"સિલ્ક સિટી" અને "ડાયમંડ સિટી" તરીકે પ્રખ્યાત સુરત તેના સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ માટે પણ પ્રખ્યાત છે. દૂર-દૂરથી પ્રવાસીઓને આકર્ષિત કરતું આ સ્થળ પ્રવાસીઓને પ્રભાવિત કરવામાં ક્યારેય કોઈ કસર છોડતું નથી. અહીં રસ્તાની બાજુમાં ફુડ સ્ટોલ લાગેલા જ હોય છે, જ્યાં તમે સુરતના સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણી શકો છો. ખાસ કરીને સાંજના સમયે લોકો આ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લેવા ઘરની બહાર નીકળે છે. તો ચાલો તમને સુરતના કેટલાક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વિશે જણાવીએ.
સુરતની લોચો ડીશ
લોચોની શોધ સાથે જોડાયેલી એક રમુજી વાર્તા છે, એકવાર સાદા ખમણ બનાવતી વખતે એક વિચિત્ર વાનગી બહાર આવી, જેનું નામ પછીથી લોચો રાખવામાં આવ્યું. આ વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સુરતના કોઈપણ સ્ટોલના મેનુ લિસ્ટમાં આ જોઈ શકાશે. આ વાનગી સ્વાદમાં થોડી મીઠી અને મસાલેદાર હોય છે, જેને લીલી ચટણી અને ક્રિસ્પી સેવ સાથે પીરસવામાં આવે છે. ગુજ્જુ ભાઈલોગમાં આ વાનગી સૌથી વધુ લોકપ્રિય છે. તમે શેઝવાન અને ઈટાલિયન લોચા જેવા વિવિધ લોચાનો સ્વાદ પણ લઈ શકો છો.
સુરતી સેવા ખમણી
અરે, તમે સુરતમાં શ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડ શોધી રહ્યાં છો? તો હવે સુરતી સેવ ખમણી તો ટ્રાય કરવી જ પડશે ને! આ વાનગી સુરતની સૌથી સ્વાદિષ્ટ અને અદ્ભુત વાનગી માનવામાં આવે છે, જે ચણાની દાળ અને ખાંડની સાથે આદુ, લસણ અને મરચાંના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. અને પછી સેવને ઉપરથી ભભરાવી સર્વ કરવામાં આવે છે. તમે કોઈપણ સ્ટોલ પર 50 રૂપિયામાં આ વાનગીનો આનંદ લઈ શકો છો.
સુરતી ઉંધીયુ
ઉંધિયુ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને અદ્ભુત વાનગી છે, જે સુરતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. ઉંધિયુ 8 વિવિધ પ્રકારના શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. આ શાક ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે તેટલું જ પૌષ્ટિક પણ છે, તો તમારે એકવાર ચોક્કસથી ટેસ્ટ કરવું જોઈએ. આ રેસીપી કલાકો સુધી પકાવ્યા પછી માટીના વાસણમાં નાખવામા આવે છે.
સુરતી આઈસ ડીશ
ગરમીથી બચવા તમે બરફનો ગોળો ખાધો હશે, હે ને? એવી જ રીતે સુરતમા એક બરફનો ગોળો મળે છે, જે અહીંના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. વેનીલા આઈસ્ક્રીમ, ડ્રાય ફ્રૂટ્સ અને વાઈબ્રન્ટ કલરમાં લપેટાયેલી આ વાનગી તમારી અંદરના બાળકને જગાડે છે. જો તમે ઉનાળામાં સુરત ફરવા જાવ તો આ વાનગી ટ્રાય કરવાનું બિલકુલ ભૂલશો નહીં.
રસવાલા ખમણ ઢોકળા
જ્યારે ગુજરાતી ભોજનની વાત આવે ત્યારે ખમણ પાસે કોઈનુ કાઈ ન ચાલે હો. અનોખા સ્વાદ સાથે અમે તમારા માટે આવી જ બીજી વાનગી લઈને આવ્યા છીએ, જેને ખાધા પછી તમે ચોક્કસથી અમને ધન્યવાદ કહેશો. રસવાલા ખમણ ઢોકળા એ સુરતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. તેની મસાલેદાર ગ્રેવી અને સેવનો સ્વાદ તમને બીજી પ્લેટ ખાવા પર મજબુર કરી શકે છે.
સુરતી પોંક વડા
જુવારના તાજા દાણાને ગુજરાતી ભાષામાં પોંક કહેવામાં આવે છે અને આ પ્રખ્યાત પોંક વડા એ નરમ જુવારના દાણામાંથી બનેલા વડા અથવા પકોડા છે. આ લોકલ ગુજરાતી નાસ્તો દેશભરના પ્રવાસીઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો કે આ સ્ટ્રીટ ફૂડ તળેલું હોય છે, પરંતુ તેમાં હાજર જુવાર આ વાનગીને હેલ્ધી બનાવે છે. સુરતમાં રહીને આ વાનગી અચૂક ટ્રાય કરો.
સુરતી નાનખટાઈ
નાનખટાઈ એ બ્રાઉન રંગનું બિસ્કિટ છે જે ઘી, એલચી અને જાયફળ વડે બનાવવામાં આવે છે. આ નાસ્તો તમને સુરતની દરેક શેરી પર મળશે. તો જો તમને સુરતમાં કંઈક ગળ્યુ ખાવાની તલબ હોય તો મારુ સુચન એવુ છે કે પહેલા નાનખટાઈનો ટેસ્ટ અજમાવો. તમે બીજા મોંઘા બિસ્કિટનો સ્વાદ ચોક્કસ ભૂલી જશો.