એરોપ્લેનમાં બેસવાનો સર્વ પ્રથમ અનુભવ- એક અલગ આર્ટિકલ લખવા માટે આ કોઈ ખાસ વિષય ન કહેવાય. પણ ભારતમાં 21મી સદીની શરૂઆતમાં પણ વિમાનયાત્રા એક લકઝરી ગણાતી, હજુ પણ ગણાય છે. હવાઈ મુસાફરી છેલ્લા એકાદ દાયકાથી જ ખૂબ સામાન્ય થઈ ગઈ છે એટલે મારું માનવું છે કે પ્રવાસના દરેક શોખીનોએ જીવનમાં એક વખત આ રોમાંચ અનુભવ્યો હશે. આ અનુભવ વર્ણન કરતાં આર્ટિકલમાં વાત છે કેમિલ ઘોઘારીના અનુભવની, પણ હું નિશ્ચિતપણે કહી શકું છું કે આ અનુભવ મારી-તમારી જેવા દરેક પ્રવાસપ્રેમીનો હશે!
ઓવર ટૂ કેમિલ ઘોઘારી:
સપ્ટેમ્બર 2018માં જન્માષ્ટમી સમયે વીકએન્ડ મનાવવા અમે મુંબઈ જવાનું નક્કી કર્યું. છેલ્લી ઘડીએ પ્લાન બનાવ્યો અને માયાનગરી ફરવા માટે બે-ત્રણ દિવસ આમ પણ ઘણો ટૂંકો સમય કહેવાય એટલે ફ્લાઇટમાં જવાનું નક્કી કર્યું.
મારા રોમાંચનો કોઈ પાર નહોતો! કારણકે આ મારી સૌથી પહેલી હવાઇયાત્રા હતી. મને આજ સુધી પ્લેનમાં બેસવાનો તો શું, એરપોર્ટ જોવાનો પણ કોઈ અનુભવ નહોતો.
ખૂબ રોમાંચ અને ઉત્સાહ સાથે મેં ઈન્ટરનેટ પર તપાસ આદરી કે પહેલી વાર પ્લેનમાં બેસવાથી કેવી લાગણી થાય?
Quora પર લોકોનાં અનુભવો વાંચ્યા, યુટ્યુબ પર વિડીઓઝ જોયા. એરપોર્ટમાં અંદર જવા માટેના નિયમો શું હોય? બોર્ડિંગ પાસ કેવી રીતે નીકળે? સામાન સ્કેન કરીને બેગેજ ટેગ લગાવવાની શું પ્રક્રિયા હોય? બોર્ડિંગ પાસ પર પોતાનું નામ વાંચવાની લાગણી કેવી હોય? પ્લેન ઊભું હોય ત્યારે કેવું લાગે? તેમાં ચડવાની વ્યવસ્થા કેવી હોય? પ્લેનમાં બારી પાસે બેસવાનો રોમાંચ કેવો હોય?
ખૂબ વાંચ્યા, જોયા પછી એ ખાતરી થઈ કે પહેલી વાર ફ્લાઇટમાં બેસવાનો અનહદ રોમાંચ ધરાવતી દુનિયામાં હું એક જ વ્યક્તિ નથી!
મેં મારા મિત્રોને પણ કહી રાખેલું કે આ મારી પ્રથમ હવાઈ યાત્રા છે એટલે એરપોર્ટ પર તેમજ પ્લેનમાં મારું એક્સાઈટમેન્ટ જોઈને ડઘાઈ ન જતાં!
ઓફિસ પતાવીને નીકળવાનું હોવાથી શુક્રવારે રાતની અમારી ફ્લાઇટ હતી. અમદાવાદથી દુબઈની ફ્લાઇટ, જેનું લેઓવર મુંબઈમાં હતું, તે પ્લેનમાં અમારું બૂકિંગ હતું.
ફિલ્મોમાં જોયું હતું તેની સરખામણીએ મને અમદાવાદ એરપોર્ટ થોડું નાનું લાગ્યું! બધી જ ફોર્માલિટીઝ પૂરી કરીને અમે વિમાનમાં ગોઠવાયાં. સામાન્ય ડોમેસ્ટિક ફ્લાઇટની તુલનાએ લેગસ્પેસ તેમજ સીટ ઘણી સારી કક્ષાની હતી તેવું મારા મિત્રોએ જણાવ્યું. મારા માટે તો જે કઈ હતું, એ બધું જ નવું જ હતું!
પ્લેન ટેકઑફ તેમજ લેન્ડ થાય ત્યારે પેટમાં અને કાનમાં કદાચ થોડી વિચિત્ર અનુભૂતિ થાય તેવું મારા મિત્રોએ મને સમજાવી હતી પણ કદાચ મારા ઉત્સાહને લીધે મને કોઈ વિચિત્ર અનુભૂતિ ન થઈ.
એરહોસ્ટેસએ ઇમરજન્સી એક્ઝિટ, ઓક્સિજન માસ્ક અને લાઈફજેકેટ અંગે માહિતી આપવા લાગી. તેની દરેક સૂચનાઓ ખૂબ એકાગ્રતાપૂર્વક સાંભળી રહી હોઉં તેવી આખી ફ્લાઇટમાં કદાચ હું એક જ હતી.
અને પછી મુંબઈ પહોંચ્યા ત્યાં સુધી મેં સતત બારી બહાર જોયા કર્યું હતું. રાતે કોઈ ખાસ નજારા તો ન જોવા મળે પણ મારા માટે તો એ પણ ખાસ જ હતું. અને સૌથી ખાસ નજારો જ્યારે અમે મુંબઈની નજીક પહોંચ્યા.
A City that Never Sleeps! એ શહેર જે ક્યારેય સૂતું નથી, તે ખરેખર મોડી રાતના સમયે અદભૂત ઝગમગાટ સાથે મને આવકારી રહ્યું હતું તેવું મને લાગ્યું. મારા માટે બહુમાળી મકાનોને ટચૂકડા સ્વરૂપમાં જોવા એ પણ એક લ્હાવો હતો. મળસ્કે જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે ભવ્ય છત્રપતિ શિવાજી એરપોર્ટ જોઈને મને ખૂબ મજા આવી હતી.
..તો આવો હતો મારો વિમાનયાત્રાનો પ્રથમ અનુભવ!
તમારી પહેલી હવાઈ મુસાફરી કેવી હતી? કમેન્ટ્સમાં જણાવો.
.