મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી હોય કે પછી વૈષ્ણવ જન તો તેને રે કહીએ..પ્રખર કૃષ્ણભક્ત નરસિંહ મહેતા અને તેમના ભજનો અને પ્રભાતિયાથી તો સૌ કોઇ પરિચિત હશે જ. આવા ભક્ત કવિ નરસિંહ મહેતા સાક્ષાત ભગવાને રાસલીલાના દર્શન કરાવ્યા હતા. એટલું જ નહીં ભગવાન ભોળાનાથે પણ નરસિંહ મહેતાને દર્શન આપ્યા હતા એવી જગ્યા ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલી છે. ગુજરાતમાં એવા અનેક મંદિરો છે જે ખુબ ધાર્મિક મહત્વ ધરાવે છે. પરંતુ તળાજાના ગોપનાથ મહાદેવ મંદિર સાથે ભગવાન કૃષ્ણ અને તેમના ભક્ત નરસિંહ મહેતાની કથા જોડાયેલી છે. મંદિરનું લોકેશન પણ ખુબજ સુંદર છે તો આવો વાત કરીએ ગોપનાથ મંદિર વિશે..
ક્યાં છે ગોપનાથ મંદિર
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેરની નજીકમાં આવેલા ગોપનાથ મંદિર જવા માટે ભાવનગર જવું પડે છે. જ્યાંથી તળાજા આશરે 40 -42 કિલોમીટર દૂર છે. તળાજાથી ગોપનાથ મહાદેવ 22 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. અમદાવાદથી ગોપનાથ મંદિર જવું હોય તો લગભગ 250 કિલોમીટરનું અંતર કાપવું પડશે. ગોપનાથ મહાદેવમાં શિવલિંગની સાથે સાથે રાધા કૃષ્ણ મંદિર, ગાયત્રી માતા, મહાકાળી માતા તથા નૃસિંહ ભગવાનનાં મંદિરો પણ આવેલાં છે. શ્રાવણ માસ દરમિયાન અહીં આવતા ભક્તજનો માટે પ્રસાદ તથા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
વળી, શ્રાવણ મહિનાના છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન અહીં મોટા મેળાનું આયોજન થાય છે જ્યાં દૂર દૂરથી ભક્તજનો આવે છે. ગોપનાથ મહાદેવના મંદિર પર હંમેશાં સફેદ ધજા ફરકતી હોવાથી ગોપનાથ મહાદેવને સ્થાનિક લોકો ‘ધોળી ધજાના દેવ’ તરીકે પણ ઓળખે છે.
ગોપનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ
આ મંદિરની રચના રાજપીપળાના ગોહિલ રાજવી શ્રી ગોપાલસિંહ ગોહિલે કરેલી. જેના નામ પરથી આગળ જતાં ગોપનાથ નામ પડ્યું હશે એવી માન્યતા છે. એક બીજી માન્યતા અનુસાર કૃષ્ણએ રુકમણી સાથે આ જગ્યાએ એક હજાર કમળ ચઢાવીને ભગવાન શંકરની પૂજા કરી હતી. તેઓ ગોપીઓ સાથે અહીં આવ્યા હોવાથી આ મંદિરને ગોપનાથ મહાદેવ મંદિર કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન આ મંદિર બનાવ્યું હતું. શરૂવાતમાં મંદિરનું નિર્માણ તો થઈ ચુકેલું હતું પણ મંદિરના તાબા હેઠળ જમીન હતી. પરંતુ ઇ.સ 15મી સદીમાં ઝાંઝમેરના વાજા રાઠોડ રાજવી લગધીરસિંહજી રાઠોડે મંદિર માટે 1300 વિઘા જમીન આપી હતી. અહીં ઊંચાં ઊંચાં તાડનાં વૃક્ષો હતાં. એમ પણ કહેવાય છે કે બારમી સદીમાં અહીં મોટું બંદર હોવાને કારણે વહાણવટું થતું હતું.
આ મંદિરમાં જ આદ્યકવિ તથા ભક્તકવિ જેવા નામથી પ્રસિદ્ધિ પામેલા નરસિંહ મહેતાના પ્રભાતિયાં અને ભક્તિગીતોની રચના થઇ હતી.જે ગુજરાતી સાહિત્ય જગતમાં આગવું સ્થાન ધરાવે છે. ગોપનાથ મંદિર સાથે અનેક કથા જોડાયેલી છે, તે મુજબ નરસિંહ મહેતાને તેના ભાભી મેણું મારે છે,ત્યારે તે આ મંદિરમાં 7 દિવસ અન્ન અને જળ વગર ભગવાનની ઉપાસના કરે છે,પરિણામ સ્વરૂપ ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે અને વરદાન માંગવાનું કહે છે, ત્યારે નરસિંહ મહેતા ભગવાનને જે વ્હાલું હોય તે આપવાનું કહે છે અને ત્રિલોકનાથ ભગવાન મહાદેવ, નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણની રાસલીલા બતાવે છે અને આજે પણ મંદિરની અંદર પ્રવેશતા જ ઉપર નજર કરો તો તમને સ્થાપત્ય કલાના નમૂના સ્વરૂપ રાસલીલાના દર્શન થાય છે.
16મી સદીમાં મુગલોના હુમલા
આ મંદિરને તોડી પાડવાના ઘણા પ્રયાસો પણ કરાયા હતા. પરંતુ ઝાંઝમેર રાજ્યના તાબા હેઠળ આવતા આ મંદિરની રક્ષા માટે ઝાંઝમેરના રાઠોડો હમેશા અભૂતપૂર્વ શૌર્ય અને સાહસ સાથે પોતાનો ક્ષત્રિયધર્મ નિભાવતા હતાં. 16 સદીમાં મુગલ શાસકો દ્વારા મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો,જે રાઠોડ ક્ષત્રિયોએ પોતાની વીરતા અને ધર્મરક્ષાની તત્પરતા તથા પોતાના ક્ષત્રિય નિયમોનું પાલન કરીને રાઠોડ રાજવીઓ તથા તેમના સૈન્યએ મુગલોને પરાજિત કર્યા હતા. તેની સાબિતી સ્વરૂપ આજે પણ ઝાંઝમેર તથા ગોપનાથમાં આ રાઠોડ રાજવીઓના પાળિયા આવેલા છે. ઝાંઝમેર એ ભાવનગર રાજ્યની અંદર આવેલું પેટા રાજ્ય ગણાતું જેના પર રાઠોડ રાજવીઓનું શાશન હતું. અભૂતપૂર્વ ઇતિહાસ,અદમ્ય સાહસ,અકલ્પનિય ઘટનાઓ, અવિશ્વસનીય શૂરવીરતા આ ઝાંઝમેરની ભૂમિમાં સમાયેલી છે.
સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો
ગોપનાથ મંદિરમાં પ્રવેશતાની સાથે જ અજોડ સ્થાપત્ય કલાના દર્શન થાય છે અને મંદિરના દર્શનમાત્રથી વ્યક્તિ આશ્ચર્ય પામે છે. અદભુત સ્થાપત્ય કલાનો આ ઉત્તમ નમૂનો છે. ભગવાન શિવજીને કૃષ્ણની રાસલીલા પસંદ હોવાથી અહીં રાધા-કૃષ્ણનું મંદિર છે. તેમજ ગોપનાથ મહાદેવના મંદિરની સાથે જ અહીં નરસિંહ મહેતાનું મંદિર છે. જે દર્શાવે છે કે અહીં નરસિંહ મહેતાએ શિવજીની ભક્તિ કરી હતી. આ ઉપરાંત અહીં રાધા-કૃષ્ણનું પણ મંદિર છે.
ગોપનાથ બંગલો
નવી બનેલી દિવાદાંડીની નજીક ભાવનગરના રાજવીઓએ બનાવેલો ગોપનાથ બંગલો પણ આવેલો છે, જે હાલમાં વિજયવિલાસ પેલેસ હોટેલ તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે.
ગોપનાથનો રમણીય દરિયાકિનારો
ભાવનગર આવો અને ગોપનાથ બીચની મુલાકત લીધા વગર જતા રહો તો તમે પ્રકૃતિનું રસપાન કરવાથી વંચિત રહી જશો. આ જગ્યાએ ખૂબ જ આકર્ષિત દરિયા કિનારો છે. જો કે દરિયો કાદવ-કિચડવાળો હોવાથી દીવ કે ગોવાના દરિયાની જેમ તમે અહીં ન્હાવાની મજા નહીં માણી શકો. હાં દૂર પથ્થર પર બેસીને ઘૂઘવતા દરિયાના મોજાને નિહાળવાની મજા આવશે. અને તેનો આનંદ જ કંઇક અલગ હોય છે.
સફેદ રંગની ધજાનું રહસ્ય
સામાન્ય રીતે હિન્દૂ ધાર્મિકસ્થળ હોય ત્યાં ભગવા રંગની ધજા હોય છે પણ આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ધોળા રંગની ધજા ચડે છે, કારણ કે હરિ અને હર આ બંને થઈ ને હરિહર નામ ઉપસી આવે છે અને બંનેના સ્વરૂપની પૂજા થાય છે, માટે ધોળી ધજા ચડે છે. પણ આના કારણે સ્થાનિકો તેને ધોળીધજાવાળા દેવ તરીકે પણ ઓળખે છે મંદિરની બહાર પગથિયાં ઉતરો એટલે એકદમ સામે જ નરસિંહ મહેતાની મૂર્તિ આવેલી છે તળાજાના વિસ્તારમાં આવો તો આ સ્થળ પર્યટક સ્થળ,આધ્યાત્મિક સ્થળ તેમ જ મનોરંજન માટે ખૂબ જ ઉત્તમ સ્થળ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો