ગુજરાતીઓ અને વેપાર આ બંને એકબીજાના પૂરક શબ્દો છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આજે આપણે એક એવી છોકરી વિષે વાત કરીએ છીએ જે લગ્ન કરીને જૂન 2019માં પતિ સાથે ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થઈ. કોવિડને લીધે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ થઈ અને તેણે આ આપત્તિને અવસરમાં બદલી નાખી.
ચાલો, જાણીએ પૂર્વા ઠક્કર દાવડા વિષે, તેના જ શબ્દોમાં...
7 જૂન 2019 ના દિવસે હું 19 કલાકની મુસાફરી કરીને મારા હસબન્ડ પ્રતિક સાથે ભાવનગરથી મેલબોર્ન આવી ત્યારે મને કલ્પના સુદ્ધાં નહોતી કે બે વર્ષ સુધી હું એક પણ વાર મારા ઘરની મુલાકાત નહિ લઈ શકું. શરૂઆતનો સમય ઘર ગોઠવવામાં, જોબ શોધવામાં અને નવા વાતાવરણમાં સેટ થવામાં ક્યાં પસાર થઈ ગયો તે ખ્યાલ જ ન રહ્યો.
2020માં જ્યારે કોવિડ-19 પેન્ડેમિકને લીધે અનેક મહિનાઓ લોકડાઉન રહ્યું ત્યારે બહાર ફરવાને કોઈ અવકાશ નહોતો. અલબત્ત, મેલબોર્નમાં પરંપરાગત ગુજરાતી નાસ્તો કે જમવાનું કશું જ મળતું નથી.
હું અવનવી વાનગીઓ બનાવતી અને અમે બંને પ્રેમથી જમીએ. પતિદેવ થોડા વર્ષોથી ઓસ્ટ્રેલિયા જ હતા એટલે મારા હાથના સેવ, ગાંઠિયા, તીખી પૂરી, મેથીની પૂરી એ બધું ખાવાની તેમને બહુ જ મજા આવતી. કોઈ વાર તેમના ભારતીય મિત્રોને ખવડાવે તો તેમને પણ ખૂબ મજા પડતી.
પ્રતિક અને તેમના મિત્રોને સૌ પ્રથમ વિચાર આવ્યો કે જો હું સૌને ભાવે તેવો નાસ્તો બનાવી શકતી હોઉં તો તેમાંથી કમાણી થાય તો કેટલું સારું! અને મારા નાનકડા બિઝનેસ ‘Shreeji’s Kitchen’નો જન્મ થયો.
ઓસ્ટ્રેલિયાના નિયમો પ્રમાણે જરૂરી રજીસ્ટ્રેશન કરાવ્યું અને માત્ર અમારા અંગત વર્તુળમાં આ વિષે સૌને જાણ કરી. કોઈ પણ જાહેરાતનો ખર્ચો નહિ, વધુ પડતાં કોઈ કોન્ટેક્ટસ પણ નહિ!
અને મારા નાસ્તાઓને ગ્રાહકોનો પ્રતિસાદ મળ્યો. શરૂઆતમાં શુષ્ક અને પછી પુષ્કળ!
ઓર્ડર પ્રમાણે નાસ્તા બનાવવાનું નક્કી કર્યું હતું. આ માટે જરૂરી હોય તેવી મોટા ભાગની સામગ્રી મારા ઘરની આસપાસના સ્ટોર્સમાં મળી રહેતી. કોઈ ખાસ મસાલાની જરુર પડતી હોય તો તે મારા પપ્પા ખાસ ભાવનગરથી મોકલી આપે. કોઈ હેલ્પર મળવાનો તો પ્રશ્ન જ નથી, એટલે અજાણ્યા શહેરમાં એકલા હાથે, પતિના સહકાર અને ભારતથી મમ્મી-પપ્પાના સતત પ્રોત્સાહનથી “Shreeji’s Kitchen” ચાલી રહ્યું છે. કોઈ પણ માર્કેટિંગ ન કરવા છતાં મને સતત ઓર્ડર્સ મળતા રહે છે.
ફરસાણના સ્વાદ અને ગુણવત્તામાં કોઈ સમાધાન ન કરવું અને આવકનો અમુક નિશ્ચિત ભાગ મેલબોર્નમાં આવેલી હવેલીમાં ફાળો નોંધાવવો તે પૂર્વશરત સાથે મેં બિઝનેસ શરુ કરેલો જે આજે દોઢ વર્ષ પછી પણ ચુસ્તપણે ફોલો કરું છું.
કોવિડ લોકડાઉનના ઘણા આકરા નિયમો ધરાવતા મેલબોર્ન શહેરમાં આજે હું 200 જેટલા નિયમિત ગ્રાહકો ધરાવું છું.
મારી મહેનત પર ઠાકોરજીના ચાર હાથ છે એટલા મારા સદભાગ્ય!
.