Day 1
ગોલઘર
દુનિયાના સૌથી પ્રાચીન શહેરોમાંનો એક પટનાનો પોતાનો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. પટના હજારો વર્ષો સુધી મહાન સમ્રાટોની રાજધાની રહ્યું છે. ગંગા નદીના કિનારે વસેલું આ શહેર ઘણા ઐતિહાસિક સ્મારકો, ધરોહરો અને વિરાસત સ્થળોનું સ્થળ રહ્યું છે. પટનાના ગાંધી મેદાનના પશ્ચિમમાં એક ઐતિહાસિક વિરાસત છે-ગોલઘર. ગોલઘરને પટનાની ઓળખ કહેવાય છે. બાળપણમાં ગાંધી સેતુ બનતા પહેલા સ્ટીમરથી ગંગા પાર કરીને અને બન્યા પછી પુલથી જતા આવતા સમયે ગોલઘર જોઇને પટના પહોંચવાના રોમાંચથી ઝુમી ઉઠતા હતા. ગોલઘર ગાંધી મેદાનના પશ્ચિમમાં બન્યું છે. આ વર્ષે 20 જુલાઇ, 2021ના રોજ ગોલઘર 235 વર્ષનું થઇ ગયું.
ગોલઘરથી પટના ઘણું સુંદર દેખાય છે. બાળપણમાં જ્યારે ગોલઘર પર ચડતો હતો ત્યારે પટના ઘણું સુંદર દેખાતું હતું. ગંગા નદીને જોઇને મન પ્રફુલ્લિત થઇ જતું હતું. લાગતું હતું કે ગંગા નદીને જોતો જ રહું પરંતુ પછીથી ઘણી બહુમાળી ઇમારતો બની જવાના કારણે હવે ગોલઘરથી આખુ પટના નથી જોઇ શકાતુ. તે સમયે ગોલઘરથી નીચે ઉતરવામાં ડર લાગતો હતો કારણ કે સીડીઓ ઘસાઇ ગઇ હતી.
ગોલઘરને રાજ્ય સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. પટના આવનારા લગભગ બધા પર્યટકો ગોલઘર જોવા જરુર જાય છે. હવે તો પર્યટકોની સુવિધા માટે સરકારે ઘણી વ્યવસ્થા કરી છે. સંગીતમય ફુવારા પણ અહીં લગાવાયા છે. બાળકો માટે નીચે પાર્ક પણ બનાવાયો છે. તમે પણ ગોલઘરથી પટના શહેર અને ગંગા નદીનો અદ્ભત નજારો જોઇ શકો છો.
ગોલઘરનું નિર્માણ અંગ્રેજ ગર્વનર જનરલ વોરન હેસ્ટિંગ્સે બિહારમાં 1770માં આવેલા ભીષણ દુષ્કાળ પછી અનાજને જાળવી રાખવા માટે કર્યું હતું. બ્રિટિશ એન્જિનિયર કપ્તાન જોન ગાર્સ્ટિને 20 જાન્યુઆરી, 1784ના રોજ આને બનાવવાનું શરુ કર્યું હતુ જે 20 જુલાઇ 1786ના રોજ બનીને તૈયાર થઇ ગયું હતું. તેમાં કોઇ પિલર નથી. તેમાં 1.40 લાખ ટન અનાજ રાખવાની ક્ષમતા છે. 125 મીટર પહોળા અને 29 મીટર ઉંચા ગોલઘરની દિવાલો પાયા પર 3.6 મીટર મોટી છે. તેની ટોચ પર 2 ફૂટ 7 ઇંચ વ્યાસનું એક છિદ્ર અનાજ નાંખવા માટે બનાવાયું હતું પરંતુ કહેવાય છે કે તેને ક્યારેય પુરુ ભરવામાં નથી આવ્યું. પછીથી સુરાખને બંધ કરવામાં આવ્યું.
કહેવાય છે કે અનાજ ભંડારણ માટે બનાવાવેલા ગોલઘરના નિર્માણમાં કેટલીક ખામીઓના કારણે તેનો ઉપયોગ નથી થઇ શક્યો. આ અનાજ ગોડાઉન ગોલઘરમાં અનાજ રાખવા માટે બોરીને 145 સીડીઓથી ઉપર લઇ જઇને 25 મીટર ઉંચા ટોચ પર બનેલા છિદ્રમાંથી અંદર નાંખવામાં આવતું હતું જે ઘણું મુશ્કેલ હતું. આ સાથે જ તેમાં અનાજ કાઢવા માટે એક નાનકડો દરવાજો હતો જે અંદરની તરફ ખુલતો હતો અને અનાજ ભરી ગયા પછી અંદર તરફ ખોલવાનું ઘણું મુશ્કેલ હતું. એવામાં ગોલઘર ગોડાઉનની જગ્યા એક પર્યટક સ્થળ બની ગયું. તમે 10 રુપિયાની ટિકિટ લઇને ગોલઘર પરિસરમાં જઇ શકો છો.
કેવી રીતે પહોંચશો-
પટના દેશના બધા મુખ્ય શહેરો સાથે રેલવે, રોડ અને વિમાન માર્ગે જોડાયેલું છે. બધા મુખ્ય શહેરોથી હવાઇ સેવાઓ છે. રેલવે અને રોડથી દેશના કોઇ પણ ભાગમાં સરળતાથી પહોંચી શકાય છે.
ક્યારે જશો-
પટનામાં ગરમીમાં ઘણી ગરમી અને શિયાળામાં ઘણી ઠંડી પડે છે. એટલા માટે અહીં સપ્ટેમ્બરથી નવેમ્બર અને ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે હવામાન સારુ રહે છે.
-હિતેન્દ્ર ગુપ્તા