દક્ષિણભારતના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા ચેન્નાઈની તો વાત શું કરવી...ઊંચા બિલ્ડિંગ્સ, ઐતિહાસિક કલાકૃતિઓથી સજેલા પ્રાચીન મંદિરો અને વિશાળ દરિયા કિનારાની ખૂબસૂરતી છે અહીંની ખાસિયત જે દુનિયાભરના પર્યટકોને આકર્ષે છે. તો ચાલો કરીએ ચેન્નાઈની સફર.
ચેન્નાઈ જવું કેવી રીતે ?
ચેન્નાઈ જવા માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરીની વચ્ચેનો સમય બેસ્ટ છે. ચેન્નાઈ પહોંચવા માટે હવાઈમાર્ગ, રેલવે અને સડક માર્ગથી સુવિધાસભર સફર આપ કરી શકો છો. ચેન્નાઈ ભારતના મોટાભાગના શહેરો સાથે ફ્લાઈટ કનેક્ટિવિટી ધરાવે છે. તો તમારા શહેરથી તમે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની ફ્લાઈટ બુક કરાવી શકો. રેલવેની વાત કરવામાં આવે તો ચેન્નાઈના ત્રણ રેલવે સ્ટેશન જેમાં ચેન્નાઈ સેન્ટ્રલ, ચેન્નાઈ એગમોર અને તાંબરમ પર દેશના પ્રમુખ શહેરો સાથે જોડાયેલી ઘણી ટ્રેન્સ ઉપલબ્ધ રહે છે. તો સડક માર્ગે મુસાફરી કરવા માટે તમે બસ અથવા પ્રાઈવેટ વાહનની પસંદગી કરી શકો છો.
ચેન્નાઈના ફરવાલાયક સ્થળો
મરીના બીચ
ચેન્નાઈનુ બેસ્ટ ટુરિસ્ટ સ્પોટ છે અહીંનો મરીના બીચ...બંગાળની ખાડીના તટ સાથે જોડાયેલો આ સમુદ્ર કિનારો ભારતનો લાંબો સમુદ્ર તટ છે અને દુનિયાના સૌથી લાંબા સમુદ્ર તટમાં બીજા નંબરે સમાવેશ થાય છે. અહીં લોકો સમય વિતાવવા માટે આવવું પસંદ કરે છે. સાંજના સમયે અહીં સમુદ્રની ખૂબસૂરતી જાણે અપ્રતિમ નજારો સર્જે છે. તો અહીં નાના નાના ફુડ સ્ટોલ્સમાં મળતી ખાણી-પીણી, આર્ટિફિશિયલ જ્વેલરી, આર્ટપીસ જેવી વસ્તુઓની ખરીદી કરવાનો ચાન્સ પણ તમને મળી શકે. તો દરિયાકિનારાની રેતીમાં સપનાનો મહેલ ચણવાનો લહાવો પણ તમે લઈ શકો છો સાથે જ વોલિબોલ જેવી રમતો પણ માણી શકો છો. અને હા મરીના બીચની નજીક જ એક્વેરિયમ અને લાઈટહાઉસની મુલાકાત ચોક્કસ લેવી.
વલ્લુવર કોટ્ટમ
જો તમને લિટરેચર પસંદ છે તો તમે ચોક્કસથી પ્રસિદ્ધ તમિલ કવિ અને સંત તિરુવલ્લુવર વિશે સાંભળ્યું હશે. મહાન તમિલ વિદ્વાનોમાંથી એક એવા તિરુવલ્લુવરના સમ્માનમાં બનાવાયું છે વલ્લુવર કોટ્ટમ. 3 હજાર પથ્થરના બ્લોક્સથી બનેલું આ સ્મારક રથના આકારનું છે. વલ્લુવર કોટ્ટમને તમે વહેલી સવારે કે પછી ઢળતી સાંજે જુઓ તો તેનું અનુપમ રુપ જોવા મળી શકે. અહીં આવેલું ઓડિટોરિયમ એશિયામાં સૌથી મોટું હોવાનું માનવામાં આવે છે. ચેન્નાઈમાં ફરવા માટેની ઈન્ટ્રેસ્ટિંગ જગ્યાઓમાંથી એક છે વલ્લુવર કોટ્ટમ.
MGR ફિલ્મસિટી
ચેન્નાઈના પોપ્યુલર સુપર સ્ટાર અને તમિલ એક્ટર સાથે જ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એવા એમ જી રામચંદ્રની યાદમાં બનાવવામાં આવ્યું છે એમજીઆર ફિલ્મસિટી. જે એક અતિલોકપ્રિય ટુરિસ્ટ પ્લેસ છે. અહીં સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સના શૂટિંગ કરવામાં આવે છે. ચેન્નાઈના તારામણિમાં 70 એકર જેવા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ ફિલ્મસિટી મલ્ટિઅટ્રેક્શન ધરાવે છે. જેમાં એક ફિલ્મસ્કૂલ છે, ઈનડોર-આઉટ ડોર શૂટિંગ માટેની જગ્યા, ગામડા અને શહેરોના સેટ્સ, મંદિર ,મસ્જિદ, ચર્ચ, પોલીસ સ્ટેશન અને આવા તો ઘણા શુટિંગ માટેના સેટ્સ આવેલા છે તો અહીં ગાર્ડન્સ પણ છે.
મદ્રાસ ક્રોકોડાઈલ બેન્ક ટ્રસ્ટ
જો તમે વિશાળ મગરમચ્છનું ઝુંડ જોવા ઈચ્છો છો તો ચેન્નાઈમાં એક ખાસ જગ્યા છે મદ્રાસ ક્રોકોડાઈલ બેન્ક ટ્રસ્ટ રેપ્ટાઈલ ઝૂ. અહીં ખારાપાણીના લુપ્ત થતી પ્રજાતિવાળા મગરમચ્છો જોવા મળી જાય આપને. મગર ઉપરાંત ઘડિયાલ અને અન્ય મગરની પ્રજાતિ જોવા મળી શકે. અહીં મગરમચ્છોનો જાણે મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળશે આપને. અહીંની મુલાકાતનો સમય સવારે 9થી સાંજે 5.30 સુધીનો હોય છે અને સોમવારે બંધ હોય છે.
ચેન્નાઈ રેલ મ્યુઝિયમ
ચેન્નાઈના ટુરિસ્ટ પ્લેસીસમાં ખાસ જોવા જેવું એક મ્યુઝિયમ છે જે પોતાનામાં અનોખું છે. આ છે ચેન્નાઈ રેલ મ્યુઝિયમ. નામ પરથી જ સમજી શકાય કે અહીં રેલવે સાથે જોડાયેલી વસ્તુઓ જોવા મળે. અહીં રેલવેના હેરિટેજ સ્ટીમ એન્જિન કે જે બ્રિટિશ કાળમાં વપરાતા, વિન્ટેજ કોચનો સંગ્રહ જોવા મળશે અને સાથ જ ટોય ટ્રેનની રાઈડ પણ કરી શકાય છે. અહીં કોઈ એન્ટ્રી ફી નથી લેવામાં આવતી.
બી. એમ. બિરલા પ્લેનેટોરિયમ
બાળકોની સાથે ચેન્નાઈની મુલાકાત લેતા હો તો બી. એમ. બિરલા પ્લેનેટોરિયમની મુલાકાત ચોક્કસ લેવી. ચેન્નાઈમાં આ વિશાળ પ્લેનેટોરિયમની વર્ચ્યુઅલ ટુર અને કોસ્મિક શો જોઈને તમે ઈમ્પ્રેસ થઈ જશો. આ પ્લેનેટોરિયમમાં 8 ગેલેરી છે જેમાં એનર્જી, ફિઝિકલ સાયન્સ, લાઈફ સાયન્સ અને ઈન્ટરનેશનલ ડોલ્સ વિશે જોવા અને જાણવાનો મોકો મળે છે. અહીં સવારે 10 થી સાંજે 5.45 સુધી જઈ શકાય. અને એન્ટ્રી ફીસ પણ ઓછી છે.
અષ્ટલક્ષ્મી મંદિર
ચેન્નાઈ પ્રાચીન મંદિરો અને આસ્થાથી ભરપુર શહેર છે. અને અહીં આવેલું છે પ્રખ્યાત અષ્ટલક્ષ્મી મંદિર કે જ્યાં મા લક્ષ્મીના 8 અવતારોનું પૂજન કરવામાં આવે છે. આ ઉપરાંત આ દિવ્ય મંદિરમાં ભગવાન ગણેશ અને ગુરુવાયૂરપ્પનની મૂર્તિઓ પણ છે. વાસ્તુકલાની દ્રષ્ટિએ આ ભવ્યમંદિરને તેની ઓમ ડિઝાઈન વધુ આકર્ષક બનાવે છે. મોટા તહેવારોમાં નવરાત્રિ, પોંગલ કે દિવાળીમાં આ મંદિરની સજાવટ અનોખી રીતે કરવામાં આવે છે.
બ્રીઝી બીચ
ચેન્નાઈમાં એકદમ શાંતિવાળો ,દરિયાકિનારાની મસ્તીવાળો માહોલએન્જોયકરવા ઈચ્છતા હો તો બ્રીઝી બીચ છે બેસ્ટ પ્લેસ. સ્પેશિયલી બીચની આસપાસ તમને ઘણા રેસ્ટોરન્ટ્સ, કેફે મળી જશે જ્યાં ટેસ્ટી સાઉથ ઈન્ડિયન સ્નેક્સ મળશે ઉપરાંત સ્ટ્રીટ સ્નેક્સ પણ તમે ટ્રાય કરી શકો છો. બીચથી થોડે દૂર જ આવેલું છે તિરુવન્મિયૂર બજાર કે જ્યાં ખરીદીનો આનંદ પણ લઈ શકો છો.
કોલી હિલ્સ
સમુદ્રના શહેર ચેન્નાઈમાં તમે હિલસ્ટેશનની મજા માણવા ઈચ્છતા હોતો કોલી હિલ્સ તમને જરુરથી પસંદ આવશે. આ ગિરિમાળાને માઉન્ટેન ઓફ ડેથ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે 4265 ફીટની ઊંચાઈ ધરાવે છે. બેહદ નયનરમ્ય નજારા અને રમણીય વાતાવરણનો આનંદ માણવા ઉપરાંત અહીં ભગવાન શિવના મંદિર અરપ્રલેશ્વરના દર્શન પણ કરી શકાય .જો કે અહીંના વળાંકવાળા, વાંકાચૂકા, ઘુમાવદાર રસ્તાઓ તમને ડર અને એડવેન્ચર બંનેનો અનુભવ કરાવશે.
એમજીએમ ડિઝી વર્લ્ડ
ચેન્નાઈમાં બાળકો સાથે ઘુમવાલાયક સ્થળોમાંથી એક છે એમજીએમ ડિઝીવર્લ્ડ. આ અમ્યુઝમેન્ટ પાર્કમાં વોટરરાઈડ્સ ધરાવતો એક્વા પાર્ક પણ છે સાથે જ એવી ઘણી એક્ટિવિટીઝ છે જે બાળકોની સાથે મોટાઓને પણ આકર્ષે છે.
વિવેકાનંદ હાઉસ
ચેન્નાઈમાં જોવાલાયક સ્થળોમાં વિવેકાનંદ હાઉસનો સમાવેશ થાય છે. સ્વામી વિવેકાનંદ અહીં 1900ની સાલમાં લગભગ 6 અઠવાડિયા માટે રોકાયા હતા. સ્વામી વિવેકાનંદના પ્રશંસકો અને અનુયાયીઓ માટે આ જગ્યા તીર્થ સમાન છે. જેમાં વિવેકાનંદની ગેલેરી, ધ્યાન ખંડ અને વિવેકાનંદ પાર્ક પણ છે.
અરિગ્નાર અન્ના ઝૂઓલોજિકલ પાર્ક
ચેન્નાઈમાં બાળકો માટે અરિગ્નાર અન્ના ઝૂઓલોજિકલ પાર્કની સફર જરુરથી કરવી. જ્યાં આપને વિવિધ પ્રાણીઓ જોવા મળી જશે..આ પાર્કમાં હિમાલયન ટાઈગર, હાથી, સિંહ, ભૂખરા રીંછ અને સીવેટ બિલાડી ઉપરાંત કિંગ કોબરા, અજગર, વાઈપર જેવા સરિસૃપ પ્રાણીઓ જોવા મળશે. આ ઝૂઓલોજિકલ પાર્ક દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય છે.
શોપિંગ સ્પેશિયલ સ્પોટ
ચેન્નાઈમાં હરવા-ફરવાની જગ્યાઓ તો ઘણી છે પણ કોઈને એમ સવાલ થાય કે શોપિંગ ક્યાં કરવી. તો ભઈ પોંડીબજાર છે ને .ચેન્નાઈના શોપિંગ હબ તરીકે જાણીતા પોંડી બજારમાં મસ્તમજ્જાની ખરીદી તો કરી જ શકશો સાથે જ ઓથેન્ટિક ટેસ્ટવળી સાઉથ ઈન્ડિયન ડિશીઝની વેરાયટી તમને ચાખવા મળશે. ખાણીપીણીના શોખીનો માટે તો સ્વર્ગ સમાન છે પોંડી બજાર જ્યાં અડ્યાર આનંદભવન, ચેટ્ટિનાડ રેસ્ટોરન્ટ, હોટ ચિપ્સ, ઉપરાંત ઘણી ડેલિકસીઝ ચાખવા મળશે.ઉપરાંત તમને નોનબ્રાન્ડેડ ઘડિયાળ , મોબાઈલ, શૂઝ, હેન્ડબેગ જેવી વસ્તુઓ સસ્તા ભાવે મળી જશે. ચેન્નાઈમાં શોપિંગની પોતાની મજા છે. અહીં તમને ચેન્નાઈ સ્પેશિયલ કાંચીપુરમ સાડી થી લઈને રેશમી, સેમી સિલ્ક, બ્લેન્ડેડ કોટન કપડાની ઢગલાબંધ વેરાયટી જોવા મળશે. સ્ટ્રીટ શોપિંગ માટે ત્યાગરાયા નગર બેસ્ટ છે જ્યાં ઓર્નામેન્ટ્સ ,સાડીઓ ઉપરાંત ઘણી વસ્તુઓ મળશે. સ્પેશિયલી કોટન કપડાની ખરીદી માટે પેન્ટીહોન સ્ટ્રીટ ફેમસ છે, તો રિચી સ્ટ્રીટ, ટી નગર જેવા એરિયાઝ પણ શોપિંગ માટે છે બેસ્ટ.
ચેન્નાઈના ખાન-પાન, રહેણી-કરણી, સંસ્કૃતિ ભારતના અન્ય ભાગોની સરખામણીમાં ઘણી જ અલગ અને આકર્ષક છે...જો આપ ચેન્નાઈ ઘુમવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ આર્ટિકલમાં તમને એ તમામ આવશ્યક જાણકારી ઉપલબ્ધ છે જે તમારી ચેન્નાઈની સફરને બનાવશે સરળ.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો