શિયાળામાં ગરમા ગરમ ઊંધિયુ, રીંગણનો ઓળો, લસણનું શાક, બાજરીનો રોટલો વગેરે ખાવીની મજા આવે છે. આ સિવાય તમારામાંથી ઘણાએ ‘ઉંબાડીયું’ નામ જરૂર સાંભળ્યું હશે. આ નામથી ખાસ કરીને વાપી, વલસાડ અને સુરતના લોકો ખાસ્સા પરીચિત હશે. જો નવસારીથી વાપી તરફ જઈએ તો રસ્તામાં એના ઘણા બધા સ્ટોલ લાગેલાં જોવા મળશે. ત્યાં લોકો ભરપેટ ઉંબાડીયું ખાતા જોવાં મળે છે. આ ઉંબાડિયું એટલે એક પ્રકારનું માટલા ઊંધિયું. આપણે ઊંધિયું ઘરે ગેસ પર કુકરમાં બનાવતા હોઈએ છીએ, જયારે આ લોકો માટલામાં બનાવે છે.
પારંપરિક રીતે તેને એક માટલામાં બનાવવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂકા પાન, લાકડા મૂકાય છે. જેમા સામગ્રીથી ભરેલુ માટલુ રાખવામાં આવે છે અને તેને વચ્ચે પકાવવામાં આવે છે.
કેવી રીતે બને છે ઉંબાડિયું?
ઉંબાડિયું બનાવવા માટે દાણાવાળી પાપડી, લીલી મરચી, આદુ-મરચાં, સુરતી કંદ, અજમો, આંબા હળદરની બનેલી ચટણી, મિડિયમ સાઈઝના બટાકા, શક્કરિયા, કોથમરી, ફુદીનો, લીલી હળદર, મીઠું સ્વાદાનુસાર અને સૂરણ હોવું જરૂરી છે. આટલી વસ્તુઓ હશે તો જ તમારું ઉંબાડિયું સ્વાદિષ્ટ બનશે. ઉંબાડિયું બનાવવાની રીત અંગે વાત કરીએ તો. સૌથી પહેલા તમારે નાના બટેટા આવે છે એ માપના બધા શાકના કટકા કરી લેવાના છે. અને તેમાં કાપ મુકીને ચટણી ભરી દેવાની છે. બીજી તરફ એક ભીના ટુવાલમાં તમારે પાપડીને થોડીવાર માટે પોટલી બાંધીને રાખવાની છે.
આમ કરવાનું કારણ એને થોડો ભેજ મળે એ હોય છે. ત્યારબાદ પાપડીમાં પણ ચટણી ભેળવવાની રહેશે. હવે બધા શાક બરાબર મિક્સ કરી તેમાં હથેળીમાં સમાય તેટલું જ તેલ, અજમો અને મીઠું ભભરાવી બરાબર હલાવી લો. અને ત્યાર બાદ માટલામાં ભરી તેને કલાર કે કંબોઇના પાંદડા વડે પેક કરી દેવામાં આવે છે અને ત્યાર બાદ માટલાને ઊંઘુ ખાડામાં રાખી તેના પર લાકડા અને પાન સળગાવવામાં આવે છે. ધ્યાન રાખો કે શરૂઆતમાં તાપ થોડો વધારે રાખવાનો છે અને બાદમાં ૧૦ મિનિટ પછી તેને મધ્યમ કરી દેવાનો આ રીતે આશરે ૪૦ મિનિટમાં ઉંબાડીયું તૈયાર થઈ જશે. માટલું ખૂબ જ ગરમ હશે, તેથી તેને થોડું ઠંડુ થવા દઈ ધ્યાનથી બહાર કાઢી લો. તમારું ઉંબાડીયું ગરમ ગરમ પીરસવા માટે તૈયાર છે.
ડુંગરી ગામનું ઉંબાડિયું છે ફેમસ
દિપ્તીબેનનું ઉંબાડિયું
વલસાડના ડુંગરી ગામમાં દિપ્તીબહેનું ઉંબાડિયું ઘણું જ ફેમસ છે. લગભગ 15 વર્ષથી તેઓ ઉંબાડિયું વેચે છે. લોકો દૂર દૂરથી ઉંબાડિયું ખાવા આવે છે. બટાકા, વાલોર-પાપડી, રતાળુ, શક્કરીયા વગેરેમાં મસાલો ભરીને તેને માટલામાં ભરી દેવામાં આવે છે. મસાલામાં આદુ, મરચા તેમજ અન્ય રેસીપીનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્યારબાદ માટલાને કલારના પાંદડાથી પેક કરીને તેને જમીનમાં ઊંધુ રાખીને 45 મિનિટ સુધી છાણા, લાકડાથી પકવવામાં આવે છે. ત્યાર બાદ ઉંબાડિયું થઇ જાય છે તૈયાર. અહીં બે જાતની ચટણી આપવામાં આવે છે. એકમાં મરચાં, આદુ, કોથમીર વગેરથી બને છે. બીજી ચટણી સિંગદાણા, કોથમીર અને લીલા મરચાંથી બનેલી હોય છે. દિપ્તીબહેનનું ઉંબાડિયું થોડુક સ્પાઇસી હોય છે એટલે ચટાકેદાર ખાવાના શોખીન અહીં ખાસ આવતા હોય છે.
બાબુભાઇનું ઉંબાડિયું
વલસાડમાં ડુંગરી ગામ નેશનલ હાઇવે પર બાબુભાઈનું ઉબાડિયું મળે છે. બાબુભાઇએ આજથી લગભગ 32 વર્ષ પહેલા ઉંબાડિયાની શરૂઆત કરી હતી. ઉંબાડિયું એટલે લાકડાનો સળગેલો ભાગ. માટલાની ચારેબાજુ સળગતા લાકડા મુકીને ઉંબાડિયું તૈયાર કરવામાં આવે છે. બાબુભાઇનું ઉંબાડિયું 50 રૂપિયામાં 200 ગ્રામ મળે છે. અહીં લગભગ દરેક જગ્યાએ ઉંબાડિયાનો ભાવ 250-260 રૂપિયે કિલોની આસપાસ હોય છે.
બાબુભાઇ ઉંબાડિયું બનાવવાં માટે વલસાડનાં ગામડાંની દેશી પાપડી (માખનીયા પાપડી) કલાર, કંબોઈ નામની વનસ્પતિ આંકડાનાં ફુલ, માપ સર આખું મીઠું, તેલ આદું, લસણ, લીલાં મરચાંની ચટણી વગેરે પાપડીમાં નાખીને સરસ રીતે મસળે છે. આને માટલાની નીચેનાં ભાગે કલાર વનસ્પતિ મુકીને પાપડી ભરવામાં આવે છે.
બાબુભાઇ ઉંબાડિયું બનાવવામાં મોટાભાગે કતારગામની પાપડી, શક્કરિયા, બટેટા, કંદનો ઉપયોગ કરે છે. શક્કરિયા, બટેટા અને કંદને કાપીને લીલી ચટણીથી બરાબર ભરીને તેને માટલામાં મુકી પછી આખું માટલું ઊંધું કરીને લાકડાના ભઠ્ઠામાં ગરમ કરવામાં માટે મૂકે છે. લગભગ 40 મિનિટમાં ઉંબાડિયું બનીને તૈયાર થઇ જાય છે.
મગનભાઇનું ઉંબાડિયું
ડુંગરી ગામમાં મગનભાઇનું ઉંબાડિયું પણ ફેમસ છે. વડોદરા અને સુરતથી લોકો આ ચટાકેદાર ઉંબાડિયાને ખાવા માટે આવે છે. મગનભાઇના ઉંબાડિયામાં પણ તમને રતાળુ, શક્કરીયા, પાપડી, બટાકા વગેરે જોવા મળશે. ઉંબાડિયું બનાવવાની પ્રક્રિયા પણ લગભગ ઉપર જણાવ્યા પ્રમાણેની જ છે. ઉંબાડિયું તમને 200 રૂપિયે કિલોના ભાવે મળશે. શિયાળાની સીઝનમાં રોજનું 100 થી 150 કિલો જેટલા ઉંબાડિયાનું વેચાણ થતું હોય છે. મગનભાઇનું ઉંબાડિયું સવારે 9 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ઉંબાડિયાની સાથે ચટણી તો મળે જ છે સાથે લોકો છાશ પણ લેતા હોય છે.