પ્રવાસની દુનિયામાં રોડટ્રીપ એ એક ખૂબ વાસ્ટ (ભવ્ય) કોન્સેપ્ટ છે જેને મોટા ભાગના ભારતીય પ્રવાસીઓએ અમુક નિયત પ્રવાસન સ્થળો પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. ભારતમાં રોડ ટ્રીપમાં સર્વોપરી છે મનાલી/શ્રીનગરથી લેહની રોડટ્રીપ; અને તે સિવાય પણ પ્રવાસપ્રેમીઓ દિલ્હીથી વિવિધ હિલ સ્ટેશનની રોડટ્રીપ, ગોવામાં સ્કૂટર કે કાર ભાડે લઈને થતી રોડટ્રીપ, ઓડિશા/ કર્ણાટક/ મહારાષ્ટ્ર/ કેરળ/ વિશાખાપટ્ટમ કે પૂડુંચેરીના દરિયાઈ વિસ્તારોમાં થતી રોડટ્રીપ વગેરે પર જવાનું ખાસ પસંદ કરતાં હોય છે. અહીં એક વાત ઉલ્લેખનીય છે કે માત્ર લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ તરફ જતાં લોકપ્રિય રસ્તાઓ પર સફર ખેડવી એ જ રોડટ્રીપ નથી.
કોઈ પણ ‘રોડ નોટ ટેકન’ (બહુ ઓછા લોકો જે રસ્તા પર જાય છે તે રસ્તો)ની રોડટ્રીપ પણ અન્ય તમામ રોડટ્રીપ જેવી જ આકર્ષક હોવાની.
વળી, તમે દરિયાકિનારે, પહાડો પર કે ગાઢ જંગલોમાં તો રોડટ્રીપ કરી જ હશે? શું રણમાં રોડટ્રીપ કરી છે? કદાચ શક્ય છે કે જેસલમેરમાં કરી હોય, પણ શું તમે સફેદ રણ વચ્ચે પસાર થતાં રોડટ્રીપ કરી છે?
નહિ ને?
સફેદ રણમાં રોડટ્રીપ કેવી રીતે શક્ય છે? તેનો જવાબ છે ધોળાવીરા હાઇવે!
ધોળાવીરા શું છે?
કચ્છ જિલ્લામાં ખદિર બેટ પાસે આવેલું ધોળાવીરા એ આશરે ઈસવીસન પૂર્વે 1800 ની સાલમાં બનેલી નગર સંસ્કૃતિ છે. પ્રાચીન હડપ્પા સંસ્કૃતિના સમયનું કચ્છ જિલ્લામાં આવેલું ધોળાવીરા એ આજે UNESCO ની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અહીં આજે પણ હજારો વર્ષ પહેલા બનેલા નગરના અવશેષો ઉપલબ્ધ છે અને તે જ આ નગરની વિશેષતા છે. ધોળાવીરા એ ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 30 કિમી દૂર આવેલું છે એટલે કે આ પ્રાચીન નગરનો અમુક અંશ આજે પાકિસ્તાનનો ભાગ છે પણ આપણા રાજ્યમાં આવેલું આ દુર્લભ નજર દરે ગુજ્જુ પ્રવાસીઓએ જોવું જ જોઈએ.
આજે ધોળાવીરામાં માં પચાસ જેટલા પરિવારો વસે છે અને તેઓ કચ્છની પરંપરાગત હસ્ત-કળા દ્વારા તૈયાર થતી અવનવી આકર્ષક વસ્તુઓ બનાવી અને તેને વેચીને જ પોતાનું ગુજરાન ચલાવે છે.
ધોળાવીરા હાઇવે:
ભુજથી ભચાઉ થઈને રાપર ગામથી આગળ મીઠાના રણમાં આવેલા ધોળાવીરાથી ધોરડો જવા સરકાર દ્વારા એક અત્યંત આહલાદક રસ્તો બનાવ્યો છે- NH 27- ધોળાવીરા નેશનલ હાઇવે. આ રોડ પરથી પસાર થતાં રસ્તાની એક તરફ સમુદ્ર અને બીજી તરફ અફાટ સફેદ રણનો દુર્લભ અને અત્યંત આકર્ષક નજારો જોવા મળે છે જે કોઈ સ્વપ્ન સમાન સુંદરતાથી જરાય કમ નથી. આંખોને આવો અદભૂત નજારો કદાચ ભાગ્યે જ જોવા મળતો હશે.
આ જ હાઇવે પર ધોળાવીરા આવતા પ્રવાસીઓ સૂર્યોદય અને સૂર્યાસ્તની યાદગાર પળોના સાક્ષી થવાનું અચૂક પસંદ કરે છે કારણકે દરિયા કે પહાડોમાં સન-રાઇઝ કે સન-સેટ જોવા એ આજે ખાસ નવી વાત નથી પણ મીઠાના સફેદ રણમાં કુદરતનું આ અદભૂત દ્રષ્ય માણવાની તક વારંવાર નથી મળતી.
જો તમે સોશિયલ મિડિયા પર સક્રિય છો કે તમે ફોટોગ્રાફીના શોખીન છો તો તમારે ખાસ ફોટોશૂટ કરવાના હેતુથી એક વાર ધોળાવીરા હાઇવેની મુલાકાત લેવી જોઈએ કેમકે અહીં એટલા મનોરમ્ય નજારાઓ જોવા મળે છે કે જે ગુજરાત કે ભારત તો શું આખા વિશ્વમાં કદાચ માત્ર કચ્છના ધોળાવીરા હાઇવે પર જ જોવા મળી શકે.
ધોળાવીરા નગરમાં પ્રવેશતા આ હાઇવે પૂરો થાય છે પણ જેમ આ હાઇવે તેના પ્રવાસીઓને અચરજમાં મૂકી દે છે તેમ ધોળાવીરા નગર જોઈને તો સૌ કોઈના આશ્ચર્યન પાર નથી રહેતો. હજારો વર્ષો પૂર્વે માણસ જાત પાસે કોઈ શિક્ષણ કે ડિગ્રી લીધા વગર પણ આટલું ઊંડું જ્ઞાન, આટલી ગહન સમજણ હશે તે જોઈને સાચે જ અવાક જ થઈ જવાય!
કેવી રીતે પહોંચવું?
ભુજથી ભચાઉ થઈને રાપર ગામમાંથી પસાર થતાં ધોળાવીરા હાઇવે આગળ વધે છે. ભુજ અને ધોળાવીરા વચ્ચે કુલ અંતર 222.5 કિમીનું છે.
વાહન તેમજ રેલ માર્ગે ભુજ દેશના તમામ મહત્વના શહેરો સાથે જોડાયેલું છે.
ભુજનું સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ છે જે ભુજથી 331 કિમીના અંતરે આવેલું છે.
ધોળાવીરા હાઇવેની રોડટ્રીપ પર જાઓ તો નજીકમાં આવેલી આ જગ્યાઓની મુલાકાત પણ અવશ્ય લેશો:
નારાયણ સરોવર: 374 કિમી
માતાનો મઢ: 317 કિમી
ધોરડો: 300 કિમી
માંડવી: 286 કિમી
ભુજ: 222 કિમી
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ