આ વર્ષે ઉનાળો જરાક વહેલો આવી ગયો છે. ફેબ્રુઆરી મહિનાથી જ ગરમી પડવા લાગી છે. અને માર્ચમાં ગરમી નવા રેકોર્ડ સર્જી નાંખે તેવી શક્યતા હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. માર્ચ અને એપ્રિલ મહિનો પરીક્ષાઓનો છે. બોર્ડની એક્ઝામ્સ માર્ચના અંતે પુરી થઇ જશે એટલે બાળકો નવરા પડી જશે. પ્રાઇમરી અને સેકન્ડરીના વિદ્યાર્થીઓ પણ એપ્રિલના અંતે પરિક્ષાના બંધનોથી મુક્ત થઇ જશે. હવે આ મહિનાઓમાં આકરી ગરમીથી છૂટકારો મેળવવો હોય તો બેસ્ટ ચીજ જે તમે કરી શકો તે છે કોઇ વોટરપાર્કમાં જઇને પાણીના હિલોળા લેવા. વોટરપાર્કમાં આખો દિવસ ક્યાં પસાર થઇ જાય તેની ખબર જ નથી પડતી. તો આવો જોઇએ અમદાવાદ અને વડોદરા શહેરથી નજીક કયા વોટર પાર્ક એન્જોય કરવા માટે છે બેસ્ટ..આવો કરીએ એક નજર..
અમદાવાદ નજીકના વોટર પાર્ક
બ્લિસ વૉટર પાર્ક, મહેસાણા
મહેસાણા-ઊંઝા હાઇવ પર આવેલો બ્લિસ વૉટર પાર્ક છેલ્લા કેટલાક સમયથી અમદાવાદીઓમાં હોટ ફેવરિટ બની ગયો છે. જો રાઇડ્સની વાત કરીએ તો થ્રિલ રાઇડ્સમાં એર સબવે, મેગી, થંડર બોલ્ટ, ક્રેઝી રિવર, એનાકોન્ડા, બ્રિઝી ફ્લોટ, બમ્પી વેવ્ઝ, એવરેસ્ટ, એક્વા લૂપ, રેઇનબો રેસર, રસલિંગ રિંગ, સબવે સર્ફર, વ્રૂમ જેવી રાઇડ્સ છે.
ફેમિલી રાઇડ્સમાં સ્વૂશ બ્લસ્ટર, રૉક એન રૉલ, ટ્વિસ્ટર, એક્વા સર્કસ, બેબી બબ્લઝ, બીચ ઓફ બ્લિસ, બાઉન્સી બબલ જેવી રાઇડ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અહીં ટોકિંગ ટ્રી, ફાઉન્ટેન, સ્નેક વગેરેનું આકર્ષણ પણ બાળકોમાં રહેતું હોય છે. ફૂડની વાત કરીએ તો તમને અહીં પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાટ, સ્નેક્સ, ચા-કોફી, શેક્સ, જ્યુસ, મોકટેલ્સ વગેરે મળી રહેશે.
શંકુ વૉટર પાર્ક, મહેસાણા
અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલો છે શંકુ વૉટર પાર્ક. અમદાવાદથી એક કલાકમાં તમે ત્યાં પહોંચી શકો છો. શંકુમાં વૉટર પાર્કની રાઇડ્સની વાત કરીએ તો અહીં માન્તા એન્ડ બબ્બા ટબ,વ્હીઝાર્ડ, સુનામી બે, સ્પેસહોટ, બુમ્બાસ્ટીક, કિડ્સ કોમ્પ્લેક્સ, ફન આઇલેન્ડ, થ્રિલ એન્ડ ચીલ ક્રીક, થમ્બલ જમ્બલ, ઇનસાનો, એક્વા ડ્રેગ, ટોર્નેડો, ટ્વિસ્ટર, બુલેટ બાઉલ, બિગ થન્ડર, સ્પ્લેશ ડાઉન, માસ્ટર બ્લાસ્ટર વગેરે રાઇડ્સ ઉપલબ્ધ છે. અહીંના ફૂડ કોર્ટમાં તમને ચા-કોફી, નાસ્તો, લંચ, આઇસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ સહિત અન્ય વસ્તુઓ મળી રહેશે.
સ્વપ્ન સૃષ્ટિ વૉટર પાર્ક, ગાંધીનગર
ગાંધીનગર-મહુડી રોડ પર ગ્રામભારતી ક્રોસ રોડ નજીક આવેલો સ્વપ્ન સૃષ્ટિ વૉટર પાર્ક ઘણાં વર્ષોથી કાર્યરત છે. અહીં પાર્કની બાજુમાં જ અમરનાથ ધામ અને એડવેન્ચર પાર્ક પણ છે. પાર્કમાં આવેલી રાઇડ્સની વાત કરીએ તો અહીં એમેઝિંગ બકેટ ફોલ, એક્વા ફનેલ, કારગિલ, સેફ સાયક્લોન, મિસિંગ વોટર રાઇડ, વેવ પુલ, પેન્ડુલમ, સ્નો ફોલ, થ્રિલિંગ ફોગ, વોટર ફૉલ, મિરેકલ ટનેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા છે. અન્ય વૉટર પાર્કની જેમ અહીં પણ તમને ગુજરાતી, પંજાબી લંચ, નાસ્તા, કોલ્ડ ડ્રિંક્સ, આઇસ્ક્રિમ વગેરે મળશે.
7s વૉટર પાર્ક, મહેમદાવાદ
અમદાવાદ-મહેમદાવાદ હાઇવે પર આમસરણ ગામમાં આવેલો આ વૉટર પાર્ક ઉપર જણાવેલા વૉટર પાર્કની સરખામણીમાં હજુ તો નવો કહી શકાય. પરંતુ લોકોમાં તેનું આકર્ષણ ઘણું છે. અમદાવાદથી એક કલાકમાં અહીં પહોંચી શકાય છે. અહીં તમને જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પુલ, કિડિઝ અને ફેમિલી સ્લાઇડ્સ, લેઝી રિવર, એક્વા શોપ, લેઝિ ગાર્ડનની સુવિધા મળશે.
તિરુપતિ ઋષિવન વોટર પાર્ક, વિજાપુર
અમદાવાદથી લગભગ 77 કિલોમીટર દૂર, વિજાપુર-હિંમતનગર હાઇવે પર આવેલું છે તિરુપતિ ઋષિવન એડવેન્ચર અને વોટર પાર્ક. આ એડવેન્ચર પાર્કમાં બ્લૂ લગૂન વોટર પાર્ક છે. જેમાં રાઇડ્સ ઓછી છે. તમે અહીં રેઇન ડાન્સ, સાયક્લોન, મલ્ટી લેન, ફેમિલી ડાન્સ જેવી એક્ટિવિટી કરી શકો છો. અહીં રેન્ટોરન્ટમાં નાસ્તા, જમવાની સુવિધા છે. રોકાવું હોય તો હોટલ મીરા પણ છે.
શિવધારા વોટર પાર્ક, પાલનપુર
આ વોટર પાર્ક અમદાવાદથી 155 કિલોમીટર દૂર પાલનપુરથી આબુ રોડ હાઇવે પર હડમતિયા હનુમાન મંદિર નજીક આવેલો છે. તમે આબુ જતા હોવ તો રસ્તામાં આ વોટર પાર્ક તમને જોવા મળશે. આ વોટર પાર્કની રાઇડ્સની વાત કરીએ તો અહીં ફનેલ સ્લાઇડ, સ્ટોર્મ રેસર સ્લાઇડ, પાયથોન સ્લાઇડ, હાફ ઓપન હાફ ક્લોઝ ફ્લોટ સ્લાઇડ, ફ્લોટ ટોર્નાડો સ્લાઇડ, એક્વા લૂપ સ્લાઇડ, બોડી ટર્નિંગ સ્લાઇડ, સ્પાઇડર સ્લાઇડ 4 લેનનો સમાવેશ થાય છે. વોટર પાર્કની સાથે આ એક રિસોર્ટ પણ છે તેથી અહીં રહેવા-જમવાની પણ સુવિધા છે. તમે રેસ્ટોરન્ટમાં ભોજનનો સ્વાદ પણ માણી શકો છો
સુશ્વા વોટર પાર્ક, સપ્તેશ્વર
સુશ્વા વોટર પાર્ક ઇડર નજીક સપ્તેશ્વરમાં અરસોદિયા ગામમાં આવેલો છે. જે અમદાવાદથી લગભગ 92 કિલોમીટર દૂર છે. આ વોટર પાર્કસમાં સુનામી વેવ્સ, હુડિબાબા, જમ્પિંગ જપાંગ, વાઉ એન્ડ સ્પીડ સ્લાઇડ, રેઇન ડાન્સ, મલ્ટીલાઇન, રાઉન્ડ રાઉન્ડ, રેસ્ટ રિવર, બચ્ચા પાર્ટી, કિડ્સ ઝોન જેવા આકર્ષણો છે.
વડોદરા નજીક વોટર પાર્ક્સ
એન્જોય સિટી વોટર પાર્ક
અમદાવાદથી 100 કિ.મી. અને વડોદરાથી 32 કિલોમીટર દૂર વાલ્વોડ ગામમાં મહિસાગર નદીના કિનારે આવેલો છે આ વોટર પાર્ક. અહીં ઝોમ્બી સ્લાઇડ, 3 બોડી સ્લાઇડર, એક્વા વેવ પુલ, કિડ્સ વોટર પાર્ક, ટનેલ ફ્લોટ સ્લાઇડર વગેરે જેવી થીમ બેઝ્ડ સ્લાઇડ્સ છે. આ ઉપરાંત બોલીવુડ સોંગના તાલે તમે રેઇન ડાન્સ કરી શકો છો. તો ટ્યુબના સહારે લેઝી રિવરમાં વળાંકો સાથે નદીમાં તરવાનો અનુભવ લઇ શકો છો. તો ઓપન અને વોટર રેસ્ટોરન્ટમાં તમે વેજીટેરિયન ફૂડનો આનંદ માણી શકો છો.
આતાપી વન્ડરલેન્ડ
અમદાવાદથી 125 કિલોમીટર અને વડોદરાથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલું છે આતાપી વન્ડરલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક. અહીં તમને વોટર પાર્કની સાથે થીમ પાર્ક, એડવેન્ચર પાર્ક, છોટાભીમ થીમ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, આપણું ગામ, વૃંદાવન ગાર્ડન, ફૂડ કોર્ટ, ગો કાર્ટીંગ, કિડ્સ પ્લે એરિયા વગેરે જેવા આકર્ષણો છે. અહીં પંજાબી, ગુજરાતી, સ્નેક્સ વગેરેનો સ્વાદ ચાખી શકો છો.
વડોદરા નજીકમાં આ સિવાય પણ આજવા વોટર વર્લ્ડ, એસ ક્યુબ વોટર પાર્ક અને ફન ટાઇમ એરેના જેવા વોટર પાર્કસ પણ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો