ભારત અથવા આખા વિશ્વમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓને તેમના પ્રવાસ સંદર્ભે 3 સૌથી મહત્વની વાત પૂછવામાં આવે તો કદાચ એનો જવાબ મળે: પરિવહન, રોકાણ અને ભોજન. આજના યુગમાં આ દરેક મુદ્દાઓમાં અનેકવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.
અહીં આપણે વાત કરવાની છે પ્રવાસ દરમિયાન રોકાણ કે ઉતારાના વિષય પર.
આજે કોઈ પણ પ્રવાસન સ્થળોએ રહેવા માટે ખૂબ સસ્તાથી માંડીને અત્યંત મોંઘા અને સાવ પાયાની સગવડોથી લઈને અત્યંત લક્ઝરી ધરાવતા રોકાણની વ્યવસ્થા ઉપલબ્ધ છે. સ્ટાન્ડર્ડ હોટેલ્સ ઉપરાંત હોસ્ટેલ, હોમસ્ટે, કેમ્પ, વગેરે પૈકી પ્રવાસીઓ કોઈ પણ ઓપ્શન પસંદ કરી શકે છે. હોટેલ, હોસ્ટેલ કે કેમ્પમાં ચોક્કસ રહી શકાય પણ જો તમારે જે તે પ્રદેશનો ઓથેન્ટિક અનુભવ જોઈતો હોય તો ત્યાંના સ્થાનિકો સાથે તેમના જ ઘરમાં રહીને ત્યાંના જીવનને ખરા અર્થમાં જોવું હોય તો તે માટે હોમસ્ટેથી વધુ સારું બીજું કઈ જ નથી.
હોમસ્ટે શું છે?
હોમસ્ટે એ એવા રોકાણની વ્યવસ્થા જ્યાં જે તે પ્રવાસન સ્થળે રહેતા ત્યાંના સ્થાનિકો અમુક ભાડું લઈને પોતાના ઘરના એક કે વધુ રૂમને ત્યાં આવતા પ્રવાસીઓને આવકારવા માટે ફાળવે છે. અમુક જગ્યાએ આ સુવિધા માત્ર સુવા પૂરતી ઉપલબ્ધ હોય છે તો અન્ય ઘણી જગ્યાઓએ રહેવા, જમવા તેમજ ઘરમાં રહેલી અન્ય સગવડો વાપરવાની પણ છૂટ હોય છે.
આ કારણો પર નજર કરશો તો તમને પણ થશે કે એક વાર તો હોમસ્ટેમાં અવશ્ય રોકાણ કરવું જોઈએ:
1) ખરા અર્થમાં સ્થાનિકોનું જીવન જીવો:
દરેક પ્રદેશની કોઈ ચોક્કસ ભાષા છે, તેમની રહેણીકરણી છે, જીવનશૈલી છે. અને તમે દેશ કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ પ્રવાસે જાઓ ત્યારે અમુક મહિનાઓ હોટેલમાં રહેવાથી પણ જે અનુભવ ન મળે તે અમુક દિવસોના હોમસ્ટેમાં રહેવાથી મળે છે કેમકે અહીં તમને જે તે પ્રદેશના સ્થાનિકોનું જીવન સૌથી નજીકથી જોવાની તક મળશે. સ્થાનિકોના ઘરમાં જે તે પ્રદેશનો જે ઓથેન્ટિક અનુભવ થાય છે તે કોઈ મોટી હોટેલમાં પણ નથી થતો.
2) હોમ અવે ફ્રોમ હોમ:
હોટેલ રૂમ્સમાં તમને યુનિફોર્મમાં સજ્જ અને કડકડાટ અંગ્રેજી બોલતા લોકો વચ્ચે તમારા ‘પેકેજ’ પ્રમાણે સંપૂર્ણપણે ફોર્મલ સુવિધાઓ આપવામાં આવે છે જ્યારે હોમસ્ટે વાસ્તવિક રીતે ‘હોમ અવે ફ્રોમ હોમ’નો અનુભવ કરાવે છે. ઉપરના મુદ્દામાં લખ્યું એ જ અહીં પણ લાગુ પાડી શકાય કે હોમસ્ટેમાં યજમાનની જે લાગણી અને ઉમળકો હોય છે તે હજારો રૂપિયા ચૂકવતા પણ કદાચ ન મેળવી શકાય.
3) ઘરનું હેલ્ધી ભોજન:
પ્રવાસી તરીકે અહીં તમે ઘણી વાજબી રકમ ચૂકવીને તદ્દન ઘર જેવું સરળ, સ્વાદિષ્ટ ભોજન મેળવી શકો છો. જો કે અહીં હોટેલ્સ જેવા ઢગલોબંધ વિકલ્પ ઉપલબ્ધ નથી હોતા પણ જે કોઈ પણ વાનગીઓ અહીં બનાવવામાં આવે તે બહુ જ સિમ્પલ રીતે અને જે તે પ્રદેશની સ્ટાન્ડર્ડ રાંધણકળા અનુસાર બનાવવામાં આવે છે.
4) ટુરિસ્ટ નહિ, સ્થાનિકની જેમ રહો:
હોટેલ રૂમમાં રહેવાથી તમને ટુરિસ્ટનો અનુભવ ચોક્કસ થાય છે. હોટેલમાંથી બહાર નીકળો એટલે કદાચ સ્થાનિક લોકો અને તેમનું જીવન જોવા પણ મળી શકે પરંતુ સ્થાનિક લોકોનું જીવન જીવવું એ તદ્દન ભિન્ન બાબત છે. તમે દિવસ દરમિયાન જોયેલી જગ્યાઓ વિષે હોમસ્ટેમાં ત્યાંના યજમાન પાસેથી તે જગ્યા અંગે કઈ કેટલીય વાતો જાણી શકો છો જે તમને ગૂગલ પર પણ ન જાણવા મળે.
5) વોકલ ફોર લોકલ:
અલબત્ત, દેશની દરેક હોટેલ્સથી આપણા જ દેશના લાખો, કરોડો લોકોનો રોજગાર ચાલતો હશે પણ હોમસ્ટે એ એવા લોકોની ‘હોટેલ’ છે જે લોકો તેના ગામ કે શહેરમાં આવતા પ્રવાસી માટે અલગથી ઇમારત ઊભી કરવા સક્ષમ નથી પણ તેમની મહેમાનગતિ કરવા આતુર અવશ્ય છે.
6) સોલો ટ્રાવેલર્સ માટે આદર્શ:
સોલો ટ્રાવેલર્સ છોકરો હોય કે છોકરી તેઓને તેમની સુરક્ષા વિષે સતત ચિંતા રહેવાની જ. આવા સંજોગોમાં એક પરિવાર સાથે તેમના જ ઘરમાં રોકાવા મળે તો કોઈ પ્રશ્ન જ ન રહે! વળી, તેમને આખો દિવસ એકલા ફર્યા બાદ સાંજ પડે હોમસ્ટેનો યજમાન પરિવાર કે તેમના સહપ્રવાસીઓ સાથે વાતો કરવાનો આનંદ માણી શકાય છે.
7) એક યાદગાર અનુભવ:
તમે જીવનમાં અનેક પ્રવાસ કર્યા હશે, અનેક પ્રકારની હોટેલ્સમાં રોકાણ કર્યું હશે પરંતુ એ હોટેલના રૂમ્સ અને ત્યાં પાડેલા અમુક ફોટોગ્રાફ્સ સિવાય તમારી પાસે હોટેલની કોઈ જ યાદગીરી નહિ હોય. તેથી વિરુદ્ધ હોમસ્ટેમાં રોકાવાથી તમારી પાસે પ્રવાસ ઉપરાંત તમારા રોકાણના સ્થળની, ત્યાંના યજમાન પરિવારની અને તેમની વાતો- વાનગીઓની પણ અમીટ છાપ રહેશે. સાચે જ, હોમસ્ટે એક યાદગાર અનુભવ સાબિત થશે.
તમને પણ લાગે છે ને કે આગામી પ્રવાસમાં હોટેલ નહિ પણ હોમસ્ટેમાં જ ઉતારો કરશો.
શું તમને કોઈ હોમસ્ટેમાં રોકાવાનો અનુભવ છે? અમને કમેન્ટ્સમાં જણાવો.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ