કર્મ અને પુનર્જન્મ એ ભારતીય માન્યતાઓના ઘણા મહત્વના પાસા છે. આખા વિશ્વની જેમ આપણા દેશમાં પણ ભૂતપ્રેતની વાતો થાય છે. કોઈ માને અને કોઈ ન માને, પણ આ વાર્તા સૌને સરપ્રદ જરુર લાગે છે. દેશમાં પરિવહન માટે રેલવે એ એક સદી કરતાં પણ વધુ જૂનું માધ્યમ છે. વિશ્વની સૌથી મોટી રેલવે લાઇન ધરાવતા આ દેશમાં કોઈ તો અજુગતા કિસ્સાઓ જાણીતા બન્યા જ હશે. ચાલો, આજે ભારતના હોન્ટેડ સ્ટેશન્સ વિષે જાણીએ. અને હા, જો તમારામાં આ સ્ટેશનની મુલાકાત લેવાની હિંમત હોય તો જરુર લટાર મારશો.
1. બેગુનકોદર રેલવે સ્ટેશન
વર્ષ 1967માં કોઈ સ્ત્રીનું આ રેલવે સ્ટેશન પર આકસ્મિક મૃત્યુ થયું હતું અને સ્થાનિકોનું માનવું છે કે ત્યાર પછી અહીં તેનું ભૂત રહેતું હતું. થોડા દિવસો બાદ અહીંના સ્ટેશન માસ્ટર અને તેના આખા પરિવારના મૃતદેહ આ રેલવે સ્ટેશન પર મળી આવ્યા હતા. ત્યાર પછી તેને હોન્ટેડ જાહેર કરીને અહીં કોઈ પણ ટ્રેનનો હોલ્ટ બંધ કરવામાં આવ્યો હતો. લગભગ 40 વર્ષ સુધી બંધ રહ્યા બાદ 2009થી ફરીથી હોલ્ટ શરુ થયો છે પરંતુ હજુએ લોકો સૂર્યાસ્ત પછી અહીં જવાનું ટાળે છે.
2. બારોગ ટનલ, શિમલા
ટનલ નં. 33 તરીકે ઓળખાતી આ ટનલમાં બ્રિટિશ એન્જિનિયર કર્નલ બરોગની હયાતી હોવાનું માનવામાં આવે છે. વ્યાવસાયિક નિષ્ફળતાને લીધે તેમણે અહીં આત્મહત્યા કરી હતી. કહેવાય છે કે ઘણા લોકોને આજે પણ તેમનું ભૂત જોવા મળે છે.
3. ચીતૂર રેલવે સ્ટેશન
વર્ષ 2013માં CRPFમાં ફરજ બજાવતા હરિ સિંઘ નામનાં યુવક પર અહીં જીવલેણ હુમલો થયો હતો. તેમનું ભૂત અહીં હોવાના ડરથી અંધારામાં સ્થાનિકો સ્ટેશનની મુલાકાત લેતા નથી.
4. નૈની રેલવે સ્ટેશન
ઉત્તર પ્રદેશના રેલવે સ્ટેશનની બાજુમાં જ જેલ આવેલી છે જ્યાં સ્વાતંત્ર્ય સેનાનીઓને ખૂબ યાતના આપવામાં આવતી હતી. કહેવાય છે કે આ સ્વાતંત્ર્ય સેનાનીઓની આત્મા હજુ પણ અહીં ભટકે છે. અલબત્ત, આ આત્માઓ કોઈને નુકશાન પહોંચાડતી નથી પણ લોકોને ખૂબ ડર લાગે છે.
5. ડોંબીવિલી રેલવે સ્ટેશન
આ સ્ટેશન પર દિવસે તો ખૂબ ચહલપહલ જોવા મળે છે, પણ રાતના સમયે એક ગરીબ મહિલા ટ્રેન પકડવા પ્રયત્ન કરી રહી હોય તેમ દેખાય છે. રસપ્રદ વાત એ છે કે ઘણાને આ સ્ત્રી દેખાય છે, ઘણાને નહિ. માનવામાં આવે છે કે તેનું અહીં ટ્રેન પકડવા જતાં આકસ્મિક મૃત્યુ થયું હોય શકે.
6. રબીન્દ્ર સરોબાર રેલવે સ્ટેશન
કોલકાતા નજીકના આ રેલવે સ્ટેશન પર અને લોકોએ આત્મ હત્યા કરી હોવાનું મનાય છે. અહીં કેટલાય અજાણ્યા પડછાયા જોવા મળે છે અને અવાજો સંભળાય છે તેથી સ્થાનિકો તેને હોન્ટેડ કહે છે.
7. પાતલપાની રેલવે સ્ટેશન
તાત્યા ભીલ નામના સ્વતંત્ર સેનાનીની બ્રિટિશરોએ અહીં હત્યા કરી હતી. આ રેલવે સ્ટેશન પર હજુ પણ તેમની આત્મા ભટકતી હોવાનું માનવામાં આવે છે અને અહીંથી પસાર થતી બધી જ ટ્રેન થોડી મિનિટ્સ માટે અહીં ઊભી રહીને આ વીરને અંજલિ આપે છે.
8. દ્વારકા સેક્ટર 9 મેટ્રો સ્ટેશન
પહેલા આ સ્ટેશનની વાતો મજાક લાગતી પણ અનુભવ થયા પછી તેનો ડર અનુભવી શકાય છે. અહીં કોઈ સફેદ સાડી પહેરેલી સ્ત્રી કાર પાછળ દોડે છે તેવું અનેક લોકોનું કહેવું છે.
.