પુરાણો પ્રમાણે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી ત્યારે જે સ્થાને તેમનો મહેલ એટલે હરિગૃહ હતો. ત્યાં જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભૂજ પ્રતિમા છે. જે ચાંદીના સિંહાસન ઉપર વિરાજમાન છે. તેઓએ પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલાં છે. પુરાતત્ત્વીય શોધમાં સામે આવ્યું છે કે, આ મંદિર લગભગ 2,000 થી 2200 વર્ષ જૂનું છે. એવું માનવામાં આવે છે કે, લગભગ અઢી હજાર વર્ષ પહેલાં દ્વારકાધીશ મંદિરનું નિર્માણ ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે કરાવ્યું હતું. ત્યાર બાદ આ મંદિરનું સમારકામ અને તેનો વિસ્તાર કરવામાં આવ્યો.
એવું માનવામાં આવે છે કે કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકા શહેર સમુદ્રમાં ડૂબી ગયું હતું. એવું કહેવામાં આવે છે કે શહેરનું નિર્માણ છ વખત કરવામાં આવ્યું હતું અને હાલનું શહેર સાતમું છે. પ્રાચીન દ્વારકા હાલના દ્વારકાની નીચે દબાયેલુ છે અને ઉત્તરમાં બેટ દ્વારકા, દક્ષિણમાં ઓખામઢી અને પૂર્વમાં દ્વારકા સુધી વિસ્તરિત છે. તેવી માન્યતા ને સમર્થન આપવા કેટલાક પુરાતત્ત્વીય સંકેતો પણ છે.
ગુજરાતનું દ્વારકાધીશ મંદિર પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. તે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દેશના 4 ધામમાંથી એક છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા દ્વારકાધીશના રૂપમાં થાય છે. તેનો અર્થ દ્વારકાના રાજા છે. દ્વાપર યુગમાં આ સ્થાન ભગવાન કૃષ્ણની રાજધાની હતું. આ મંદિરની ઇમારત 5 માળની છે. આ મંદિરમાં ધ્વજા પૂજનનું વિશેષ મહત્ત્વ છે.
દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધજા જ શા માટે?
દ્વારકાધીશ મંદિર પર ફરકાવવામાં આવતી ધજા અનેક કિલોમીટર દૂરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે આ ધજા 52 ગજની હોય છે. 52 ગજની આ ધજા પાછળ અનેક લોકમાન્યતા છે. કેટલાક લોકોનું માનવું છે કે દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. તે સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લાગતા હતા. મુખ્ય ભગવાન કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન આ ચાર ભગવાનોના મંદિર હજું પણ બનેલા છે. જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોના પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે.
અન્ય એક લોકમાન્યતા છે કે 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે. ત્રીજી માન્યતા પ્રમાણે દ્વારકામાં એક સમયે 52 દ્વાર હતા. તે પણ પ્રતીક છે. મંદિરની આ ધજા ખાસ દરજી જ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જ્યારે ધજા બદલવાની પ્રક્રિયા થાય છે તે સમયે તેને જોવા પર પ્રતિબંધ હોય છે. દિવસમાં 5 વખત આ ધજા બદલવામાં આવે છે.
હિન્દુ માન્યતા અનુસાર
દ્વારકા શ્રીકૃષ્ણ દ્વારા જમીનના એક ટુકડા પર બનાવાઇ છે. જેને સમુદ્રથી ઉપર લાવવામાં આવ્યો હતો. એકવાર દુર્વાષા ઋષિ દ્વારકા આવ્યા અને શ્રીકૃષ્ણ તથા રૂકમણિની સાથે મહેલ જતા હતા ત્યારે રસ્તામાં રુકમણિને તરસ લાગી તો શ્રીકૃષ્ણએ એક પૌરાણિક દ્વાર જમીનમાં ખોલ્યું જેનાથી ગંગા નદીની ધારા અવતરીત થઇ અને દુર્વાષા ઋષિએ ક્રોધવશ રુક્મણિને સદૈવ તે સ્થાન પર રહેવાનો શ્રાપ આપ્યો. આજે મુખ્ય મંદિરની પાસે જ જે જગ્યા રૂકમણિ મંદિર છે ત્યાં જ તે સમયે રુકમણિ ઉભા હતા જ્યારે તેમને શ્રાપ આપવામાં આવ્યો હતો.
શ્રીકૃષ્ણ મથુરા છોડી દ્વારકા કેમ આવ્યા ?
મહાભારત, ભગવતગીતા, વાયુપુરાણ, મત્સ્યપુરાણ અને વિષ્ણુપુરાણમાં ઉલ્લખે મળે છે કે શ્રીકૃષ્ણના નેતૃત્વમાં મથુરાથી દ્વારકા સુધી યદુવંશિઓએ પ્રવાસ કર્યો. ભગવાન શ્રીકૃષ્ણએ જ્યારે કંસવધ કર્યો તો પ્રતિશોધના કારણે કંસે સસરા જરાસંધે મથુરા પર ક્રમશઃ 17 વાર આક્રમણ કર્યું પરંતુ દરેક વખતે તે હારી ગયો. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ મથુરાને થતા વારંવારના નુકસાનથી બચવા દ્વારકા નગરી વસાવી.
વિધ્વંશ :
15મી શતાબ્દીમાં ઇસ.1472માં ગુજરાતના તત્કાલીન શાસક મહેમુદ બેગડાએ આને હજ માટે મક્કા જનારાઓને સમુદ્રી ડાકુઓથી સુરક્ષાની આડમાં લુંટ્યુ અને ધ્વસ્ત કર્યું. તેણે દ્વારકાને તો લૂંટ્યુ જ સાથે ઘણાં હિન્દુ મંદિરોને લૂંટ્યા અને તોડી નાંખ્યા. હાલનું જે મંદિર ચાલુક્ય શૈલીમાં બન્યું છે તેનો જીર્ણોદ્ધાર 15-16મી શતાબ્દીમાં રાજા જગત સિંહ રાઠોડે કરાવ્યો હતો. તેથી તેને જગત મંદિર પણ કહેવામાં આવે છે.
Dwarkadhish Temple
મંદિરની રચના :
વર્તમાન મંદિરનું નિર્માણ 15-16 મી સદીદરમ્યાન ચાલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંદિર 27-મીટર લંબાઈ 21-મીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્ર પર આવેલું છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 29-મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળા 23 મીટર છે. મંદિરનું સૌથી ઉંચું શિખર 51.8 મીટર છે.
મંદિર 72 થાંભલાઓ પર બાંધવામાં આવેલી પાંચ માળની રચના ધરાવે છે (અમુક સ્થળે 60 થાંભલાવાળા રેતીના પત્થરનું મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે. કૃષ્ણના પૌત્ર દ્વારા શ્રી કૃષ્ણના મહેલ – હરિગ્રહ ઉપર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં સભાખંડ અથવા પ્રેક્ષક ખંડ (રંગ મંડપ) છે. મંદિરમાં બે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે, એક મુખ્ય પ્રવેશદ્વાર છે જેને મોક્ષ દ્વાર કહેવામાં આવે છે (જેનો અર્થ ” મુક્તિનો દ્વાર ” છે) અને બહાર નીકળો દરવાજો જે સ્વર્ગ દ્વાર તરીકે ઓળખાય છે જેનો અર્થ છે: “સ્વર્ગનો દરવાજો
ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે અને તેમને ચાર હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડા પર, કૃષ્ણના મોટા ભાઈ, બલરામ છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધની છબીઓ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની ડેરીઓમાં રાધા, રૂકમણી, જાંબાવતી, સત્યભામા, લક્ષ્મી, દેવકી (કૃષ્ણની માતા), માધવ રાવજી (કૃષ્ણનું બીજું નામ), રૂકમણિ, જુગલ સ્વરૂપ (કૃષ્ણનું નામ), લક્ષ્મી નારાયણની મૂર્તિઓ છે….
અન્ય મહત્વપૂર્ણ બિંદુ
આ એક પુષ્ટિમાર્ગ મંદિર છે, એટલે આ વલ્લભાચાર્ય અને વિઠ્ઠલનાથ દ્વારા બનાવેલા દિશા-નિર્દેશો અને અનુષ્ઠાનોનું પાલન કરે છે. જન્માષ્ટમી કે ગોકુલાષ્ટમી જેવા તહેરવારની શરુઆત શ્રીકૃષ્ણના જન્મદિવસે વલ્લભ (ઇસ.1473-1531માં) દ્વારા જ શરૂ કરવામાં આવી હતી.
કેવી રીતે બન્યું ચારધામનો હિસ્સો?
8મી શતાબ્દીમાં હિંદુ ધર્મશાસ્ત્રી અને દાર્શનિક શ્રી આદિશંકારાચાર્યે આ મંદિરનો પ્રવાસ કર્યો અને ત્યારથી ભારતમાં હિંદુઓ દ્વારા પવિત્ર ગણાતા ચારધામ તીર્થનો હિસ્સો બની ગયું. ઓરિસ્સામાં પુરી, તમિલનાડુમાં રામેશ્વરમ તેમજ ઉત્તરાખંડમાં બદ્રીનાથ તેમજ અન્ય 3 ધામ બન્યા.
Bet Dwarka
મંદિર નજીક પ્રાચીન સ્થળ
બેટ દ્વારકા
દ્વારકાથી 30 કિ.મી. દૂર બેટ દ્વારકા આવેલું છે. જેને શંખોડરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ એ જ ટાપુ છે જ્યાં કૃષ્ણ મથુરા છોડી યદુવંશીઓને સૌપ્રથમ લાવ્યા હતા. ત્યાબાદ દ્વારકાનું નિર્માણ થયું. પુરાતત્વીય સર્વેક્ષણમાં 500 મીટર સુધી ફેલાયેલા એક કાટમાળની દિવાલ (જે ઘણી જગ્યાએ ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી) તેની ખબર પડી. દિવાલની ખંડોમાંથી મળેલી માટીના વાસણોની હર્મોલુમિનિસેન્સ ડેટિંગ વિધિથી તેનું આયુષ્ય તપાસ્યું તો તે 3500 વર્ષ જુનું મળ્યું. તેનાથી એ વાતની પુષ્ટી થઇ કે આ દિવાલ ઇસ. પૂર્વે 16મી શતાબ્દીની છે. ટાપુના દક્ષિણ ભાગની સાથે મધ્યમાં પણ સમુદ્રની તરફ દિવાલો છે. આ દિવાલની લંબાઇ 550 મીટર છે. ખાસ વાત એ છે કે સૌથી નીચલી (low tide) ભરતી વખતે જ દેખાય છે. બાલાપુરમાં આવી જ અને જલમગ્ન દિવાલો જોવા મળે છે.
(Dr SR RAO - From Dwarka to Kurukshetra : journal of Marine Archeological).
Rukmini Devi Mandir
રુકમણી દેવી મંદિર : માત્ર 2 કિલોમીટર દૂર રુકમણી દેવી મંદિર આવેલું છે. આ એ જ સ્થાન છે જ્યાં દુર્વાસા મુનિએ તેમને શ્રાપ આપ્યો હતો. આ ઉપરાંત અહીં નાગેશ્વર જ્યોર્તિલિંગ અને શિવરાજપુર બીચ પણ ફેમસ જગ્યા છે. શિવરાજપુર બીચને બ્લૂ ફ્લેગ મળ્યો છે. અહીં સ્કૂબા ડાઇવિંગ પણ કરાવવામાં આવે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો