દિવાળીમાં જો તમે ગુજરાતની બહાર ક્યાંય ફરવા ન જઇ શક્યા હોવ તો અમદાવાદની નજીક એવા કેટલાક સ્થળો છે જ્યાં તમે વન-ડે પીકનિક કરી શકો છો. સામાન્ય રીતે અમદાવાદીઓ વન-ડે પિકનિક કરવા માટે જાંબુઘોડા, બાકોર, આબુ વગેરે સ્થળોએ જતા હોય છે. પરંતુ આજકાલ લોકો નડાબેટમાં ઇન્ડો-પાક બોર્ડર જોવા જતા હોય છે. હું પણ ક્યારેય નડાબેટ નહોતો ગયો તો મને થયું કે બાય કાર હું નડાબેટ જોવા જાઉં. વેકેશનનો માહોલ હતો અને એક શનિવારે હું ફેમિલી સાથે કારમાં નડાબેટ જવા માટે ઉપડી ગયો.
નડાબેટ ક્યાં છે
નડાબેટ અમદાવાદથી લગભગ 232 કિલોમીટર દૂર બનાસકાંઠા જિલ્લાના સુઇગામથી 18 કિલોમીટર દૂર આવેલું છે. નડાબેટ સીમા દર્શન કરવા માટે તમારે અમદાવાદથી મહેસાણા, રાધનપુર થઇને જવું પડશે. બીજો રસ્તો સાણંદ, વિરમગામ, શંખેશ્વર થઇને જાય છે. અમે મહેસાણા, રાધનપુર થઇને ગયા. જો તમારી કાર 20ની એવરેજ આપતી હોય તો લગભગ 2300 રૂપિયા જેટલો ખર્ચ પેટ્રોલનો થશે.
નડાબેટ એન્ટ્રી ટિકિટ અને એડવેન્ચર એક્ટિવિટીઝ
નડાબેટમાં પુખ્તવયના લોકો માટે એટલે કે એડલ્ટ માટે 100 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે જ્યારે 3 થી 12 વર્ષના બાળકોની ટિકિટ 50 રૂપિયા છે. વિદેશીઓ માટે 500 રૂપિયા ટિકિટના દર રાખવામાં આવ્યા છે. સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ માટે એન્ટ્રી ફી 50 રુપિયા છે. નડાબેટ પર તમારે પાર્કિંગમાં તમારુ વાહન પાર્ક કરી દેવાનું રહેશે. ત્યાંથી ઝીરો પોઇન્ટ બોર્ડર સુધી તેમની બસમાં બેસીને જવાનું રહેશે. આ સિવાય જો તમારે એડવેન્ચર એક્ટિવિટીઝ કરવી હોય તો તેના દર આ પ્રમાણે છે. રોક ક્લાઇબિંગ રૂ.200, ફ્રી ફોલ રૂ.250, ઝિપ લાઇન રૂ.250, ઝિપ સાયકલ રૂ.250, હાઇ રોપ કોર્સ રૂ.200, લો રોપ કોર્સ રૂ.100, પેઇન્ટ બોલ રૂ.375 (40 શોટ્સ), હ્યુમેન સ્લિંગ શોટ્સ રૂ.200, ઝાયન્ટ સ્વિંગ રૂ.200, ક્રોસ બો રૂ. 200 (5 બોલ્ટ્સ), એર રાઇફલ શૂટિંગ રૂ. 250, રોકેટ ઇજેક્ટર રૂ.200.
નડાબેટ સીમાદર્શનનો સમય
ટુરિસ્ટ પ્રવેશ - સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી
ટિકિટ કાઉન્ટર - સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી
ઝીરો પોઈંટ વિઝિટ - સવારે 9 થી સાંજે 4.30 સુધી
પરેડનો સમય - દરરોજ સુર્યાસ્ત પહેલા લગભગ સાંજે 6 વાગ્યે
મ્યુઝિયમનો સમય - સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી
મેમોરિયલનો સમય - સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી
ફુડકોર્ટ - સવારે 9 થી સાંજે 7.30 વાગ્યા સુધી
એડવેન્ચર એક્ટિવિટી - સવારે 10 થી સાંજે 7.30 વાગ્યા સુધી
AV એક્સપિરિયન્સઝોન-સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી
આર્ટ ગેલેરી - સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી
ભીડ હોય ત્યારે જવાનું ટાળવું
અમદાવાદથી નડાબેટ જવા માટે લગભગ 4 થી 5 કલાકનો સમય લાગે છે. T-જંક્શનથી ભારત-પાક સીમા સુધીનું અંતર 25 કિમી અને મુખ્ય સીમાથી માત્ર 150 મીટર છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા આ સીમાની રક્ષા કરવામાં આવે છે. સીમા પર જવા માટે બસની સુવિધા છે. પ્રવાસીઓ સીમાદર્શન માટે આવે ત્યારે સુરક્ષાદળો અને સેનાની સજ્જતાથી પરિચિત થાય તે માટે T- જંક્શનથી ઝીરો પોઈન્ટ સુધીના માર્ગ પર...અલગ અલગ જગ્યાએ પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઈલ, સરફેસ ટુ એર મિસાઈલ, T-55 ટેન્ક, આર્ટિલરી ગન, ટોરપીડો, મિગ 27 એરક્રાફ્ટ પણ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. તો નડાબેટની મુલાકાતે આવનારા પ્રવાસીઓ બોર્ડરનો આકાશી નજારો માણી શકે તે માટે વ્યૂઈંગ ડેકનું પણ નિર્માણ કરાયું છે. ટાવર પરથી પ્રવાસીઓ દૂર દૂર સુધી બોર્ડરનો નજારો માણી શકે છે....સરહદ પર પહોંચો એટલે સીમાની પેલે પાર પાકિસ્તાનનું નગરપારકર શહેર આવેલું છે જ્યાં સામે એક ટેકરી પર માતાજીનુ મંદિર પણ જોવા મળે જ્યાં મેળો ભરાતો હોય છે.
રજાના દિવસોમાં અહીં ભારે ભીડ રહેતી હોય છે એટલે વેકેશન કે રજાના દિવસે જવાનું ટાળવું જોઇએ. અમે વેકેશનના સમયમાં ગયા એટલે વહેલી સવારે નીકળ્યા. તમારે પણ જો નડાબેટ જવું હોય તો વહેલી સવારે જવાનો આગ્રહ રાખવો. કારણ કે બપોર પછી અહીં વધારે ભીડ થાય છે. અમે બપોરે 2 વાગ્યા સુધીમાં સીમાદર્શન કરીને ટી પોઇન્ટ સુધી પાછા આવી ગયા. હવે વારો આવ્યો લંચ કરવાનો. પરંતુ અહીં ભારે ભીડ હોવાથી ફૂડ સ્ટોલવાળા ખાવામાં વેઠ ઉતારે છે. અને ઓનેસ્ટમાંથી પંજાબી થાળી મંગાવી પરંતુ 220 રૂપિયા થાળી દિઠ ચૂકવ્યા છતાં ખાવામાં મજા ન આવી. આના કરતાં તો તમારે વહેલા ત્યાંથી નીકળીને હાઇવેની કોઇ હોટલ પર જમી લેવું જોઇએ.
નડાબેટનું ઐતિહાસિક મહત્વ
નડાબેટના ઈતિહાસની વાત કરીએ તો 1971માં થયેલા ભારત-પાક યુદ્ધમાં બીએસએફ દ્વારા આ વિસ્તારમાં બહાદુરી અને શૌર્યનું અદભુત પ્રદર્શન કરી 1 હજાર ચો. કિમીથી વધારે પાકિસ્તાનની સીમામાં ઘુસીને તેના પર કબજો જમાવી દીધો હતો, જે બંને દેશ વચ્ચે થયેલી સિમલા સમજૂતી બાદ પાકિસ્તાનને પરત કરેલો, યુદ્ધમાં વપરાયેલા મિગ 27 વિમાન અને ટી 55 ટેન્ક અહીં પ્રદર્શન રુપે મુકવામાં આવી છે.
નડાબેટનું ખાસ આકર્ષણ
નડાબેટમાં સાંજના સમયે બીએસએફની બીટિંગ ધ રિટ્રીટ સેરેમની, ફ્યુઝન બેન્ડ, ઊંટ શો જોવાલાયક હોય છે. પ્રવાસીઓના વધતા પ્રવાહને ધ્યાનમાં રાખીને ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા નડાબેટ ખાતે અલગ અલગ આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે...જેમાં નડાબેટ ખાતે પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, ઓડિટોરિયમ, લાઈટિંગ, સોલાર ટ્રી, સેલ્ફી પોઈંટ્સ, બાળકો માટે કિડ્ઝ એન્ડ ગેમિંગ ઝોન પણ બનાવવામાં આવ્યો છે...વીર સૈનિકોની યાદગિરી સમાન અજય પ્રહરી સ્મારક ખાતે પ્રવાસીઓ શહીદો માટે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી શકે છે. તો સુંદર મજાના ભીંતચિત્રોથી શણગારેલું 30 ફુટ ઉંચુ T-જંક્શન સીમાદર્શન સંકુલનું સેન્ટર અટ્રેક્શન બની રહ્યુ છે. T-જંક્શન રાતના સમયે સૌરઉર્જાથી પ્રકાશિત થઈ જાય છે જ્યારે સોલાર ટ્રી ઝળહળી ઉઠે છે.
સરહદ ગાથા મ્યુઝિયમ
મ્યુઝિયમમાં જવાનો સરહદ પર કઈ રીતે 365 દિવસ ફરજ બજાવે છે તે દર્શાવતી તેમની સરહદી જીવનચર્યાની થીમ જોવા મળે છે. સૈનિકોના સ્ટેચ્યૂ મુકવામાં આવ્યા છે. ઉપરાંત ગુજરાતની સીમાઓ પર આવેલા ગામડાઓની રહેણીકરણી, ગુજરાતનો ઈતિહાસ, ગુજરાતની મહાન પ્રતિભાઓ, બનાસકાંઠા જિલ્લા અને સુઈગામ, નડાબેટની ભૌગોલિક પરિસ્થિતી વિશેની જાણકારી, યુદ્ધમાં વપરાયેલા શસ્ત્રોનું પ્રદર્શન, નેવીના હથિયારો અને સબમરિન્સ વિશે જાણકારી, બીએસએફના સૈન્ય યુનિફોર્મ અને બીએસએફની સંગીત ટુકડીની ઝલક ઉપરાંત ઘણી મહત્વની બાબતો વિશે જાણકારી આપતા અલગ અલગ 6 ભાગ આવેલા છે આ મ્યુઝિયમમાં.
સીમાદર્શનના કાર્યક્રમ ઉપરાંત અહીં 500 મીટર નજીક જ નડેશ્વરી માતાનુ મંદિર પણ આવેલુ છે જ્યાં દરવર્ષે હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે. નડેશ્વરી માતાના મંદિર પાસે વિસામાનું પણ નિર્માણ કરાયું છે તો નડેશ્વરીમાતાની પુજા દેશના જવાનો જ કરતા હોય છે. આ ઉપરાંત તમને ટી પોઇન્ટથી ઝીરો પોઇન્ટ સુધીના 25 કિલોમીટરના રસ્તામાં યાયાવર, ફ્લેમિંગો જેવા અનેક પક્ષીઓ જોવા મળશે. અમે પણ લંચ કરીને નડેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા ગયા. ત્યાંથી અમદાવાદ વાયા વિરમગામ, સાણંદ થઇને પાછા ફર્યા. જો ખર્ચની વાત કરીએ તો પેટ્રોલના 2300 રૂપિયા, લંચના 600 રૂપિયા, નાસ્તાના 200 રૂપિયા, એન્ટ્રી ટિકિટના 300 રૂપિયા જેટલો ખર્ચ થયો. જો તમે એડવેન્ચર રાઇડ કરો તો એકસ્ટ્રા પૈસા થાય.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો