જાણો કયા છે ભારતનાં ‘ડાર્ક ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ’

Tripoto

પ્રવાસનો હેતુ રોજિંદા જીવનમાંથી આનંદમય બ્રેક લેવાનો હોય છે. એ તો ખરું જ, પણ હજારો વર્ષોથી અનેક આક્રમણકારોનો ભોગ બનેલા આપણા દેશમાં એવી અનેક જગ્યાઓ આવે છે જે કોઈ દર્દનાક અથવા રહસ્યમય ઇતિહાસ ધરાવતી હોય. કોઈ જગ્યાઓ આજે પણ તે યાતનાની મૂક સાક્ષી બની રહી છે.

Photo of જાણો કયા છે ભારતનાં ‘ડાર્ક ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ’ 1/1 by Jhelum Kaushal

જો તમને આવા જ ‘ડાર્ક ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ’ જોવા પસંદ હોય તો તમારે ભારતનાં આ સ્થળોની અવશ્ય મુલાકાત લેવી જોઈએ..

જલિયાવાલા બાગ, અમૃતસર

અમૃતસરની મુલાકાતની વાત હોય તો સૌથી પહેલા સુવર્ણ મંદિર જ યાદ આવે, અને ત્યાર પછી યાદ આવે ભારતની પ્રસિદ્ધ બોર્ડર- વાઘા-અટારી બોર્ડરની. પરંતુ સુવર્ણ મંદિરની સાવ નજીક જ આવેલી છે એ જગ્યા જ્યાં ભારતનાં સ્વતંત્ર સંગ્રામની સૌથી કલંકિત ઘટના બની હતી: જલિયાવાલા બાગનો હત્યાકાંડ. 13 એપ્રિલ 1919ના દિવસે બૈસાખીની ઉજવણી માટે ભેગા થયેલા હજારો નિઃશસ્ત્ર લોકો પર અંગ્રેજ જનરલ ડાયરે બેફામ ગોળીબાર કર્યો હતો. હજારો નિર્દોષ લોકોનાં મૃત્યુનું આ સ્થળ આજે પણ મુલાકાતીઓ કમકમાટી અનુભવે છે.

કેવી રીતે પહોંચવું: અમૃતસર રેલવે સ્ટેશન અને એરપોર્ટ એ સૌથી નજીકની કનેક્ટિવિટી છે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી ડિસેમ્બર

સમય: સવારે 6.30થી સાંજે 7.30

એન્ટ્રી ફી: નિઃશુલ્ક

કુલધારા ગામ, જેસલમેર

લોક વાયકા અનુસાર કુલધારા અને ખાબા સહિત 84 ગામોમાં પાલીવાલ બ્રાહ્મણો રહેતા હતા અને આ લોકોએ રાતોરાત હિજરત કરી હતી. તેનું કારણ એ હતું કે કોઈ રાજાને આ ગામની એક છોકરી ગમી ગઈ હતી અને તે માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજાએ 3 દિવસમાં જવાબ આપવાનો હુકમ કર્યો હતો. રાજા માંસાહારી ક્ષત્રિય હતા અને ગામના લોકો શાકાહારી બ્રાહ્મણો. રાજાના હુકમનું પાલન ન થાય એટલે તેના ગુસ્સાથી બચવા માટે એક રાતે આ બધા જ ગામોમાં રહેતા બધા જ બ્રાહ્મણો પોતપોતાનાં ઘર છોડીને જતાં રહ્યા હતા. કુલધારાની વાતો આમ તો ઘણી જાણીતી જ છે પણ રૂબરૂ જઈને આ સ્થળ જોવું એ એક અનેરો અનુભવ છે. કુલધારા વિષે વિસ્તૃત લેખ અહીં વાંચો.

કેવી રીતે પહોંચવું: સૌથી નજીકનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ- જેસલમેર

મુલાકાતનો શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી ફેબ્રુઆરી

સમય: સવારે 8 થી સાંજે 4

એન્ટ્રી ફી: નિઃશુલ્ક

સેલ્યુલર જેલ, પોર્ટ બ્લેર

પોર્ટ બ્લેર ખાતે પ્રથમ દિવસનાં પ્રવાસમાં એકાદ બીચની સાથે સેલ્યુલર જેલનો પણ સમાવેશ થાય છે. આ સેલ્યુલર જેલ એટલે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું સૌથી ભયાનક ‘કાળા પાણીની સજા’નું પ્રકરણ. આ જેલ એક એવી જગ્યા છે જે શ્રેષ્ઠતમ દેશભક્તિ તેમજ તેમની ઉપર થતાં અવર્ણનીય દમનની સાક્ષી રહી છે. વર્ષ 1857 માં સ્વતંત્રતાનો પ્રથમ વિપ્લવ થયો તેના દસ જ વર્ષમાં અંગ્રેજોએ કેદીઓને અંદામાન મોકલવાની શરૂઆત કરવા માંડી હતી. ભારતની ભૂમિથી તે ઘણું જ દૂર આવેલું હોવાથી અંગ્રેજોએ આ વિકલ્પ અપનાવ્યો હતો. અહીંથી દેશભક્તો માટે ભાગી જવાને કોઈ અવકાશ જ નહોતો કેમકે હજારો કિમી સુધી અફાટ સમુદ્ર જ હતો. દેશભરમાં લોકો સ્વતંત્રતા મેળવવા લોકો પુષ્કળ મહેનત કરી રહ્યા હતા. આ જોઈને અંગ્રેજ સરકારે અંદામાનમાં જ સેંકડો કેદીને સમાવી શકે તેવી ખૂબજ મોટી જેલનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. સેલ્યુલર જેલ વિષે વિસ્તૃત લેખ અહીં વાંચો.

કેવી રીતે પહોંચવું: ચેન્નાઈ અને કોલકતાથી ફ્લાઇટ અથવા શીપથી પોર્ટ બ્લેર પહોંચી શકાય છે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી એપ્રિલ

સમય: 09:00 am to 1:00 pm અને 2:00 pm to 5:00 pm

એન્ટ્રી ફી: 30 રૂ

રૂપકુંડ લેક, ઉત્તરાખંડ

આ એક એટલી સુંદર જગ્યા છે કે તે જગ્યા જોઈને એવો વિચાર આવે કે કોઈ આટલી સુંદર જગ્યા આટલી બિહામણી ક્યાંથી હોય શકે? પરંતુ આ એક કંકાલ સરોવર કહેવાય છે. સમુદ્રસપાટીથી 5000 મીટર ઊંચાઈ પર આવેલા આ તળાવમાં અનેક મનુષ્યોના કંકાલ પડેલા છે. એવું માનવામાં આવે છે કે 9મી સદીમાં માણસોનું કોઈ ટોળું ઠંડીમાં અહીં મૃત્યુ પામ્યું હતું. અંગ્રેજીમાં તેને ‘સ્કેલટન લેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું: સૌથી નજીકનું એરપોર્ટ દહેરાદૂન અને સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય: મેથી જૂન, સપ્ટેમ્બરથી ઓકટોબર

કારગિલ વોર મેમોરિયલ, દ્રાસ

વર્ષ 1999ના કારગિલ યુદ્ધ વિષે તો કોણ ભારતીય અજાણ હશે? વિષમ યુદ્ધ ક્ષેત્ર અને દેશમાં જ રહેલા દુશ્મનો દ્વારા પાકિસ્તાનને અપાતી માહિતીને કારણે કારગિલ યુદ્ધમાં આપણા દેશે કઈકેટલાય સૈનિકો ગુમાવ્યા હતા. આ યુદ્ધમાં વીરગતિ પામેલા લોકોની યાદમાં કારગિલ યુદ્ધ મેમોરિયલ બનાવવામાં આવ્યું છે.

કેવી રીતે પહોંચવું: સૌથી નજીકનું એરપોર્ટ લેહ 270 કિમી દૂર છે અને સૌથી નજીકનું રેલવે સ્ટેશન જમ્મુ તવી 236 કિમી દૂર છે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય: જૂનથી ઓકટોબર

સમય: સવારે 7 થી સાંજે 7

તાજ મહેલ, આગ્રા

મુઘલ રાજા શારજહા દ્વારા તેની મૃત પત્નીની યાદમાં બનાવેલો મકબરો એટલે તાજ મહેલ. પોતાની ઇમારત અજોડ બની રહે તેની લાલચમાં શારજહા દ્વારા તેના બધા જ કારીગરોના હાથ કાપી નાખવામાં આવ્યા હતા. કહેવાય છે કે હાથ કપાયાના એક દિવસ પહેલા અજબ રચના કરી કે હજુ આજે પણ કબરની આસપાસ ભીનાશ અનુભવી શકાય છે. વળી, પાછળ વહેતી યમુના અને તેની આસપાસ વસતા અઢળક ગરીબો પણ ભાગ્યે જ કોઈ પ્રવાસીના ધ્યાનમાં આવ્યા હશે.

કેવી રીતે પહોંચવું: સૌથી નજીકનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ આગ્રા છે.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી માર્ચ

સમય: સૂર્યોદયથી 30 મિનિટ પહેલા અને સૂર્યાસ્તથી 30 મિનિટ પછી (શુક્રવારે બંધ)

એન્ટ્રી ફી: ભારતીય માટે 250 રૂ અને વિદેશીઓ માટે 1300 રૂ

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads