મહારાષ્ટ્રમાં ઘણા ધાર્મિક યાત્રાના સ્થળો આવેલા છે; જેમાં પંઢરપુર મહારાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાંનું એક છે. તે ભીમા નદીના કિનારે સ્થિત છે, જે તેના અર્ધચંદ્રાકાર આકારને કારણે ચંદ્રભાગા તરીકે પણ ઓળખાય છે, જે અહીંની દિવ્યતામાં વધારો કરે છે. પંઢરપુરને મહારાષ્ટ્રની આધ્યાત્મિક રાજધાની માનવામાં આવે છે અને અહીંના દેવ શ્રી વિઠ્ઠલરાયને 'બ્રહ્માંડના સર્વોચ્ચ ભગવાન' તરીકે પૂજવામાં આવે છે.
પંઢરપુર - શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મંદિર
પંઢરપુર ચોરસ આકારમાં બનેલ શ્રી વિઠ્ઠલ મંદિર એ પાંચ માળની ઇમારત છે જ્યાં મુખ્ય મંદિરની પાછળ જ શ્રી વિઠ્ઠલની પત્ની શ્રી રુક્મિણીનું મંદિર છે. 13મી સદીમાં સ્થાપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. અહીં મંદિરમાં પ્રવેશતાં જ દરવાજા પાસે ભક્ત ચોખામેળાની કબર છે. ભક્ત નામદેવજીની સમાધિ પહેલા પગથિયાં પર છે. દ્વારની એક તરફ અખા ભગતની મૂર્તિ છે. નિજ મંદિર પરિસરના વર્તુળમાં ભગવાન શિવની મૂર્તિનું ભવ્ય મંદિર તેમજ શ્રી રૂકમણીજી, બલરામજી, શ્રી સત્યભામાજી, શ્રી જાંબવતીજી અને શ્રી રાધાજીના મંદિરો આવેલા છે.
પંઢરપુરના પ્રસિદ્ધ દેવી મંદિરોમાં શ્રી પદ્માવતી, શ્રી અંબાબાઈ અને શ્રી લાખુબાઈ સૌથી પ્રસિદ્ધ છે. ચંદ્રભાગાની બીજી તરફ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુની બેઠક આવેલી છે. 3 માઈલ દૂર એક ગામમાં જનાબાઈનું મંદિર છે જ્યાં એ ઘંટી પણ છે જે ભગવાન લોટ દળવા ચલાવતા હતા. કૈકાડી મહારાજ મઠ અને તાનપુરે મહારાજ મઠ શહેરના અન્ય મુખ્ય આકર્ષણો પૈકી એક છે.
11મી સદીમાં પંઢરપુર તીર્થસ્થાનની સ્થાપના કરવામાં આવી હતી. મુખ્ય મંદિર 12મી સદીમાં દેવગિરિના યાદવ શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. શ્રી વિઠ્ઠલ મંદિર અહીંનું મુખ્ય મંદિર છે. ભગવાન વિષ્ણુના અવતાર વિઠોબા અને તેમની પત્ની રૂકમણીના માનમાં, શહેર વર્ષમાં 4 વખત તહેવારોની ઉજવણી કરવા માટે એકત્ર થાય છે. આમાંના મોટાભાગના ભક્તો અનુક્રમે અષાઢ મહિનામાં અને ત્યારબાદ કારતક, મહા અને શ્રાવણ મહિનામાં ભેગા થાય છે. એવું માનવામાં આવે છે કે છેલ્લા 800 વર્ષથી સતત આ યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે.
અહીં ભગવાન વિઠ્ઠલના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં આવે છે, જેને પાંડુરંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વિઠ્ઠલને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. પંઢરપુર મંદિરમાં વિઠ્ઠલની પૂજા 13મીથી 17મી સદી દરમિયાન ભક્તિ પરંપરામાં પુરાણોની સામગ્રી અને મહારાષ્ટ્ર અને કર્ણાટકના વૈષ્ણવ સંતોના યોગદાન પર આધારિત છે.
શ્રી કૃષ્ણ ભક્ત પુંડલિક માતા-પિતાના અનન્ય સેવક હતા. એક દિવસ તેઓ તેમના માતા-પિતાની સેવામાં લીન હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમને દર્શન આપવા દરવાજા પર આવ્યા. પરંતુ ભક્ત પુંડલિક તે સમયે પિતાના પગ દબાવી રહ્યા હતા. તે સમયે તેમણે ઉઠયા વગર જ ભગવાનને આસન પર ઉભા રાખવા માટે ઈંટ આપી તેથી ભગવાન કમર પર હાથ રાખીને ઈંટ પર ઊભા રહ્યા, એટલે જ નિજ મંદિરમાં ભગવાન વિઠ્ઠલની મૂર્તિ કમર પર હાથ રાખીને ઊભી છે તેવી મુદ્રામાં છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ વિઠોબાના રૂપમાં છે જેમણે ભક્ત પુંડલિકની ભક્તિથી પ્રસન્ન થઈને તેમના દ્વારા ફેંકવામાં આવેલા ઈંટને (જેને મરાઠીમાં વીઠ કહે છે) પોતાનું આસન બનાવ્યું, તેથી તેમનું નામ 'વિઠોબા' પડ્યું. આ સ્થળને ભારતની દક્ષિણ કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
એવું કહેવાય છે કે વિજયનગર સામ્રાજ્યના પ્રખ્યાત રાજા કૃષ્ણદેવ રાય વિઠોબાની મૂર્તિને તેમના રાજ્યમાં લઈ ગયા હતા પરંતુ પાછળથી ફરી એકવાર મહારાષ્ટ્રીયન ભક્તે તેને પાછી લાવીને અહીં પુનઃસ્થાપિત કરી. બીજી લોકવાયકા એવી પણ છે કે સંત ચૈતન્ય મહાપ્રભુના 10 જીવન હતા અને તેમણે અહીં સતત સાત દિવસ તપ કર્યું હતું. પંઢરપુર મહારાષ્ટ્રીયન ભાકરી સંતોના કવિ-સંતો માટે પણ જાણીતું પવિત્ર સ્થળ છે. બુધવાર ખાસ કરીને શુભ માનવામાં આવે છે અને મોટાભાગે ભીડ અને વ્યસ્ત રહે છે.
પંઢરપુર યાત્રા
પંઢરપુરની યાત્રા દેવશયની એકાદશી (અષાઢ સુદ એકાદશી) અને દેવઉઠી એકાદશી (કાર્તિક સુદ એકાદશી) પર કરવામાં આવે છે, જે ઘણી જ પુણ્યશાળી માનવામાં આવે છે. અહીં વારકરી સંપ્રદાયના લોકો દર્શન કરવા આવે છે. તેથી આ યાત્રાને 'વરી દેના' પણ કહેવાય છે. પંઢરપુરની મુખ્ય યાત્રા પુણે જિલ્લાના દેહુ ખાતેના સંત તુકારામ મંદિરથી શરૂ થાય છે. વારકારીઓ અથવા યાત્રાળુઓ તુકારામ મહારાજની પાલખી શોભાયાત્રાને અનુસરે છે. કેટલાક લોકો આ પ્રવાસ દરમિયાન સંત જ્ઞાનેશ્વર પાલખી પુણે નજીક આલંદીથી જોડાય થાય છે અને પુણે અને જજુરી થઈને પંઢરપુર પહોંચે છે. રસ્તામાં આવેલા અન્ય શહેરો અને ગામડાઓમાંથી ઘણી બધી પાલખીઓ યાત્રામાં જોડાય છે. દર વર્ષે દેવશયની એકાદશીના અવસરે, ભગવાન વિઠ્ઠલ અને રૂકમણીની મહાન પૂજાના સાક્ષી બનવા માટે દેશ-વિદેશના ખૂણે-ખૂણેથી લાખો લોકો પગપાળા ધ્વજ અને દિંડી લઈને આ તીર્થસ્થળે પહોંચે છે.
સ્થાનિક લોકો અને સંસ્કૃતિ
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આવેલ પંઢરપુરમાં મોટાભાગના લોકો મરાઠી બોલે છે, જે તે અહીંની મુખ્ય ભાષા છે. આ સિવાય અહીંના લોકો સરળતાથી હિન્દી બોલી લે છે. અહીંના લોકો એકદમ સરળ અને મિલનસાર છે. જો કે, અન્ય ધાર્મિક-પ્રવાસન સ્થળોની જેમ જ અહીં પ્રવાસીઓ પાસેથી ઊંચી કિંમતો વસૂલવામાં આવે છે જેના માટે તમે કોઈપણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલા ભાવતાલ કરી લો તે ખૂબ જ જરૂરી છે.
ટુર પ્લાન
જો તમે સવારે પંઢરપુર પહોંચો છો, તો તમે સરળતાથી એક દિવસમાં વિઠ્ઠલા મંદિર અને રુક્મિણી મંદિર બંનેની મુલાકાત લઈ શકો છો. પછીનો દિવસ અન્ય દેવી-દેવતાઓની મુલાકાત લેવા, ખરીદી કરવા અને સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવા માટે નગરની આસપાસ એક ચક્કર લગાવવામાં પસાર કરી શકાય છે.
ટિપ્સ
જો તમે પીક-સીઝન અથવા કોઈપણ તહેવારો દરમિયાન મુલાકાત લો છો, તો દર્શન કરવા કલાકો સુધી લાઇનમાં રાહ જોવા માટે તૈયાર રહો. તમારો સમય બચાવવા માટે ઓનલાઈન ટિકિટ બુક કરો.
મંદિરમાં દર્શન કરવા જતાં સમયે ઓછી વસ્તુઓ સાથે લઈને જાવ અને તમારી સાથે કિંમતી વસ્તુઓ ન રાખો, ભીડને લીધે તમારી કિંમતી વસ્તુઓ ખોવાઈ જવાનો ભય રહે છે. પાણીની બોટલ અને હળવો નાસ્તો કે બિસ્કીટ સાથે રાખો. બાળકોનો હાથ ન છોડો. શક્ય હોય તો જરૂરી પૂરતી જ ઓછી રોકડ રકમ સાથે રાખો અને તમને અમુક વસ્તુઓ ખરીદવા દબાણ દુકાનોમાં ખરીદી કરવાનું ટાળો.
નજીકના ફરવાલાયક સ્થળો: તુલજા ભવાની મંદિર (તુલજાપુર), શ્રી મહાલક્ષ્મી મંદિર (કોલ્હાપુર) અને શ્રી સ્વામી સમર્થ મહારાજ મંદિર (અક્કલકોટ)
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.