Day 1
ભારતમાં રહસ્યમય અને પ્રાચીન મંદિરોની કોઈ કમી નથી. આવું જ એક મંદિર ઉત્તરાખંડના શ્રીનગરથી લગભગ 14 કિલોમીટર દૂર આવેલું છે, જ્યાં દરરોજ કોઈને કોઈ ચમત્કાર થાય છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વાસ્તવમાં, આ મંદિરમાં હાજર માતાની મૂર્તિ દિવસમાં ત્રણ વખત તેનું સ્વરૂપ બદલે છે. આ દૃશ્ય ખરેખર આશ્ચર્યજનક છે. આ મંદિર ધારી દેવી મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર તળાવની બરાબર મધ્યમાં આવેલું છે. દેવી કાલીને સમર્પિત આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે અહીં હાજર મા ધારી ઉત્તરાખંડના ચારધામની રક્ષા કરે છે. આ માતાને પર્વતો અને યાત્રાળુઓની રક્ષક દેવી માનવામાં આવે છે.
માતાની મૂર્તિનું સ્વરૂપ બદલાય છે
ધારી દેવી મંદિરમાં આવેલી માતાની મૂર્તિ સવારે કન્યા, બપોરે યુવતી અને સાંજે વૃદ્ધ મહિલાના રૂપમાં જોવા મળે છે. બદ્રીનાથ જતા ભક્તો અહીં રોકાઈને માતાના દર્શન કરે છે. ધારી દેવી ઉત્તરાખંડના ચાર ધામની રક્ષા કરતી હોવાનું માનવામાં આવે છે. મા ધારીને પર્વતોની રક્ષક દેવી માનવામાં આવે છે.
મંદિર સંબંધિત પૌરાણિક કથાઓ
પૌરાણિક કથા અનુસાર, એકવાર માતાની મૂર્તિ ભયંકર પૂરમાં તણાઇ ગઈ હતી અને ધારો ગામમાં એક ખડક સાથે અથડાઈને અટકી ગઇ હતી. એવું કહેવાય છે કે મૂર્તિમાંથી નીકળતા એક દૈવી અવાજે ગ્રામજનોને તે જ જગ્યાએ મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી ગામલોકોએ તે જ જગ્યાએ માતાનું મંદિર બનાવ્યું. ત્યારથી, અહીં આવનાર ભક્ત તેમની હાજરી ચિહ્નિત કર્યા પછી જ માતાના દરબારમાં જાય છે. પૂજારીઓના જણાવ્યા અનુસાર દ્વાપર યુગથી મંદિરમાં મા ધારીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
માતા ધારા દેવી થઇ ગયા હતા ક્રોધિત
અહીંના જાણકારોના મતે આ મંદિરના પુરાવા વર્ષ 1807માં મળ્યા હતા. અને અહીંના મહંતનું કહેવું છે કે મંદિર 1807 કરતા ઘણા વર્ષો જૂનું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં દેવી માતા દિવસમાં ત્રણ વખત પોતાનું સ્વરૂપ બદલે છે. પરંતુ તેમનો ગુસ્સો પણ કોઈનાથી છુપાયેલો નથી, જો અહીંના લોકોનું માનવું છે કે કેદારનાથમાં થયેલ સર્વસંહાર ધારી દેવીના ક્રોધનું પરિણામ હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ મંદિરને વર્ષ 2013માં તોડી નાંખવામાં આવ્યું હતું. અને મા ધારી દેવીની મૂર્તિને અન્ય સ્થાન પર સ્થાપિત કરી દેવામાં આવી હતી. આના કારણે માતા ધારી દેવી ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. તે જ વર્ષે ઉત્તરાખંડમાં ભયંકર પૂર આવ્યું હતું, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
મા ધારી દેવીની મૂર્તિને પુનઃસ્થાપિત કરી
એવું કહેવાય છે કે 16 જૂન, 2013ની સાંજે મંદિરમાંથી માતાની મૂર્તિ હટાવવામાં આવી હતી અને તેના થોડા કલાકો પછી ઉત્તરાખંડમાં પૂરના કારણે તબાહી મચી ગઈ હતી. તે પછી ફરીથી તે જ જગ્યાએ મા ધારી દેવીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. જે બાદ પૂરે તબાહી મચાવવાનું બંધ કરી દીધું હતું. મંદિરને આપવામાં આવેલો નવો લુક ઘણી રીતે અલગ છે. આ મંદિર કત્યૂરી શૈલીમાં બનાવવામાં આવ્યું છે, જ્યાં હિમાલયના પવિત્ર વૃક્ષ દેવદારના લાકડા પર ઉત્કૃષ્ટ કોતરણી કરવામાં આવી છે. કાત્યુરી કલાકૃતિઓને લાકડા પર કોતરવામાં આવી છે જે આકર્ષણનું વિશેષ કેન્દ્ર છે.
પ્રાચીન સમયમાં કેદારનાથ-બદ્રીનાથ યાત્રા અહીંથી શરૂ થતી હતી
ચાર ધામોમાંના કેદારનાથ ધામ અને બદ્રીનાથ ધામની યાત્રા પ્રાચીન સમયમાં અહીંથી શરૂ થતી હતી અને ઋષિકેશ પછી, આ જગ્યા તીર્થયાત્રીઓ માટે રહેવાનું મુખ્ય સ્થળ હતું. પરંતુ આજે રસ્તાઓ ધામો સુધી પહોંચી ગયા છે, તેથી આ ધામ આજે પણ ચાર ધામ યાત્રાના માર્ગમાં પરંપરાગત રીતે યાત્રા કરતા ભક્તો માટે મુખ્ય જોવાલાયક સ્થળ છે.
કેવી રીતે પહોંચશો
ધારીદેવી મંદિર સુધી પહોંચવા માટે હરિદ્વાર અથવા ઋષિકેશથી શ્રીનગર સુધી બસથી જઇ શકાય છે. ત્યારબાદ શ્રીનગરથી લગભગ 14 કિમી દૂર બદ્રીનાથ નેશનલ હાઈવે પર કલિયાસૌડ આવેલું છે. જ્યાંથી લગભગ અડધા કિલોમીટરના પગપાળા અંતરે અલકનંદા નદીના કિનારે સિદ્ધપીઠ મા ધારી દેવીનું મંદિર આવેલું છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો