રોડ ટ્રિપ કરવાનું હંમેશા મજેદાર હોય છે. આજે અમે તમને એક એવા રોડ ટ્રિપ અંગે જણાવી રહ્યા છીએ જેમાં એક મહિનામાં લગભગ આખા દેશની સફર કરી લેવાશે. ભરોસો ના પડતો હોય તો તમે જાતે જ જોઇ લો.
રુટ 1: દિલ્હી-અમૃતસર-શ્રીનગર-લેહ
રોડ ટ્રિપના પ્રથમ ભાગમાં તમારે ભારતના નોર્થમાં ફરવાનો પ્લાન બનાવવો જોઇએ. અહીં તમને બર્ફિલા પહાડો, રોમાંચ અને શાનદાર અનુભવો પ્રાપ્ત થશે. ટ્રિપની શરુઆત દિલ્હીથી કરવી જોઇએ. ત્યાંથી અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા જોઇએ. રસ્તા સારા છે. રસ્તામાં ઢાબા પર જમવાની મજા જ કંઇક અલગ હોય છે.
અંતર: દિલ્હીથી અમૃતસર: 452 કિ.મી. (8 કલાક), અમૃતસરથી શ્રીનગર: 434.6 કિ.મી. (11 કલાક 17 મિનિટ), શ્રીનગરથી લેહ: 418.5 કિ.મી. (9 કલાક 27 મિનિટ)
સમય: 6 દિવસ
ફેમસ જગ્યાઓ: લાલ કિલ્લો, કુતુબ મિનાર, ઇન્ડિયા ગેટ, ગોલ્ડન ટેમ્પલ, વાઘા બોર્ડર, જલિયાંવાલા બાગ, દલ લેક, ચાર ચિનાર, મુઘલ ગાર્ડન, તુલિપ ગાર્ડન, થિકસે મોનેસ્ટ્રી, મેગ્નેટિક ટેકરી, પેંગોંગ લેક
રુટ 2: લેહ-મનાલી-આગ્રા
આ ભાગમાં તમારે આગ્રાની ટ્રિપ કરવી જોઇએ. બાઇક પર જશો તો મજા બે ગણી થઇ જશે. વાંકાચુંકા રસ્તા પર ડ્રાઇવ કરવાની મજા આવશે. મનાલીથી આગળ વધીને આગ્રાનો રાજાશાહી ઠાઠ જોવો જોઇએ. નેશનલ હાઇવે 44 થઇને આગ્રા જાઓ. આ દેશના સૌથી લાંબા હાઇવે પૈકીનો એક છે. આ હાઇવે પર ખાણીપીણીની વસ્તુઓ મળી રહેશે.
અંતર: લેહથી મનાલી: 427 કિમી. (11 કલાક 24 મિનિટ), મનાલીથી આગ્રા: 781.3 કિમી (14 કલાક 49 મિનિટ)
સમય: 3 દિવસ
ફેમસ જગ્યાઓ: સોલાંગ વેલી, રોહતાંગ પાસ, તાજ મહેલ, ફતેહપુર સિક્રી, આગ્રાનો કિલ્લો
રુટ 3: આગ્રા-જયપુર-અમદાવાદ-મુંબઈ-ગોવા
તમારી રોડ ટ્રિપનો આ ભાગ ઘણો જ ખાસ રહેવાનો છે કારણ કે તમે ઉત્તર ભારતથી પશ્ચિમ ભારત તરફ જઇ રહ્યા છો. રાજસ્થાનમાં રણ અને રેતીના ઢુવા જોઇને જ્યારે તમે ધીમે ધીમે મુંબઇ અને પછી ગોવા તરફ જશો તો રસ્તા પર લીલોતરી અને ખેતરમાં પાક લહેરાતો જોવા મળશે. આગ્રાથી જયપુર અને પછી અમદાવાદના રસ્તા પર તમને નાની-મોટી દુકાનો અને હોટલો જોવા મળશે. મુંબઇથી ગોવાની સફર નારિયેળ પાણી વગર અધુરી છે.
અંતર: આગ્રાથી જયપુર: 239.7 કિમી. (4 કલાક 9 મિનિટ), જયપુર થી અમદાવાદ: 482.6 કિમી. (11 કલાક 32 મિનિટ), અમદાવાદથી મુંબઈ: 524.1 કિમી. (8 કલાક 59 મિનિટ), મુંબઈથી ગોવા: 587 કિમી. (11 કલાક 7 મિનિટ)
સમય: 8 દિવસ
ફેમસ જગ્યાઓ: હવા મહેલ, આમેર કિલ્લો, નાહરગઢ કિલ્લો, સિટી પેલેસ, સાબરમતી આશ્રમ, મરીન ડ્રાઇવ, ગેટવે ઓફ ઇન્ડિયા, જુહુ બીચ, બાગા બીચ
રુટ 4: ગોવા-એલેપ્પી-કન્યાકુમારી-મદુરાઈ-હમ્પી
ગોવાથી તમે દક્ષિણ ભારતમાં પ્રવેશ કરો છો. તમારે નેશનલ હાઇવે 66ના રસ્તે એલેપ્પી અને પછી કન્યાકુમારી જવું જોઇએ. આ રોડ ટ્રિપ એક સપના જેવી છે. એલેપ્પીથી પસાર થતા તમને લેકેડિવનો સુંદર નજારો જોવા મળે છે. કન્યાકુમારીથી મદુરાઇ અને ત્યારબાદ એનએચ 48 પકડીને હમ્પી શહેર પહોંચી જાઓ. હમ્પીમાં પ્રાચીન સ્મારક જોતા જોતા ભારતની અસલી સુંદરતાનો લ્હાવો માણવા મળશે.
અંતર: ગોવાથી એલેપ્પી: 800.8 કિમી. (18 કલાક 29 મિનિટ), એલેપ્પીથી કન્યાકુમારી: 234.8 કિમી. (4 કલાક 46 મિનિટ), કન્યાકુમારીથી મદુરાઈ: 244.5 કિમી. (4 કલાક 8 મિનિટ), મદુરાઈથી હમ્પી: 783.5 કિમી. (12 કલાક 48 મિનિટ)
સમય: 5 દિવસ
ફેમસ જગ્યાઓ: કુમારકોમ બોર્ડ અભયારણ્ય, બેકવોટર્સ, વિવેકાનંદ રોક મેમોરિયલ, સનસેટ પોઈન્ટ, થિરાપરપ્પુ વોટરફોલ, મીનાક્ષી મંદિર, તિરુમાલાઈ નાયકર પેલેસ, વિરૂપાક્ષી મંદિર, વિઠ્ઠલ મંદિર
રુટ 5: હમ્પી-પુરી-કોલકાતા-ગંગટોક
હવે તમારે સાઉથી નોર્થ ઇસ્ટ તરફ આગળ વધવાનું છે. પુરી નજીક શાનદાર મંદિરો જોવા મળશે. પુરીતી કોલકાતા આવવાની પણ મજા આવે છે. અહીં સફરમાં તમને લીલાછમ ખેતરો, હાઇવે પર સીફુડ જોવા મળશે. રાજમાર્ગો પર બળદગાડી, ગાય જોવા મળશે તેથી ઓછી સ્પીડમાં ગાડી ચલાવજો. ગંગતોક આવતા નજારા એકદમ બદલાઇ જશે. આ રુટની ખાસિયત એ છે કે તેમાં સમુદ્ર, ખેતરો, પહાડો એમ 3 ચીજો જોવા મળે છે.
અંતર: હમ્પીથી પુરી: 1,331.1 કિમી. (29 કલાક), પુરીથી કોલકાતા: 495.5 કિમી. (10 કલાક 42 મિનિટ), કોલકાતા થી ગંગટોક: 677.4 કિમી. (17 કલાક 26 મિનિટ)
સમય: 5 દિવસ
ફેમસ જગ્યાઓ: જગન્નાથ મંદિર, ચિલ્કા તળાવ, વિક્ટોરિયા મેમોરિયલ, હાવડા બ્રિજ, ઈડન ગાર્ડન્સ, નાથુલા પાસ, સોંગમો તળાવ
રુટ 6: ગંગટોક-ગયા-વારાણસી-દિલ્હી
આ તમારી ટ્રિપનો આખરી પડાવ છે. આ પાર્ટ પણ અન્ય ભાગની જેમ શાનદાર છે. આ ટૂરમાં ગંગટોકના પહાડોને પાછળ રાખીને ગૌતમ બુદ્ધની નગરી બોધગયા જવાનું છે. તમારે નેશનલ હાઇવે 10 થઇને છેવટે એનએચ 27 પકડવાનો છે. બોધગયાથી તમારે મંદિરોની નગરી કાશીમાં પ્રવેશ કરવાનો છે. બનારસ ઘણું જ સુંદર શહેર છે. બનારસની ગલીઓમાં ફરીને છેવટે દિલ્હી પાછા ફરવાનું છે. જ્યાં તમારી 30 દિવસની રોડ ટ્રિપ સમાપ્ત થશે.
અંતર: ગંગટોક થી ગયા: 621.1 કિમી. (15 કલાક 2 મિનિટ), ગયા થી વારાણસી: 251.7 કિમી. (5 કલાક 43 મિનિટ), વારાણસીથી દિલ્હી: 840.4 કિમી. (12 કલાક 52 મિનિટ)
સમય: 3 દિવસ
ફેમસ જગ્યાઓ: બોધ ગયા, મહાબોધિ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, દશાશ્વમેધ ઘાટ, B.H.U.
આ વાતનું રાખજો ધ્યાન:
- તમારી ગાડીમાં એકસ્ટ્રા ટાયર અને સામાન રાખજો.
- રસ્તામાં પાણીની બોટલ, થોડોક નાસ્તો રાખો.
- નીકળતા પહેલા ટ્રિપનો મેપ જરુર જુઓ. જરુર પડે ગૂગલ મેપની મદદ લો.
- આ રોડ ટ્રિપ લાંબી અને થકવી દેનારી છે. એટલે દરેક જગ્યાએ બધુ જોવાની કોશિશ ના કરો.
- પોતાની સાથે ડ્રાઇવિંગ લાયન્સ, આઇડી કાર્ડ અને અન્ય જરુરી દસ્તાવેજ સાથે રાખો.