Day 1
ગહલૌર
દશરથ માંઝી એક એવો શખ્સ, એક એવું નામ જેણે પ્રેમ માટે પહાડની છાતી ચીરી નાંખી. માઉન્ટેન મેનના નામથી જાણીતા દશરથ માંઝી બિહારમાં ગયાથી નજીક 31 કિલોમીટર દૂર ગહલૌર ગામના એક ગરીબ મજૂર હતા. તેમના ગામની આસપાસનો વિસ્તાર ઘણો પછાત છે અને આજથી 50-60 વર્ષ પહેલા અહીંની સ્થિતિ ઘણી ખરાબ હતી. લોકોને બુનિયાદી સુવિધાઓ પણ નસીબમાં નહોતી. ગામમાં વીજળી, પાણી અને હોસ્પિટલની સુવિધા ન હોવાના કારણે ઇલાજ માટે પહાડોથી ઘેરાયેલા તેમના અત્રી બ્લૉકના લોકોને નજીકના 15 કિલોમીટર દૂરના વજીરગંજ જવા માટે અંદાજે 50-60 કિલોમીટર લાંબુ ચક્કર કાપવુ પડતું હતુ. એવામાં ફક્ત એક હથોડી અને છીણીથી એકલા 25 ફૂટ ઉંચા પહાડને કાપીને 360 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળો રસ્તો બનાવી નાંખવાનું કામ ફક્તને ફક્ત દશરથ માંઝી જ કરી શકે છે. માઉન્ટેન મેન દશરથ માંઝીએ પોતાના જુસ્સાના કારણે અંદાજે 22 વર્ષની મહેનત પછી અત્રીથી વજીરગંજના 50-60 કિ.મીના અંતરને 15 કિલોમીટરનું કરી દીધું.
દશરથ માંઝીએ પહાડ કાપીને રસ્તો બનાવવાની પ્રતિજ્ઞા ત્યારે લીધી જ્યારે વર્ષ 1959માં તેમની પત્ની પહાડ પાર કરવાના ક્રમમાં પડી ગઇ. સમય પર દવા-પાણીના મળવાના કારણે તેને ન બચાવી શકાઇ. ત્યારપછી દશરથ માંઝીએ નક્કી કરી લીધું કે આ પહાડની વચ્ચે રસ્તો ન હોવાના કારણે તેમને જે પરેશાની થઇ તે કોઇ બીજાને ન થવી જોઇએ. હથોડો લઇને પહાડ કાપવાનું શરુ કર્યું. એક છીણી-હથોડાથી પહાડ કાપતા જોઇને લોકો તેમને ધુની, પાગલ કહીને બોલાવવા લાગ્યા. સ્થાનિક લોકો અંદરો-અંદર વાત કરવા લાગ્યા કે પત્નીના મોત પછી દશરથનું ચસકી ગયું છે, પરંતુ દશરથે હાર ન માની. વર્ષ 1960 થી 1982 સુધી સતત 22 વર્ષ સુધી દિવસ-રાત રસ્તો કાઢવામાં રોકાયેલા રહ્યા. જે લોકો તેમનો મજાક ઉડાવતા હતા, હવ તે તેજ રસ્તે આવ-જા કરે છે.
દુઃખની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન સરકાર કે સ્થાનિક પ્રતિનિધિએ તેમની કોઇ મદદ ન કરી. કોઇ રીતે ઘર-પરિવાર ચલાવનારા એક શખ્સે આખી દુનિયાને સંદેશ આપી દીધો. 17 ઓગસ્ટ, 2007ના રોજ 78 વર્ષની ઉંમરમાં કેન્સરથી તેમનું નિધન થઇ ગયું. તેમના સમાધિ સ્થળે એક મૂર્તિ લગાવવામાં આવી છે. સરકારે હવે તે રસ્તાને પાકો કરી નાંખ્યો છે, પરંતુ તે વિસ્તારમાં હજુ ઘણું બધુ કરવાની જરુર છે.
માંઝી:
ધ માઉન્ટન મેનના નામથી એક ફિલ્મ બની છે. લોકો તેમના ગહલોર ગામ, હવે દશરથ નગર ફરવા આવે છે. લોકો અહીંથી જતી વખતે એ સંદેશ લઇને જાય છે કે મનુષ્ય જો નક્કી કરી લે તો કંઇપણ કરી શકે છે.
કેવી રીતે જશો-
ગહલોર ગયાથી 31 કિલોમીટર દૂર છે. ગયા બિહારની રાજધાની પટનાથી 100 કિલોમીટર દૂર છે. આ પટનાની સાથે દેશના બધા મુખ્ય શહેરો સાથે રેલવે અને રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે. ગયામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ છે. ગયાથી તમે બસમાં ગહલોર જઇ શકો છો. બસની ફ્રીકવન્સી ઓછી છે. ઓટો-ટેક્સી બુક કરાવીને જશો તો સરળતા રહેશે.
ક્યારે પહોંચશો-
આમ તો અહીં આખુ વર્ષ લોકો આવતા રહે છે પરંતુ બની શકે તો વરસાદ અને ગરમીમાં અહીં આવવાનું સલાહભર્યું નથી. બિહારમાં સૌથી વધુ ગરમી ગયામાં જ પડે છે.
-હિતેન્દ્ર ગુપ્તા