ગયા વર્ષે મારા જન્મદિવસે મેં મારી સૌથી મનપસંદ પ્રવૃત્તિ કરવાનું વિચાર્યું- ટ્રાવેલિંગ! આ માટે મેં મારી બેસ્ટ ફ્રેન્ડ અને મારી પ્રિય સાથીને મારી ટ્રાવેલ પાર્ટનર બનાવી! અમે ખૂબ ફર્યા, ખૂબ શોપિંગ કરી અને ખૂબ મજા કરી. પણ પુષ્કરની ગલીઓ અંગે એક ડાર્ક સિક્રેટ પણ જાણવા મળ્યું!
પુષ્કર ઘાટ અને પુષ્કર લેક
52 ઘાટથી ઘેરાયેલું આશરે 300 વર્ષ જૂનું પુષ્કર લેક આજે એક હેરિટેજ સાઇટ છે. અહીં ખાસ લોકો પવિત્ર સ્નાન તેમજ પિતૃ-તર્પણની ધાર્મિક વિધિ માટે આવતા હોય છે. ધાર્મિક પવિત્રતાને ધ્યાનમાં રાખીને આ જગ્યા ‘Monuments of National Importance’ જાહેર કરવામાં આવી છે.
અહીં ગૌ. યાગ, જયપુર, કરણી, દધીચ, સપ્તર્ષિ, ગ્વાલિયર, કોટા, વરાહા, ગણગૌર વગેરે નામના ઘાટ છે જે પૈકી બ્રહ્મા ઘાટ સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે.
કહેવાય છે કે જ્યારે બ્રહ્માના હાથમાંથી કમળનું ફૂલ જમીન પર પડ્યું ત્યારે આ તળાવ રચાયું હતું. આ તળાવની આસપાસ બધા જ ઘાટ ખૂબ જ સુંદર અને આધ્યાત્મિક વાતાવરણ ધરાવે છે. સાંજના સમયે અહીંની મુલાકાત લેશો તો કલાકોનો સમય ક્યાં પસાર થઈ જાય તેનું ભાન રહેતું નથી. અહીં એક ડૂબકી લગાવવાથી સો વર્ષ સુધી યજ્ઞ કરવાનું પુણ્ય મળે છે.
બ્રહ્મા મંદિર
હિન્દુ ધર્મનું આ એક ખૂબ મહત્વનું તીર્થસ્થાન છે કારણકે એ ભારતનું એકમાત્ર મંદિર છે જે બ્રહ્માને સમર્પિત હોય. પથ્થરના અદભૂત બાંધકામથી બનેલા આ મંદિરમાં આરસનું ફ્લોરિંગ કરીને ઘણી જગ્યાઓ શ્રદ્ધાળુઓ દ્વારા ચાંદીથી પણ મઢવામાં આવી છે. આ મંદિરમાં અંદર ફોટોગ્રાફીની મંજૂરી નથી.
આ ઉપરાંત રઘુનાથ મંદિર, આત્મેશ્વર મંદિર, મહાદેવ મંદિર, આપ્ટેશ્વર મંદિર, જુના રંગજી મંદિર, સાવિત્રી મંદિર, પાપમોચીની મંદિર પુષ્કરને વધુ આધ્યાત્મિક નગરી બનાવે છે.
પુષ્કરમાં ખરીદી
લેકની નજીકમાં જ આવેલી સ્થાનિક બજારમાં ખરીદી કરવી એ પુષ્કરમાં કરવા જેવો અનુભવ છે. નાની-મોટી સંખ્યાબંધ દુકાનોમાં હેન્ડલૂમ, સિલ્વર અને આર્ટિફિશિયલ ઘરેણાં, એમ્બ્રોડરી કપડાં, રંગબેરંગી વૉલપીસ, પેન્ટિંગ્સ વગેરેમાં એટલી સુંદર વિવિધતા હોય છે કે ખરીદીનો શોખ ધરાવતા લોકો ખુશખુશાલ થઈ જાય છે.
પુષ્કરનું ડાર્ક સિક્રેટ
અલબત્ત, ધાર્મિક દ્રષ્ટિએ આ જગ્યા અપાર મહત્વની છે. પણ બહારના લોકો અને ઘણા અસામાજિક તત્વોએ આ પવિત્ર ભૂમિને અપવિત્ર કરવા પુષ્કળ પ્રયત્ન કર્યા છે. અહીં ઠેરઠેર તમને ‘ટેબલેટ જોઈએ છે?’, ‘વસ્તુ જોઈએ છે?’, ‘તમે પીવો છો?’ વગેરે પ્રશ્ન પૂછતાં માણસો મળી જશે. ‘ડ્રગ્સ’ વિષે બિન્દાસ વાતો કરતાં અને ચોરીછૂપી તેની વ્યવસ્થા કરતાં લોકો પણ ક્યારેય દેખાય જાય છે. અમે એક રેસ્ટોરાં જોઈ જ્યાં લખવામાં આવ્યું હતું- “સબ કુછ મિલેગા”. વળી, તેમાં આગળ એમ પણ લખવામાં આવ્યું હતું- “નોર્મલ માણસોને પ્રવેશ નથી.”
મેં એક માણસ સાથે વાર્તાલાપ કર્યો જે તેના દેખાવ પરથી સ્પષ્ટપણે ડ્રગનો વ્યસની હોય તેમ જણાતંવ હતું. તે માલ્ટાનો વતની હતો. તેની આંખો સુજએલી હતી, દાંત ગંદા થઈ ગયા હતા, વાળ ખરી ગયા હતા. એ વ્યક્તિ મારી સામે સતત 10-15 મિનિટ સુધી બબડ્યા કર્યો હતો પણ તે ઇંગ્લિશમાં જ બોલતો હોવા છતાં હું માત્ર 10 શબ્દો સમજી શકી હોઈશ. મને તેની ખૂબ દયા આવતી હતી. તે તદ્દન ખરાબ જીવન જીવવા માટે અઢળક નાણાં ખર્ચી રહ્યો હતો!!
મેં અન્ય એક માણસ સાથે પણ વાત કરી જેણે મને જણાવ્યું કે તેણે કયા કયા ગેરકાયદેસર ડ્રગ્સ ટ્રાય કરેલા છે. લિસ્ટ ઘણી લાંબી હતી, અલબત્ત, મને આમાંના એક પણ નામની જાણ નહોતી. વળી, આ બધી વાત કરતી વખતે એ માણસની આંખોમાં ગજબની ચમક અને ચહેરા પર સ્મિત હતું. જાણે તે બહુ ગર્વ કરવા જેવું કામ કરી રહ્યો હોય!
પુષ્કરમાં કેક કાપીને મેં મારા જન્મદિવસની ઉજવણી તો કરી, પણ પાછા ફરતી વખતે હું અને મારી ફ્રેન્ડ એ જ વાતો કરતાં રહ્યા કે આટલી સુંદર અને આધ્યાત્મિક જગ્યાએ દુષ્ટ તત્વોએ અને આ ડ્રગ્સના દૂષણે કેટલી હદે બગાડી નાખી છે.
હું પ્રવાસના શોખીન સૌને ખાસ કહેવા માંગુ છું. કોઈ પણ જગ્યાએ વધુ-ઓછી સંખ્યામાં અસામાજિક તત્વો હોય જ છે, બચીને રહેવું!
.