ફરવાનું કોને ન ગમે! દરેકની ફરવાની પોતાની એક રીત હોય છે. કોઇ ફ્લાઇટમાં જવાનું પસંદ કરે છે તો કોઇને ટ્રેનની મુસાફરી સારી લાગે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે કારવાં વાનમાં ફરવાનું પસંદ કરે છે. કારવાં વાન એટલે એક એવી ગાડી જેમાં રહેવાથી લઇને ખાવા-પીવા સહિત દરેક પ્રકારની સુવિધા હોય છે. જેને તમે તમારી સુવિધા અનુસાર કોઇપણ જગ્યાએ લઇને જઇ શકો છો. વાનના આગળના ભાગમાં 2 લોકોના બેસવાની સુવિધા હોય છે અને તેનો પાછલો ભાગ એક નાનકડા ઘર જેવો હોય છે જ્યાં બેડ એટલે કે સુવાની વ્યવસ્થા હોય છે. ભારતમાં જો કે આ કલ્ચર હજુ ડેવલપ નથી થયું. પરંતુ દેશના ગણ્યાંગાંઠ્યા રાજ્યોમાં આ કન્સેપ્ટ ચાલી રહ્યો છે અને ગુજરાતમાં પણ તમને ટૂંક સમયમાં કારવાં વાન જોવા મળશે.
ગુજરાતમાં કારવાં ટૂરિઝમ
ભારતમાં આજે પણ પર્યટન હોટલ, ગેસ્ટ હાઉસથી આગળ વધીને હોસ્ટેલ અને હોમસ્ટે સુધી સીમિત થઇ ગયું છે. કેટલાક લોકોને બાદ કરવામાં આવે તો કેમ્પિંગ પણ ઘણું જ સીમિત સંખ્યામાં થાય અને ચોક્કસ જગ્યાઓ પર જ થાય છે. પરંતુ કારવાં ટૂરિઝમ એક નવો કન્સેપ્ટ છે જે હાલ કેરળ અને હિમાચલ પ્રદેશમાં ચાલી રહ્યો છે. હવે ગુજરાત પણ કારવાં ટૂરિઝમમાં સામેલ થવાનું છે.
ગુજરાત ટૂરિઝમ દ્વારા રાજ્યમાં પ્રથમવાર ‘કારવાં ટૂરિઝમ’ કોન્સેપ્ટ રજૂ કરવા જઈ રહ્યું છે. જે અંતર્ગત રાજ્યના ત્રણ જાણીતા પ્રવાસન સ્થળ સાપુતારા, (બ્લ્યૂ ફ્લેગ બીચ) શિવરાજપુર બીચ અને કચ્છના રુદ્રાણી ડેમ ખાતે ગુજરાત ટૂરિઝમ દ્વારા ‘કારવાં પાર્ક’ બનાવાઇ રહ્યું હોવાનું ગુજરાત ટૂરિઝમના સૂત્રો જણાવે છે. જેથી ટુરિસ્ટ પરિવાર સાથે ઘર જેવી જ સુવિધા ધરાવતાં કારવાં વ્હીકલમાં રહી શકે અને ટુરિસ્ટ પ્લેસનો આનંદ લઈ શકશે.
કારવાં ટૂરિઝમ અને કારવાં પાર્ક કોન્સેપ્ટ અંગે ગુજરાત ટૂરિઝમના એક ઉચ્ચ અધિકારી કહે છે કે, ગુજરાત ફરવા આવતાં NRI હોય કે અન્ય પ્રવાસી દરેકને તેમનાં મનગમતાં ટુરિસ્ટ પ્લેસ ઉપર મનગમતું ભોજન મળી રહે એ માટે કારવાં પાર્ક-ટૂરિઝમ કન્સેપ્ટ રજૂ કરાયો છે. જેમાં ટુરિસ્ટ માટે ખાસ મોડીફાઈડ કરાયેલી જુદી જુદી કારવાં બસમાં 6,8,10 અને 12 વ્યક્તિ રહી શકે તેવી કારવાં બસ અમે પીપીપી ધોરણે રજૂ કરીશું. જેમાં લક્ઝુરિયસ હોટલ જેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરાશે. દરેક બસમાં એરકન્ડિશનર, કિચન, ટોઇલેટ, બાથરૂમ અને સૂવાની વ્યવસ્થા હશે. તદુપરાંત તેમાં ટેલિવિઝન અને ઈન્ટરનેટની પણ સુવિધાઓ ઉપલબ્ધ હશે. જેથી ટુરિસ્ટને બિલકુલ ઘર જેવી ફીલિંગ આવશે.
રાજ્યમાં સાપુતારા, શિવરાજપુર બીચ અને કચ્છના રુદ્રાણી ડેમ ખાતે અમે કારવાં પાર્ક બનાવી રહ્યાં છીએ. જ્યાં રાત્રે કારવાં બસને પાર્ક કરી શકાય. કારવાં ટૂરિઝમ અંતર્ગત પ્રાથમિક તબક્કે સાપુતારામાં રૂ. 4 કરોડના ખર્ચે અને શિવરાજપુર બીચ અને રૂદ્રાણી ડેમ ખાતે રૂ બે-બે કરોડના ખર્ચે કારવાં પાર્ક તૈયાર કરાઇ રહ્યાં છે. આ ત્રણેય સ્થળના જુદા જુદા 4 દિવસથી માંડીને એક અઠવાડિયાના કારવાં બસ પેકેજમાં આસપાસના સ્થળોએ પ્રવાસીઓને ફેરવવામાં આવશે.
આ દરેક ટુરિસ્ટ પ્લેસ ખાતે આખા દિવસના સાઈટસીન બાદ ટુરિસ્ટને લઈ બસને કારવાં ખાતે પાર્ક કરી શકાશે. આથી અમે દરેક કારવાં પાર્કને તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ બનાવી રહ્યાં છીએ. દરેક પાર્કમાં અંદાજે 10 કારવાં પાર્ક કરી શકાશે. જ્યાં દરેક બસ માટે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ, વોટર કનેક્શન અને વેસ્ટ કલેક્શન પોઇન્ટ પણ મૂકાશે. તદુપરાંત કારવાં પાર્કમાં ગાર્ડન એરિયા, કિચન એરિયા, કેફેટેરિયા, કેમ્પફાયર એરિયા પણ બનાવાશે. જેથી દિવસભરના પ્રવાસ બાદ પાર્કના કિચન એરિયામાં પણ ટુરિસ્ટ પોતાનું મનગમતું ભોજન બનાવી શકશે અને પરિવાર સાથે કેમ્પ ફાયર જેવી એક્ટિવિટી પણ કરી શકશે.
સૂત્રો કહે છે કે, કારવાં પાર્ક બનાવવા સાપુતારામાં જમીન મેળવી લેવાઈ છે. શિવરાજપુર બીચ અને કચ્છના રૂદ્રાણી ડેમ ખાતે જમીન મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. આગામી સમયમાં સરકારની મંજૂરી મળ્યા બાદ અન્ય સ્થળોએ પણ આ જ પ્રકારે કારવાં પાર્ક બનાવશે. અલબત્ત, આ માટેની તમામ પ્રક્રિયા હજી ચાલી રહી છે.
કારવાં પાર્ક અને આસપાસના જોવાલાયક સ્થળો
સાપુતારા - શબરી ધામ, ડોન ધોધ, પંપા સરોવર, અંજનકુંડ, વાંસદા નેશનલ પાર્ક, વઘઈ બોટનિકલ ગાર્ડન.
શિવરાજપુર બીચ - દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર તીર્થ, માધવપુર ઘેડ તથા અન્ય સ્થળ.
રૂદ્રાણી ડેમ-કચ્છ - ધોરડો, સફેદ રણ, ભુજ સિટી, નિરોણાં વિલેજ, કાળો ડુંગર, ભારત-પાકિસ્તાન બોર્ડર.
મળશે લક્ઝુરિયસ હોટલ જેવી સુવિધા
દરેક કારવાં બસ એરકન્ડિશન્ડ હશે અને તેમાં 6થી 12 વ્યક્તિઓના રહેવા, સૂવા અને જમવાની વ્યવસ્થા હશે. જેમાં કિચન, સીટિંગ એરિયા, ટેલિવિઝન, ઈન્ટરનેટ, વોશબેઝિન, ટોઇલેટ-બાથરૂમની વ્યવસ્થા હશે.
કારવાં પાર્કમાં થશે આવી એક્ટિવિટી
સાપુતારા, શિવરાજપુર બીચ અને કચ્છ ખાતે બની રહેલા કારવાં પાર્કમાં રાત્રે 10 જેટલી બસ પાર્ક કરી શકાશે. જ્યાં તમામ પ્રકારની સિક્યુરિટી સાથે કેફેટેરિયા, ગાર્ડન, કેમ્પફાયર એરિયા, સીટિંગ એરિયા ઉપરાંત કિચન એરિયા પણ હશે. જ્યાં પ્રવાસી ઈચ્છે તો મનગમતું ભોજન પણ જાતે બનાવી શકશે.
કેરળમાં છે કારવાં ટૂરિઝમ
કેરળના કારવાં પાર્કમાં હોટલ જેવી સુવિધાઓ છે.તેમાં રેસ્ટોરન્ટ, પ્રાઇવેટ રેસ્ટ હાઉસ, હાઉસકિપિંગ સર્વિસિઝ, કેમ્પફાયર તથા રાઉન્ડ ધ ક્લોક ઇન્ડિવિઝ્યુઅલ સર્વિસિઝ છે. કેરળમાં કારવાં ટૂરિઝમ પોલિસી અંતર્ગત કારવાં બસ બનાવવા માટે સબ્સિડીની વ્યવસ્થા છે.કારવાં બસ બનાવવા માટે બે લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયા સુધીની સબ્સિડી આપવામાં આવે છે. કેરળમાં બે પ્રકારના કારવાં છે. પહેલા મોડલમાં બે લોકોના રહેવાની સુવિધા છે.બીજામાં ચાર લોકોની ફેમિલી રહી શકે છે. આ કારવામાં સોફા-કમ-બેડ, ફ્રિજ અને માઇક્રોવેવ ઓવનની સાથે ડાઇનિંગ ટેબલની પણ વ્યવસ્થા છે.ટોયલેટ પણ ઇનક્લુડ છે. એટલું જ નહીં, તેમાં એર કંડિશન, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ઓડિયો-વિડિયો સર્વિસ, ચાર્જિંગ સિસ્ટમ અને જીપીએસ જેવી તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.
(સૌજન્યઃ વિપુલ રાજપુત, Ahmedabad Mirror)
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો