દુનિયામાં કેટલાક દેશો તેમની મહેમાનગતી માટે જાણીતા છે. આવા દેશોમાં ફરવા જતા લોકોને તેનો અનુભવ થતો હોય છે. ભારતીયો પણ મોટી સંખ્યામાં વિદેશ ફરવા જાય છે. વિદેશ ફરવા જનારાઓમાં એક મોટો વર્ગ ગુજરાતીઓનો પણ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમારે કયા દેશમાં ફરવા જવું જોઇએ.
પોર્ટુગલ
જો તમે ફરવાના શોખીન છો તો એકવાર તમારે યુરોપમાં પોર્ટુગલ જવું જ જોઈએ. ખાસ કરીને અહીંનો દરિયા કિનારો તમારું દિલ જીતી લેશે. તેની ઐતિહાસિક ધરોહર અને દરિયા કિનારાના કારણે તે સદીઓથી વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પોર્ટુગલમાં જોવા માટે ઘણા સ્થળો હોવા છતાં, મોટાભાગના લોકો રાજધાની લિસ્બન, અલ્ગાર્વે અને ગ્રેટર પોર્ટો, મડીરા જવાનું વધારે પસંદ કરે છે. પોર્ટુગલ વિશ્વના ટોપ 20 દેશોમાં સામેલ છે, જ્યાં લોકો પર્યટન માટે જવાનું પસંદ કરે છે. પોર્ટો સેન્ટોનો ડૌરો વેલી આઇલેન્ડ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે, દરેક વ્યક્તિએ એકવાર અહીં મુલાકાત લેવી જ જોઇએ. ટેગસ નદી પર આવેલો વાસ્કો દ ગામા બ્રિજ યુરોપનો સૌથી લાંબો પુલ છે. વિલામૌરા સ્થિત મરિના બીચ પોર્ટુગલમાં ખૂબ પ્રખ્યાત છે. સ્ટીમર ઉપરાંત, પોર્ટુગલ જતા પ્રવાસીઓ ચોક્કસપણે નાની બોટની સવારીનો આનંદ માણે છે.
કેવીરીતે જશો
દિલ્હી, મુંબઇ અને બેંગ્લોર જેવા શહેરમાંથી પોર્ટુગલની ફ્લાઇટ મળશે. ત્યાંની રાજધાની લિસ્બન પહોંચતા લગભગ 9.5 કલાક થશે.
ઇથોપિયા
ફરવા માટે ઇથોપિયા એક સારુ ડેસ્ટિનેશન છે. જો તમે સુંદર લેંડસ્કેપ અને ઐતિહાસિક વારસાને એકસાથે જોવા માંગતા હોવ તો તમારે ઇથોપિયા જરૂર જવું જોઇએ.
ઓમો વેલી અનેક સ્થાનિક આદિવાસીઓનું ઘર છે. તમે અહીંની પરંપરાગત વસાહતોની મુલાકાત લઈને સ્થાનિક લોકોના રિવાજોને જાણી શકો છો. અદીસ અબાબા એ ઇથોપિયાના સૌથી મોટા શહેરોમાંનું એક છે અને તે દેશની રાજધાની પણ છે. અહીં મુલાકાત લેવા માટે ઘણું બધું છે. બ્લુ નાઇલ ધોધ ઇથોપિયામાં બ્લુ નાઇલ નદી પર સ્થિત છે. સ્થાનિક ભાષામાં તેને 'ટિસ અબે' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે સ્મોકી વોટર. તે વિશ્વના સૌથી સુંદર પર્યટન સ્થળોમાંનું એક છે.
ગાઉન્ડરમાં જૂના કિલ્લાના અવશેષો છે. સ્થાનિક ભાષામાં તેનું નામ ફાસિલ ઘેબી છે. તે 17મી અને 18મી સદીમાં સમ્રાટ ફેસિલિડ્સ દ્વારા તેમના રહેઠાણ માટે બનાવવામાં આવ્યું હતું. સિમિયન માઉન્ટેન નેશનલ પાર્ક ઇથોપિયાના અમહારા પ્રદેશમાં સ્થિત છે. આ પાર્ક ઇથોપિયન વરુ અને વાલિયા આઇબેક્સ (પહાડી બકરી) જેવી અનેક લુપ્તપ્રાય પ્રજાતિઓનું ઘર છે. લાલીબેલાનું રોક-હેવન ચર્ચ ઇથોપિયાના ઉત્તરીય પ્રદેશમાં આવેલું છે. તેનું નામ ઇથોપિયાના ભૂતપૂર્વ ઝાગવે વંશના સમ્રાટના નામ પરથી રાખવામાં આવ્યું છે જેણે તેનું નિર્માણ કર્યું હતું. આ ખડકોને કાપીને કુલ 11 ચર્ચ બનાવવામાં આવ્યા છે. તમામ ચર્ચ યુએન વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ છે.
લોઅર અવાશ વેલી એ ઇથોપિયાની સૌથી મહત્વપૂર્ણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાંની એક છે. આફ્રિકન ખંડ પરની કેટલીક સૌથી મહત્વપૂર્ણ પુરાતત્વીય શોધો આ પ્રદેશમાં થઈ છે, જેમાંથી કેટલીક અંદાજે 4 મિલિયન વર્ષ જૂની છે.
કેવીરીતે જશો
ઇથોપિયાની રાજધાની અદિસ અબાબા જવા માટે તમને દિલ્હી, મુંબઇ, ચેન્નઇ અને બેંગ્લોરથી વિમાન મળશે. ઇથોપિયા પહોંચવામાં લગભગ 6 કલાક લાગશે.
મેક્સિકો
મેક્સિકો ફરવા લેવા માટે ખૂબ જ સુંદર દેશ છે, જે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની ઉત્તરી સરહદ પર સ્થિત છે. મેક્સિકોનું ભૌગોલિક સ્થાન, વંશીય વિવિધતા અને આકર્ષક કલા સંસ્કૃતિ પ્રવાસીઓને આકર્ષે છે. મેક્સિકોમાં જોવાલાયક સ્થળોના લિસ્ટમાં સામેલ ગુઆનાજુઆટોમાં આકર્ષણોની કોઈ અછત નથી, અને આ અનોખું સ્થાન ઉત્તર અમેરિકાની સુંદર બારોક આર્કિટેક્ચર, કોબલસ્ટોન લેન અને સાઇડવૉક કાફેથી ભરેલું છે. ટિયાટિહુઆકન એ મેક્સિકોમાં એક પવિત્ર સ્થળ છે જે ઇજિપ્તના પિરામિડ જેવું લાગે છે. મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટરના અંતરે આ પર્યટન સ્થળો આવેલા છે.
કેનકન અને મયંન રિવેરા મેક્સિકોના મુખ્ય પર્યટન સ્થળ છે. આ પ્રવાસન સ્થળ મેક્સિકોના અખાતના કિનારે, કેનકેન ટાપુ, પ્લેયા ડેલ કાર્મેન અને કોઝુમેલ પર સ્થિત છે. આ પ્રવાસન સ્થળ તેના સુંદર વાતાવરણ અને આકર્ષક નજારાઓને કારણે દર વર્ષે લગભગ 5 મિલિયન પ્રવાસીઓને આકર્ષે છે. અહીંની મુખ્ય પ્રવૃત્તિઓમાં ડોલ્ફિન, સ્ટિંગ્રે સ્વિમિંગ, રીફ્સ અને સ્નોર્કલિંગ વગેરેનો સમાવેશ થાય છે. મેક્સિકોમાં જોવાલાયક સ્થળોમાં ટેક્સકો એક મહાન પ્રવાસન સ્થળ છે, જે ચાંદીના દાગીના માટે જાણીતું છે અને પ્રવાસીઓને આકર્ષે છે.
કેવીરીતે જશો
મેક્સિકો સિટી જવા માટે તમને દિલ્હી, મુંબઇ, બેગ્લોર, હૈદરાબાદ, ચેન્નઇથી ફ્લાઇટ મળશે. મેક્સિકો સિટી પહોંચવામાં લગભગ 25 કલાક થશે.
કંબોડિયા
કંબોડિયાને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. અંગકોર વાટ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે અને દરરોજ હજારો લોકો તેને જોવા માટે જાય છે. કંબોડિયામાં તમે ભવ્ય મહેલ, સુંદર ટાપુનો આનંદ માણી શકો છો. કમ્પોટ શહેરની નદીમાં તરવું પ્રવાસીઓને એક અલગ જ અનુભવ આપે છે. કંબોડિયાનું ગ્રામ્ય જીવન પણ જોવા જેવું છે. ઓછા પૈસામાં શાંતિ શોધનારાઓ માટે આ દેશ શ્રેષ્ઠ સ્થળ છે. કોહ રોંગ સામલોએમ સિહાનોકવિલે, કંબોડિયામાં એક સુંદર ટાપુ છે જ્યાં તમે શાંતિ મેળવી શકો છો.
પ્રસાદ ઉપદેશ વિહાર આ હિન્દુ મંદિર ભગવાન શિવના સન્માન માટે બનાવવામાં આવ્યું છે. તે તેના અદભૂત સ્થાન માટે જાણીતું છે એટલે કે ડાંગરેક પર્વતની ટોચ પર. ક્રેટી સહેર મેકોંગના દરિયાકિનારે આવેલું છે, ક્રેટીમાં ડોલ્ફિન જોવા જઇ શકાય છે. તમે ક્રેટીની ઉત્તરે લુપ્તપ્રાય ઇરાવાડી ડોલ્ફિનને સરળતાથી શોધી શકો છો.
કેવીરીતે જશો
કંબોડિયા જવા માટે દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, કોલકાતાથી ફ્લાઇટ મળશે. કમ્બોડિયામાં મેઇન એરપોર્ટ Phnom Penh ઇન્ટરનેશનલ એરપોર્ટ અને Siem Reap ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. કમ્બોડિયા પહોંચવામાં વન સ્ટોપ હશે તો 6 કલાક લાગશે.
કોસ્ટા રિકા
જો તમે ઓછા ખર્ચે ફરવા જવા માટેનું સ્થળ શોધી રહ્યાં છો, તો કોસ્ટા રિકા વિશ્વના સૌથી વધુ પોસાય તેવા દેશોમાંનું એક છે. અહીંની કરન્સીની વેલ્યુ ભારતીય કરન્સી કરતાં ઓછી છે. કોસ્ટા રિકાની કરન્સીને કોલન કહેવામાં આવે છે. કોસ્ટા રિકા કોઈ સ્વર્ગથી કમ નથી, અહીંની સુંદરતા એટલી અદભૂત છે કે અહીં આવનાર દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક અઠવાડિયું તો અહીં રહે જ છે. લોકો દરિયાકિનારા પર તડકો ખાતા હોય છે, જેની સુંદરતા નજરે પડે છે. અહીંનો નજારો એટલો જોવા લાયક છે કે તમને પોતાને થશે કે ઓછા પૈસામાં પરદેશ ફરવા મળ્યું.
કેવીરીતે જશો
કોસ્ટા રિકા જવા માટે મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઇથી ફ્લાઇટ મળશે. અને ત્યાં પહોંચવામાં 24 કલાકથી વધુનો સમય લાગશે.
વિયેતનામ
હો ચી મિન્હ વિયેતનામનું સૌથી મોટું શહેર તેમજ અહીંનું સૌથી મોટું વ્યાપારી કેન્દ્ર છે. આ શહેરમાં તમને ફ્રેન્ચ વાતાવરણની અસર જોવા મળશે. તમે અહીં જૂના અને નવાનું અનોખું સંયોજન જોશો જે એકદમ રસપ્રદ લાગે છે. નવી ગગનચુંબી ઈમારતો વચ્ચે જૂના મંદિરો જોવા મળે છે અને સાઈગોન નદી પરના લોકો આધુનિક યાટ પર જૂના વાંસના ફિશિંગ સળિયા લઈને જતા જોવા મળે છે. ત્યાં ઘણા કાફે અને રેસ્ટોરન્ટ્સ અને ઘણા શોપિંગ કોમ્પ્લેક્સ છે જ્યાં તમે કેટલીક શ્રેષ્ઠ ખરીદી કરી શકો છો.
હનોઈ, વિયેતનામની રાજધાની છે જે એક પ્રગતિશીલ, વિકસિત, આધુનિક ગીચ શહેર છે જેની તમે કલ્પના કરી શકો છો: - તે પરંપરાગત મનોરંજન અને ઐતિહાસિક સ્થળો તેમજ આધુનિક બજારો અને અન્ય સ્થળો ધરાવે છે. અહીંનું સ્ટ્રીટ ફૂડ ખૂબ જ લોકપ્રિય છે. તમે વોટર પપેટ થિયેટરની મુલાકાત લઈ શકો છો અથવા હોન કીમ લેકની મુલાકાત લઈ શકો છો.
દરિયા કિનારે મોજ કરવી છે તો ન્હા ત્રંગ આવી જ એક જગ્યા છે. ન્હા ત્રાગ શહેરનો દરિયાકિનારો અહીંના રહેવાસીઓ અને પ્રવાસીઓના કારણે ઉનાળાની ઋતુમાં ખૂબ ગીચ બની જાય છે. 6 કિમીનો કિનારો ઘણી વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યો છે. અહીં ઘણી આરામની જગ્યાઓ છે જ્યાં તમે સ્વિમિંગ, સ્પોર્ટ્સ કે અન્ય પ્રવૃત્તિઓ પછી આરામ કરી શકો છો.
અહીંથી નીકળીને તમે ક્સોમ બોંગ પુલની નજીક પો નગર ચામ ટાવર અને અલેક્સાંદર યાર્સિન સંગ્રહાલય જઇને ત્યાંના ઇતિહાસનું અવલોકન કરી શકો છો. તાજા સીફૂડ અને પરંપરાગત વિયેતનામીસ ભોજન પીરસતી ઘણી રેસ્ટોરન્ટ્સ પણ તમને અહીં જોવા મળે છે.
કેવીરીતે જશો
વિયેતનામથી રાજધાની હનોઇ જવા માટે તમને દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, બેંગ્લોર કે કોલકાતાથી એરએશિયા, વિયેતનામ એરલાઇન્સ, થાઇ એરવેઝ અને સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ મળશે. હનોઇ પહોંચવામાં લગભગ 4 કલાક લાગશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો