9 ગ્રહોમાં સૌથી ક્રૂર ગણાતા શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. કારણ કે તે લોકોના કર્મો અનુસાર દંડ કરે છે. શનિદેવ, સારા કર્મો કરનારાને ભરપૂર સાથ આપે છે. તો ખરાબ કર્મ કરનારાને સજા પણ એવી જ આપે છે. એટલે જ લોકો પોતાની કુંડળીના દોષના નિવારણ માટે શનિવારે શનિદેવના મંદિરમાં દર્શન કરવા જતા હોય છે. આમ તો દેશભરમાં શનિદેવના ઘણાં પ્રસિદ્ધ મંદિર છે. જેમ કે મહારાષ્ટ્રનું શનિ શિંગણાપુર, ઉત્તર પ્રદેશના મથુરાનું કોકિલા વન શનિ મંદિર, મધ્ય પ્રદેશના મુરૈનાનું શનિશ્ચર મંદિર, દિલ્હીના ફતેહપુર બેરીનું શનિધામ મંદિર વગેરે. પરંતુ આજે અમે એક એવા અનોખા શનિદેવ મંદિર અંગે વાત કરી રહ્યા છીએ જ્યાં આજે પણ એક અખંડ જ્યોતિ પ્રજ્જવલિત છે.
7 હજાર ફૂટ ઊંચાઈએ આવેલું છે આ મંદિર
ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાના ગામ ખરસાલીમાં સ્થિત શનિ મંદિર દરિયાની સપાટીથી લગભગ 7 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન સમયનું છે. અહીં એવી માન્યતા પ્રચલિત છે કે દર વર્ષે કારતક પૂર્ણિમાએ મંદિરમાં રહેલો કળશ શનિદેવ જાતે જ બદલે છે.
અખાત્રીજે શનિદેવ પોતાની બહેન યમુનાને મળવા જાય છે. યમુનોત્રીથી શનિ મંદિર લગભગ 5 કિમી દૂર છે. યમુનોત્રી આવનાર ભક્તો શનિ મંદિર દર્શન કરવા પહોંચે છે. આ મંદિર પાંચમાળનું છે અને તેનું નિર્માણ પત્થર અને લાકડા દ્વારા કરવામાં આવ્યું છે.
મોટી સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુ
દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહિ આવે છે. મંદિરમાં શનિદેવ 12 મહિના સુધી બીરાજે છે અને શ્રાવણ મહિનાની સંક્રાતિમાં ખરસાલીમાં ત્રણ દિવસનો શનિ મેળો પણ આયોજીત કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે પ્રતિવર્ષ અક્ષય તૃતિયા પર શનિદેવ પોતાની બહેન યમુનાને મળવા માટે યમુનોત્રી ધામ આવે છે. આ પછી તેઓ ખરસાલી પરત ફરે છે.
આવી છે ચમત્કારિક ઘટના
આ મંદિર સાથે કેટલીક ચમત્કારિક ઘટનાનો પણ જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે વર્ષમાં એકવાર કાર્તિકી પૂર્ણિમાના મેળાના દિવસે આ મંદિરની ઉપર રાખેલા કળશ આપોઆપ બદલી જાય છે. આવું કઈ રીતે થાય છે તે હજુ સુધી પણ સામે આવ્યું નથી. જોકે, એવો પણ વિશ્વાસ છે કે આ દિવસે જે ભક્ત મંદિરમાં દર્શન માટે આવે છે તેના દરેક કષ્ટનું નિવારણ અચૂક થાય છે.
ચાલવા લાગે છે ફૂલદાની!
આવી જ અન્ય એક કથા છે કે મંદિરમાં બે મોટી ફૂલદાની રાખેલી છે. જેને રિખોલા અને પિખોલા કહેવામાં આવે છે. આ ફૂલદાનીને સાંકળથી બાંધીને રાખવામાં આવે છે. આમ કરવા પાછળ એવી માન્યતા જવાબદાર છે કે પૂર્ણિમાના દિવસે ફૂલદાની નદી તરફ ચાલવા લાગે છે અને જો બાંધીને ન રાખવામાં આવે તો તે અદ્રશ્ય થઈ જશે.
પાંડવો સાથે જોડાયેલો છે મંદિરનો ઇતિહાસ
એક માન્યતા અનુસાર આ જગ્યાનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. પાંચેય પાંડવોએ યાત્રા દરમિયાન મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર પાંચમાળનું છે અને તેનું નિર્માણ પથ્થર અને લાકડા દ્વારા કરવામાં આવ્યું છે. મંદિરમાં શનિદેવની કાંસાની મૂર્તિ સ્થાપિત છે. મંદિરમાં એક અખંડ જ્યોત પ્રગટે છે. શનિદેવ સાથે જ આ જ્યોતિના પણ દર્શન કરવામાં આવે છે.
શનિ શિંગણાપુર
મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લામાં આવેલું છે શીંગણાપુર ગામ, જેને શની શીંગણાપુરના નામથી ઓળખવામાં આવે છે. આ ગામમાં શની દેવનું ચમત્કારી મંદિર આવેલું છે. તમને કદાચ વિશ્વાસ ન આવે પરંતુ આ ગામના કોઈ પણ ઘર કે દુકાનમાં દરવાજા નથી.
લોકવાયકા અનુસાર એક વખત આ ગામમાં ઘણું પુર આવી ગયું, પાણી એટલું વધી ગયું કે બધા ડૂબવા લાગ્યા. લોકો કહે છે કે આ ભયંકર પુર દરમિયાન કોઈ દૈવીય શક્તિ પાણીમાં વહી રહી હતી. જયારે પાણીનું સ્તર થોડું ઓછું થયું તો એક વ્યક્તિએ ઝાડની ડાળી ઉપર એક મોટા પથ્થરને નીચે ઉતાર્યો અને તેને તોડવા માટે જેવી તેમાં કોશ જેવી વસ્તુ મારી તે પથ્થરમાંથી લોહી વહેવા લાગ્યું. તે જોઈને તે ત્યાંથી ભાગી નીકળ્યો અને ગામ પાછો આવીને તેણે સૌ લોકોને એ વાત જણાવી.
બધા ફરી તે જગ્યા ઉપર આવ્યા જ્યાં તે પથ્થર રાખવામાં આવ્યો હતો, બધા તે જોઈને આશ્ચર્યચકિત રહી ગયા. પરંતુ તેને એ ન સમજાયું કે આ ચમત્કારી પથ્થરનું શું કરીએ. એટલા માટે છેવટે તેમણે ગામ પાછા આવીને બીજા દિવસે ફરી આવવાનો નિર્ણય કર્યો. તે રાત ગામના એક વ્યક્તિને સપનામાં ભગવાન શની આવ્યા અને કહ્યું હું શની દેવ છું, જે પથ્થર તમને આજે મળ્યો તેને તારા ગામમાં લઇ જાવ અને મને સ્થાપિત કરો.
બીજો દિવસ થતા જ તે વ્યક્તિએ ગામ વાળાને આખી વાત જણાવી, ત્યાર પછી બધા તે પથ્થરને ઉપાડીને તે સ્થળ ઉપર આવ્યા. ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો, પરંતુ તે પથ્થર તેના સ્થાનથી એક ઇંચ પણ ન હલ્યો. ઘણા સમય સુધી પ્રયત્નો કર્યા પછી ગામ વાળાએ એ વિચાર કર્યો કે પાછા જતા રહીએ છીએ અને કાલે પથ્થર ઉપાડવા માટે એક નવી ટ્રીક સાથે આવીશું.
તે રાત્રે ફરીથી શનીદેવ તે વ્યક્તિના સપનામાં આવ્યા અને તેને એ જણાવવામાં આવ્યું કે તે પથ્થર કેવી રીતે ઉપાડી શકાય છે. તેમણે જણાવ્યું કે હું આ સ્થાન પરથી ત્યારે જ હલીશ જયારે મને ઉપાડવા વાળા લોકો સગા મામા ભાણેજનો સંબંધ ધરાવતા હશે. ત્યારથી એ માન્યતા છે કે આ મંદિરમાં જો મામા ભાણેજ દર્શન કરવા આવે તો વધુ ફાયદો થાય છે. ત્યાર પછી પથ્થરને ઉપાડીને એક મોટા મેદાનમાં સૂર્યના પ્રકાશ સાથે સ્થાપિત કરવામાં આવ્યો.
આજે શીંગણાપુર ગામના શની શીંગણાપુર મંદિરમાં જો તમે જાવ તો પ્રવેશ કર્યા પછી થોડા આગળ ચાલીને જ તમને ખુલ્લું મેદાન જોવા મળશે. તે સ્થળની વચોવચ સ્થાપિત છે શની દેવજી. અહિયાં જવા વાળા અસ્થાવાળા લોકો કેસરી રંગના વસ્ત્ર પહેરીને જ જાય છે. કહે છે મંદિરમાં કોઈ પુજારી રાખવામાં આવ્યા નથી, ભક્ત પ્રવેશ કરીને શની દેવજીના દર્શન કરી સીધા મંદિર માંથી બહાર નીકળી જાય છે. રોજ શની દેવજીની સ્થાપિત મૂર્તિ ઉપર સરસીયાના તેલનો અભિષેક કરવામાં આવે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો