જાન્યુઆરી 2018માં એક શુક્રવારની બપોરે 1.30 આસપાસનો સમય.
ઓફિસમાં લંચટાઈમ દરમિયાન અમે રાબેતા મુજબ વીકએન્ડમાં શું કરીશું તેની વાતોએ વળગ્યાં હતા. વાતવાતમાં જ મેં મારી કોઈ ટ્રેકિંગ માટે જવાની ઈચ્છાનો ઉલ્લેખ કર્યો. અને ઘણા લોકોએ 2 દિવસની ટ્રીપ પર જવા તૈયારી દર્શાવી. મારા એક સહકર્મીએ મહારાષ્ટ્રમાં આવેલા હરિશ્ચંદ્ર ગઢ અને ત્યાંનાં ટ્રેક અંગે પ્રસ્તાવ મૂક્યો. ગૂગલ પર આ જગ્યા તેમજ ટ્રેક કરાવતી સંસ્થાઓ વિષે સૌએ પોતપોતાની રીતે તપાસ કરી. એવામાં મારી નજર એક ફોટોગ્રાફ પર સ્થિર થઈ.
હરિચંદ્ર ગઢ પાસે ભૂગર્ભમાં કોઈ શિવ મંદિર આવેલું છે જે ચોમાસામાં ભારે વરસાદથી આખું પાણીમાં ગરકાવ થઈ જાય છે, પણ તે પાણી એટલું સ્વચ્છ રહે છે કે ઉપરથી પણ શિવલિંગ જોઈ શકાય!! મને અને મારા સૌ સહકર્મીઓને આ તસવીર ખૂબ જ આકર્ષક લાગી. કેવું રસપ્રદ મંદિર!
બપોરે 3 વાગ્યા સુધીમાં અમે કુલ 10 જણા આ ટ્રેક પર જવા તૈયાર હતા. પણ આ ટ્રેક માટે સૌથી પહેલા અમારે પૂણે અથવા થાણે પહોંચવું અનિવાર્ય હતું તેવું વિવિધ સંસ્થાઓ પાસેથી જાણવા મળ્યું. અમારી પાસે માત્ર બે દિવસ હતા.
તાત્કાલિક ધોરણે અમે અમદાવાદથી પૂણે અથવા થાણે જતી ટ્રેન અથવા બસની શોધ આદરી. બજેટ ટ્રીપ કરવાની હતી એટલે ફ્લાઇટ દ્વારા પૂણે પહોંચવાનો તો કોઈ વિકલ્પ જ નહોતો!
સાંજે 6 વાગ્યાની એક બસ મળી! સૌથી અનુકૂળ આ બસ જ હતી એટલે અમે સૌ અમારા બોસને વિનંતી કરીને તે દિવસે 4.30 વાગ્યા આસપાસ ઓફિસથી નીકળી ગયા. એક બેગમાં બે જોડી કપડાં ભરીને નીકળી પડ્યા હરિચંદ્ર ગઢ પર ટ્રેક માટે.
10 લોકોનું ગ્રુપ હતું એટલે અમે બસમાં આખી રાત અંતાક્ષરી રમીને કે વાતો કરીને અમારા સહપ્રવાસીઓને હેરાન કરી મૂક્યા હતા.
બીજે દિવસે સવારે થાણે ઉતરીને અમે ખીરેશ્વર ગામ પાસે ટ્રેકના બેઝકેમ્પ પર ગયા અને ટેન્ટમાં ગોઠવાયાં.
ટેંટ્સની સાવ નજીક એક ખૂબ સુંદર તળાવ હતું ત્યાં બેસીને મેં કેટલોય એકાંતનો સમય માણ્યો. ઘૂઘવતો દરિયો જેમ આપણામાં જોશનો સંચાર કરી દે છે તેમ શાંત સરોવર આપણને સુકૂનનો અનુભવ કરાવે છે. માત્ર હું જ નહિ, અન્ય અઢળક પ્રવાસીઓ માત્ર આ તળાવ અને તેની આસપાસની કુદરતી સુંદરતાને જોઈને નિઃશબ્દ બનીને બેસી રહ્યા. મારા માટે આ સાચે જ એક અવર્ણનીય અનુભવ હતો.
અમે સૌએ આખો દિવસ આ તળાવની આસપાસ જ વિતાવ્યો. કોઈ ગેમ રમીને, કેમ્પફાયર ફરતે ગોઠવાઈને કરાઓકે પર ગીતો ગાઈને અથવા માત્ર તળાવ સામે બેસીને!
બીજે દિવસે સવારે 4 વાગે ઊઠીને 5 વાગ્યાથી અમારે હરિશ્ચંદ્ર ગઢના ટ્રેકની શરૂઆત કરવાની હતી. આ ટ્રેક માટે બે રસ્તાઓના વિકલ્પ છે. અમારો આ ટ્રેક મૉડરેટથી ડિફીકલ્ટ કક્ષાનો હતો.
રસ્તો ખૂબ કઠિન નહોતો, પણ સાવ સરળ પણ નહોતો. અમે સૌ કોઈ પ્રાણીની જેમ બંને હાથ અને બંને પગની મદદથી આગળ વધ્યા.
બપોરના સમયે અમે હરિશ્ચંદ્ર ફોર્ટ પર પહોંચ્યા and it was mesmerising! 1422 મીટર ઊંચાઈ પર આવેલી આ જગ્યા અત્યંત મનમોહક છે. તે જગ્યાએથી નીચે જોવામાં ભલભલા લોકો પાછા પડી જાય! નીચેસાવ સીધી ખીણ!
અહીંથી નીચે ઉતારવાનો પરવાનો નહોતો પણ મારે જવું જ હતું. સામે કોંકણગઢ દેખાતો હતો. ખૂબ સુંદર દ્રશ્ય!!
અમે સાંજે હરિશ્ચંદ્ર ગઢ પરથી જ અદભૂત સૂર્યાસ્ત માણ્યો તેમ છતાંય 5-5.30 વાગ્યા આસપાસ અમારા બેઝકેમ્પ પર પાછા આવી શક્યા. આમ પણ ટ્રેક ચડવાની સરખામણીએ ઉતારવામાં ખાસ સમય નથી લાગતો.
અને પછી છેલ્લો પડકાર! અમદાવાદ પાછા કેવી રીતે જવું?
આખા વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક નહિવત હતું એટલે ઓનલાઈન બૂકિંગ અશક્ય હતું. અમે સૌ જેમતેમ કરીને નેટવર્ક મેળવવા થાણે જતી બસમાં ગોઠવાયાં અને થાણેથી મુંબઈ કોઈ ટ્રેન પકડી. મુંબઈથી અમદાવાદ માટે એક મિત્રએ ટ્રેન બૂક કરી પણ તેણે ભૂલથી ખોટી તારીખ નાખી!! બીજા દિવસની ટ્રેનમાં પાછા ફરવું એ કોઈ વિકલ્પ જ નહોતો એટલે એ કેન્સલ કરીને, માંડ માંડ એક બસ બૂક કરી. બસ ઉપડવાનો સમય થઈ ગયો હતો ત્યારે તો અમે હજુ મુંબઈ આવતી ટ્રેનમાં જ હતા! 10 લોકો હતા એટલે તેમણે અમારી રાહ જોઈ.
“બસ પાંચ મિનિટમાં આવીએ જ છીએ”નું રટણ કરતાં આખરે અમે 45 મિનિટ મોડા તે બસ પાસે પહોંચ્યા. અનહદ થાક અને અવિસ્મરણીય અનુભવ લઈને અમે અમદાવાદ પાછા ફર્યા.
- કેમિલ ઘોઘારીનો અનુભવ.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ