હિન્દીમાં એક કહેવત છે: ઘર કી મુરગી દાલ બરાબર. જેનો અર્થ એવો થાય કે આપણને બહારનું એટલું બધું આકર્ષણ હોય છે કે ઘરની વસ્તુનું મૂલ્ય આપણને ક્યારેય સમજાતું જ નથી. આમ તો આ ફિલોસૉફિકલ વાત છે પણ પ્રવાસની બાબતમાં પણ એટલી જ લાગુ પડે છે. તમે ભારતભરમાં તેમજ વિદેશમાં પણ અઢળક જગ્યાઓનો પ્રવાસ કર્યો હશે પણ ગુજરાતમાં ખાસ પ્લાનિંગ કરીને ફરવા નીકળ્યા?
ગુજરાત રાજ્ય ભારતમાં સૌથી લાંબો 1600 કિમી દરિયાકિનારો ધરાવે છે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. પણ શું તમે ક્યારેય આ દરિયાકિનારાની રોડટ્રીપ કરવાનો વિચાર કર્યો છે?
ચાલો, આજે તમને આપણા જ ઘર આંગણે કરી શકાય તેવી અનોખી રોડટ્રીપ વિશે જણાવીએ.
ગુજરાત કોસ્ટલ રોડટ્રીપ:
આમ જુઓ તો ગુજરાતનો વિશાળ દરિયાકિનારો મુખ્ય બે ભાગમાં વહેચાયેલો છે. પશ્ચિમે સૌરાષ્ટ્ર અને પૂર્વ તરફ દક્ષિણ ગુજરાત. આ દરિયાઈ પટ્ટો ભૌગોલિક રીતે તો એક જ છે પણ અહીં વસેલા શહેરો, લોકો, તેમની સંસ્કૃતિ બધું જ ઘણું ભિન્ન છે. વળી, 1600 કિમી એક જ પ્રવાસમાં ફરવું થોડું મુશ્કેલ કાર્ય કહી શકાય તેથી રોડટ્રીપ પર પણ આપણે બે અલગ અલગ રીતે જઈ શકાય.
સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર પ્રદેશમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર એમ કુલ 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે જે પૈકી મોટા ભાગના જિલ્લાઓ સમુદ્ર કિનારે આવેલા છે. ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ ઘણો લાંબો દરિયાકિનારો છે.
સૌરાષ્ટ્રની કોસ્ટલ રોડટ્રીપ માટે સૌથી જાણીતો રસ્તો છે સોમનાથ-દ્વારકાનો. આ બંને એવા મંદિરો છે જેની મુલાકાતે હજારો લાખો ગુજરાતીઓ વારંવાર જતાં હશે. આ બંને મહત્વના ધાર્મિક સ્થળોની સાથે સાથે તમારે રોડટ્રીપનો રોમાંચ પણ માણવા જેવો છે. 233 કિમીનો રસ્તો સતત દરિયાને લગોલગ બનેલો છે. કોઈ પણ એક લોકેશન પર પહોંચીને બીજા લોકેશન સુધી રોડટ્રીપ કરવી શક્ય છે. રોડટ્રીપ કરનાર કોઈ પણ વ્યક્તિ કે ગ્રુપ ડ્રાઇવિંગના શોખીન જ હોવાના તેથી જો સમય હોય તો આ રોડટ્રીપને લંબાવી પણ શકાય છે. આ રોડટ્રીપમાં એક તરફ દીવ અને બીજી તરફ કચ્છ આવેલા છે.
દ્વારકાથી માંડવી વચ્ચે સમુદ્ર માર્ગે માંડ 75 કિમીનું અંતર છે પણ વાહન માર્ગે આશરે 465 કિમી અંતર છે. બે દિવસ વધુ હોય તો આ કોસ્ટલ રોડટ્રીપ જરૂર કરો.
પણ જો આટલો વધુ સમય ન હોય તો દીવનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. દીવ દ્વારકાથી 317, પોરબંદરથી 210 અને સોમનાથથી માત્ર 86 કિમીના અંતરે આવેલું છે.
જો તમે માત્ર દીવ સોમનાથની કોસ્ટલ રોડટ્રીપ કરી રહ્યા છો તો દિવથી ભાવનગર તરફ 194 કિમીની રોડટ્રીપ કરીને કોળિયાક નિષ્કલંક મહાદેવની મુલાકાત પણ લેવા જેવી છે.
સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત દરિયાઈ માર્ગે:
જી હા, આપ આપનું વાહન લઈને જ દરિયાઈ માર્ગે સૌરાષ્ટ્રની રોડટ્રીપ પતાવીને સીધા દક્ષિણ ગુજરાત ભણી અથવા તેથી વિરુદ્ધ રસ્તે આવી શકો છો. અને આ ચમત્કાર શક્ય છે રો રો ફેરી સર્વિસ દ્વારા. કોઈ પણ પ્રવાસી તેમના ટૂ-વ્હીલર કે 4-વ્હીલર વાહન સાથે જહાજમાં બેસીને ઘોઘા (ભાવનગર) થી હજીરા (સુરત) આવન-જાવન કરી શકે છે.
દક્ષિણ ગુજરાત
અહીં સૌરાષ્ટ્રની સરખામણીમાં ઘણું ઓછું અંતર છે તેથી ફરવાના વિકલ્પો પણ મર્યાદિત થઈ જાય છે. પરંતુ હજીરાથી દાંડી 25 કિમીના અંતરે આવેલું છે, વલસાડના બીચ પણ ઘણા રળિયામણા છે અને વળી દમણ તો છે જ!
ઉપરાંત કોઈ કામથી કે માત્ર ફરવાના હેતુથી જો તમે મુંબઈ જઈ રહ્યા છો તો તે માટે પણ ખાસ દક્ષિણ ગુજરાતનો કોસ્ટલ રસ્તો ખૂબ સારો ઓપ્શન સાબિત થશે.
દરિયાકિનારે આવેલા લોકપ્રિય ફરવાલાયક સ્થળો:
કચ્છથી લઈને ડાંગ સુધી ફેલાયેલો ગુજરાતનો 1600 કિમીનો દરિયાકિનારો એ ફરવા માટેના અઢળક ડેસ્ટિનેશન્સ ધરાવે છે. પણ જો સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતની કોઈ પણ રોડટ્રીપનું આયોજન કરો તો આ જગ્યાઓની જરૂર મુલાકાત લેશો...
માંડવી,
શિવરાજપુર બીચ,
દ્વારકા,
સોમનાથ,
દીવ,
નિષ્કલંક મહાદેવ
દાંડી,
દમણ,
સિલવાસ,
તિથલ બીચ (વલસાડ)
ફરીથી, દેશની અનેક પ્રખ્યાત રોડટ્રીપ સારી હશે જ, નિશ્ચિતપણે! પણ એક વાર ગુજરાતની આહલાદક કોસ્ટલ રોપટ્રીપ પણ અજમાવી જુઓ!
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ