27 જુલાઇ 2021ના દિવસે ગુજરાતનું ખૂબ પ્રાચીન સ્થળ દેશભરમાં છવાઈ ગયું.
શું કામ?
યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવતી વર્લ્ડ હેરિટેજની યાદીમાં ભારતનું 40મુ સ્થળ ઉમેરાયું: આપણા ગુજરાતના કચ્છમાં આવેલું ધોળાવીરા. તાજેતરમાં જ તેલંગાણાના રામપ્પા મંદિર બાદ ગુજરાતના ધોળાવીરાનો સમાવેશ થયાની સાથે યુનેસ્કો વિશ્વ વારસાની યાદીમાં ભારતે 40નો આંકડો પાર કર્યો હતો.
યુનેસ્કોએ 2021 માં જે જગ્યાને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરી તે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા માટે ઘણા દાયકાઓથી મહત્વનું સ્થાન છે અને તે જગ્યાનો બહુ જ આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પણ થયો છે.
ધોળાવીરા વિષે:
આપણે સૌ જાણીએ છીએ કે ભારત પર વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓનો વિકાસ થયો હતો. આશરે 4500 વર્ષ પહેલા સિંધુ નદીની આસપાસ હડપ્પા સંસ્કૃતિ વિકાસ પામી હતી જેને ‘Indus Civilisation’ કહેવાય છે. આ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો આજે પણ ભારત (અને હવે અમુક પાકિસ્તાન) ભૂમિ પર અખંડ ઉભા છે.
સ્થાનિક ભાષામાં ધોળાવીરાને કોટડા કહેવાય છે જેનો અર્થ ભવ્ય કિલ્લો તેવો થાય છે. 70 ના દાયકામાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કચ્છના રણમાં સંશોધન કરવામાં આવ્યું હતું. અમુક વર્ષો પછી ત્યાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા અને વધુ ખોદકામ કરતાં 100 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું ભવ્ય ધોળાવીરા નગર મળી આવ્યું હતું.
વિશ્વની સૌથી જૂની ગટર વ્યવસ્થા તેમજ સાઇન બોર્ડસ આ જ ભૂમિના હશે તેવું માનવામાં આવે છે. આ માટે અહીં પથ્થર તેમજ માટીમાંથી બનેલી અનેક વસ્તુઓના કેટલાક નક્કર પુરાવાઓ મળ્યા છે. ઈંટ તેમજ પથ્થરમાંથી બનેલા ઉપલા તેમજ નીચલા ભાગના મકાનો હજારો વર્ષો પહેલા થયેલી અદભૂત નગર વ્યવસ્થાની સાબિતી આપે છે. અરે, અહીં અનેક લોકોની બેસવાની વ્યવસ્થા સાથેનું એક સ્ટેડિયમ પણ મળી આવ્યું છે!!
કચ્છ જિલ્લામાં કોઈ પણ જગ્યાએથી ધોળાવીરા જતો માર્ગ ખૂબ જ આનંદમય લાગશે કારણકે ધોળાવીરા જતાં રસ્તામાં ભવ્ય રણ તેમજ ચિંકારા, નીલગાય, ફ્લેમિંગો જેવા જીવના અદભૂત નજારા જોવા મળે છે.
કેવી રીતે પહોંચવું?
વાહન માર્ગે: અમદાવાદથી ભૂજ 335 કિમીના અંતરે આવેલું છે. ભૂજ અને ધોળાવીરા વચ્ચેનું અંતર 250 કિમી જેટલું છે.
રેલમાર્ગે: સૌથી નજીકનું રેલવે સ્ટેશન- ભૂજ.
હવાઈ માર્ગે: ભૂજનું રુદ્ર માતા એરપોર્ટ એ ધોળાવીરાથી સૌથી નજીકનું હવાઈ મથક છે.
રોકાણ માટે:
તોરણ હોટેલ, નારાયણ સરોવર
વિજય વિલાસ પેલેસ, માંડવી
હોલિડે વિલેજ રિસોર્ટ, ગાંધીધામ
તો તમે ધોળાવીરાના પ્રવાસે ક્યારે જઈ રહ્યા છો?
માહિતી અને ફોટોઝ: ગુજરાત ટુરિઝમ
.