વર્ષ 2022માં ઉત્તરાયણ એ લોંગ વેકેન્ડ હતો અને અમે કેટલાક સહકર્મીઓએ અમદાવાદથી જોધપુરનો પ્રવાસ કરવાની યોજના બનાવી હતી. અમદાવાદથી રાતની બસમાં નીકળીને અમે સવારે 5 વાગે જોધપુર પહોંચ્યા.
જોધપુરની બધી જ બસો શહેરની ભાગોળે ઊભી રહે છે. જોધપુર શહેરની નજીક અમે આવી ચૂક્યા હતા પણ પ્રવાસની સત્તાવાર શરૂઆત કરીએ તે પહેલા એક કપ ચાય તો બનતી હૈ! આગલી રાતની મુસાફરીનો થાક હશે, ઠંડીની અસર હશે કે પછી મારો ચા પ્રેમ, જોધપુર પહોંચતાની સાથે જ અમે જે ચા પીધી એ કદાચ મેં પીધેલી બેસ્ટ ચા હતી!
જોધપુર એ મારા એક સહકર્મીનું વતન હતું. એટલે તેના માટે તો રોકાવાનો કોઈ પ્રશ્ન ન હતો. બાકી બચ્યા અમે 3 જણા જે સંપૂર્ણ કરકસરપૂર્વક આ પ્રવાસ કરવા ઇચ્છતા હતા. Booking.com પર એક હોસ્ટેલ વિષે જાણવા મળ્યું અને એ જ અમે બૂક કરાવી. આપણી જનરેશનની ભાષામાં કહું તો આ એક super cool હોસ્ટેલ હતી! તે સમયે પ્રતિ વ્યક્તિ ભાડું 425 રૂ હતું.
ખર્ચ બચાવવા અમે જોધપુરમાં હોસ્ટેલ બૂક કરી, અને એ એક પૈસા વસૂલ નિર્ણય સાબિત થયો!
ફરવાની શરૂઆત પણ અમે ચા, ભજીયા અને બે-ત્રણ પ્રકારની કચોરી સાથે કરી. અમારું પ્રથમ ડેસ્ટિનેશન હતું મહેરાનગઢ ફોર્ટ. આ ભવ્ય ગઢનું મને સૌથી રોમાંચક પાસું લાગ્યું એ હતો અહીંથી જોવા મળતો આખા શહેરનો વ્યૂ! જોધપુરને શું કામ બ્લૂ સિટી કહેવામાં આવે છે તેની માત્ર બે જ ઘડીમાં ખાતરી કરવી હોય તો આ કિલ્લાની બહારનો નજારો જોવો. ભૂરા રંગે રંગાયેલા બાંધકામો જાણે આ શહેરને આખા જગતથી અલગ પાડે છે.
અમે આ શહેરને ખૂંદી રહ્યા હતા અને સમજી રહ્યા હતા કે રાજસ્થાન ટુરિઝમની ટેગલાઇન ‘જાને કયા દિખ જાયે’ શું કામ રાખવામાં આવી છે!? દરેક જગ્યા અનોખી હતી. અમારી સાથે સ્થાનિક સહકર્મી હતા તેમના જ્ઞાનનો પણ અમને ઘણો લાભ થયો. મહેરાનગઢ ફોર્ટમાં એક માતાજીનું મંદિર આવેલું છે જેનો અહીંના સ્થાનિકોને ખૂબ મહિમા છે. અમને અમારી સ્માર્ટ વોચ જણાવી રહી હતી કે અમે માત્ર આ એક જગ્યાએ જ 15 કિમી જેટલું ચાલી ચૂક્યા હતા એટલે સ્વભાવિકપણે જ બહુ થાકી ગયા હતા. પણ અહીંના રાજા તેમના દરેક યુદ્ધ પહેલા જે મંદિરે દર્શન કરવા આવતા, અને જ્યાંથી જોધપુરનો બેસ્ટ નજારો જોવા મળતો એ ખાસ જોવા જવા મારા સહકર્મીએ સૂચન કર્યું. આખો દિવસ ગઢમાં પસાર કર્યા પછી આ મંદિરમાં આરતીના ઘંટારવ વચ્ચે અમે સૂર્યાસ્ત નિહાળ્યો.
રાતે ખૂબ ભૂખ લાગી હતી એટલે અમે અલગ અલગ મીઠાઇ પર હાથ અજમાવીને, બજારમાં લટાર મારીને રૂમે પાછા ફરવાનું નક્કી કર્યું અને લસ્સી, ગુલાબ જાંબુ, ઘેવર જેવી મીઠાઈઓને ઓથેન્ટિક જોધપુરી સ્ટાઇલમાં માણી. આ મીઠાઇ બનાવવાની પ્રક્રિયા જોઈ-જાણી રહ્યા હતા ત્યારે દુકાનદારોનું પ્રવાસીઓ સાથેનું પોતીકું વર્ણન એ વાત સાબિત કરતું હતું કે આ મીઠાઇની સૌથી મહત્વની સામગ્રી તેમનો ‘પ્રેમ’ હતો.
કુલ 21 કિમી પગપાળા વિતેલો અમારો પ્રથમ દિવસ પૂરો થયો.
બીજા દિવસની શરૂઆત થઈ સવારે 4.30 વાગે પચેટિયા હિલની સફર સાથે.
આ એક એવી અજાણી જગ્યા હતી જે વિષે કોઈ પણ સ્થાનિક નહોતું જાણતું. ઇન્સ્ટાગ્રામ પર મેં આ વિષે જાણ્યું હતું અને અહીંનો સૂર્યોદય ખાસ જોવા જેવો છે તેવી માહિતી મળેલી. સવારે પાંચ વાગે, જોધપુરની ભેંકાર ગલીઓમાં કૂતરાઓની ડેન્જરસ કંપની વચ્ચે કોઈ રિક્ષા કરી અને ગૂગલ મેપના સહારે પચેટિયા હિલની તળેટી પહોંચ્યા.
રિક્ષાએ વિદાય લીધી અને અમે એક ખૂબ અઘરો ટ્રેક કરીને ઉપર પહોંચ્યા. 6-7 કુતરાઓ વાતાવરણને વધુ બિહામણું બનાવી રહ્યા હતા! આટલી બીક ભાગ્યે જ મને ક્યારેય લાગી હશે! વધુ થોડા કુતરાઓ મળ્યા અને આખા રસ્તે અમે લોકો દયનીય સ્થિતિમાં મુકાઇ ગયા. કોઈ ઘરના આંગણામાં જઈને ઝાંપો બંધ કરી દીધો. મનોમન અફસોસ કરી રહ્યા હતા કે અહીંનો સૂર્યોદય આપણા ભાગ્યમાં જ નથી લાગતો.
અમારા સદનસીબે 15-20 મિનિટ પછી એક બાઇક પર બે ફોટોગ્રાફર્સ આવ્યા જે પચેટિયા હિલ પર પ્રિ વેડિંગ ફોટોશૂટ કરવા જઈ રહ્યા હતા. તેમાંના એક ભાઈએ એક લાકડી લઈને આ ડઝનબંધ કુતરાઓને ભગાડ્યા એ નજારો મારા માટે કોઈ એક્શન ફિલ્મથી કમ નહોતો!!
આખરે અમે એ હિલ પર આવેલા મંદિરના ખૂલવાની રાહ જોયા વિના તેની વંડી કૂદીને એક ગોલ્ડન બ્લૂ નજારો માણવા પહોંચ્યા! આગલા દિવસે જે બ્લૂ સિટી જોયેલું તેના પર સોનેરી સૂર્યપ્રકાશ રંગોની જે કરામત કરતો હતો તે સાચે જ અવર્ણનીય હતું! હિલથી 30 કિમી દૂર, પણ ઊંચાઈ પરથી જોઈએ તો બરાબર સામે અતિભવ્ય ઉમેદ ભવન પેલેસ વટથી ઉભેલો દેખાતો હતો. ઉમેદભવનની ટોચ પરથી અમે સૂર્યોદય થતો નિહાળ્યો. આ જગ્યા એટલી મોહક હતી કે ત્યાં 3 4 કલાક ક્યાં પસાર થયા તેનું ભાન જ ન રહ્યું.
જોધપુર શહેર પાછા ફરીને ઉમેદભવન પેલેસ, જસવંત થાડા, મંદોર ગાર્ડન (જ્યાં રાવણ-મંદોદરીના લગ્ન થયા હતા), તૂરજી કા જલરા વગેરે જેવા શહેરના પ્રખ્યાત પર્યટન સ્થળોની મુલાકાત લીધી. આ માટે સિટી બસ મળી રહે છે જેની ટિકિટ માત્ર 12 રૂ છે. જોધપુર શહેરને બે અલગ-અલગ રીતે નિહાળ્યા બાદ આ બધા સ્થળો મને એટલા બધા આકર્ષક ન લાગ્યા!
અને બે દિવસના કુલ 45 કિમી વોક સાથે અમારો પ્રવાસ પૂરો કર્યો.
જોધપુરના ફરવાના સ્થળોની મુલાકાત લેવાનું આયોજન તો હતું જ, પણ સાથોસાથ અમારી પાસે જોધપુરના કેટલાક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડની પણ યાદી હતી જેની જિયાફત માણવાની અમારા સૌની અદમ્ય ઈચ્છા હતી. અને એ ઈચ્છા અમે મહદઅંશે પૂરી પણ કરી! જોધપુરમાં અઢી દિવસના રોકાણ દરમિયાન એક પણ વાર અમે કોઈ રેસ્ટોરાંમાં જમવા નથી ગયા. દરેક વખતે અલગ અલગ સ્ટ્રીટ ફૂડની મજા માણી. તેમ છતાંય કોઈને પેટમાં કોઈને કઈ તકલીફ ન થઈ એ નફામાં!
ત્રીજા દિવસે સવારે પૂરતો આરામ કરી, ટ્રેનમાં અમદાવાદ પાછા ફર્યા. અમુક જગ્યાઓ ન જોઈ શક્યા કારણકે વ્યવસ્થિત રીતે જોધપુર જોવા ઓછામાં ઓછા ચાર દિવસ જરૂરી છે. વ્યવસ્થિત આયોજન કરો તો 4 થી 4.5 હજારમાં તમે મન ભરીને જોધપુર માણી શકો છો!
માહિતી અને ફોટોઝ: કેમિલ ઘોઘારી
.