સોનાથી મઢાયેલું છે આખું મંદિર.રાત્રે ઝળહળી ઉઠે છે આ મંદિર.ભારતના દક્ષિણ ભાગમાં આવેલું વેલ્લોર ગોલ્ડન ટેમ્પલ છે એક પરફેક્ટ ડેસ્ટિનેશન
સુવર્ણમંદિરનું નામ આવતા જ મનમાં પહેલું ચિત્ર સામે આવે પંજાબના અમૃતસરના સુવર્ણ મંદિરનું. પણ શું તમે જાણો છો કે દક્ષિણ ભારતમાં પણ એક સ્વર્ણમંદિર છે જે તમિલનાડૂના વેલ્લોરમાં આવેલું છે. આ મંદિરના મુખ્ય દેવતા શ્રી નારાયણ અને દેવી મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.મંદિર જોવા માં જેટલું સુંદર છે એટલી જ આ મંદિરની માન્યતા પણ છે.આ મંદિરની વિશેષતા એ છે કે આ સુવર્ણ મંદિરને 1500 કિલો સોનાથી મઢવામાં આવ્યું છે. પંજાબના સુવર્ણ મંદિરની જેમ જ પ્રખ્યાત એવા વેલ્લોરના ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લેવી તો બને છે. તો તૈયાર થઈ જાવ પોતાની બૅગપેક સાથે.કારણ કે આજે આપને લઈ જઈ રહી છું આ ગોલ્ડન ટેમ્પલની ઝગમગાટભરી ખૂબસૂરત સફર પર.એવું જ લાગશે કે જાણે આ મંદિરને નજરે નિહાળી રહ્યા છો.
શ્રીપુરમ ગોલ્ડન ટેમ્પલ- દક્ષિણ ભારતનું સૌથી અદભુત મંદિર
દક્ષિણ ભારતનું એક મહત્વનું રાજ્ય તમિલનાડુ અને તેનું વેલ્લોર શહેર બને છે ખાસ કારણ કે અહીં અધ્યાત્મ, વાસ્તુકલા અને ખૂબસૂરતીનો ખુબ જ સુંદર સંગમ જોવા મળે છે. દક્ષિણી વેલ્લોરના તિરુમાલાઈકલોડીમાં આવેલું શ્રીપુરમ ગોલ્ડન ટેમ્પલ બેહદ અદભુત અને અદ્વિતીય નિર્માણ છે. શ્રી લક્ષ્મી નારાયણી કે મહાલક્ષ્મીને સમર્પિત શ્રીપુરમ ગોલ્ડન ટેમ્પલનું મેઈન અટ્રેક્શન છે કે આખા મંદિરને સોનાની પરતોથી જડવામાં આવ્યું છે. અને અહીં પ્રતિદિન સવાર સાંજ સાષ્ટાંગ દીપમ સમારોહમાં એક હજાર આઠ દીપ પ્રગટાવવામાં આવે છે. આ દીવાઓની જ્યોતના ઝળહળાટથી આખું મંદિર રોશન થઈ જાય છે. જે જોવામાં બેહદ અદભુત લાગે છે.
શ્રીપુરમ ગોલ્ડન ટેમ્પલનો ઈતિહાસ
શ્રીપુરમ ગોલ્ડન ટેમ્પલનો ઈતિહાસ બેહદ દિલચસ્પ છે...કહેવાય છે કે આ અદભુત અને અનોખા સ્વર્ણ મંદિરને બનાવવાનો વિચાર નારાયણી અમ્માને આવ્યો ત્યારબાદ આ વિશાળ મંદિરનું નિર્માણ કરાવવાનો નિર્ણય કર્યો. આ મંદિરના નિર્માણમાં લગભગ 7 વર્ષનો સમય લાગ્યો અને 2007માં આ મંદિરનું ઉદ્ઘાટન થયુ. આ મંદિરમાં મહાલક્ષ્મીનું પૂજન થાય છે.
ગોલ્ડન ટેમ્પલની રચના
સ્વર્ણ મંદિરનો આકાર બિલકુલ શ્રીયંત્રની જેવો જ દેખાય છે જે બેહદ આકર્ષક છે. ગોલ્ડન ટેમ્પલના નિર્માણમાં 1500 કિલો શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના બંને હિસ્સાને સોનાના વરખથી મઢવામાં આવ્યું છે. જ્યારે મંદિરના ગર્ભગૃહમાં દેવી મહાલક્ષ્મીની એક દિવ્ય મૂર્તિ સ્થાપિત છે. આ સ્વર્ણ મંદિરની દિવાલો પર જે સોનાની પરતો ચડાવવામાં આવી છે તે 9 થી લઈને 15 લેયર સુધી છે. આ સોનાના લેયરોને શિલાલેખો પર પણ સજાવવામાં આવ્યા છે. આ મંદિરમાં જે શિલાલેખ આપને જોવા મળશે તેમની કલા વેદોમાંથી લેવામાં આવી છે. અહીં વચ્ચે મંદિર અને મંદિરની ચારેબાજુ સુંદર પાર્ક આવેલો છે. મંદિર પરિસરનો એરિયા 100 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. મંદિરની બહાર ચારેબાજુ ખૂબસૂરત હરિયાળી જોવા મળે છે... પ્રવેશદ્વારથી મંદિર વચ્ચે રસ્તામાં આપને લગભગ 20 હજાર જેટલી જડી-બૂટી અને કેટલાય પ્રકારના દુર્લભ છોડ અને વૃક્ષની પ્રજાતિઓ જોવા મળશે...મંદિર પરિસરમાં દેશની તમામ નદીઓનું પાણી લાવીને સર્વ તીર્થમ સરોવર નામનો એક કુંડ બનાવાયો છે...શ્રીપુરમ સ્વર્ણ મંદિરના તળાવમાં આપને સોના-ચાંદીના આભૂષણ અને રુપિયા પૈસા જોવા મળશે જે ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવે છે. મંદિરની સુરક્ષામાં 24 કલાક પોલીસ અને સિક્યોરિટી ગાર્ડ્સનો પહેરો રહે છે.
સ્વર્ણમંદિરની મુલાકાતનો સમય
મંદિરમાં પ્રવેશનો સમય – સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી
મંદિરમાં અભિષેકનો સમય – સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી
મંદિરમાં આરતી સેવાનો સમય- સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી
ગોલ્ડન ટેમ્પલની મુલાકાત સમયે આ ધ્યાન રાખવું
શ્રીપુરમ સ્વર્ણ મંદિરમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ માટે એક ડ્રેસકોડ રાખવામાં આવ્યો છે જેને પહેર્યા બાદ જ આપ મંદિરમાં પ્રવેશ કરી શકો અને દર્શન કરી શકો..મંદિરમાં પ્રવેશ કરતા સમયે ટુંકા વસ્ત્રો પહેરવાની સખત મનાઈ છે. સાથે જ મંદિરમાં મોબાઈલ , કેમેરા કે વ્યસનકારક સામાન લઈ જવાની સખત મનાઈ છે.
વેલ્લોર પહોંચવુ કેવી રીતે
વેલ્લોર પહોંચવું કેવી રીતે એ વિચારતા હો તો વેલ્લોર ખુબ જ સારી રીતે એરપોર્ટ્સ, રેલવે અને હાઈવે સાથે કનેક્ટેડ છે.
હવાઈમાર્ગ- જો આપ વિમાનમાર્ગે ટુર કરવાના પ્લાનિંગમાં છો તો પોતાના સ્થાન અને સુવિધા અનુસાર બેંગલુરુ એરપોર્ટ -કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ અથવા તો ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચવું..બંને એરપોર્ટ લગભગ 217 કિમી અને 127 કિમીના અંતરે આવેલા છે...આ એરપોર્ટ્સ અન્ય ભારતીય શહેરો સાથે કનેક્ટિવિટી ધરાવે છે..એરપોર્ટથી આપ ટેક્સી બુક કરી શકો છો...
રેલવે માર્ગ - વેલ્લોર ત્રણ મુખ્ય જંક્શન દ્વારા અન્ય વિસ્તારો સાથે જોડાયેલુ છે જે છે કાટપાડી જંક્શન, વેલ્લૂર છાવણી, વેલ્લૂર ટાઉન. આ ત્રણે એ રેટેડસ્ટેશન છે. જ્યાં મુસાફરોની ભારે આવનજાવન રહેતી હોય છે..આ સ્ટેશનોથી મંદિર સુધી જવા માટે આપ ટેક્સી કે અન્ય વાહનોનો ઉપયોગ કરી શકો છો.
સડક માર્ગ- વેલ્લોર જવા માટે સડકમાર્ગ પસંદ કરો છો તો વેલ્લોર નેશનલ હાઈવે સાથે જોડાયેલુ છે તો બસ દ્વારા કે પ્રાઈવેટ કૅબ કે ટેક્સી દ્વારા અહીંની સફરનું પ્લાનિંગ કરી શકાય. મિત્રો કે પરિવાર સાથે પોતાની કાર દ્વારા સફર બેસ્ટ અનુભવ રહે છે.
વેલ્લોરના અન્ય ટુરિસ્ટ અટ્રેક્શન
વેલ્લોર મંદિરો, કિલ્લા અને અન્ય ટુરિસ્ટ અટ્રેક્શનથી ભર્યું ભર્યું શહેર છે જેને આપ પુરતો સમય આપીને તેની ખૂબસૂરતીને નજરમાં કેદ કરી શકો છો. વેલ્લોરમાં આવેલા શ્રીપુરમ ગોલ્ડન ટેમ્પલ ઉપરાંત પણ વેલ્લૂર એક ઐતિહાસિક મહત્વ ધરાવતું શહેર છે એટલે અહીં ઘુમવા માટે એક એકથી ચડિયાતી જગ્યાઓ પણ આવેલી છે..
વેલ્લોર ફોર્ટ- વેલ્લોરનો 16 મી શતાબ્દીનો કિલ્લો વેલ્લોર ટાઉન રેલવે સ્ટેશનથી માત્ર 1.5 કિમી દૂર છે. જેને ચેન્નાઈની આસપાસના મહત્વપુર્ણ ઐતિહાસિક સ્થાનોમાંથી એક માનવામાં આવે છે. વેલ્લૂરમાં ફરવા માટેના પોપ્યુલર ડેસ્ટિનેશન્સમાંથી આ કિલ્લાની મુલાકાતે સૌથી વધારે પર્યટકો આવે છે.
તો વેલ્લોરમાં શ્રીપુરમ મંદિર અને વેલ્લોર કિલ્લા ઉપરાંત આપ વેલ્લૂરના પિકનિક સ્પોટ પેરિયાર પાર્કની મુલાકાત પણ લઈ શકો છો. ઉપરાંત વિરિંજીપુરમ મંદિર જેને શ્રી માર્ગબંદેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તે પણ પોતાની દ્રવિડ વાસ્તુકલાને કારણે ટુરિસ્ટ અટ્રેક્શન બન્યું છે. વેલ્લોર ફોર્ટની નજીક જ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ આવેલું છે જેમાં 1 હજાર વર્ષ જૂની મૂર્તિઓ, પથ્થરની કોતરણી, સિક્કા ઉપરાંત અન્ય ઐતિહાસિક અવશેષો જોવા મળે છે. તો વેલ્લોરના કિલ્લામાં આવેલું જલકંડેશ્વર મંદિર પણ શાનદાર વાસ્તુકલાના ઉત્તમ ઉદાહરણ રુપ છે. આ સિવાય વેલ્લોરમાં આપ સેંટ જોન ચર્ચ, ટીપૂ અને હૈદર મહેલ જેવી જગ્યાઓ જોવા અને જાણવાનો અનુભવ લઈ શકો છે. જો કે આપ વેલ્લૂરની મુલાકાત લેવાનું વિચારતા હો તો અહીં ફરવાનો બેસ્ટ સમય છે ઓક્ટોબર થી ફેબ્રુઆરીની વચ્ચેનો. કારણ કે બાકીના સમયમાં અહીં ગરમી વધારે અનુભવાતી હોય છે. પરંતુ આ સમયગાળા દરમ્યાન ગરમીનું જોર ઓછું હોવાથી ઘુમવા-ફરવાની મજા બેવડાઈ જતી હોય છે.
ન માત્ર શ્રીપુરમ ગોલ્ડન ટેમ્પલ પરંતુ વેલ્લોરની મુલાકાત આધ્યાત્મિકની સાથે સાથે ઐતિહાસિક અનુભવ બની રહે છે. ભારત જ નહીં પરંતુ વિદેશથી પણ મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવે છે. તો ભઈ જો તમે દક્ષિણ ભારતની સફર કરવાનું વિચારતા હો તો વેલ્લોર શ્રીપુરમ ગોલ્ડન ટેમ્પલ બિલકુલ પણ મિસ ન કરતા.ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથેની આ ટ્રિપમાં એક અનોખા અનુભવ માટે આપ પણ પહોંચી જાવ વેલ્લોર સુવર્ણ મંદિરની મુલાકાતે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો