શિયાળાની ઋતુમાં જો તમે કોઇ તીર્થ સ્થળના દર્શન માટે જવા માંગો છો તો ચામુંડેશ્વરી દેવીનું મંદિર એક સારો ઓપ્શન હોઇ શકે છે. આ કર્ણાટકના મૈસુર શહેરથી 13 કિ.મી.ના અંતરે ચામુંડી નામના પહાડો પર સ્થિત છે. આ મંદિર માતા દુર્ગાના ચામુંડેશ્વરી સ્વરૂપને સમર્પિત છે.
એવી માન્યતા છે કે આ જ સ્થાન પર માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. પહાડો પર મહિષાસુરની ઊંચી મૂર્તિ અને માંનું મંદિર છે. આ મંદિર દેશની મુખ્ય 18 શક્તિપીઠોમાંની એક છે. એવી માન્યતા છે કે જ્યારે શિવજી સતીના શબને ખભા પર લઇને તાંડવ નૃત્ય કરી રહ્યા હતા અને તેમના ક્રોધને શાંત કરવા માટે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર ચલાવ્યુ હતુ જેનાથી કપાઇને સતીના વાળ આ જ સ્થળે પડ્યા હતા. આ જ કારણે આ તીર્થસ્થળને શક્તિપીઠની માન્યતા આપવામાં આવી છે. પૌરાણિક કાળમાં આ જગ્યા ક્રોંચપુરી તરીકે ઓળખાતુ હતુ, આ જ કારણે દક્ષિણ ભારતમાં આ મંદિરને ક્રોંચાપીઠમના નામથી પણ ઓળખવામાં આવે છે. પ્રચલિત માન્યતા અનુસાર આ શક્તિપીઠની રક્ષા માટે કાળભૈરવ અહીં હંમેશા વિરાજમાન રહે છે.
મંદિરની સંરચના
દ્રવિડ વાસ્તુશિલ્પથી નિર્મિત આ મંદિર ઘણું જ સુંદર તેમજ કલાત્મક છે. મંદિરની અંદર ગર્ભગૃહમાં દેવીની પ્રતિમા સોનાથી બનેલી છે. સાત માળની ઇમારત રૂપે નિર્મિત આ મંદિરનું ભવ્ય સ્વરૂપ ભક્તોને મુગ્ધ કરી દે છે. મુખ્ય મંદિરની પાછળ મહાબળેશ્વરને સમર્પિત એક નાનકડું શિવમંદિર છે, જે 1000 વર્ષોથી પણ વધુ જુનુ છે.
દશેરા મહોત્સવ
નવરાત્રી દરમિયાન ચામુંડેશ્વરી દેવીના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડે છે. નવરાત્રી પછી દશમીના દિવસે દશેરાનો મહોત્સવ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રસિદ્ધ છે. મૈસૂરમાં 600 વર્ષોથી વધુ જુની પરંપરાવાળો આ પર્વ ધાર્મિક દ્રષ્ટિથી પણ મહત્વપૂર્ણ છે. મૈસૂરમાં દશેરાનો ઉત્સવનો પ્રારંભ ચામુંડી પહાડો પર વિરાજમાન દેવી ચામુંડેશ્વરીના મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને દીપ પ્રજ્વલિત કરીને થાય છે. અહીં શ્રદ્ધાળુ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે.
પર્વતોના શિખર પરથી મૈસૂરની કુદરતી સુંદરતા જોવાલાયક હોય છે. અહીંથી માં ચામુંડેશ્વરીની પાલખી પણ નીકાળવામાં આવે છે. દક્ષિણ ભારતના અન્ય મંદિરોની જેમ અહીં પણ વિશેષ દર્શન માટે કૂપન લેવી જરૂરી છે.
ચામુંડેશ્વરી મંદિરનું મહત્વ
ચામુંડેશ્વરી મંદિરમાં આયોજીત થતા દશેરા ઉત્સવ દરેક વર્ષે ઘણાં ધૂમધામથી મનાવવામાં આવે છે. અસત્ય પર સત્યની જીતનો આ તહેવાર આમ તો આખા દેશમાં ઉજવાય છે. પરંતુ તેનો રંગ મૈસૂરમાં ઘણો જ અલગ જોવા મળે છે. દસ દિવસ સુધી ઉજવાતો આ ઉત્સવ દેવી માં ચામુંડેશ્વરી દ્ધાર મહિષાસુરના વધનું પ્રતીક છે. આ સમયગાળા દરમિયાન અહીં ઘણાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે.
નીકળે છે માંની સવારી
દશેરાના દિવસે ઉજવાતા ઉત્સવને જંબો સવારી કહેવામાં આવે છે. આ દિવસે બધાની નજરો હાથી પર નીકળતી સોનેરી રંગની અંબાડી ટકેલી હોય છે. માન્યતા અનુસાર જુના જમાનામાં આ અંબાડીનો ઉપયોગ મૈસૂરના રાજા પોતાની શાહી ગજ સવારી માટે કરતા હતા. જો કે, હવે વર્ષમાં માત્ર એક જ વાર વિજયાદશમીના જુલુસમાં આ અંબાડીનો પ્રયોગ માતાની સવારી માટે કરવામાં આવે છે. વિજયાદશમીના પ્રસંગે મેસૂરના રાજ દરબાર સામાન્ય લોકો માટે ખોલી નાંખવામાં આવે છે. આ દિવસ મૈસૂરવાસીઓ માટે ખાસ હોય છે. અહીં ભવ્યૂ જુલુસ નીકળે છે. આ પ્રસંગે અહીં દસ દિવસો સુધી ઘણાં જ ધૂમધામથી ઉત્સવ મનાવવામાં આવે છે.
મંદિરના ખુલવાનો સમય
પ્રાત: 7.30 થી બપોરે 2.00 વાગ્યા સુધી, બપોરે 3.30 થી સાંજે 6.00 વાગ્યા સુધી, સાંજે 7.30 થી રાતે 9.00 સુધીનો છે. ભક્ત આ જ સમયગાળામાં દર્શન કરી શકે છે. અહીં આવતા મોટાભાગના પર્યટક મૈસૂર મહેલ,પક્ષીઘર, રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્, બુદ્ધિસ્ટ ગોલ્ડન મંદિર અને સેન્ડ સ્કલ્પચર સંગ્રહાલય વગેરે સ્થળો પર પણ ફરવા જરૂર જાય છે.
કેવી રીતે જશો અને ક્યાં રોકાશો
ચામુંડેશ્વરી મંદિર પહોંચવા માટે બેંગલુરૂ રેલવે સ્ટેશનથી મૈસૂરની વચ્ચે ચાલતી કોઇપણ ટ્રેનને લઇ જઇ શકાય છે. શતાબ્દી એક્સપ્રેસ મૈસૂરને ચેન્નઇ સાથે જોડે છે. કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસો મૈસૂરથી જુદાજુદા રાજ્યો માટે ચાલે છે. દેશના બધા મુખ્ય શહેરોથી બેંગલુરૂ સુધી હવાઇ માર્ગ દ્ધારા પહોંચી શકાય છે. ત્યાં રેલવે કે રોડ માર્ગ દ્ધારા મૈસૂર જઇ શકાય છે. ત્યાં લોકોને રહેવા માટે હોટલ્સ, લૉજ ધર્મશાલા અને આરામદાયક ગેસ્ટ હાઉસ ઉપલબ્ધ છે.
અહીં આવનારા પર્યટક પોતાની સાથે સિલ્કની સાડિયો અને ચંદનના લાકડીથી બનેલી આકર્ષક સજાવટી વસ્તુઓ સાથે લઇને આવે છે. ડિસેમ્બરમાં જ્યાં ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડે છે, ત્યાં અહીંનું મોસમ ખુશનુમા રહે છે. તો રાહ શું જુઓ છો, ચાલો મૈસૂરની મુલાકાતે.