સામાન્ય રીતે યુરો ટ્રાવેલ માટે જે ટૂર્સનું આયોજન થાય છે તેમાં જર્મનીના કોઈ સ્થળનો ભાગ્યે જ સમાવેશ થાય છે. કદાચ હોય તો પણ રાત્રિ રોકાણ માટે હોય શકે. પણ જર્મનીમાં જ રહેવાને લીધે અમને ઘણી જગ્યાઓ ફરવાનો મોકો મળ્યો છે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે જર્મની એ ‘Country of Castle’ કહેવાય છે. અહીં આશરે 25000 જેટલા કેસલ્સ આવેલા છે. જે વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં છે.
Neuschwanstein Castle: તમે આ જગ્યાનું નામ કદાચ ન સાંભળ્યું હોય તેવું બની શકે પણ તેની તસવીર તમે ચોક્કસપણે જોઈ હશે! કારણકે આ એક સુપ્રસિદ્ધ ફેરિટેલ કાસલ છે. આ સુંદર કાસલ અને તેની આસપાસ આલ્પ્સની પર્વતમાળા ખૂબ મનમોહક દ્રશ્યો સર્જે છે. અમે કોઈ બીજી જગ્યાએ ફરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ કાસલની મુલાકાત લીધી હતી. પણ યુરોપનું વાતાવરણ તો તદ્દન અણધાર્યું જ રહે છે. અમે આ કાસલ પર પહોંચ્યાની સાથે ખૂબ જ વાદળાં અને વરસાદ શરુ થઈ ગયો. અમે ઉપર તો ન જઈ શક્યા પણ નીચે એક સુંદર સરોવર પાસે શાંતિથી સમય પસાર કર્યો અને થોડા ફોટોઝ લીધા. સારા વાતાવરણમાં Neuschwanstein Castle જોવાનો હજુ પણ બાકી જ છે.
Eltz Castle: આ પણ મધ્યકાલીન યુગમાં બનેલો છે. આ કાસલ અનેક હિલ્સ વચ્ચે આવેલી મોસેલ વેલીમાં આવેલો છે. જર્મનીના fairytale castleમાં આનો પણ સમાવેશ થાય છે. અમે પહેલી વાર ગયા ગયા ત્યારે બહુ જ ભીડ હતી અને કાસલમાં જવા માટે બહુ જ લાંબી લાઇન હતી. તેથી અમે ત્યાંની મુલાકાત વિના જ નીકળી ગયા. બીજી વખત શિયાળામાં ગયા હતા જ્યારે એ કાસલ બંધ રહે છે પણ વાતાવરણ ઘણું સારું હોય છે એટલે ફોટોગ્રાફ્સ બહુ જ સારા આવે છે. સામાન્ય દિવસોમાં ખીણમાં જવા માટે શટલની સુવિધા છે, પણ જો એ બંધ હોય તો ચાલતા પણ જઈ શકાય છે.
Cochem Castle: મોસેલમાં આવેલો અન્ય એક કાસલ અને મારી ખૂબ પ્રિય જગ્યા. પણ આ હિલ પર છે. આજુબાજુ વાઇનયાર્ડ છે અને નીચેથી મોસેલ નદી પસાર થાય છે જે ખૂબ સુંદર દ્રશ્યો સર્જે છે. આ નદીમાં લંચ અને ડિનર સાથેની બોટ રાઈડ પણ થાય છે. બહુ જ રોમેન્ટિક માહોલ ધરાવતી આ જગ્યા કપલ્સ માટે આદર્શ છે. એ કાસલમાં પણ કાફે અને રેસ્ટોરાં છે. ત્યાં ઉપર સુધી જવા માટે બસની સુવિધા છે અને કારથી પણ જઈ શકાય છે. નીચે સંપૂર્ણ યુરોપિયન ઢબે બનેલી બધી સ્ટ્રીટસ ખૂબ જ આકર્ષક અને રોમેન્ટિક છે. પથ્થરના બનેલા મકાનો જાણે કોઈ પ્રાચીન સમયમાં પહોંચી ગયા હોઈએ તેવી અનુભૂતિ કરાવે છે.
Heidelberg Castle & bridge: ખંડેર અવસ્થામાં રહેલો Heidelberg Castle એ Heidelbergની ઓળખ છે. આ કાસલના અવશેષો એ ઉત્તર આલ્પ્સમાં રહેલા Renaissance સમયગાળાના સૌથી મહત્વના અવશેષ છે. 13મી સદીના પૂર્વાર્ધમાં આ કાસલના બાંધકામની શરૂઆત થઈ હતી અને સદીના અંતમાં તેનું બાંધકામ પૂર્ણ થયું હતું. Heidelberg Bridgeનું નિર્માણ 1788માં કરવામાં આવ્યું હતું. Heidelberg અહીંની 14મી સદીમાં બનેલી યુનિવર્સિટી માટે પણ જાણીતું છે.
આ એક ઘણો જ પ્રખ્યાત કાસલ છે. અમે આ સ્થળની વન-ડે ટ્રીપ કરી હતી. Heidelberg Castle હિલ પર આવેલો છે જ્યાં ટોય ટ્રેનથી જઈ શકાય છે. કાસલ પરથી નીચેનો વ્યૂ ખૂબ જ મનોરમ્ય જોવા મળે છે. નીચે એક કેનાલ છે જ્યાં બેસીને સનસેટ જોવો એ એક લ્હાવો છે. અમે અહીં આવેલી એક ભારતીય રેસ્ટોરાંમાં ભોજન માણ્યું હતું.
માહિતી, વર્ણન, અને ફોટોઝ: રાધિકા વસાવડા
.