તમે દેવી દેવતાઓના તો અનેક મંદિરો જોયા હશે, ક્યારેય કોઈ પક્ષી મંદિર જોયું છે? અરે! આપણામાંના મોટા ભાગના લોકોએ તો આ વિશે કદાચ સાંભળ્યું સુદ્ધાં નહિ હોય!
ભારતમાં એવી કઈ-કેટલીય જગ્યાઓ છે જે વિશે સાંભળીને અચંબામાં મુકાઇ જઈએ, આજે એવા જ એક નવાઈ પમાડી દે તેવા મંદિરની વાત કરવાની છે.
હિંમતનગર શહેરથી થોડેક દૂર રાયસિંગપુર ગામે ચાલુક્ય શૈલીનું વિશ્વનું એકમાત્ર પક્ષી મંદિર આવેલું છે. સાતમી અને નવમી સદીમાં નિર્માણ પામેલા આ મંદિરના સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દીવાલો ઉપર પક્ષીઓનાં ચિત્રો ઉપસાવેલી મૂર્તિઓની ભાત જોવા મળે છે. વિશ્વમાં કદાચ પક્ષીઓનું મંદિર ધરાવતું આ એકમાત્ર સ્થળ છે. આ પ્રાચીન પક્ષી મંદિરને નિહાળવા દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે.
ઐતિહાસિક સ્થળ:
હિંમતનગરના પક્ષી મંદિરનું નિર્માણ 7મી-9મી સદી વચ્ચે થયું હોવાનું અનુમાન છે. સાબરકાંઠાના હિંમતનગરથી ખેડ તસિયા રોડ પર 17 કિ.મી. દૂર રાયસિંગપુરા ગામ આવેલું છે, જ્યાંથી રોડા નગરીમાં જવાનો માર્ગ આવે છે. તો આ પ્રાચીન મંદિરની સ્થાપત્ય શૈલીમાં ચાલુક્ય શૈલીની બાંધકામ કળા જોવા માટે અલગ અલગ રાજ્યોથી લોકો આવતા હોય છે. આ મંદિરના સ્થાપત્યમાં સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દીવાલો ઉપર ઉપસાવેલી ભાતવાળી કિનારીઓ પરથી આ મંદિરનું નિર્માણ સાતમી અને નવમી સદી વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર પ્રાચીન સમયથી ગુજરાતીઓના પશુ-પક્ષીપ્રેમની સાક્ષી પૂરે છે. અલબત્ત, અત્યારે મંદિરોનો અમુક ભાગ દયનીય સ્થિતિમાં જોવા મળે છે પણ તેનું જતન કરવામાં આવે તો આ ઘણા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સાબિત થઈ શકે તેમ છે.
પ્રાચીન આર્કિટેક્ચર શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો:
આ મંદિરમાં પથ્થરને વિશિષ્ટ રીતે ઘડીને એકબીજામાં જડી દેવામાં આવ્યા છે. અહીની ખાસિયત એ છે કે આ મંદિરના ચણતરમાં ક્યાંય ચૂનો કે અન્ય પદાર્થનો ઉપયોગ થયો નથી. માત્ર પથ્થરને વિશિષ્ટ રીતે ઘડીને એકબીજામાં જડી દેવામાં આવ્યા છે, જેમાં આ મંદિરોના સમૂહમાં જ એક પક્ષી મંદિર આવેલું છે.
હિન્દુ ધર્મના કોઈ પણ ધાર્મિક સ્થળોએ આપણે નોંધ્યું જ હશે કે કોઈ પણ મંદિરમાં ઈશ્વરના માત્ર એક જ નહિ, અનેક સ્વરૂપો બિરાજે છે અને પક્ષી મંદિર પણ આમાંથી બાકાત નથી. રોડા નગરીમાં પક્ષી મંદિરની પાસે આવેલું શિવ મંદિર અને તેના થોડા અંતરે વિષ્ણુ મંદિર છે. મંદિરના આગળના ભાગે આવેલા કુંડની ચારેખૂણે અન્ય મંદિરો પણ છે. કુંડની અંદરનાં મંદિરોમાં એક ખૂણે વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને બીજા ખૂણે માતાજીની મૂર્તિઓ છે. તેની સામે છેડે ગણપતિની મોટી મૂર્તિ અને નવગ્રહ મંદિર પણ છે. એવું માનવામાં આવે છે કે અહીં કુલ 125 જેટલાં મંદિરો હતાં, જેનો કાળક્રમે નાશ થયો હતો.
પૌરાણિક સ્થળને પ્રવાસન ધામમાં મૂકવામાં આવે એવી માંગ:
દુર્લભ વસ્તુ હંમેશા ખૂબ જ કાળજી માંગે છે તેમ કોઈ પણ પ્રાચીન સ્થળને પણ આજના સમયમાં સારી સ્થિતિમાં રાખવા અને શક્ય હોય તેટલા વધુ લોકોને આ વિશે માહિતગાર કરવા એ મહેનતનું કામ છે. રોડાનાં આ સાત મંદિર સાતમી સદીના હોવાનું મનાય છે. એના સમૂહોમાનું જ એક પક્ષી મંદિર પણ છે અને આ મંદિર વિશ્વમાં ખાલી સાબરકાંઠા ખાતે જ આવેલું છે. હાલમાં તો એવી પરિસ્થિતિ છે કે આ મંદિરની જેમ જ અહીંનો રસ્તો પણ ઘણો દુર્લભ (ખરાબ!) છે તેથી લોકો ખાસ આ સ્થળ વિશે માહિતગાર નથી. જો આ પૌરાણિક સ્થળને પ્રવાસન ધામમાં મૂકવામાં આવે તો રોડ રસ્તાથી વંચિત રોડાનાં મંદિરો વિકસિત થાય અને ત્યાં સરળતાથી પહોંચી શકાય.
કેવી રીતે જવું?
વાહન માર્ગે: હિંમતનગર શહેરથી આ પક્ષી મંદિર 18 કિમી દૂર આવેલું છે અને અહીં જવા હિંમતનગરથી પુષ્કળ ખાનગી રિક્ષા કે ટેક્સી મળી રહે છે.
દેશ વિદેશની અનેક પ્રસિદ્ધ જગ્યાઓ તો તમે અનેક જોઈ હશે, પણ ગુજરાતનાં જ ઘર આંગણે આવેલું, એક અજાયબી સમાન, વિશ્વનું એકમાત્ર પક્ષી મંદિરની જરૂર મુલાકાત લેશો.
માહિતી અને ફોટોગ્રાફ્સ સંદર્ભ: દિવ્ય ભાસ્કર
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ