ટ્રાવેલ મેગેઝીન કૉન્ડ નાસ્ટે રીડર્સ ચોઇસ એવૉર્ડ 2021 માટે એશિયાના બેસ્ટ રિસોર્ટ્સની યાદી જાહેર કરી છે. આ રિસોર્ટ્સનું રેકિંગ કસ્ટમર સર્વિસના આધારે નક્કી કરવામાં આવ્યું છે. તેમાં ભારતના પણ બે રિસોર્ટ્સના નામ ટોપ-20માં સામેલ છે. આવો તમને લિસ્ટમાં સામેલ રિસોર્ટ્સની ખાસિયત અને ખર્ચ અંગે જણાવીએ.
અમનકોરા રિસોર્ટ, ભૂટાન (Amankora Bhutan)
ભૂટાનના અમનકોરા રિસોર્ટને 98.22 સ્કોરની સાથે લિસ્ટમાં 10મું સ્થાન મળ્યું છે. આ રિસોર્ટ્સનું બુકિંગ તમને અંદાજે દોઢ મહિના પહેલા કરવું પડશે અને અહીં એક રાત રોકાવા માટે અંદાજે 1 લાખ 15 હજાર રુપિયા ખર્ચવા પડશે.
એલ નીડો રિસોર્ટ, ફિલીપાઇન્સ (El Nido Resorts, Philippines)
ફિલીપાઇન્સનો એલ નીડો રિસોર્ટ 98.8 સ્કોરની સાથે નવમા નંબરે છે. રિસોર્ટમાં એક સપ્તાહ રોકાવા માટે તમારે પેકેજ લેવું પડશે, જેના માટે ઓછામાં ઓછા 2.30 લાખ રુપિયાનો ખર્ચ થશે.
સીલૉન ટી ટ્રેલ્સ, શ્રીલંકા (Ceylon Tea Trails, Sri Lanka)
શ્રીલંકાનો આ લકઝરી રિસોર્ટ 98.82 સ્કોરની સાથે લિસ્ટમાં આંઠમાં નંબરે છે. પ્રકૃતિના અદ્ભુત નજારા વચ્ચે બનેલા આ રિસોર્ટમાં 27 રુમ છે. આ રિસોર્ટમાં એક રાત પસાર કરવા માટે તમારે 49 હજાર રુપિયા ખર્ચવા પડશે.
ધ રિટ્ઝ કાર્લટોન લેંગ્કાવિમ, મલેશિયા (The Ritz-Carlton, Langkawim Malaysia)
લિસ્ટમાં સાતમા નંબરે મલેશિયાની ધ રિટ્ઝ કાર્લટોન લેંગ્કાવિમ રિસોર્ટ છે. આ રિસોર્ટનો સ્કોર 98.97 છે. અહીં એક રાત રોકાવાનો ખર્ચ અંદાજે 21 હજાર રુપિયા સુધી હોઇ શકે છે. તેમાં બ્રેકફાસ્ટ કોમ્પ્લીમેન્ટરી હશે.
વન એન્ડ ઓનલી ડેજારુ કૉસ્ટ, મલેશિયા (One&Only Desaru Coast, Malaysia)
છઠ્ઠા સ્થાન પર 98.99 સ્કોરની સાથે મલેશિયાનો જ વન એન્ડ ઓનલી ડેજારુ કૉસ્ટ રિસોર્ટ છે. આલીશાન રુમ, સ્વિમિંગ પુલ અને સ્વાદિષ્ટ ફૂડ આ રિસોર્ટમાં ચાર ચાંદ લગાવે છે. રિસોર્ટમાં એક રાત રોકાવાનો ખર્ચ 75 હજાર રુપિયા થશે.
સિક્સ સેન્સિઝ નિન્હ વેન બે, વિયેતનામ (Six Senses Ninh Van Bay, Vietnam)
પાંચમા સ્થાન પર વિયેતનામનો સિક્સ સેન્સિઝ નિન્હ વૈન બે રિસોર્ટ છે. લિસ્ટમાં આ રિસોર્ટનો સ્કોર 98.99 છે. અહીં એક રાત રોકાવા માટે અંદાજે 46 હજાર રુપિયા ખર્ચ કરવા પડશે.
કેપ વેલિગામા, શ્રીલંકા (Cape Weligama, Sri Lanka)
99.23 સ્કોરની સાથે શ્રીલંકાનો કેપ વેલિગામા લિસ્ટમા ચોથા નંબરે છે. તેના પૂલ વ્યૂ રુમમાં એક રાત રોકાવા માટે તમારે અંદાજે 31 હજાર રુપિયા ખર્ચ કરવા પડશે.
શિંતા મણી વાઇલ્ડ, કમ્બોડિયા (Shinta Mani Wild, Cambodia)
કમ્બોડિયાના શિંતા મળી વાઇલ્ડ રિસોર્ટનો રેન્ક 99.03 સ્કોરની સાથે ત્રણ છે. ગાઢ જંગલ અને સુંદર મેદાનોનું આકર્ષણ તમને અહીંથી પાછા નહીં જવા દે. તેના વાઇલ્ડ ટેન્ટ હાઉસમાં એક રાત રોકાવાનું ભાડું દોઢ લાખ રુપિયાથી પણ વધુ છે.
કોમો, ભૂટાન (Como, Bhutan)
લિસ્ટમાં ભૂટાનનો કોમો રિસોર્ટ 99.32ના સ્કોરની સાથે બીજા સ્થાન પર છે. પારો વેલીમાં બનેલા આ રિસોર્ટમાં 29 લકઝરી રુમ છે. અહીં જવા માટે તમારે અંદાજે દોઢથી બે મહિના પહેલા બુકિંગ કરાવવું પડશે. આનું એક રાતનું ભાડું અંદાજે 38 હજાર રુપિયા છે.
સિક્સ સેન્સિસ, ભૂટાન (Six Senses, Bhutan)
લિસ્ટમાં પહેલું સ્થાન ભૂટાનના જ સિક્સ સેન્સિઝ રિસોર્ટનું છે જેણે સૌથી વધુ 99.38 સ્કોર કર્યો છે. આ રિસોર્ટની ખાસિયત અંગે વાત કરીએ તો તેમાં અંદાજે 82 રુમો અને વિલા છે. આ રિસોર્ટમાં બે લોકોના એક રાતનું રોકાણનું ભાડું અંદાજે 1 લાખ 10 હજાર રુપિયા હશે.
દુનિયાના ટૉપ 20 બેસ્ટ રિસોર્ટના લિસ્ટમાં ભારતના પણ બે રિસોર્ટ છે. આ બન્ને રિસોર્ટ ગોવાના છે. તેમાં તાજ એક્ઝોટિકા રિસોર્ટ એન્ડ સ્પા 96.07 સ્કોરની સાથે 18માં નંબરે છે. જ્યારે અહિલ્યા બાઇ ધ સી 96.66 સ્કોરની સાથે એક પગથિયું પાછળ 19માં નંબરે છે. આવો હવે તમને તેની ખાસિયત અને ખર્ચ જણાવીએ.
તાજ એક્ઝોટિકા રિસોર્ટ એન્ડ સ્પા, ગોવા (Taj Exotica Resort & Spa Goa)
આ શાનદાર રિસોર્ટ ગોવાના બેનોલિમ બીચ પર સ્થિત છે. તેમાં આઉટડોર પૂલ, પ્રાઇવેટ બીચ, સ્પા, ટેનિસ કોર્ટ અને ગોલ્ફિંગ જેવી સુવિધાઓ છે. આ રુમની બાલ્કનીમાંથી સુંદર ગાર્ડનનો નજારો જોઇ શકાય છે. તેના ગાર્ડન વ્યૂ રુમમાં એક રાત રોકાવાનું ભાડું અંદાજે 23 હજાર રુપિયા છે.
અહિલ્યા બાઇ ધ સી, ગોવા (Ahilya by the Sea, Goa)
લિસ્ટમાં સામેલ ગોવાના બીજા રિસોર્ટનું નામ છે અહિલ્યા બાઇ ધ સી. સમુદ્રી કિનારા સાથે જોડાયેલો આ રિસોર્ટ તમને વિદેશમાં રજાઓ પસાર કરવા જેવી ફિલ કરાવશે. સુંદર ગાર્ડન, સ્પા, પૂલ, આર્ટ ગેલેરી અને અલ ફ્રેસ્કો ડાઇનિંગ રિસોર્ટને ખાસ બનાવે છે. આ લાજવાબ રિસોર્ટમાં એક રાત પસાર કરવા માટે તમારે 15 હજાર રુપિયા ખર્ચવા પડી શકે છે.