મન ભરીને ખાધું, પીધું ને રાજ કર્યું એ ગુજરાતીઓની સૌથી મનપસંદ પ્રવૃત્તિ છે. ગુજરાતનાં દરેક શહેરો ખાણીપીણીની વાનગીઓમાં પોતપોતાની આગવી વિશેષતાઓ ધરાવે જ છે. પણ અહીં આપણે ગુજરાતની કેટલી એવી રેસ્ટોરાંની વાત કરવાના છીએ જે ગુજરાતનાં કોઈ એક શહેરમાંથી શરુ થઈ ને આજે રાજ્યભરમાં પોતાની અનોખી ઓળખ બનાવી ચૂકી છે.
આપણે વાત કરી રહ્યા છીએ એવી રેસ્ટોરાં ચેઇન્સ વિષે જે માત્ર હવે રેસ્ટોરાં જ નથી, પણ એક બ્રાન્ડ નેમ બની ચૂકી છે. કોઈ પણ પ્રવાસી જે-તે શહેરથી અપરિચિત હોય શકે, પણ આ રેસ્ટોરાંનું નામ સાંભળીને તે હોંશભેર ત્યાં જમવા જશે. કારણકે આ રેસ્ટોરાંના નામ હી કાફી હૈ...
1. સંકલ્પ અને સેફ્રન
આ નામ વાંચીને નવાઈ લાગીને? હા, સાઉથ ઇન્ડિયન અને પંજાબી ફૂડ માટે ગુજરાત સિવાય પણ દેશ વિદેશમાં પ્રખ્યાત તેવી સંકલ્પ અને સેફ્રન રેસ્ટોરાંનું મૂળ અમદાવાદમાં છે. વર્ષ 1980માં અમદાવાદથી જે ઉત્તર અને દક્ષિણ ભારતીય ભોજનની રેસ્ટોરાં ચેઇનની શરૂઆત થઈ હતી તે આજે દેશ વિદેશમાં 150 કરતાં વધુ રેસ્ટોરાં ધરાવે છે. પરંપરાગત સાઉથ ઇન્ડિયન ફૂડ માટે સંકલ્પ અને મસ્ત પંજાબી ફૂડ માટે સેફ્રન આજે સૌને ખૂબ મનપસંદ છે.
2. કૈલાશ પરબત
આમ તો ગુજરાતની ન કહી શકાય પણ ગુજરાતને અડીને આવેલા શહેરોમાં જન્મેલી અને વિકસેલી રેસ્ટોરાં છે. 1940 માં કરાંચીમાં કૈલાશ પરબત નામની ચાટ રેસ્ટોરાં શરુ કરનાર મૂળચંદાની પરિવાર વિભાજન બાદ મુંબઈ આવીને સ્થાયી થયો. 1952 માં મુંબઈમાં કૈલાશ પરબત રેસ્ટોરાં શરુ થઈ અને આજે દેશ વિદેશમાં આ એક જાણીતી ચેઇન રેસ્ટોરાં બની ચૂકી છે. અમદાવાદ અને સુરત બંને શહેરોમાં તેના બે-બે આઉટલેટ્સ આવેલા છે.
3. Nini’s Kitchen
અમદાવાદ ખાતે એક ડેન્ટલ કોલેજની પ્રોફેસર અને એક ટેક્સટાઇલ ફેમિલી બિઝનેસ ધરાવતા યુવકે શરુ કરેલી નામચીન રેસ્ટોરાં એટલે નિનીઝ કિચન. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નોર્થ ઇન્ડિયન અને કોન્ટિનેન્ટલ ભોજન પીરસતી એક આકર્ષક રેસ્ટોરાં છે. અમદાવાદ, સુરત, વિદ્યાનગર વગેરે અનેક જગ્યાએ લોકોની આ મનપસંદ ચેઇન રેસ્ટોરાં છે.
4. ધ ગ્રાન્ડ ઠાકર
રાજકોટ, અમદાવાદ, વડોદરા અને મોરબીમાં પરંપરાગત ગુજરાતી થાળી માટે એક મોટું નામ એટલે ધ ગ્રાન્ડ ઠાકર. વર્ષ 1965થી મોરબીમાં બહારથી આવતા લોકોનાં ભોજનની વ્યવસ્થા પૂરી પાડવાના હેતુથી આ રેસ્ટોરાંની શરૂઆત થઈ હતી. તેમની ગુજરાતી થાળી ‘ઠાકર થાળ’ તરીકે ઓળખાતી હતી. અમુક વર્ષો બાદ તેમણે પોતાના આ વ્યવસાયને ધ ગ્રાન્ડ ઠાકર નામ આપીને ખૂબ વિકાસ કર્યો.
5. ધ ગ્રાન્ડ ભગવતી (TGB)
શાકાહારી ભોજનને એક બ્રાન્ડનેમ સાથે અલગ જ ઊંચાઈ પર પહોંચાડવાના હેતુથી અમદાવાદના સોમાણી બંધુઓ દ્વારા વર્ષ 1989માં આ હોટેલ ખોલવામાં આવી હતી. તેઓ હોટેલ, રેસ્ટોરાં, બેન્કવેટ, કાફે, બેકરી વગેરે જેવી અનેક સુવિધાઓથી સજ્જ હોવાથી આજે ગુજરાતભરમાં હોટેલ તેમજ રેસ્ટોરાં ક્ષેત્રે TGB એક આગવું નામ ગણાય છે.
6. જય ભવાની
વર્ષ 1994માં રાજસ્થાનથી કામ-ધંધાની શોધમાં આવેલા 4 ભાઈઓએ 1998માં ઉધાર 4500 રૂ સાથે અમદાવાદમાં વડાપાવની રેકડી શરુ કરી હતી. કોને ખબર હતી કે તે એક દિવસ ગુજરાતી કોલેજિયન યુવક યુવતીઓનું મનપસંદ ઠેકાણું બની રહેશે! જય ભવાની વડાપાવ! ગુજરાતનાં અનેક શહેરોમાં 100 કરતાં વધુ આઉટલેટ્સ ધરાવતા જય ભવાનીના દેશભરમાં કઈ કેટલાય આઉટલેટ્સ આવ્યા છે. તેમાં લેટેસ્ટ ઉમેરો કેનેડામાં શરુ થયેલ આઉટલેટ છે.
7. ઓનેસ્ટ
લાસ્ટ, બટ નોટ ધ લિસ્ટ! પાવ ભાજીની સમાનાર્થી બની ચૂકેલી રેસ્ટોરાં- ઓનેસ્ટ. 1975માં અમદાવાદમાં શરુ થયેલી ઓનેસ્ટ વિશે ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. ઓનેસ્ટના ભોજને લોકોની જીભે એવો સ્વાદ ચખાવ્યો છે કે આજે ગુજરાત અને રાજસ્થાનમાં અઢળક આઉટલેટ્સ ઉપરાંત થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુએસએ અને કેનેડામાં પણ ઓનેસ્ટનો ખૂબ સારો વ્યવસાય છે.
અલબત્ત, ગુજરાતની ભૂમિ પર અનેકવિધ અફલાતૂન ફૂડ ચેઇન્સ આવેલી છે. પણ અહીં સૌથી વધુ લોકપ્રિય રેસ્ટોરાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
.