ગણપતિ બાપ્પા, ગણેશજી, વિનાયક કે પછી દુંદાળા દેવ...કંઈ કેટલાય નામોથી જેમની આરાધના કરવામાં આવે છે એવા પ્રથમ પૂજનીય દેવ ગણપતિમાં લોકોની શ્રદ્ધા અખૂટ છે...ભારતમાં તો ગણેશજીના મંદિરો હર જગ્યાએ જોવા મળે પરંતુ શું તમે જાણો છો ગણપતિ બપ્પાની વિદેશોમાં પણ છે બોલબાલા..અને વિશ્વના અલગ અલગ દેશોમાં આવેલા છે ગણેશજીના શાનદાર મંદિરો.. જ્યાં થાય છે વિઘ્નહર્તાની વિશેષ પૂજા. વિદેશની ધરતી પર સ્થિત ગણપતિ મંદિરોની આજે કરીએ વાત.
સુર્ય બિનાયક મંદિર, નેપાળ
પડોશી દેશ નેપાળમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે..જ્યાં ગણેશજીના મંદિરો પણ આવેલા છે...અને જાણીને નવાઈ લાગે કે નેપાળમાં એક બે નહીં પરંતુ 8 ગણેશ મંદિર આવેલા છે. પરંતુ નેપાળના કાઠમંડૂના ભક્તપુરમાં નાનકડી ટેકરી પર આવેલું સુર્ય બિનાયક મંદિર નેપાળના અતિસુંદર ગણેશમંદિરમાંથી છે એક. લગભગ 1500 વર્ષ પહેલા લિચ્છવી કાળ દરમ્યાન રાજા વિષ્ણુ દેવ બર્મા દ્વારા બનાવવામાં આવેલું પ્રાચીન મંદિર છે આ. મહત્વપુર્ણ રીતે સુર્ય બિનાયક મંદિર મુક-બધિર બાળકોને સાજા કરનારા દેવતા તરીકે જાણીતું છે. આ ઉપરાંત પણ નેપાળમાં કેટલાક મહત્વના ગણેશ મંદિરો છે જેમકે..
- અશોક વિનાયક મંદિર, કાઠમાંડૂ
- ચંદ્ર વિનાયક મંદિર, કાઠમાંડૂ
- જલ વિનાયક મંદિર, ચોબર
- કર્ણ વિનાયક મંદિર, બુંગાભાટી
- સિદ્ધ ગણેશ મંદિર, જનકપુર
- ગિરજા ગણેશ મંદિર, ફુલહારા
- વિજય ગણપતિ મંદિર, ગોરખા
અરુલમિગુ નવસક્તિ વિનયગર ટેમ્પલ,સેશેલ્સ
સેશેલ્સના માહેમાં આવેલું એકમાત્ર ગણેશ ટેમ્પલ છે અરુલમિગુ નવસક્તિ વિનયગર ટેમ્પલ. સેશેલ્સમાં હિન્દુ ધર્મ બીજા ક્રમે પળાય છે. ત્યારે આ મંદિરમાં ગણેશજી અધિષ્ઠાતા દેવતા તરીકે બીરાજમાન છે.અહીં ગણપતિની સાથે અન્ય મૂર્તિઓ પણ છે. જેમકે મુરુગન, દેવી દુર્ગા, શ્રીનિવાસા પેરુમલ, ભૈરવ, ચંડકેશ્વરની પણ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે. મહત્વપુર્ણ રીતે તાઉપ્પુસમ કવાડી ફેસ્ટિવલ અહીં ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં કવાડી રથયાત્રા કાઢવામાં આવે છે. સેશેલ્સમાં આ મંદિરનું ખાસ મહાત્મ્ય છે.
શ્રી મહાવલ્લભા ગણપતિ દેવસ્થાનમ મંદિર , અમેરિકા
ગણપતિના મંદિરોના મામલે તો જોજનો દૂર આવેલું અમેરિકા પણ પાછળ નથી. અમેરિકામાં પણ ભગવાન ગણેશજીની પૂજા અર્ચના થાય છે. અહીં ભારતીય લોકો બહોળી સંખ્યામાં છે અને અહીં હિંદૂ દેવી-દેવતાઓના મંદિરો પણ આવેલા છે જેમાં ગણેશજીને સમર્પિત શ્રી મહાવલ્લભા ગણપતિ દેવસ્થાનમ મંદિર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું સેકન્ડ ઓલ્ડેસ્ટ હિંદુ મંદિર છે. ક્વીન્સ, ન્યૂયોર્કમાં આવેલા મહાવલ્લભા ગણપતિ દેવસ્થાનમનું સંચાલન હિન્દુ ટેમ્પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકામાં અન્ય ગણપતિ મંદિરો પણ આવેલા છે. જેમાં છે..
- ગુજરાત સમાજ હિંદૂ મંદિર, ફ્લોરિડા
- મહાગણપતિ મંદિર, ફીનિક્સ, એરિઝોના
- શ્રી ગણેશ મંદિર, સિએટલ
- શ્રી ગણેશ મંદિર, અલાસ્કા
- શ્રી ગણેશ મંદિર, ઉત્તર ટેક્સાસ
- વૈદિકા વિદ્યા ગણપતિ મંદિર, સેંટ જ્યોર્જ, કેલિફોર્નિયા
શ્રી સિથ્થી વિનયગર કોઈલ , ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયામાં હિન્દુ ધર્મમાં માનનારા લોકોની સંખ્યા ઘણી જ વધારે છે. અને હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો પણ. ખોદકામ દરમ્યાન ઈન્ડોનેશિયામાં હજારો વર્ષો જુની ભગવાન ગણેશની મૂર્તિઓ મળી આવી હતી. ત્યાં સુધી કે ઈન્ડોનેશિયાની કરન્સીમાં 20 હજારની નોટ પર ગણેશજીનું ચિત્ર પણ જોવા મળ્યું છે. ત્યારે ઈન્ડોનેશિયાના મેડન, નોર્થ સુમાત્રામાં આવેલું શ્રી સિથ્થી વિનયગર કોઈલ એ પ્રમુખ ગણેશ મંદિર છે. ઈન્ડોનેશિયન ગણેશ ભક્તો પોતાના નવા કામની શરુઆત આ મંદિરમાં દર્શન કરીને કરેછે..તો વિઘ્નહર્તા તરીકે, સફળતા અને ખેતીમાં ઉત્પાદન વધારવા માટે અહીં ગણપતિને પ્રાર્થના કરવામાં આવે છે.
અન્બુ વિનયગર ટેમ્પલ, ન્યૂઝિલેન્ડ
ગણેશ ભક્તિમાં તો ન્યૂઝિલેન્ડ પણ પાછળ નથી. અહીં સાઉથ આઈલેન્ડ ક્રાઈસ્ટચર્ચમાં આવેલું છે અન્બુ વિનયગર મંદિર જ્યાંની ગણપતિની પ્રતિમા છે ખાસ. એક જ પથ્થરમાંથી કંડારવામાં આવેલી આ મૂર્તિ 1.5 મીટર હાઈટ અને 3500 કિલોગ્રામ વજનવાળી છે. ન્યૂઝિલેન્ડમાં રહેતા અને હિન્દુ ધર્મ પાળનારા તમામ લોકો આ ગણપતિને ખુબ જ માને છે અને તેમની આરાધના પણ કરે છે. તો મંદિરમાં અન્ય દેવીદેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે અને તમામ હિન્દુ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે.
શ્રી સિથી વિનયગર ટેમ્પલ, મલેશિયા
ગણપતિ બાપ્પાની બોલબાલા તો મલેશિયામાં પણ છે...અહીં પેટાલિંગ જયા, સેલન્ગોરમાં આવેલું શ્રી સિથી વિનયગર ટેમ્પલ મલેશિયાનું સૌથી મોટું ગણેશ મંદિર હોવાનું માનવામાં આવે છે. દ્રવિડ વાસ્તુકલા દર્શાવતુ આ મંદિર 1964માં બન્યું હતું. પેટાલિંગ જયામાં બહોળા પ્રમાણમાં હિન્દુ વસ્તી હોવાથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને અહીં મહા શિવરાત્રિ કે નવરાત્રિ જેવા તહેવારો ભક્તિભાવ પુર્વક ઉજવવામાં આવે છે. ગણેશચતૂર્થીનો શાનદાર ઉત્સવ ઉજવાય છે જ્યાં અઠવાડિયા સુધી ગણપતિ ભક્તોને જમાડવામાં પણ આવે છે. આ ઉપરાંત પણ મલેશિયામાં કેટલાક ગણેશમંદિરો આવેલા છે જેમ કે. ..
- શ્રી ગણેશ મંદિર, કોટ્ટુમલાઈ
- શ્રી ગણેશન મંદિર, જલાન પુડુ લામા
- શ્રી મહાગણપતિ મંદિર, ઈપોહ
- શ્રી પરમ જ્યોતિ વિનાયક મંદિર, ઈપોહ
શ્રી વરથરાજા સેલ્વાવિનિયગર ટેમ્પલ, નેધરલેન્ડ્સ
1991માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુંહતું જે ડેન હેલ્ડર નેધરલેન્ડ્સમાં આવેલું છે અને નેધરલેન્ડનું જૂનામાં જુનું ગણેશ મંદિર છે. હિન્દુ રીતિરિવાજોમાં આસ્થા રાખનારા લોકો આ મંદિરને ખૂબ જ માને છે. શ્રી વરથરાજા સેલ્વાવિનયગર મંદિર ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. દક્ષિણની શૈલીમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
થાઈલેન્ડના ગણેશમંદિર
થાઈલેન્ડ તો જાણે ગણપતિ બપ્પાની આરાધનામાં મગ્ન બનેલો દેશ છે. વિઘ્નહર્તાને અહીં ફ્રા ફિકાનેત તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગણેશજીને એલિફન્ટ ગોડ તરીકે પૂજવામાં આવે છે અને અહીંનું વાત સમન રત્તનરમ ગણેશ મંદિર કે જે બેંગકોકથી 1 કલાકના અંતરે ચેચોએંગસાઓમાં આવેલું છે. અહીં ગણેશજીનું બિગેસ્ટ રિક્લાઈનિંગ સ્ટેચ્યૂ એટલે કે આડી પડેલી પ્રતિમા આવેલી છે. ગુલાબી રંગની આ વિશાળ મૂર્તિ 16 મીટર ઉંચી અને 22 મીટર લાંબી છે. અને મંદિરમાં સતત તમને ભારતીય સંગીત સાંભળવા મળે છે.
તો આ ઉપરાંત થાઈલેન્ડમાં આવેલું ગણેશ શ્રાઈન પણ એક અદભુત ગણપતિની મૂર્તિ ધરાવે છે. અહીં ગણેશજીને વિઘ્નહર્તા, સુખ-સમૃદ્ધિના દેવતા અને ભાગ્યવિધાતા તરીકે પૂજવામાં આવે છે. થાઈલેન્ડમાં અન્ય પણ કેટલાક ગણેશ મંદિર આવેલા છે જેમાં
- વાત ફ્રોંગ અકાત બુદ્ધીસ્ટ ટેમ્પલ, ચેચોએંગસાઓ
- ગણેશ ટેમ્પલ , હુઆઈ ખ્વાંગ , બેંગકોક
- ગણેશ ટેમ્પલ બાંગ યાઈ, નોથનબુરી
- પિકાનેસુન્દેવલાઈ, ચિયાંગ માઈ
કેનેડામાં ગણપતિ મંદિર
કેનેડામાં હિંદુ ધર્મમાં માનનારા લોકોની સંખ્યા પણ બહોળા પ્રમાણમાં છે...ત્યારે સ્વાભાવિક પણે હિન્દુ દેવીદેવતાઓના મંદિરો પણ જોવા મળે...કેનેડામાં અલગ અલગ જગ્યાઓ પર ભગવાન શ્રી ગણેશના 4 મંદિરો આવેલા છે. જ્યાં દરરોજ ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે.
- શ્રી મહાગણપતિ મંદિર, એડમૉન્ટન
- મુથુ વિનયગર કોવિલ મંદિર, ટોરંટો
- રિચમંડ હિલગણેશ મંદિર, ટોરંટો
- શ્રી કટપક વિનયાગર રોવિલ મંદિર, બ્રેમ્પટન
ભારત હોય કે દુનિયાના મોટા મોટા દેશ અને મોટા શહેરો...જેવા કે જર્મની, ફ્રાન્સ, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, લંડન, સિંગાપુર ઉપરાંતિ ગણ્યા ગણાય નહીં એવા એવા દેશ અને સીટીઝ...તમામ જગ્યાએ પૂજાય છે ગણપતિ બાપ્પા...અને વિઘ્નહર્તાના અલગ અલગ સુશોભિત મંદિરો બને છે તમામ ગણેશભક્તો માટે આસ્થાનું કેન્દ્ર.
તો મિત્રો...તમારી સફરને આસાન અને આનંદદાયક બનાવવા માટેનો આ આર્ટિકલ જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભુલશો નહીં...ફરી ઘુમીશું કોઈ નવા ડેસ્ટિનેશન પર અને ફરી કરીશું કોઈ નવી ટ્રાવેલ તફરીની વાત...નેક્સ્ટ આર્ટિકલમાં.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો