નર્મદા નદી હિંદુ ધર્મની સાત પવિત્ર નદીઓમાંની એક, ગુજરાતના હૃદયમાંથી વહે છે, જે તેના પવિત્ર પાણીથી ગુજરાતની ધરતીને અમી આશિષ આપે છે. નર્મદાના કિનારે, અસંખ્ય પવિત્ર સ્થળો છે જે વિશ્વભરના તીર્થયાત્રીઓ અને ભક્તોને આકર્ષે છે. આજે, આપણે ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલા આ પાંચ પવિત્ર સ્થળો વિશે જાણીશું.
ગરુડેશ્વર, નર્મદા
ગરુડેશ્વર એ ભારતના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલું ગામ છે. ગરુડેશ્વરએ પવિત્ર નર્મદા પરિક્રમાનો એક મહત્વનો ભાગ છે. હજારો ભક્તો તેમની ૩૩૦૦ કિમીની નર્મદા પરિક્રમાના ભાગરૂપે પવિત્ર નર્મદા નદીના કિનારે પવિત્ર મંદિરોની મુલાકાત લેવા ખુલ્લાં પગે ચાલે છે. અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફક્ત ૧૨ કિમીના અંતરે આવેલું છે.
ગરુડેશ્વરમાં ધાર્મિક અને આધ્યાત્મિકની દ્રષ્ટિએ પ્રસિદ્ધ એવા બે પ્રાચીન મંદિરો આવેલા છે. પ્રાચીન ગરુડેશ્વર મહાદેવ મંદિર જે નર્મદા નદીના ઉત્તર કિનારે આવેલું છે તે આશરે બે હજાર વર્ષ જૂનું છે. દંતકથા છે કે દૂરચારીઓના હુમલાથી વ્યથિત અને ભયભીત થઈને શ્રદ્ધાળુ ગ્રામજનોએ અહીં ભગવાન મહાદેવનું શરણ લીધું. ભગવાન શિવે ગરુડનું રૂપ ધારણ કર્યું અને તેમના ભક્તોને બચાવ્યા અને ત્યારથી, આ સ્થળને ગરુડેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.
નર્મદા નદીના કિનારે આવેલું બીજું મહત્વનું ધાર્મિક સ્થળ છે ભગવાન દત્તાત્રેયનું મંદિર અને સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીનો આશ્રમ છે. દંતકથા છે કે ભગવાન દત્તાત્રેય પહેલા નર્મદા નદીના દિવ્ય જળમાં સ્નાન કરી અને પછી વારાણસી ગયા હતા. તેથી, ભગવાનની પાદુકાઓ કાંઠે મૂકવામાં આવી છે અને દરરોજ પૂજા કરવામાં આવે છે.
સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ તેમની સ્વર્ગીય યાત્રા માટે આ ભૌતિક જગત છોડી દીધું. ભગવાન દત્તાત્રેયના ભક્તો જેઓ સિદ્ધક્ષેત્ર ગિરનારની મુલાકાત જતાં પહેલાં આ ગરુડેશ્વર ક્ષેત્રની મુલાકાત લે છે અને સ્વામી મહારાજને ગિરિનાર પર્વત પર દત્તગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવે છે.
નજીકના જોવાલાયક સ્થળો: સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, રાજપીપળા મહેલ અને હરસિદ્ધિ માતા મંદિર રાજપીપળા.
શૂલપાણેશ્વર મંદિર અને નર્મદા આરતી
નર્મદા કિનારે આવેલા ગોરા ગામ પાસે શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીંનું ભગવાન શિવે સ્થાપ્યુ હોવાની પૌરાણિક માન્યતાને કારણે નર્મદા કિનારા પરના પવિત્ર તીર્થસ્થાનો પૈકીનું પ્રમુખ ગણાય છે.
શૂલપાણેશ્વર તીર્થનો પુરાણોમાં ઉલ્લેખ મળે છે, જે આ તીર્થની પ્રાચીનતા સિદ્ધ કરે છે. સ્કંધપુરાણના 44 થી 49માં અધ્યાયમાં તથા શિવપુરાણના 104માં અધ્યાયમાં કહેવાયું છે કે નર્મદા પાસેના ભુગુતુન્ગ પર્વત નજીક મહાદેવે તેમના ત્રિશુલથી અંધકાસુર રાક્ષસનો વધ કર્યો હતો. પરંતુ આ અંધકાસુર જાતે બ્રાહ્મણ હતો જેને લઇ ભગવાન શિવજીને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું. તેથી શિવજીએ તેમનું ત્રિશુલ પર લાગેલ રક્તને અહીં નર્મદા નદીમાં સાફ કર્યું હતું. આ દિવસે ચૈત્રી અમાસ હતી અને દેવોએ મેળો ભર્યો હતો. ત્યારથી અહીં મંદિરે માનવ મહેરામણ ઉમટે છે અને મેળો ભરાય છે.
ચૈત્ર વદ તેરસ,ચૌદસ અને અમાસના રોજ ભરાતા મેળામાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનથી મોટી સંખ્યામાં લોકો શૂલપાણેશ્વર મંદિરના દર્શનનો તેમજ નર્મદા ઘાટમાં પવિત્ર સ્નાનનો લાભ લે છે.
હાલમાં શૂલપાણેશ્વર મંદિર પાસે વિશાળ નર્મદા ઘાટ બનાવવામાં આવ્યો છે, અહીં દરરોજ સાંજે નર્મદા આરતી કરવામાં આવે છે. 50 મીટર લાંબા અને 35 મીટર પહોળા ઘાટમાં ૫ થી ૬ હજાર શ્રદ્ધાળુઓ બેસી શકે છે. તેમાં પૂજારીઓ માટે એક પ્લેટફોર્મ બનાવેલું છે જ્યાંથી તેઓ 108 દીવાઓ સાથે નર્મદા ઘાટ પર દરરોજ નર્મદા આરતી કરે છે. નર્મદા આરતી નર્મદા નદીના પાણી પર લેસર શો કરવામાં આવે છે. નર્મદા આરતીનો સમય સાંજે 7:30 વાગ્યાનો છે.
નજીકના જોવાલાયક સ્થળો: સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય.
ચાંદોદ ત્રિવેણી સંગમ અને કુબેર ભંડારી મંદિર
ચાંદોદ નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ પર આવેલું છે અને તેથી અત્યંત પવિત્ર મનાય છે તેમજ પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. નર્મદા મૈયાના ઉત્તરતટે આવેલ ચાંદોદ પુરાતન કાળથી ઉત્તમ તીર્થ મનાય છે. અહીંના ઘાટમાં સ્નાન કરવું તે નર્મદા નદી પરના તમામ સ્થળોમાં સૌથી પવિત્ર ગણાય છે. પુરાણ પ્રસિદ્ધ આ સ્થળ પહેલાં ચંડીપુર તરીકે જાણીતું હતું કાળક્રમે તે ચાણોદ અને હાલ ચાંદોદ તરીકે પ્રખ્યાત છે.
હિન્દુ શાસ્ત્રો મુજબ ખાસ કરી ને કારતક, ચૈત્ર અને ભાદરવા મહીનાંઓમાં પિતૃઓની તૃપ્તિ માટે નારાયણ બલી, કાગબલી, પંચબલી, નિલોદ્વાહ, ત્રીપંડી શ્રાધ્ધ, માટે રોજનાં લાખો શ્રધ્ધાળુઓ આવતાં હોય છે તો વળી બારેમાસ મરણોત્તર ઉત્તરક્રિયા, અસ્થિ વિસર્જન માટે પણ આ સ્થળે હજારો શ્રધ્ધાળુઓ આવે છે.
ચાંદોદ ત્રિવેણી સંગમના બીજા છેડે કરનાળી ખાતે પ્રાચીન કુબેર ભંડારી મંદિર આવેલું છે. રાવણે લંકા કુબેર પાસેથી છીનવી લેતા કુબેરે કરનાળી ખાતેના શિવલિંગની સમક્ષ બેસીને તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા, આ શિવલિંગ આજે હવે કુબેર ભંડારી કે કુબેરેશ્વરના નામથી ઓળખાય છે.
નજીકના જોવાલાયક સ્થળો: મલ્હાર ઘાટ, પાવાગઢ અને ચાંપાનેર.
શુક્લતીર્થ અને કબીરવડ
ભરૂચથી 15 કિમી નર્મદા કાંઠે કુદરતી સૌંદર્યથી ભરપૂર શુક્લતીર્થ નામનું અતિ પવિત્ર યાત્રા સ્થળ આવેલું છે. શુકલતીર્થમાં ઓમકારેશ્વર, અંબામાતા, દત્તાત્રેય ભગવાન, ગોપેશ્વર, મહા ભાગલેશ્વર, રણછોડરાયજી વગેરે મંદિરો આવેલાં છે. આ સમગ્ર તીર્થો સંયુક્તપણે શુકલતીર્થ તીર્થક્ષેત્ર કહેવાય છે. શુકલતીર્થએ પવિત્ર નર્મદા પરિક્રમાનો એક મહત્વનો ભાગ છે.
પવિત્ર નર્મદા મૈયાના કિનારે આવેલા 333 શિવતીર્થો અને 28 વિષ્ણુતીર્થોમાં શુક્લતીર્થને સૌથી વધુ પાવનકારી માનવામાં આવેલ છે. શુક્લતીર્થ સાથે ભૃગુ ઋષિ, ધર્મરાજા યુધિષ્ઠિર, અગ્નિહોત્રી વેદપાઠી બ્રાહ્મણો, ચાણક્યની યાત્રાઓ સહિત અનેક ગાથાઓ સંકળાયેલી છે.
શુકલતીર્થ પાપવિમોચન તરીકે પૃથ્વી પરનું પવિત્રમાં પવિત્ર સ્થળ છે, દરેક હિંદુએ જીવનમાં એકવાર અહીંની યાત્રા સાથે અર્ધચંદ્રાકાર વહેતી નર્મદા મૈયામાં સ્નાન કરવાનો મહિમા હિંદુ શાસ્ત્રોમાં વર્ણવ્યો છે.
કારતક સુદ એકાદશીથી પૂનમ સુધીના પાંચ દિવસો દરમિયાન આ તીર્થક્ષેત્રે પરંપરાગત ભાતીગળ મેળો ભરાય છે.
શુકલતીર્થથી થોડા જ અંતરે નર્મદા નદીમાંના રળિયામણા બેટ ખાતે પ્રખ્યાત કબીરવડ અને કબીરમઢી આવેલાં છે. આ સ્થળનું નામ પ્રખ્યાત સંત કબીરના નામ પરથી રાખવામાં આવ્યું છે જેઓ અહીં ઘણા વર્ષો રહેલા. આ વિશાળ વડલો 550 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે, જે સંત કબીર દ્વારા નંખાયેલી દાતણની ચીરીમાંથી ઉગ્યો હોવાની વાયકા છે. આ વટવૃક્ષ લગભગ 3 કિમીનો વિસ્તાર ધરાવે છે જેની ૩૦૦૦ થી વધુ વડવાઈઓ છે જેની નીચે ઊભા હોઈએ ત્યારે વડલાના ગાઢ જંગલમાં ઊભા હોઈએ તેવું લાગે છે. અહીં કબીરમઢીના નામે કબીર મંદિર છે જ્યાં મુલાકાતીઓ અને ઉપાસકો પ્રાર્થના કરવા આવે છે.
કબીરવડ જવા માટે ભરૂચથી વાયા શુકલતીર્થ થઇ ઝનોર જતા રસ્તા પર આવેલા કબીરમઢી પરથી હોડીમાં બેસી જવું પડે છે.
નજીકના જોવાલાયક સ્થળો: નર્મદા માતા મંદિર અને કડિયા ડુંગરની ગુફાઓ.
નર્મદા માતા મંદિર, ભરૂચ
ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. દશાશ્વમેઘને બલિરાજાની પવિત્ર ભૂમિ માનવામાં આવે છે. દશાશ્વમેઘ સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે. અહીં રાજા બલિએ 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા.
સંવત 1981માં નર્મદા માતાજીના મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. દશાશ્વમેઘ નર્મદા ઘાટ પરના નર્મદા માતાજીના મંદિરની પવિત્રતા એટલી છે કે અહીં સંકલ્પ કરીને કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેનું સારું ફળ અવશ્ય મળે છે. અહીં ભગવાન વામનનું પણ મંદિર આવ્યુ છે તેમજ પાસે યજ્ઞશાળા પણ આવેલ છે.
આ સ્થળે નર્મદા પરિક્રમાવાસીઓ માટે પણ રહેવા, જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ગુજરાત સહિત ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ વગેરે સ્થળોએથી લોકો ખાસ દર્શન કરવા આવે છે.
ગુજરાતમાં નર્મદા નદીના કિનારે અનેક પવિત્ર સ્થાનોમાંથી આ થોડા અહીં મૂક્યા છે. આ દરેક ધર્મસ્થાન ઘણું જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે અને મુલાકાત લેનારાઓને દૈવી અનુભવ પ્રદાન કરે છે. ભલે તે આશીર્વાદ મેળવવાની હોય, આંતરિક શાંતિ મેળવવાની હોય, અથવા સાંસ્કૃતિક વારસાની શોધખોળ કરવાની હોય, દરેક ભક્તો અને પ્રવાસીઓ જેઓ આ પવિત્ર યાત્રા પર નીકળે છે તેમને આપવા નર્મદા નદી હંમેશા ફળદાયી છે.
નજીકના જોવાલાયક સ્થળો: ભરૂચ કિલ્લો, નિનાઈ ધોધ અને શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.