ગોવા ફરવા જવું છે? આવુ જો કોઇ ગુજરાતીને તમે પૂછો તો ભાગ્યે જ એનો જવાબ ના માં હોય. ગોવા ગુજરાતીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. આ એક એવું રાજ્ય છે જેનું નામ સાંળતા જ યાદ આવે છે દૂર-દૂર સુધી ફેલાયેલો સમુદ્રનો કિનારો, આધુનિક જીવનશૈલી, ડ્રિંક-ડાન્સ, મસ્તી અને કાજૂથી બનેલી લાજવાબ ચીજો. પરંતુ ગોવા ફક્ત આટલે સુધી જ સીમિત નથી. અહીં ઘણાં સુદર રિસોર્ટ્સ છે જ્યાં લોકો શાંતિની પળો માણવા આવે છે. સામાન્ય રીતે લોકો ગોવા ઓક્ટોબરથી ફેબ્રુઆરીની વચ્ચે જતા હોય છે. પરંતુ અમે ગરમીની સીઝનમાં ગોવા જવાનું નક્કી કર્યું. મિત્રોએ ગરમીમાં ગોવા જવાની ના પાડી હતી પરંતુ અમે સલાહને અવગણી. કારણ હતું કે દિવાળીમાં કોઇ કારણસર ગોવા જવાનું શક્ય નહોતું બન્યું અને બીજું કે સ્કૂલોમાં વેકેશનને કારણે મે મહિનામાં જવાનું અચાનક નક્કી એટલા માટે કર્યું કે એર ટિકિટ સસ્તામાં મળતી હતી.
ગોવા તરફ પ્રયાણ
ગોવા જવા માટે અમે હું, મારી પત્ની અને પુત્રનું ફ્લાઇટ બુકિંગ અમે ફેબ્રુઆરીમાં જ કરાવી લીધું હતું. મે મહિનો ગોવા માટે ઓફ સીઝન હોવાથી ઇન્ડિગોની ફ્લાઇટમાં બુકિંગ એકદમ સસ્તામાં થયું. ફ્લાઇટ બપોરે એક વાગ્યાની હતી. બરોબર ત્રણ વાગ્યે અમે ગોવાના ડેમ્બોલિમ એરપોર્ટ પર પહોંચ્યા. અમારી હોટલ નોર્થ ગોવામાં હતી એટલે એરપોર્ટની બહારથી ટેક્સી કરી. ગોવામાં ઓલા કે ઉબરની મંજૂરી નથી તેથી પ્રાઇવેટ ટેક્સી પર જ આધાર રાખવો પડે છે. ગોવા ટુરિઝમ દ્ધારા પ્રિપેડ ટેક્સીનું બુકિંગ એરપોર્ટ પરથી જ થાય છે. જેનો રેટ અન્ય ખાનગી ટેક્સી કરતાં થોડોક ઓછો છે. જો તમારી પાસે લગેજ ઓછું હોય તો તમે સિટી બસમાં પણજી જઇ શકો છો. અને પણજીથી તમને નોર્થ ગોવા માટે બસ મળી જાય છે. અમે નોર્થ ગોવાના કેન્ડોલિમ બીચ પર આવેલી હોટલ સુધી જવાના 1200 રુપિયા ચૂકવ્યા. લગભગ સાંજે 5 વાગ્યાની આસપાસ અમે હોટલ પર પહોંચ્યા.
કેન્ડોલિમ બીચ પર મોજ
કેન્ડોલિમ બીચ પર હોટલ સિગ્નેટમાં અમારુ એડવાન્સ બુકિંગ હતું. આ એક થ્રી સ્ટાર હોટલ છે. થ્રી સ્ટાર કેટેગરીમાં તમને પોષાય તેવા ભાવમાં તમને અહીં રૂમ મળી રહેશે. હોટલથી ચાલીને તમે કેન્ડોલિમ બીચ જઇ શકો છો. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂરિસ્ટ્ને આકર્ષવા માટે અહીં ઘણું બધું છે. ગોવા ડેમ્બોલિન એરપોર્ટથી હોટલ 48 કિલીમીટર દૂર છે જ્યારે પણજી રેલવે સ્ટેશનથી તેનું અંતર 15.6 કિલોમીટર છે. હોટલમાં અમારુ સ્વાગત વેલકમ ડ્રિંકથી કરવામાં આવ્યું. ત્યારપછી હોટલના રુમમાં અમે ફ્રેશ થયા. હોટલથી ફક્ત અડધા જ કિલોમીટરના અંતરે કેન્ડોલિમ બીચ છે. રુમમાં ફ્રેશ થઇને અમે કેન્ડોલિમ બીચ જવા નીકળ્યા. કેન્ડોલિમ બીચ ગોવાના સૌથી લાંબા બીચમાંનો એક છે. કેન્ડોલિમ વિસ્તાર ગોવાના સૌથી પ્રસિદ્ધ દરિયાકિનારા કેલંગૂટ બીચની પાસે સ્થિત છે. કેન્ડોલિમ બીચ શાંતિપૂર્ણ વાતાવરણ માટે ઓળખાય છે. અમે અહીં દરિયામાં લહેરો સાથે ખુબ મસ્તી કરી. હોટલ પર પાછા ફરીને સ્વિમિંગ પુલમાં બધો થાક ઉતરી ગયો. રુમ પર પહોંચીને બીજા દિવસનું ફરવાનું પ્લાનિંગ બનાવ્યું.
ગોવા દર્શન
પહેલી વખત ગોવા જતા ગુજરાતીઓ મોટાભાગે ગોવાનો ખૂણેખૂણો જોઇ લેવા માંગતા હોય છે. પરંતુ આમ કરવામાં થાક પણ વધારે લાગે છે. અમે પણ અન્ય લોકોની જેમ જ 3 દિવસમાં બધુ જ ફરી લેવા માંગતા હતા. મે મહિનાની આકરી ગરમીને અવગણીને ગોવા ટુરિઝમની બસમાં ગોવા દર્શન કરવા ઉપડ્યા. હોપ ઓન હોપ ઓફ ગોવા બસ સર્વિસ સવારે 9 થી સાંજે 6 વાગ્યા દરમિયાન ચાલે છે. જેમાં પેસેન્જર દીઠ 300 રુપિયા ટિકિટ છે. બે દિવસના બુકિંગના 500 રુપિયા થાય છે. આ સિવાય તમે દિવસના 300 કે 350 રુપિયામાં ટુ વ્હીલર ભાડેથી રાખીને ગોવા ફરી શકો છો. પ્રાઇવેટ ટેક્સી 1200 થી 1500 રુપિયા ચાર્જ કરે છે.
ફોર્ટ અગોડા, ડોલ્ફિન પોઇન્ટ
પોર્ટુગીઝો દ્ધારા આ કિલ્લાનું નિર્માણ 17મી સદીમાં થયું હતું. ગોવાના પર્યટન સ્થળોમાં આ એક આકર્ષક સ્થાન છે. ફોટોગ્રાફીના શોખીનો અહીં આવવાનું ખાસ પસંદ કરે છે. અમે પણ અહીં ફોટોગ્રાફી કરી. અગોડા લાઇટ હાઉસ ઇસ.1864માં બનાવેલું એશિયાના સૌથી જુના લાઇટ હાઉસોમાંનું એક છે. અગોડા ફોર્ટથી અમે ડોલ્ફિન પોઇન્ટ પહોંચ્યા. ડોલ્ફિન જોવા માટે તમારે બોટમાં બેસીને પોઇન્ટ સુધી જવું પડે છે. જેની 250 થી 300 રુપિયા ટિકિટ છે. અમને ડોલ્ફિનના દર્શન થયા પરંતુ દૂરથી જ. બોટ નજીક જાય એટલે ડોલ્ફિન ગાયબ થઇ જતી હતી.
સેન્ટ કેથેડ્રલ, બોમ જીસસ ચર્ચ
જો તમે શાંતિની કેટલીક પળ વિતાવવા માંગો છો તો ગોવાના જાણીતા ચર્ચમાં જઇ શકો છો. ગોવા ભારતના કેટલાક સૌથી જુના ચર્ચોનું કેન્દ્ર છે. જેમાં યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધ ચર્ચ ઓફ બોમ જીસસ સામેલ છે. આ ચર્ચ ગોવાના સંરક્ષક પાદરીમાંના એક સેંટ ફ્રાંસિસ ઝેવિયરને સમર્પિત છે. આ ચર્ચ ઓલ્ડ ગોવામાં સ્થિત છે. આ ગોવાનું સૌથી પ્રાચીન ચર્ચ છે. અહીં સેંટ કેથરીન ચર્ચ છે જે એશિયાના સૌથી મોટા ચર્ચોમાંનું એક છે.
ગોવાના અન્ય ફરવાલાયક સ્થળો
ગોવામાં આમ તો અનેક બીચ તેમજ અન્ય જોવાલાયક સ્થળો છે. પરંતુ અમે અંજુના, બાગા, કલંગુટ, ડોના પોલા, ગોવા સાયન્સ મ્યુઝિયમ, મંગેશી મંદિર ફરવા ગયા. ડોના પોલા સાઉથ ગોવામાં છે જ્યાં અજય દેવગણની સિંઘમ ફિલ્મનું શુટિંગ થયું હતું. અહીં લગભગ દરેક સોડાની દુકાનનું નામ સિંઘમ મસાલા સોડા જોવા મળે છે. અમે પણ અહીં સોડાનો આનંદ માણ્યો. ડોના પોલા પર ફોટોગ્રાફી કરવાની મજા આવશે.
અહીંથી અમે મંગેજી મંદિર ગયા. ગોવાના મંગેશી મંદિરના મુખ્ય આરાધ્ય શ્રી મંગેશ છે જેમને ‘મંગિરીશ’ પણ કહેવામાં આવે છે. જેમને ભગવાન શિવનો અવતાર કહેવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે ભગવાન શિવે માતા પાર્વતીને ડરાવવા માટે સિંહનું રૂપ ધારણ કરી રાખ્યું હતું. મંગેજી મંદિરની બહાર અમે બપોરનું લંચ કર્યું. નોર્થ ગોવામાં કેન્ડોલિમ, કલંગુટ, બાગા બીચ નજીક નજીકમાં છે. બાગા અને કલંગુટ બીચ પર તમે વોટર સ્પોર્ટ્સ કરી શકો છો.
રિવર ક્રૂઝ
ડોના પોલા, સાયન્સ મ્યુઝિયમ જોઇને પાછા ફરતા સાંજ પડી ગઇ. સાંજે પણજીમાં માંડોવી રિવર પર ક્રૂઝની મજા માણવા પહોંચી ગયા. અમે ક્રૂઝ પર ડીજે, ડાન્સ અને ડીનર સાથે સાંજ એન્જોય કરી. ક્રૂઝ તમને લગભગ એક કલાક માંડોવી નદીમાં ફેરવે છે. ડીનર વગરનું પેકેજ પણ લઇ શકાય છે. જેની 300 રુપિયા ટિકિટ છે.
દૂધસાગર વોટરફોલ
બીજી દિવસે અમે દૂધસાગર વોટરફોલ ગયા. અહીં જવું હોય તો પ્રાઇવેટ ટેક્સી કરવી પડે અથવા તો ટેમ્પો ટ્રાવેલરમાં જઇ શકાય. દૂધસાગર વોટરફોલ નોર્થ ગોવાથી લગભગ 80 કિલોમીટર દૂર કર્ણાટકની બોર્ડરે છે. પ્રાઇવેટ ટેક્સીના (4 સીટર) 3000થી 4500 રૂપિયા થશે. વોટરફોલ નજીક પ્રાઇવેટ પાર્કિંગમાં વાહનો પાર્ક કરી ફોરેસ્ટ ખાતાની જીપમાં જંગલમાં લઇ જશે. જેના અલગથી 400 રૂપિયા આપવા પડે છે. વોટરફોલમાં ન્હાવામાં સાવધાની રાખવી કારણ કે ચીકણાં પથરા છે અને પાણીમાં માછલીઓ પણ છે. વોટર ફોલની જગ્યા સાંકડી છે. ચેન્નઇ એક્સપ્રેસનું શૂટિંગ અહીં થયું હતું. વોટરફોલ ઉપરથી રેલવે પસાર થાય છે જેની પર પાણી પડે છે. પરંતુ ઉનાળામાં પાણીનો ફોર્સ એટલો જોવા મળતો નથી. વોટરફોલથી પાછા ફરતાં ટ્રાવેલ ઓપરેટર્સ સ્પાઇસ ગાર્ડનમાં લઇ જાય છે. જ્યાં તમને લંચ કરાવવામાં આવે છે. અહીં 400 રૂપિયામાં અનલિમિટેડ લંચ કરાવવામાં આવે છે. પરંતુ ગુજરાતીઓને અહીંનું ખાવાનું બિલકુલ નહીં ભાવે કારણ કે તે બિલકુલ સ્વાદહીન અને તદ્દન ફિક્કું હોય છે.