અમદાવાદીઓ વીકેન્ડ્સમાં મોટાભાગે ઘરની બહાર જ હોય છે. વન-ડે પિકનિક કરીને ડીનર કોઇ રેસ્ટોરન્ટમાં કરે છે. ઘણાં લોકો તો શનિવારે જ રિસોર્ટમાં રોકાવા જતા રહે છે અને રવિવારે એન્જોય કરીને પાછા ફરે છે. વન-ડે પિકનિક માટે અમદાવાદની આસપાસ ઘણાં સ્થળો છે. શિયાળાની ઋતુ આમેય ફરવા માટે ઉત્તમ ગણાય છે. ત્યારે એક રવિવારે અમે પણ બહાર જવાનું મન બનાવ્યું.
સન્ડેને ગુડ ડે બનાવવા માટે અમે બે મંદિરો અને એક હેરિટેજ પ્લેસ પર જવાનું નક્કી કર્યું. તમે પણ આ આર્ટિકલ વાંચીને અમારી જેમ ઓછા ખર્ચે યાત્રા કરી શકો છો. તો શરુઆત કરીએ યાત્રાની.
બહુચરાજી મંદિર
બેચરાજી અથવા બહુચરાજી તરીકે ઓળખવામાં આવતું પવિત્ર યાત્રાધામ મહેસાણા જીલ્લામાં છે. ગુજરાતમાં આવેલી ત્રણ શક્તિપીઠોમાંનું એક છે. બહુચરમાંને બાલા ત્રિપુરા સુંદરી ના નામ થી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર અને કિલ્લાઓનું મહારાજા મનાજીરાવ ગાયકવાડે સંવત ૧૭૮૩ અથવા ૧૮૩૯ માં નિર્માણ કર્યું હતું. આ મંદિરમાં મુખ્ય ત્રણ મંદિર આવેલા છે. અધ્યસ્થાન, મધ્યસ્થાન, અને મુખ્ય મંદિર આ ત્રણ મંદિર આવેલા છે. અને મુખ્ય મંદિરમાં બાલા યંત્રની પૂજા થાય છે. બહુચરાજી માતા નું સાધન કૂકડો છે. તેને નિર્દોષતાનું પ્રતીક માનવામાં આવે છે. વરખડી છે એ માતાજી નું મૂળ સ્થાન છે. બહુચરાજી મંદિરથી લગભગ ત્રણ KM મીટર દૂર આવેલું શંખલપુર ગામમાં માતાજીનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે.
અમદાવાદથી સવારે 9 વાગ્યે અમે અમારી પ્રાઇવેટ કારમાં કુલ પાંચ વ્યક્તિઓ બહુચરાજી જવા માટે નીકળ્યા. અમદાવાદથી બહુચરાજી જવું હોય તો અડાલજ ત્રિમંદિર થઇને વાયા મહેસાણા જઇ શકાય છે. પરંતુ અમે શીલજ, થોળ, કડી, વિઠ્ઠલાપુર થઇને બહુચરાજી જવાનો રુટ પસંદ કર્યો. આ રસ્તો ટુંકો છે અને રોડ પણ સારા છે. તમે આ રસ્તે બે કલાકમાં બહુચરાજી પહોંચી જશો. બહુચરાજી પહોંચીને અમે માતાના દર્શન કર્યા. અહીં જમવા માટે ટ્રસ્ટનું ભોજનાલય પણ છે તેમાં માત્ર 25 રુપિયામાં ગુજરાતી થાળી જમી શકાય છે. આ સિવાય હાઇવે પર પંજાબી, ગુજરાતી ઢાબા, રેસ્ટોરન્ટ પણ છે. ભોજન કર્યા પછી અમે જૈનોના પ્રખ્યાત તીર્થધામ શંખેશ્વર જવા માટે નીકળ્યા.
શંખેશ્વર જૈન મંદિર
બહુચરાજીથી લગભગ 30 કિલોમીટર દૂર છે. આ સિંગલપટ્ટી રોડ છે. થોડોક રોડ ખાડાખૈયાવાળો એટલે કે ખરબચડો છે. પણ સાવ ખરાબ નથી. આ રસ્તે જઇ શકાય છે. રસ્તામાં સુઝુકીનો પ્લાન્ટ આવે છે. શંખેશ્વરમાં જૈનોનું પ્રાચીન મંદિર છે. મંદિર ગામમાં હોવાથી પાર્કિંગ તમારે કામચલાઉ પાર્કિંગ એરિયામાં કરવું પડશે અને ત્યાંથી મંદિર સુધી ચાલીને જવું પડશે. મંદિર જવાનો રસ્તો સાંકડો હોવાથી કાર લઇને જવું હિતાવહ નથી. રસ્તામાં બન્ને બાજુ મુખવાસ, રમકડાં, જુતા-ચપ્પલની દુકાનો આવે છે. અહીંથી અમે બે-ત્રણ જાતના મુખવાસ ખરીદ્યા. અમે તમને પણ સલાહ આપીએ છીએ કે અહીં સારા મુખવાસ મળે છે. મુખવાસની વેરાયટી પણ ઘણી છે. જે કદાચ તમને અમદાવાદમાં જોવા નહીં મળે.
આ જિનાલય લગભગ એક હજાર વર્ષ જેટલું પ્રાચીન ગણાય છે. વિક્રમ સંવત 1155માં રાજા સિદ્ધરાજ જયસિંહના મહામંત્રી સજ્જન શાહે શંખેશ્વરના જૂના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવી ભવ્ય દેરાસર બંધાવ્યું હતું. અહીં મૂળનાયક પાર્શ્વનાથ પ્રભુ છે. શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકના શુભ અવસરે પોષ દશમી(માગસર વદ -10)ના દિને ખાસ મેળો ભરાય છે. આ દિવસે હજારો યાત્રીઓ અઠ્ઠમ અથવા ત્રણ એકાસણાની તપશ્ચર્યા કરી જન્મ કલ્યાણકની આરાધના કરે છે.
રાણ કી વાવ
રાણ કી વાવ તરીકે જાણીતી રાણી કી વાવ પાટણમાં છે. શંખેશ્વરથી રાણી કી વાવ લગભગ 60 કિલોમીટર દૂર છે. રાણી કી વાવ એક હેરિટેજ પ્લેસ છે. પાટણના આ સ્થાપત્યને 2014માં યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યુ હતું. યૂનેસ્કોએ આ વાવને ભારતમાં સ્થિત દરેક વાવની રાણીનો ખિતાબ આપ્યો હતો. 10મી સદીમાં બનાવાવમાં આવેલી આ વાવ સોલંકી વંશની ભવ્યતા દર્શાવે છે. આ વાવની લંબાઈ 64 મીટર, પહોળાઈ 20 મીટર અને ઉંડાણ 27 મીટર છે. આ વાવનું નિર્માણ રાણી ઉદયામતિએ કરાવ્યુ હતું. આ વાવનું નિર્માણ 1063માં કરાવવામાં આવ્યુ હતું. આ વાવની દીવાલો પર ભગવાન રામ, વામન અવતાર, મહિષાસુરમર્દિની, કલ્કિ અવતાર અને ભગવાન વિષ્ણુના વિભન્ન અવતારોની તસવીરો અંકિત છે.
રાણી ઉદયામતિ સોલંકી રાજવંશના રાજા ભીમદેવના પ્રથમ પત્ની હતા. રાજાના મૃત્યુ પછી તેમણે રાજાની યાદમાં વાવનું નિર્માણ કરાવ્યું. આ વાવને પહેલી નજરમાં જોઈને તમને લાગશે કે ધરતીની અંદર સમાયેલા કોઈ સુંદર મહેલને જોઈ રહ્યા છો. સરસ્વતી નદી વિલુપ્ત થયા પછી આ વાવ સદીઓ સુધી ધરતીમાં ડટાયેલી રહી. ભારતીય પુરાતત્વ વિભાગની ટીમે આ વાવ શોધી. આ વાવ 7 માળની છે અને મારુ-ગુર્જર શૈલીનું જીવંત ઉદાહરણ છે. અહીં કાર પાર્કિંગના 20 રુપિયા અને એન્ટ્રી ટિકિટ વ્યક્તિદિઠ 40 રુપિયા છે. અમે વાવની નજીકમાં જ આવેલા સહસ્ત્રલિંગ તળાવના પણ દર્શન કર્યા. ઐતિહાસિક સહસ્ત્રલિંગ તળાવની ફરતે ચક્રવર્તી પ્રતાપી મહારાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા 1000 શિવમંદિરો નિર્મિત કરવામાં આવ્યા હતા. તેમાં એક સાથે આરતી ઘંટનાદ થતો હતો. હવે તો આ માત્ર સ્મૃતિ જ રહી છે. વર્તમાનમાં આવા મંદિર હયાત નથી પરંતુ ઇતિહાસના ગ્રંથો અને પુસ્તકોમાં તેનું વર્ણન કરવામાં આવેલું છે. લોકવાયકા અનુસાર તળાવ ખોદનાર મહિલા જસ્મા ઓડણે મહારાજને શ્રાપ આપ્યો હોવાથી આ તળાવમાં પાણી રહેતું નથી.
કેટલો ખર્ચ થાય
અમદાવાદથી કાર લઇને બહુચરાજી, શંખેશ્વર અને રાણ કી વાવ જઇને પાછા અમદાવાદ આવી તો અંદાજે 300 કિલોમીટર થાય. પેટ્રોલ કારમાં 18ની એવરેજ ગણીએ તો 17 લીટર પેટ્રોલ પુરાવવું પડે. 95 રુપિયા પ્રતિ લીટરના ભાવે લગભગ 1700 રુપિયા જેટલો ખર્ચ થાય. કારમાં 5 વ્યક્તિઓ ગણીએ તો વ્યક્તિ દિઠ 350 રુપિયા જેટલો ખર્ચ થાય. જમવા અને એન્ટ્રી ટિકિટના અલગથી ખર્ચ થાય.