાળામાં બરફથી ઢંકાયેલ હિમનદીઓના પીગળવાના કારણે બને છે. તમને જણાવી દઈએ કે આ તળાવમાંથી નાથુ લા પાસ જઈ શકાય છે. અહીં જે કુદરતી દ્રશ્યો જોવા મળે છે તે સ્વર્ગની અનુભૂતિ કરાવે તેવા છે. તમે નજીકના પહાડ પરથી તળાવનો સંપૂર્ણ નજારો જોવાનો આનંદ માણી શકો છો.
2. નાથુ લા પાસ
રાજધાની ગંગટોકથી 54 કિ.મી. દૂર નાથુ લા પાસ એક લશ્કરી વેપાર ચોકી છે. ચીન-ભારત વેપાર સંબંધિત આ પોસ્ટ તિબેટની ખૂબ નજીક છે. સામાન્ય રીતે, હિમવર્ષાના કારણે શિયાળામાં અહીં જવું મુશ્કેલ બને છે. જો પરવાનગી મળે તો તે ભારતીય પ્રવાસીઓ માટે બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે ખુલ્લું રહેશે. જો તમે ચાંગુ તળાવ પર જાઓ છો, તો તે ત્યાંથી લગભગ 18 કિમી દૂર છે. ત્યાં માત્ર નાથુ લા પાસ જ છે. આને સિલ્ક રૂટ પણ કહેવામાં આવે છે, જ્યાં માત્ર ભારતીય પ્રવાસીઓને જ મંજૂરી છે.
3. યમથાંગ વેલી
વહેતી નદી અને ફૂલોથી ભરેલી આ ખીણ કોઈ સપનાની દુનિયાથી ઓછી નથી લાગતી. તે 'વેલી ઓફ ફ્લાવર્સ'ના નામથી પ્રખ્યાત છે. ડિસેમ્બરથી માર્ચ સુધી અહીં ભારે હિમવર્ષા થાય છે, તેથી આ સમયે પ્રવાસીઓ અહીં આવી શકતા નથી. જ્યારે બાકીના મહિના દરમિયાન જ્યારે સુર્યનો તડકો ફૂલોના બગીચામાં પડે છે ત્યારે હૃદય આનંદથી ભરાઈ જાય છે. તમને જણાવી દઈએ કે 12000 ફીટ પર સ્થિત આ ખીણમાં લાચુંગ ચુ નદી વહે છે, જ્યાંથી ચીનની સરહદ માત્ર 20 કિમી દૂર છે.
4. લાચુંગ ગામ
કુદરતની ગોદમાં પર્વતો વચ્ચેના ગામડાઓ ઘણીવાર ફિલ્મોમાં જોવા મળે છે. બહારના લોકો માટે આ માત્ર એક કાલ્પનિક દુનિયા હોય છે. તેથી, જ્યારે તમે સિક્કિમ આવો, ત્યારે ચોક્કસ લાચુંગ ગામની મુલાકાત લો. લાચુંગ નદીના કિનારે વસેલા આ ગામમાં જવાના રસ્તે તમને ઘણા ધોધ દેખાય છે. ઉપરાંત, ઉત્તર સિક્કિમની સુંદરતાની પ્રશંસા કરવા માટે આ એક સારું બહાનું હોઈ શકે છે. તિબેટ બોર્ડરથી માત્ર 15 કિ.મી. આ દૂરના ગામમાં હિમવર્ષાનો આનંદ માણવા પ્રવાસીઓની ભીડ જામે છે.
5. સેવન સિસ્ટર્સ વોટર ફોલ્સ
ઝરણાવાળા રાજ્ય સિક્કિમના ગંગટોક-લાચુંગ હાઈવે પર પ્રવાસીઓ માટે એક મોટી ભેટ સમાન છે. જી હાં! આ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય સ્થળ છે જ્યાં એક ખાસ ધોધ વહે છે. એવું કહેવાય છે કે આ ધોધ સાત તબક્કામાં પર્વતની નીચેથી વહે છે. તેથી તેને 'સેવન સિસ્ટર્સ' કહેવામાં આવે છે. વાર્તા એવી છે કે એક રાજાને સાત દીકરીઓ હતી જે પ્રકૃતિને ખૂબ પ્રેમ કરતી હતી. તે સાત રાજકુમારીઓ આ ધોધના રૂપમાં પ્રકૃતિમાં ભળી ગઈ. ગંગટોકથી 32 કિ.મી. દૂર આ પર્યટન સ્થળ સુધી પહોંચવામાં 40 મિનિટ લાગે છે.
6. રૂમટેક મોનેસ્ટ્રી
સિક્કિમની મુલાકાત લેતા પ્રવાસીઓ ચોક્કસપણે મઠની મુલાકાત લેતા હોય છે અને આ એક શ્રેષ્ઠ તક પરી પાડે છે. જો કે અહીં ઘણા મઠ છે પરંતુ તેમાંથી એક રુમટેક મઠ સૌથી પ્રખ્યાત છે. રુમટેક મઠ ગંગટોકથી માત્ર 24 કિમી દૂર છે. બૌદ્ધ ધર્મને નજીકથી જોવા અને સમજવા માટે તમે અહીં જઈ શકો છો. ધ્યાન રાખો કે રુમટેક મઠ બ્લેક હેટ સંપ્રદાયનો મુખ્ય મઠ છે જે 300 વર્ષ જૂનો છે. અહીંથી તમે ગોલ્ડન સ્તૂપ પણ જઈ શકો છો જે સોના, ચાંદી અને મોંઘા પત્થરોથી બનેલો છે.
એરપ્લેન ટિકિટ- 7 થી 10 હજારની વચ્ચે હશે.
રહેવા-જમવાનો ખર્ચ લગભગ 5 થી 10 હજાર રૂપિયા થશે.
ટ્રેન ટિકિટ- જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો એક વ્યક્તિનું ટિકિટનું ભાડું 2 થી 3 હજાર રૂપિયા હશે.
મિઝોરમ
હનીમૂન માટે પણ મિઝોરમ બેસ્ટ પ્લેસ છે. ભારતમાં મિઝોરમની સુંદરતા વિશે બહુ ઓછાને ખબર છે. એકવાર તમે અહીં આવ્યા પછી તમે તમારું વિદેશ જવાનું સપનું ભૂલી જશો.
પ્રસિદ્ધ સ્થળો- લુંગલેઈ, વેટાવંગ ધોધ, દરિયાઈ સપાટીથી ઘેરાયેલું સાઈહા શહેર અને આઈઝોલ ત્રણ દિવસ ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો છે. અહીં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો, સાથે જ શહેરની ભીડભાડવાળી જગ્યાઓથી દૂર શાંત જગ્યાએ તમારી પત્ની સાથે સમય વિતાવી શકો છો.
કેવી રીતે પહોંચવું- મિઝોરમનું એરપોર્ટ માત્ર આઈઝોલમાં છે, તેથી તમને દિલ્હીથી અહીં જ ફ્લાઈટ્સ મળશે.
ફ્લાઇટ- તમને પ્રતિ વ્યક્તિ 8 થી 9 હજારમાં પ્લેનની ટિકિટ મળશે.
હોટેલ- તમને રૂ. 1500 થી રૂ. 2000 ની વચ્ચે રહેવા માટેની હોટલ સરળતાથી મળી જશે.
મેઘાલય
મેઘાલય પણ કપલ્સ માટે ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. તમે ભીડવાળા સ્થળોથી દૂર મેઘાલયમાં તમારું હનીમૂન પ્લાન કરી શકો છો. મેઘાલય બાંગ્લાદેશના મેદાનોની સરહદે આસામ ખીણમાં આવેલું છે. તેને એશિયાની સૌથી લાંબી ગુફાઓનું ઘર માનવામાં આવે છે.
જો તમે પ્રકૃતિ પ્રેમીઓમાંથી એક છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે.
પ્રખ્યાત સ્થળ- મૌસીનરામ, ચેરાપુંજી અહીંનું પ્રખ્યાત સ્થળ છે. તમે ત્રણ દિવસના ટ્રિપ પ્લાનમાં આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
ફ્લાઇટ ટિકિટ- તમારે ફ્લાઇટ ટિકિટ માટે 4000 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે. પરંતુ જો તમે વહેલી ટિકિટ બુક કરાવો છો તો તમને 3000 રૂપિયામાં પણ ટિકિટ મળશે.
હોટેલ- અહીંની હોટેલ્સ ઘણી સસ્તી છે, તમે 1000 થી 1500 રૂપિયાની વચ્ચે સરળતાથી હોટેલ બુક કરાવી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો