ભારતીય રેલવે યાત્રીઓને સાધારણ ટ્રેનની સાથે સાથે લકઝરી સુવિધા ધરાવતી ટ્રેનોની સેવા પણ આપે છે. ભારતીય રેલવેએ આવી જ એક લકઝરી બૌદ્ધ સર્કિટ ટ્રેનની શરુઆત કરી છે જેમાં મુસાફરી કરનારા યાત્રીઓને ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા સ્થળોના દર્શનની સાથે સાથે ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ પણ મળશે. સાથે જ તેમાં બધા પ્રકારના શાહી ઠાઠમાઠ પણ મળશે. તો આવો જાણીએ આ ટ્રેનમાં મળનારી સુવિધાઓ અને તેના ભાડા અંગે.
કોરોનાના કેસોમાં ઘટાડો આવવાની સાથે જ સરકારે પર્યટનની દિશામાં પોતાના પગલા ઉઠાવવાનું શરુ કરી દીધું છે. જે હેઠળ બૌદ્ધ સર્કિટ ટ્રેનની શરુઆત કરવામાં આવી છે. આ ટ્રેનને ભારત સરકારના સ્વદેશ દર્શન યોજના સ્કીમ હેઠળ શરુ કરવામાં આવી છે. આ ટ્રેનમાં સવાર બધા યાત્રીઓને દેશભરના જુદા જુદા બૌદ્ધ સ્થળોનું ભ્રમણ કરાવવામાં આવશે.
આઇઆરસીટીસીની વેબસાઇટ અનુસાર બૌદ્ધ સર્કિટ ટ્રેન ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા સ્થળો સારનાથ, ગયા, કુશીનગર, શ્રાવસ્તી અને રાજગીર સહિત ઘણાં સ્થળોએથી પસાર થશે. આ ટ્રેન પહેલા દિવસે દિલ્હીથી રવાના થઇને બીજા દિવસે ગયા પહોંચશે. ત્યાર બાદ ત્રીજા દિવસે રાજગીર અને નાલંદાનું ભ્રમણ કરીને ચોથા દિવસે વારાણસી અને સારનાથ પહોંચશે. ત્યાર બાદ આ ખાસ લકઝરી ટ્રેન પાંચવા દિવસે લુમ્બિની અને છઠ્ઠા દિવસે કુશીનગર જશે. ત્યાર બાદ સાતમા દિવસે શ્રાવસ્તી અને આંઠમાં દિવસે આગ્રા થઇને દિલ્હી પાછી ફરશે.
કેટલું હશે ભાડું
ટ્રેનની વેબસાઇટ અનુસાર આવતા વર્ષે 15 જાન્યુઆરીએ આ ટ્રેન નવી દિલ્હીથી રવાના થશે. ત્યાર બાદ 29 જાન્યુઆરી, 26 ફેબ્રુઆરી, 12 માર્ચ, 8 ઓક્ટોબર, 29 ઓક્ટોબર, 12 નવેમ્બર, 26 નવેમ્બર, 10 ડિસેમ્બર અને 24 ડિસેમ્બરે આ ટ્રેન યાત્રીઓને ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળોના દર્શન કરાવશે. પ્રવાસીઓ 7 દિવસ અને 8 દિવસ આ યાત્રા માટે અંદાજે 88,060 રુપિયા ખર્ચ કરવા પડશે. જો કે આ ભાડું ફર્સ્ટ એસીમાં મુસાફરી કરનારા યાત્રીઓ માટેનું છે. સેકન્ડ એસી માટે 72,030 રુપિયા ખર્ચ કરવા પડશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસીમાં એકસાથે 96 યાત્રી અને સેકન્ડ એસીમાં 60 યાત્રીઓ સવાર થઇ શકે છે.
ટ્રેનમાં આવી છે સુવિધાઓ
આ લકઝરી ટ્રેનમાં યાત્રીઓને પ્રોફેશનલ કર્મચારીઓ દ્ધારા સુવિધા પ્રદાન કરવામાં આવશે. સાથે જ આ ટ્રેનના કોચને પણ ઘણા ભવ્ય રીતે સજાવાયા છે. જેથી યાત્રીઓને શાહી ઠાઠની પુરી સુવિધા મળી શકે. આ ટ્રેનના ડાઇનિંગ કોચને પણ વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમાં આધુનિક સુવિધાઓ જેવા કે ટચ વગરના નળ, ચામડાનું ઇન્ટિરિયર, સોફા, બાયો વેક્યુમ, શૌચાલય અને એડજસ્ટેબલ રીડિંગ લાઇટ જેવી સુવિધા પણ આપવામાં આવી છે. સાથે જ આ ટ્રેનને ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા પેન્ટિંગ, ચિત્રકળા અને ફોટોથી સજાવાઇ છે.