96 રૂપિયા પેટ્રોલના ભાવમાં અમદાવાદથી જુનાગઢ by car, સાવજ જોયા, થયો આટલો ખર્ચ

Tripoto
Photo of 96 રૂપિયા પેટ્રોલના ભાવમાં અમદાવાદથી જુનાગઢ by car, સાવજ જોયા, થયો આટલો ખર્ચ by Paurav Joshi

સિંહ જોવા કોન ન ગમે! એટલે જ સાસણગીર પ્રવાસીઓમાં ફેવરિટ છે. અહીં દેવળિયા પાર્ક અને ગીર જંગલ સફારીનો આનંદ લેવા દેશ-વિદેશમાંથી ટૂરિસ્ટ ઉમટી પડે છે. સિંહ દર્શન મારો પણ રસનો વિષય હોવાથી હું અમુક સમયના અંતરે સૌરાષ્ટ્રની ટૂર કરી જ લઉં છું. આ વખતે પણ ઉનાળાની આકરી ગરમીમાં માત્ર સિંહને જોવાની લાલસા જ મને જુનાગઢ દોરીને લઇ ગઇ.

અમે બે મિત્રોની ફેમિલીએ સિંહ જોવા માટે જંગલ સફારીનો પ્લાન બનાવ્યો પરંતુ આ વખતે કોઇ નવી જગ્યાએ જવું એવું નક્કી કર્યું. કારણ કે સાસણગીર, દેવળિયા પાર્ક, આંબરડી પાર્ક વગેરે તો હું જોઇ ચૂક્યો હતો. તેથી નક્કી કર્યું કે જુનાગઢ જઇએ. જુનાગઢમાં ગયા હજુ તો ગયા વર્ષે એટલે કે જાન્યુઆરી 2021માં ગીર નેચર સફારી પાર્ક શરૂ થયો છે. અહીં સાસણગીરની જેમ તમે જીપ સફારીનો આનંદ લઇ શકો છો અને સિંહોને મુક્ત મને વિહરતા જોઇ શકો છો.

અમદાવાદથી જુનાગઢ

અમદાવાદથી બે અલગ-અલગ કારમાં અમે બે ફેમિલી જુનાગઢ તરફ જવા માટે વહેલી સવારે નીકળ્યા. મારી પેટ્રોલ કાર હતી. રસ્તામાં લીંબડીથી આગળ એક જગ્યાએ સવારે 8 વાગે અમે ચા, કોફી, ફાફડા, ખમણ અને ગરમા ગરમ ગોટાનો નાસ્તો કર્યો. અમારી ગાડી ધીમે ધીમે ચોટીલા ક્રોસ કરીને રાજકોટ પહોંચી. રાજકોટ-ગોંડલ રોડ પર રેલવે પર બ્રિજનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝનના કારણે અમે થોડોક સમય ટ્રાફિકમાં ફસાયા. જો તમારે આ રસ્તે ન જવું હોય તો તમે રીંગરોડ પકડીને બાયપાસ ગોંડલ જઇ શકો છો.

Photo of 96 રૂપિયા પેટ્રોલના ભાવમાં અમદાવાદથી જુનાગઢ by car, સાવજ જોયા, થયો આટલો ખર્ચ by Paurav Joshi

વિલિંગ્ડન ડેમ

બપોરે દોઢ વાગ્યાની આસપાસ અમે જુનાગઢ પહોંચ્યા. બપોરનું લંચ કરી અને હોટલમાં થોડોક સમય ફ્રેશ થઇને અમે વિલિંગ્ડન ડેમ જોવા પહોંચ્યા. શહેરથી 3 કિ.મી. દૂર આવેલો આ ડેમ જુનાગઢ ફરવા આવતા પ્રવાસીઓ માટે ફેવરિટ જગ્યા છે. વિલિંગ્ડન ડેમ કાળવા નદી પર બાંધવામાં આવ્યો છે. આ ડેમનું નામ તે સમયના ગર્વનર લોર્ડ વિલિંગ્ડનના નામથી આપવામાં આવ્યું હતું. ડેમની નજીક 2779 ફૂટ એટલે લગભગ 847 મીટર ઉંચા પગથીયા છે. જે જમીયલ શાહ દાતારના પ્રસિદ્ધ મંદિર સુધી જાય છે. પાણીથી ભરેલા વિલિંગ્ડન ડેમની આસપાસ ચારેતરફ હરિયાળી અને ઊંચા પહાડો છે અને ચોમાસાની સીઝન દરમિયાન તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. જો કે અમે તો બપોર પછીના સમયમાં અહીં ગયા હતા અને લગભગ 2 કલાક રોકાયા. ગરમી હોવાથી કોલ્ડડ્રીંક પણ પીધું. ડેમમાં ફોટોગ્રાફી કરી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આસપાસના ગીર જંગલ વિસ્તારમાં સિંહના ધામા છે તેથી ઉનાળામાં પાણી પીવા સાંજના સમયે સિંહ આવતો હોય છે. તમે ડેમ પર ઉભા રહીને સિંહને જોઇ શકો છો. જો કે અમારે બીજી જગ્યાઓ પણ જોવાની હોવાથી અમે સાંજે છ વાગ્યાની આસપાસ ત્યાંથી નીકળી ગયા.

Photo of 96 રૂપિયા પેટ્રોલના ભાવમાં અમદાવાદથી જુનાગઢ by car, સાવજ જોયા, થયો આટલો ખર્ચ by Paurav Joshi

મોર્ડનની લસ્સી અને ભવનાથ તળેટી

વિલિંગ્ડન ડેમથી નીકળીને અમે કાળવા ચોકમાં મોર્ડનની પ્રખ્યાત લસ્સી પીધી. વર્ષો જુની આ દુકાન તેની લસ્સી અને પેટીસ માટે વખણાય છે. મોર્ડનની લસ્સી આરોગ્યા બાદ અમે ભવનાથ તળેટી તરફ આગળ વધ્યા. અહીં ભવનાથ મહાદેવ અને મૃગીકુંડના દર્શન કર્યા. હવે ગિરનાર તળેટીમાં આવેલા આ મંદિર વિશે થોડીક વાત કરી લઇએ.

કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હતા. એક વખત શિવજી કૈલાસમાંથી ગિરનાર ક્ષેત્રમાં આવ્યા અને સ્થળ પસંદ પડતા તપ કરવા બેસી ગયા. તેઓએ આ વાત પાર્વતીને ન કરી. પાર્વતીને કૈલાસમાં શિવજી ન મળ્યા. વર્ષો વીતી જતા પાર્વતીજી અકળાયા.

Photo of 96 રૂપિયા પેટ્રોલના ભાવમાં અમદાવાદથી જુનાગઢ by car, સાવજ જોયા, થયો આટલો ખર્ચ by Paurav Joshi

નારદજીને શિવજીને શોધવા મોકલ્યા. ભોળાનાથ ગિરનારમાં હોવાનું માલૂમ પડતા મા પાર્વતી અહીં આવ્યાં અને તપ કર્યું. બાદમાં 33 કોટી દેવતા આવ્યાને તેમણે પણ તપ કર્યું. આખરે શિવજી સ્વયભૂં ભવનાથના રૂપમાં પ્રગટ થયાને પાર્વતીજીનું શિવજી સાથે મિલન થયું.

ઐતિહાસિક માહાત્મ્ય: ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે. નાનું શિવલિંગ સ્વયંભૂ છે. જ્યારે મોટા શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરેલી છે. દ્રોણાચાર્યના પૂત્ર અશ્વત્થામાએ મહાભારતના યુદ્ધમાં જીત મેળવવા આ જગ્યામાં શિવલિંગની સ્થાપના કરી તપશ્વર્યા કરી હતી. મહાભારતનું યુદ્ધ થયું તેને 5000 વર્ષ થયા હોવાનું મનાઇ રહ્યું છે. આમ, આ જગ્યા 5000 વર્ષ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Photo of 96 રૂપિયા પેટ્રોલના ભાવમાં અમદાવાદથી જુનાગઢ by car, સાવજ જોયા, થયો આટલો ખર્ચ by Paurav Joshi

જો તમે ભવનાથ મંદિર જાઓ તો મંદિરની આસપાસ રમકડાં, પર્સ, આર્ટીફિસિયલ જ્વેલરી વગેરેની ખરીદી કરી શકો છો.

ગીર નેચર સફારી

બીજા દિવસે સવારે 6 વાગે અમારે ગીર નેચર સફારી કરવાની હોવાથી અમે રાતે વહેલા સુઇ ગયાં. ગીર નેચર સફારી વર્ષ 2021થી જ શરૂ કરવામાં આવી છે. જેનું તમે ઓનલાઇન બુકિંગ તેની ઓફિસિયલ વેબસાઇટ https://girlion.gujarat.gov.in/ પરથી કરી શકો છો. હાલ ગિરનાર જંગલના ઈન્દ્રેશ્વર વનવિસ્તારથી જાંબુડી અને પ્રાતુરણ વનવિસ્તાર જવાના ૧૩ કિ.મી. અને આવવાના ૧૩ કિ.મી. મળી કુલ ૨૬ કિ.મી.ના રૂટ પર નેચર સફારી શરૂ કરવામાં આવી છે.

Photo of 96 રૂપિયા પેટ્રોલના ભાવમાં અમદાવાદથી જુનાગઢ by car, સાવજ જોયા, થયો આટલો ખર્ચ by Paurav Joshi

શું છે સફારીનો ચાર્જ

ગીર નેચર સફારી માટે તમારે ઓનલાઇન પરમિટ બુકિંગ કરાવવું પડશે. જેનો સોમથી શુક્રનો ચાર્જ 800 રૂપિયા અને શનિ-રવિમાં 1000 રૂપિયા છે. એકસ્ટ્રા બાળકના 125 રૂપિયા આપવા પડશે. સોમથી શુક્રમાં બાળકોનો ચાર્જ 100 રૂપિયા છે. આ ઉપરાંત જ્યારે તમે જીપ સફારી કરવા ઇન્દ્રેશ્વર થાણા જશો ત્યારે 2000 રૂપિયા જીપના અને 400 રૂપિયા ગાઇડનો ચાર્જ ચૂકવવો પડશે.

Photo of 96 રૂપિયા પેટ્રોલના ભાવમાં અમદાવાદથી જુનાગઢ by car, સાવજ જોયા, થયો આટલો ખર્ચ by Paurav Joshi

ગીર નેચર સફારી પર હાલ એક જ રૂટ શરૂ કરાયો છે. આખા દિવસમાં સવારે 4 અને સાંજે 4 એમ કુલ મળીને ફક્ત 8 પરમિટ આપવામાં આવે છે. સફારીનો સમય સવારે 6 થી 9 અને સાંજે 4 થી 8નો છે. સફારી એન્જોય કરવા માટે તમારે સવારે નિયત સમય કરતાં અડધો કલાક વહેલા પહોંચી જવું પડે છે. અમે સવારની સફારી બુક કરાવી હતી. એટલે સવારે 5.30 કલાકે પહોંચી ગયા. જંગલ સફારી દરમિયાન અમે ચિતલ, સાબર, નીલ ગાય, વિવિધ પક્ષીઓના દર્શન કર્યા. પરંતુ અસલી મજા ત્યારે આવી જ્યારે એક સિંહણને બે બચ્ચા સાથે જોઇ. સિંહણને તેના બચ્ચાં સાથે જોવી એ જીવનનો લ્હાવો હતો.

Photo of 96 રૂપિયા પેટ્રોલના ભાવમાં અમદાવાદથી જુનાગઢ by car, સાવજ જોયા, થયો આટલો ખર્ચ by Paurav Joshi

માધવપુર બીચ

Photo of 96 રૂપિયા પેટ્રોલના ભાવમાં અમદાવાદથી જુનાગઢ by car, સાવજ જોયા, થયો આટલો ખર્ચ by Paurav Joshi

સિંહદર્શન કરીને અમે બપોરના સમયે માધવપુર બીચ તરફ જવા રવાના થયા. માધવપુર બીચ જુનાગઢથી લગભગ 80 કિલોમીટર દૂર છે. માધવપુરમાં ઓશો આશ્રમ, રુકમણી મંદિર, માધવરાયનું મંદિર વગેરે સ્થળો જોવાલાયક છે. માધવપુર બીચ અન્ય બીચ કરતાં ઓછો ભીડભાડવાળો અને ચોખ્ખો છે. જો કે દરિયામાં સંભાળીને ન્હાવું પડશે. કારણ કે અહીંનો દરિયો શાંત નથી. હાં...ચોખ્ખો જરૂર છે. દરિયાકિનારે ટોઇલેટની હાલત અત્યંત ખરાબ છે. કપડા બદલવાની પણ સુવિધા નથી. દરિયાકિનારે તમે ઉંટ અને ઘોડાની સવારી કરી શકો છો.

માધવપુર બીચ પર આનંદ માણ્યા બાદ અમે જુનાગઢ હોટલ પર પરત ફર્યા. બીજા દિવસે સવારે દામોદર કુંડ, રાધાદામોદરજીનું મંદિર, રેવતી કુંડ, મુચકુંદ ગુફા અને મહાપ્રભુજીની બેઠકના દર્શન કરીને અમદાવાદ તરફ પાછા ફર્યા. રસ્તામાં વીરપુરમાં જલારામબાપાના દર્શન કર્યા.

આટલો થયો ખર્ચ

Photo of 96 રૂપિયા પેટ્રોલના ભાવમાં અમદાવાદથી જુનાગઢ by car, સાવજ જોયા, થયો આટલો ખર્ચ by Paurav Joshi

જો તમે અમદાવાદથી અલ્ટો કે વેગનઆર પેટ્રોલ કાર લઇને જાઓ તો જવા આવવાનો અંદાજે 5 હજાર રૂપિયાનો પેટ્રોલનો ખર્ચ થશે. અમારે બે દિવસનો હોટલનો ખર્ચ 2500 રૂપિયા થયો. તમે સસ્તી ધર્મશાળામાં પણ રોકાઇ શકો છો. જીપ સફારી પરમિટના રવિવાર હોવાથી 1000 અને જીપ તેમજ ગાઇડના મળીને 2400 રૂપિયા થયા. સફારીમાં બે ફેમિલી હોવાથી એકના ભાગે 1200 રૂપિયા આવે. આ સિવાય ભોજન અને નાસ્તા-પાણી વગેરે મળીને લગભગ 1500 રૂપિયા થયા. આમ બે દિવસનો કુલ મળીને અંદાજે 12000 રૂપિયાનો ખર્ચ થયો. જો તમે ગિરનાર રોપ-વે સવારી કરવી હોય તો પ્રતિ વ્યક્તિ 700 રૂપિયાનો ખર્ચ થશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads