સાથે ફરીને કરી અજાણ્યા રુમમેટથી બેસ્ટ ફ્રેન્ડ બનવા સુધીની સફર

Tripoto
Photo of સાથે ફરીને કરી અજાણ્યા રુમમેટથી બેસ્ટ ફ્રેન્ડ બનવા સુધીની સફર 1/3 by Paurav Joshi

ટ્રાવેલિંગથી મને ઘણું શિખવા મળ્યું છે અને ઘણું બધુ મેળવ્યું પણ છે. મેં શહેરોને કંઇક અલગ એન્ગલથી પણ જોયા છે, હું જ્યારે પહાડોમાં હોઉં છું તો ત્યાંની શાંતિ જ નહીં, ત્યાંના કોલાહલને સાંભળવાની કોશિશ કરું છું. એટલે મને સોલો ટ્રિપ પર જવાનું વધુ પસંદ છે. એકલા મુસાફરી પર જવાની પોતાની આઝાદી હોય છે. જો ચાલવું હોય તો ચાલ્યા જાઓ અને જ્યારે લાગે કે અટકવું જરુરી છે તો અટકી જાઓ. પરંતુ ક્યારેક ક્યારેક લાગે છે કે આ સફરમાં એક સાથ હોવો જોઇએ જે તે સુંદર સફરને યાદગાર બનાવી શકે. આવી જ એક સફર પર પોતાના મિત્રની સાથે ગયો હતો અને જ્યારે પાછો ફર્યો તો એકબીજા સાથે સંબંધો ગાઢ બની ગયા હતા. ખબર નહીં તે કોનો જાદુ હતો, તે સફરનો કે તે દોસ્તના સંગાથનો.

અજાણી સફરની શરુઆત

હું દિલ્હીમાં નોકરી કરતો હતો, નોકરી કરતા-કરતા કંટાળો આવે એ સ્વાભાવિક વાત છે. તેનાથી બહાર નીકળવાની એક રીત મેં શોધી કાઢી હતી, ફરતા રહો! જ્યારે પણ ઓફિસથી રજા હોય, હું મારી બેગ પેક કરતો અને કયાંય પણ ફરવા નીકળી જતો. આ વખતે જ્યારે હું જયપુરની મુસાફરીથી પાછો ફર્યો તો જોયું કે મારા ફ્લેટમાં એક છોકરી રહેવા આવી હતી. મારી બાજુની રુમ તેની હતી. હું પોતાની ઓફિસ જતો અને તે તેની ઓફિસ. અમારે મળવાનું ઓછુ જ થતું. વાત પણ નહીંવત જેવી થતી. જ્યારે પણ નજરો મળતી ‘હાય-હેલો’થી વાત શરુ થતી અને ‘હાય-હેલો’ પર જ સમાપ્ત થતી.

Photo of સાથે ફરીને કરી અજાણ્યા રુમમેટથી બેસ્ટ ફ્રેન્ડ બનવા સુધીની સફર 2/3 by Paurav Joshi

હું મારા ડેઇલી રુટીન પર હતો. જ્યારે પણ ટાઇમ મળતો, હું ક્યાંકને ક્યાંક ફરવા માટે નીકળી જતો. દરમિયાન કોલકાતા, અલાહાબાદ જેવા શહેરોની યાત્રા કરી આવ્યો હતો. હું જ્યારે પણ તે છોકરીને જોતો મને તે ઉદાસ દેખાતી. એક દિવસ જ્યારે હું ઓફિસથી આવ્યો તો જોયું કે તે રડી રહી હતી. હું તેની પાસે ગયો અને કારણ પૂછ્યું. તેણે જણાવ્યું કે નોકરીમાં કામ ઘણું છે, પરેશાન થઇ ગઇ છું અને છોડવાનું મન બનાવી રહી છું. ત્યારે મેં વગર વિચાર્યે કહી દીધું, ક્યાંક ફરવા જઇએ? આ સાંભળતા જ તેણે ‘હાં’કહી દીધું, કદાચ તેને પણ આ શહેરથી કામથી દૂર જવું હતું.

મેં તેજ રાતે તેને કહ્યું મારી એક શરત છે. તેણે આશ્ચર્યથી પૂછ્યું, શું? મેં કહ્યું કે હાઇ-ફાઇ જગ્યાએ રોકાઇ નહીં શકુ. જ્યાં પણ જઇશું લોકલ બસથી જઇશું અને સસ્તી જગ્યા પર જમીશું. તે હસી અને હાંમાં માથુ હલાવ્યુ. જ્યારે હું જવા લાગ્યો તો તેણે હસીને કહ્યું, "સાંભળો! હવે તો આપણે દોસ્ત બની ગયા છીએ, તમારુ નામ તો જણાવો" અમે હસતા-હસતા એકબીજાનું નામ જણાવ્યું. તેનું નામ હતુ, શીનૂ. ઘણું વિચાર્યા પછી જે જગ્યાને પસંદ કરી તે હતી પટનીટૉપ. આ જગ્યાએ હું હંમેશા જવા માંગતો હતો પરંતુ ખબર નહોતી કે આટલી જલદી જઇશ અને કોઇની સાથે જઇશ એવું તો બિલકુલ નહોતું વિચાર્યું. થોડાક દિવસો પ્લાનિંગ કરીને અમે અમારી સફરની શરુઆત કરી.

પઠાણકોટ

રાતે અમે દિલ્હીની બસમાં બેઠા અને પઠાણકોટ જવા માટે નીકળી પડ્યા. મોડી રાત સુધી અમે વાતો કરતા રહ્યા. અમે એકબીજા વિશે કંઇ નહોતા જાણતા એટલે બતાવવા માટે ઘણું બધુ હતુ. તેણે તેના સ્કૂલ ટાઇમથી દિલ્હી સુધીની બધી કહાની જણાવી અને મેં મારી મુસાફરીના ઘણાં કિસ્સા સંભળાવ્યા. થોડાક જ કલાકોમાં હું તેના સ્કૂલના દોસ્ત, તેના પરિવારને જાણવા લાગ્યો હતો.

આવી જ વાતો કરતા-કરતા ક્યારે ઊંઘ આવી ગઇ ખબર જ ન પડી. જ્યારે આંખ ખુલી તો બસ પંજાબના રસ્તે ફરી રહી હતી. થોડીક જ વારમા સવાર થઇ અને અમે પઠાણકોટ પહોંચી ગયા. પઠાણકોટમાં ફરવાનું નહોતુ, આ તો ફક્ત એક મુકામ હતો. અમારે તો અહીંથી પટનીટૉપ પહોંચવાનું હતું. અમે પંજાબી ઢાબા પર ખાવાનું ખાધુ અને પછી નીકળી પડ્યા કટરા તરફ. કટરા એ જગ્યા છે જ્યાંથી વૈષ્ણોદેવીના દર્શન માટે ચઢાણ કરવું પડે છે. પરંતુ અમે પટનીટૉપ બાજુ નીકળી પડ્યા.

પટનીટૉપ

પટનીટૉપ જમ્મૂ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાનું એક સુંદર હિલ સ્ટેશન છે. શિયાળાના સમયે અહીં સારીએવી સંખ્યામાં પર્યટકો આવે છે. આવા જ એક સુંદર હિલ સ્ટેશન પર અમે જઇ રહ્યા હતા. કટરાથી પટનીટૉપનો રસ્તો સુંદર છે. સુંદર પહાડ અને મનમોહક વળાંકવાળો, ગાઢ જંગલ બધુ જ ઘણું સુંદર હતુ. અમે રસ્તામાં હતા જ્યારે સૂર્યાસ્ત થઇ રહ્યો હતો, શું શાનદાર નજારો હતો? એવું લાગી રહ્યું હતુ કે તે નજારો અટકી જાય અને કલાકો સુધી બસ તેને જ જોતા રહીએ.

જ્યારે અમે પટનીટૉપ પહોંચ્યા તો ઘણી રાત થઇ ચૂકી હતી. અમે હોટલ પહેલેથી જ બુક કરી લીધી હતી તો સીધા હોટલ પહોંચી શકાય. બેગ રાખી અને રાતની છટામાં રસ્તા પર ફરવા નીકળી પડ્યા.

અહીં આવીને હું તો ખુશ હતો, હું જોઇ રહ્યો હતો કે શીનૂ પણ ઘણી જ ખુશ દેખાતી હતી. તેને જોઇને એવું લાગી રહ્યું હતું કે આ ઠંડીની ઋતુમાં તેના શરીરમાંથી જુનુ ખંડેર જતુ રહ્યું અને ખુશીની ચાદર ઓઢી લીધી હોય. રાતના અંધારામાં અમે વાતો કરતા જઇ રહ્યા હતા. એક જગ્યાએ નાનકડી દુકાન મળી, જ્યાં અમે ગરમા-ગરમ ચા પીધી. હું સામાન્ય રીતે ચા નથી પીતો પરંતુ ફરવા જઇએ ત્યારે ચાની ચુસ્કી લેવાની મજા જ કંઇક ઓર હોય છે. તે રાતે અમને હોટલ પર પાછા જવાનું મન નહોતું થઇ રહ્યું. પરંતુ જ્યારે તે દુકાનવાળાએ બતાવ્યું કે રાતે અહીં વાઘ પણ આવે છે તો તે ડરથી અમે પાછા પોતાની હોટલમાં ભરાઇ ગયા. રાતે વાતો કરતા-કરતા સુઇ ગયા.

શિયાળો અને સુંદર સવાર

સવારે આંખ કંઇક જલદી ખુલી ગઇ. બાલ્કનીમાં આવ્યો તો ખુશીથી ઉછળી પડ્યો. અમારી સામે એક સુંદર ખીણ હતી અને સામે બરફથી લદાયેલા પહાડ. જેવા મેં ફિલ્મોમાં જોયા હતા તેવુ જ કંઇક પોતાની સામે જોઇ રહ્યો હતો. શીનૂ હજુ પણ ઊંઘી રહી હતી, મેં તેને જગાડી. તે અડધી ઉંઘમાં હતી, આટલી જલદી ઉઠીને શું કરીશું? મે તેની આંખો પોતાના હાથથી બંધ કરી અને બાલ્કનીમાં લઇ ગયો. તે હાથ હટાવવાની જીદ કરી રહી હતી, જ્યારે મેં હાથ હટાવ્યો તો થોડીક સેકન્ડ તો ચોંકી ગઇ.

પછી શું? તે નાચવા કુદવા લાગી અને હું હસી રહ્યો હતો. અમે એજ બાલ્કનીમાં બેસીને સૂર્યોદયની રાહ જોવા લાગ્યા અને જ્યારે સૂરજનું પહેલુ કિરણ પડ્યું તો એવું લાગ્યું કે આનાથી સુંદર કંઇ ન હોઇ શકે. યાત્રાઓ અદ્ભુત અને મુશ્કેલ હોય છે પરંતુ કોણ જાણે કેમ મને આ યાત્રા એકદમ સરળ અને મજેદાર લાગી રહી હતી. પહેલીવાર કોઇનો સાથ મને સારો લાગી રહ્યો હતો અને સફરને એન્જોય કરી રહ્યો હતો.

પહાડો પર સવાર-સવારનો નાશ્તો મેગી અને ચા જ હોય છે. આ સાથે અમારી પણ સવાર સારી થઇ ગઇ. અમે પટનીટોપને શાંતિથી માપવા નીકળી પડ્યા. અમે આ હિલ સ્ટેશન પર રસ્તાથી દૂર જંગલમાં આવી ગયા. અહીં યૂકેલિપ્ટસ અને દેવદારના લાંબા લાંબા ઝાડ હતા. જેના કારણે તડકો સંપૂર્ણ રીતે ધરતી પર નહોતો આવી રહ્યો. અહીં અમે કલાકો સુધી ફરતા રહ્યા અને વાતો કરતા રહ્યા. અહીં દેવદારના જંગલોની વચ્ચે ઘણો સમય વિતાવ્યો. પાસે એક પાર્ક હતો જ્યાં અમે હિંચકો ખાધો અને તે જ ઉલટા ઝુલામાં તેણે મને થેંક્યુ કહ્યું અને મેં પણ સામે આભાર માન્યો.

Photo of સાથે ફરીને કરી અજાણ્યા રુમમેટથી બેસ્ટ ફ્રેન્ડ બનવા સુધીની સફર 3/3 by Paurav Joshi

અમે દિલ્હી પાછા ફર્યા અને ફરીથી પોતાની જુની ઝિંદગીમાં જીવવા લાગ્યા. પરંતુ હવે મારી ફ્લેટમેટ મારી સૌથી સારી દોસ્ત બની ગઇ હતી. તે સફર બાદ મને સમજાયું કે ઝિંદગીની ખુશી એકલા જીવવામાં નથી પણ કોઇના સંગાથમાં છે. ખુશી બેગણી થઇ જાય છે જ્યારે તમે કોઇની સાથે પોતાની ખુશી વહેંચો છો. હું હજુ પણ સોલો ટ્રિપ પર જાઉં છું પરંતુ હવે મુસાફરી દરમિયાન સાથીઓની શોધમાં રહું છું.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads