હરિદ્વારની ગણતરી ઉત્તરાખંડ દેવ ભૂમિના મુખ્ય આકર્ષણોમાં થાય છે. આ સ્થળ માત્ર આધ્યાત્મિકતાનું કેન્દ્ર નથી પરંતુ લોકોની આસ્થા સાથે પણ ગાઢ રીતે જોડાયેલું છે. મોટાભાગના પ્રવાસીઓ અહીં ધાર્મિક વસ્તુઓ અને શાંતિ માટે આવે છે. આ દરમિયાન આસપાસના લોકો અને હરિદ્વાર સુધી આવતા પ્રવાસીઓ તેની નજીક કોઈ ઠંડી જગ્યા શોધી રહ્યા છે.
જો તમે પણ હરિદ્વાર પાસે કોઈ કૂલ હિલ સ્ટેશન શોધી રહ્યા છો, તો આજે અમે તમને શ્રેષ્ઠ હિલ સ્ટેશન વિશે જણાવીશું. કદાચ અહીં જઈને તમને હરિદ્વારની ગરમીથી પણ થોડી રાહત મળશે.
મસૂરી છે બેસ્ટ જગ્યા
હરિદ્વારથી મસૂરી માત્ર બેથી અઢી કલાકના અંતરે છે. હવે પ્રવાસીઓએ આવા સ્થળોની મુલાકાત કેમ ન લેવી જોઈએ. 'પહાડોની રાણી' તરીકે ઓળખાતું મસૂરી હિલ સ્ટેશન ઉનાળામાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. અહીં તમે આરામદાયક રજાઓ અને આરામની ક્ષણો વિતાવી શકો છો. રસપ્રદ વાત એ છે કે સાંજે મોલ રોડનો દેખાવ અલગ જ હોય છે, અહીં દરેક જગ્યાએ પ્રવાસીઓની ભીડ જોઇ શકાય છે. મસૂરીમાં જોવાલાયક સ્થળોમાં મસૂરી લેક, કેમ્પ્ટી ફૉલ્સ, દેવ ભૂમિ વેક્સ મ્યૂઝિયમ, ધનોલ્ટી, સોહમ હેરિટેજ એન્ડ આર્ટ સેન્ટર, જ્યોર્જ એવરેસ્ટ હાઉસ, એડવેન્ચર પાર્ક, ક્રાઇસ્ટ ચર્ચ, ભટ્ટા ફૉલ્સ, મોસી ફૉલ્સ, ગન હિલ, લાલ ટિબ્બા, કેમલ્સ બેક રોડ, જબરખેત નેચર રિઝર્વ વગેરે મસૂરીમાં ફરવાની જગ્યાઓ છે.
મસૂરી એવું હિલ સ્ટેશન છે, જ્યાં દરેક વ્યક્તિ એકવાર તો જરૂર જવા ઇચ્છે છે. જો કોઇ ત્યાં ગયું તો તે જગ્યાનો ફેન થઇ જાય છે. મસૂરી દિલ્હીથી લગભગ 279 કિલોમીટર દૂર છે. દિલ્હીથી દેહરાદૂન ટ્રેનથી જઇ શકો છો અને ત્યાર બાદ ત્યાંથી બસથી મસૂરી પહોંચો. આ ઉપરાંત, અમદાવાદથી દિલ્હી કે સીધી હરદ્વારની ટ્રેન જાય છે. હરદ્વારથી મસૂરી બસમાં જઇ શકાય છે. મસૂરીમાં તમને 800-1000 રુપિયામાં રૂમ મળી જશે. તમે દહેરાદૂનમાં પણ સસ્તામાં રહી શકો છો.
શિમલામાં કરો એન્જોય
શિમલા પણ હરિદ્વારથી બહુ દૂર નથી. 6 થી 7 કલાકમાં આરામથી પહોંચી જશો. શિમલા માત્ર હિલ સ્ટેશન હોવાના કારણે લોકોપ્રિય નથી, પરંતુ અહી કુદરતી સૌંદર્ય સાથે સુંદર સ્થાપત્યો, મંદિરો અને બીજા ઘણા સ્થળો પ્રખ્યાત છે. શિમલામાં ઘણા સ્થળો જાણીતા છે પરંતુ, મુખ્ય આકર્ષણો વિશે વાત કરીએ તો, મોલ રોડની મુલાકાત લેવી જ જોઇએ. ખાણીપીણી અને ખરીદીના શોખીન લોકો માટે આ એક સારી જગ્યા છે. મોલ રોડ કાફે, રેસ્ટોરન્ટ, શોરૂમ અને સ્થાનિક દુકાનોથી ભરેલો છે. કુફરી એ શિમલા નજીક એક પ્રાચીન હિલ સ્ટેશન છે. જે 8607 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. અહીંથી તમે ઊંચા પહાડો અને સુંદર ખીણોના મનોહર દૃશ્યો જોઈ શકો છો. અહીં તમે ઘણી સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. તમે અહીં આઇસ સ્કેટિંગ અને સ્કીઇંગ કરી શકો છો
શિમલામાં આવેલુ ક્રાઇસ્ટ ચર્ચ એ ઉત્તર ભારતના સૌથી જૂના ચર્ચોમાંનું એક છે. શિમલા જાવ તો તેની મુલાકાત લેવી જ જોઇએ. જાખુ ટેકરી શિમલાનું સૌથી ઊંચુ શિખર છે. જખુ ટેકરી પર જખુ મંદિર આવેલુ છે. જખુ ટેકરી આ મંદિરના કારણે પણ જાણીતુ સ્થળ છે. જખુ ટેકરી શિમલાના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. રિજ એક અદભૂત સ્થળ છે જ્યાં બરફથી ઢંકાયેલા પર્વતોના અદભૂત દૃશ્યો જોવા મળે છે. રિજમાં તમે હરિયાળી સાથે આકર્ષક દૃશ્યો અને સ્થાપત્યનો આનંદ માણી શકો છો. તમે અહીં તમારા પરિવાર સાથે તસવીરો લઇને ટ્રીયને યાદો એકઠી કરી શકો છો.
રાનીખેતના ભવ્ય પહાડો
રાનીખેત ઉત્તરાખંડનું એક ખૂબ જ ઠંડુ અને મુખ્ય હિલ સ્ટેશન છે, જેને અંગ્રેજો દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું. રાનીખેત હિમાલય પર્વતની ટેકરીઓ અને જંગલોને જોડે છે. રાણી ખેતની ઠંડી આબોહવા અને સરળ પ્રાકૃતિક સુંદરતા તેને ઉનાળામાં એક ખાસ પ્રવાસ સ્થળ બનાવે છે.
રાણીખેત તેના ઘણા વિશિષ્ટ પ્રવાસ સ્થળોથી દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. રાનીખેત તેના પહાડોના ભવ્ય દ્રશ્ય માટે જાણીતું છે. રાનીખેતમાં હિંદુ દેવી દુર્ગાને સમર્પિત 100થી વધુ ખીણો છે. અહીં ફેમિલી સાથે ભરપૂર એન્જોય કરી શકાશે. હરિદ્વારથી તમે 6 થી 7 કલાકમાં પહોંચી શકો છો. અહીં તમને 700-800 રૂપિયામાં રૂમ મળી જશે. રાનીખેતમાં મોટાભાગે પગપાળા ફરવાનો આગ્રહ રાખજો. રાનીખેત પહોંચીને તમે ટ્રેકિંગ, સાઇકલિંગ, નેચર વોક, કેમ્પિંગ કરી શકો છો. અહીં ચોબટિયા બાગ, નોકુચિયાતાલી, મનિલા, મનકામેશ્વર મંદિર, દ્વારાઘાટ જેવી ઘણી જગ્યાઓ ફરી શકાય છે.
કનાતલ જાઓ
હરિદ્વારની નજીક કનાતલ એક સુંદર અને ઠંડી જગ્યા છે. મસૂરીથી તે 38 કિલોમીટર દૂર છે. અહીં લીલાછમ પહાડો અને મંદિરો જોવાલાયક છે. અહીંના સિરકંડા દેવી મંદિર પહાડ પર સ્થિત છે જ્યાંથી શહેરનં મનોરમ દ્રશ્ય જોઇ શકાય છે. ટેહરી ડેમ એક વિશાળ ડેમ છે જેની ઉપરથી ખીણનું મનમોહક દ્રશ્ય જોવા મળે છે.
તમારી રજાઓ ગાળવા અને કેમ્પિંગનો આનંદ માણવા માટે કાનાતલ એક અદ્ભુત હિલ સ્ટેશન છે. તમે કનાતલથી બરફથી ઢંકાયેલા પર્વતોને ખૂબ નજીકથી જોઈ શકો છો.અને આ દ્રશ્ય ખરેખર તમારા હૃદયમાં શાંતિનો અનુભવ કરાવે છે. મિત્રો અથવા પરિવાર સાથે રજાઓ ગાળવા માટે કનાતલ એક આદર્શ હિલ સ્ટેશન છે. કાનાતલમાં એક વોચ ટાવર છે જ્યાંથી તમે ઉત્તરાખંડના તમામ પ્રખ્યાત પર્વત શિખરો જોઈ શકો છો.અને આ ટાવર પરથી હિમાલયના શિખરનો નજારો ખૂબ જ અદભૂત હોય છે.
કસોલીની શુદ્ધ હવા
કસોલી એક નાનકડી શાંત જગ્યા છે જ્યાંની આબોહવા સ્વચ્છ અને શુદ્ધ છે. આ નગરમાં તમે ચાલતા ચાલતા અનેક નજારાનો આનંદ ઉઠાવી શકો છો અને ઠંડી હવાની સાથે તમને એક નવી તાજગીનો અહેસાસ થશે. ટ્રેકિંગ કરનારા માટે આ એક શ્રેષ્ઠ જગ્યા છે. ઇચ્છો તો જાણીતા ગિલબર્ટ ટ્રેક પર ચઢાણ કરી શકો છો કે સાંજે સનસેટ પોઇન્ટથી સૂર્યાસ્તનો આનંદ પણ ઉઠાવી શકો છો. આ નાનકડા નગરમાં પ્રકૃતિની વચ્ચે વિતાવેલી દરેક પળ તમારા માટે જાદુઇ અનુભવથી કમ નહીં હોય. આ નગરમાં જવાથી આજે પણ બ્રિટિશ રાજમાં બનેલા ઘર અને વિશ્રામગૃહ જોઇ શકાય છે. અહીં ભવ્ય ચર્ચ, મોટા-મોટા મંદિર અને ચારોબાજુ પહાડ જ પહાડ છે. ફરવા યોગ્ય સ્થળોમાંનુ એક મંકી ટેમ્પલ પણ છે જ્યાં ટોચ પર ઉભા રહીને તમે વાદળોને પણ અડી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો