માઉન્ટ કલસુબાઈ (Mount Kalsubai) એ ટ્રેકર્સ માટે સ્વર્ગ સમાન છે. આ સ્થળ મહારાષ્ટ્રમાં આવેલું છે અને ખૂબ જ લોકપ્રિય છે. માઉન્ટ કલસુબાઈને મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર કહેવામાં આવે છે, જ્યાં દૂર-દૂરથી પર્યટકો ટ્રેકિંગ માટે આવે છે. નાસિક જિલ્લાના ઇગતપુરી તાલુકામાં સ્થિત માઉન્ટ કલસુબાઇ 'એવરેસ્ટ ઑફ મહારાષ્ટ્ર' તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે હજી સુધી આ સ્થળ ન જોયું હોય, તો આ વેકેશનમાં જરૂર જુઓ.
મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કલસુબાઈ 1646 મીટરની ઉંચાઈ પર આવેલું છે. જેના કારણે તેને 'મહારાષ્ટ્રનું એવરેસ્ટ' પણ કહેવામાં આવે છે. ટ્રેકર્સ માટે આ એક લોકપ્રિય સ્થળ છે. તેના શિખર પર ટ્રેકિંગ કરીને, પ્રવાસીઓ અહીંથી તેના મનોહર દૃશ્યોનો આનંદ લઈ શકે છે. જોકે આ ટ્રેક એટલો સરળ નથી. અહીં ટ્રેકિંગ માટે ઘણી મહેનત કરવી પડે છે. આ શિખરની આસપાસ બે ગામ બારી અને અહમદનગર બાડી આવેલા છે, જે ખૂબ જ સુંદર છે. જોકે બાડીનું આખું નામ 'અમદાનગર બાડી' છે, પરંતુ બંને ગામો નજીક હોવાને કારણે તેમના નામ પણ એકસરખા થઇ ગયા છે. આમ સહ્યાદ્રી પર્વતમાળાનો આ ભાગ 'બારી-બાડી' તરીકે ઓળખાય છે. બંને ગામમાં મળીને 40 થી 50 જેટલા મકાનો છે. નાના ડુંગરાળ ખેતરોમાં ડાંગરના છોડ પવનમાં લહેરાતા હોય છે. તેમની સુગંધ વાતાવરણને સુગંધિત બનાવે છે.
બારી ગામના પૂર્વ છેડે એક શાળા આવેલી છે, જેમાં બંને ગામના બાળકો અભ્યાસ કરે છે. બંને ગામની વચ્ચોવચ એક કૂવો આવેલો છે, જેમાંથી બંને ગામોને પાણી પહોંચાડવામાં આવે છે.
જ્યારે તમે માઉન્ટ કલસુબાઈની મુલાકાત લો, ત્યારે કલસુબાઈ મંદિર જવાનું બિલકુલ ભૂલશો નહીં. વર્ષના 12 મહિના દરમિયાન દેશના ખૂણે ખૂણેથી લોકો મહારાષ્ટ્રની આ અદ્ભુત સુંદરતાની મુલાકાત લેવા આવે છે. આ મંદિર એ જ નામના સ્થાનિક દેવતાને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે કલસુબાઈ નામની ગામડાની એક યુવતી પહાડોમાં રહેતી હતી. તે દરમિયાન તેણે ગ્રામજનો અને પ્રાણીઓનો ઉપચાર કર્યો અને ગામની પ્રવૃત્તિઓમાં પણ મદદ કરી. એક દિવસ તે પર્વતના શિખર માટે રવાના થઇ અને ક્યારેય પાછી ન આવી. તેથી તેની યાદમાં પર્વત પર તેના ઘરે એક નાનું મંદિર અને ટોચ પર મુખ્ય કલસુબાઈ મંદિર બનાવવામાં આવ્યું હતું.
કલસુબાઈ શિખરનો ઈતિહાસ એક દંતકથા છે.
એવું કહેવાય છે કે કલસુબાઈનું નામ કલસુબ નામની એક કોળી છોકરીના નામ પરથી પડ્યું છે.કથા અનુસાર, કલસુબને જંગલમાં ફરવાનો શોખ હતો. એક દિવસ તે કલસુબાઈ નામની ડુંગરની તળેટીમાં ઈન્દોર આવી અને તેણે કોળી પરિવાર સાથે એ શરતે સેવા આપી કે તેને વાસણો ધોવા કે કચરો સાફ કરવાનું કહેવામાં નહીં આવે.
બધુ બરોબર ચાલતું હતું, એક દિવસ, પરિવારમાંથી કોઇકે કલસુને કેટલાક વાસણો ધોવા અને કેટલાકને સાફ કરવાનો આદેશ આપ્યો. તેને કહેવામાં આવ્યું હતું તેમ તેણે કર્યું, પછી તરત જ, પહાડ પર ચઢી અને મૃત્યુ સુધી તેની ટોચ પર રહી. તેણે જ્યાં વાસણો સાફ કર્યા તે સ્થળને થેલે મેલના નામે ઓળખાય છે અને આ જગ્યાએએ તેણે કલદરા સ્વરૂપે કચરાને સાફ કર્યો.
મંદિરની નજીક વાર્ષિક મેળો પણ ભરાય છે અને સ્થાનિક લોકો અને પ્રવાસીઓ અહીં પ્રાર્થના કરવા આવે છે. જો કે મહારાષ્ટ્રમાં પ્રવાસીઓ માટે ફરવા માટેના ઘણા સ્થળો છે, પરંતુ કલસુબાઈ પર્વતનો પોતાનો રોમાંચ છે. અહીં આ પહાડ પર વિજય મેળવવાનો ઉત્સાહ પ્રવાસીઓમાં રહે છે. આ જગ્યાએ તમે આર્થર લેક જોઈ શકો છો, જે પ્રવર નદીના પાણીથી બનેલું છે. તે મુખ્યત્વે વિલ્સન ડેમનું જળાશય છે. આ તળાવ પર્વતો અને જંગલોથી ઘેરાયેલું છે. જેના કારણે તે પ્રવાસીઓ માટે એક શ્રેષ્ઠ કેમ્પિંગ સ્થળ બની જાય છે. અહીં પ્રવાસીઓ બોટ રાઈડનો આનંદ લઈ શકે છે અને નેચર ફોટોગ્રાફી પણ કરી શકે છે.
કલસુબાઈનું ચઢાણ બારી ગામથી શરૂ થાય છે. ચઢાણ લગભગ સાડા ત્રણ કલાકનું છે, જે વાંકાચૂકા અને વળાંકવાળા ખડકાળ રસ્તાઓ દ્વારા કાપવામાં આવે છે. કેટલીક જગ્યાએ પર્વતોને સીડી જેવા બનાવવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાએ લોખંડની સીડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વચ્ચે નાસ્તાની દુકાનો સાથે, તેઓ આરામ કરવાની તક પણ પૂરી પાડે છે. બીજી બાજુ, લગભગ અડધા સુધીના રસ્તે સીડીઓ પર બેઠેલા વાંદરાઓનું જૂથ પોતાના ખાવા-પીવાની પણ જાણે કે વ્યવસ્થા કરી લે છે.
કલસુબાઈ શિખર ટ્રેકથી અલંગ, મદન, કુલંગ જેવા ઘણા પ્રખ્યાત કિલ્લાના દૃશ્યો જોઇ શકાય છે. આ શિખરો માટે ટ્રેક ખૂબ જ પડકારરૂપ છે. કોઇ એક દિવસે, તમારે હરિહરગઢ, હરિશ્ચંદ્રગઢ અને રતનગઢ જેવા અન્ય નજીકના કિલ્લાઓના આકર્ષક દૃશ્યો પણ જોઈ લેવા જોઇએ. ઘણા અનુભવી ટ્રેકર્સ વધારાના રોમાંચ માટે આ ટ્રેક્સને જોડે છે.
કલસુબાઈ શિખર ટ્રેક પણ ખૂબ જ લોકપ્રિય નાઇટ ટ્રેક છે. ટ્રેકર્સ સૂર્યોદયના અદભૂત દૃશ્યો જોવા માટે અહીં આવે છે!
વરસાદમાં રસ્તો લપસણો બની જાય છે, જેના કારણે ખૂબ જ સાવધાનીથી ચાલવું પડે છે. પર્વતની ટોચ સપાટ છે, જેની મધ્યમાં કલસુબાઈનું મંદિર છે. પર્વતની આ ઉંચાઈ પર, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને પવન પણ સુસવાટા મારતો હોય છે. દર મંગળવાર અને ગુરુવારે દેવીની પૂજા કરવામાં આવે છે. અહીં નવરાત્રીનો સમય ખાસ હોય છે. આ પ્રસંગે અહીં મેળો પણ ભરાય છે.
પ્રવાસન અને કૃષિ એ ગ્રામજનોની આવકના મુખ્ય સ્ત્રોત છે. ડાંગર અહીંનો મુખ્ય પાક છે. અહીં એક ખાસ તેલીબિયાંની ખેતી કરવામાં આવે છે, જેને સ્થાનિક ભાષામાં ‘ખુરાસની’ કહેવામાં આવે છે. તેના છોડ 2-3 ફૂટ ઊંચા હોય છે અને તેના પાંદડા તુવેરના પાંદડા જેવા હોય છે. તેના બીજ સૂર્યમુખીના બીજ જેવા કાળા હોય છે. ખોરાક ઉપરાંત તેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. ખુરાસાની તેલનો ઉપયોગ સ્થાનિક લોકો ઘા અને દાઝી જવાની દવા તરીકે કરતા હતા.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો