કુંભલગઢમાં ક્યાં રોકાશો? આ રીતે પૈસા બચાવી શકાય

Tripoto
Photo of કુંભલગઢમાં ક્યાં રોકાશો? આ રીતે પૈસા બચાવી શકાય by Paurav Joshi

ગુજરાતીઓ અને તેમાંય ખાસ કરીને અમદાવાદીઓ માટે રાજસ્થાન એક હોટ ફેવરિટ રાજ્ય છે. અમદાવાદથી વિકેન્ડમાં, તહેવારો કે દિવાળી અને ઉનાળાના વેકેશનમાં ઉદેપુર, આબુ કે કુંભલગઢ જનારા હજારોમાં મળી જશે. આ 3 જગ્યા અમદાવાદીઓની ફેવરિટ છે. હવે જો તમે હજુ સુધી કુંભલગઢ નથી ગયા અને ઓછા ખર્ચે જવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો હું આજે તમને સસ્તામાં કુંભલગઢની મુસાફરી કેવી રીતે કરી શકાય તેની માહિતી આપીશ.

અમદાવાદથી કુંભલગઢ કેટલું દૂર?

અમદાવાદથી કુંભલગઢ 352 કિલોમીટર છે. ઉદેપુરથી કુંભલગઢ 84 કિલોમીટર છે. શ્રીનાથજીથી 60 જ્યારે એકલિંગજીથી 71 કિલોમીટર દૂર છે. અમદાવાદથી ઉદેપુર લગભગ 264 કિલોમીટર દૂર આવેલું છે.

ટ્રાન્સપોર્ટેશનમાં કેટલો ખર્ચ થાય?

અમદાવાદથી કુંભલગઢ મોટા ભાગે લોકો પોતાની ગાડી લઇને જતા હોય છે. અથવા ભાડેથી ટેક્સી કરીને જાય છે. હવે જો તમારી કારમાં કુંભલગઢ જઇ રહ્યા છો તો જવા-આવવામાં અંદાજે 800 કિલોમીટરનું અંતર થશે. જો તમારી કાર 16 કિલોમીટરની માઇલેજ આપે છે તો 50 લીટર પેટ્રોલ પુરાવવું પડશે. પેટ્રોલનો અત્યારનો ભાવ 100 રૂપિયા ગણીએ તો 5000 રૂપિયા તો ખાલી પેટ્રોલમાં જ જશે. જો ચાર વ્યક્તિનું ફેમિલી છે તો વ્યક્તિદીઠ લગભગ 1200 રૂપિયાનો ખર્ચ આવે.

Photo of કુંભલગઢમાં ક્યાં રોકાશો? આ રીતે પૈસા બચાવી શકાય by Paurav Joshi

હવે જો ગુજરાત એસ.ટીની બસમાં જઇને તો અમદાવાદથી શ્રીનાથજી સુધીનું ભાડું 260 થી 300 રૂપિયા જેટલું થશે. ત્યાંથી રાજસ્થાનની સરકારી બસમાં કુંભલગઢના 50 રૂપિયા થશે. આમ એક વ્યક્તિના અમદાવાદથી કુંભલગઢ જવા-આવવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અંદાજે 700 રૂપિયા થાય. કુંભલગઢ ફરવાનો ખર્ચો અલગ ગણવાનો. તેમ છતાં સરવાળે બસ સસ્તી પડે. પરંતુ જો સીએનજી કાર હોય તો 2400-2500 રૂપિયા જેટલો ખર્ચ થાય. એટલે કે ચાર વ્યક્તિ હોય તો વ્યક્તિદીઠ 600 રૂપિયા. આ કિસ્સામાં કાર સસ્તી પડશે. વળી કારમાં તમે તમારી મનપસંદ જગ્યાએ ફરી પણ શકશો.

Photo of કુંભલગઢમાં ક્યાં રોકાશો? આ રીતે પૈસા બચાવી શકાય by Paurav Joshi

રહેવાનો ખર્ચ

કુંભલગઢ અને તેની આસપાસના 3 કિલોમીટરના વિસ્તારમાં ઘણી હોટલ અને રિસોર્ટ્સ છે. જો વેકેશનની વાત કરીએ તો એપ્રિલમાં તમને અહીં 1500થી 10,000 રૂપિયા સુધીની રૂમ મળી જશે. અત્યારે પરીક્ષાની સીઝન ચાલતી હોવાથી માર્ચ મહિનામાં 1000 રૂપિયામાં પણ રૂમ અવાઇલેબલ છે. મેકમાયટ્રિપ,ગોઆઇબીબો, બુકિંગ ડોટ કોમ તેમજ અન્ય ટ્રાવેલ વેબસાઇટથી તમે બુકિંગ કરાવી શકો છો.

સસ્તામાં રહેવું હોય તો...?

જો કુંભલગઢના મોંઘા રિસોર્ટમાં ન રોકાવું હોય તો તમે શ્રીનાથજી, એકલિંગજી અને ઉદેપુરમાં રોકાઇ શકો છો. ઉદેપુરમાં ગુજરાતી સમાજના ગેસ્ટ હાઉસમાં 500 રૂપિયામાં રોકાઇ શકાય છે. શ્રીનાથજીમાં અનેક ધર્મશાળાઓ મળી જશે જે તમને 500 રૂપિયામાં રૂમ આપશે. આ સિવાય એકલિંગજીમાં ભટ્ટમેવાડા સમાજનાં લીલાબા ભવનમાં પણ 600 રૂપિયામાં રોકાઇ શકો છો.

Photo of કુંભલગઢમાં ક્યાં રોકાશો? આ રીતે પૈસા બચાવી શકાય by Paurav Joshi

કુંભલગઢમાં શું છે ખાસ

દુનિયામાં પ્રથમ નંબરની ચીનની 21,196 કિલોમીટરની દિવાલ પછી બીજા નંબરની સૌથી લાંબી દીવાલ 36 કિલોમીટરની જે કુંભલગઢ કિલ્લાની દીવાલ છે. આ દીવાલને 15મી સદીમાં રાણા કુંભાએ બનાવી હતી. 2013માં યુનેસ્કોએ કુંભલગઢ કિલ્લાને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કર્યો છે.

કિલ્લાની વિશેષતાઓ-

Photo of કુંભલગઢમાં ક્યાં રોકાશો? આ રીતે પૈસા બચાવી શકાય by Paurav Joshi

કુંભલગઢ કિલ્લો રાજસ્થાનમાં ચિત્તોડગઢ પછી બીજો સૌથી મોટો કિલ્લો છે, તે રાજસમંદ જિલ્લામાં પશ્ચિમી અરવલ્લીના પહાડોમાં આવેલો છે. 13 પહાડો ઉપર બનેલ કિલ્લો સમુદ્રથી 1914 મીટર ઊંચો છે, કિલ્લાની લંબાઈ 36 કિલોમીટર છે. કિલ્લાની દીવાલ એટલી પહોળી છે કે એક હરોળમાં 8 ઘોડા એકસાથે ઊભા રહી શકે. આ કિલ્લામાં સાત દરવાજા છે, કિલ્લામાં અનેક મહેલ, મંદિર અને ઉદ્યાન છે જે આકર્ષણનું કેન્દ્ર છે, કિલ્લામાં 360થી વધુ મંદિરો છે.

કુંભલગઢમાં જોવાલાયક સ્થળો

Photo of કુંભલગઢમાં ક્યાં રોકાશો? આ રીતે પૈસા બચાવી શકાય by Paurav Joshi

વેદી મંદિર-

રાણા કુંભા દ્વારા નિર્મિત વેદી મંદિર હનુમાન પોલની નજીકમાં જ આવેલું છે, જે પશ્ચિમિ તરફ છે. વેદી મંદિર એક ત્રણ માળનું અષ્ટકોણીય જૈન મંદિર છે જેમાં છત્તીસ સ્તંભ છે, જે રાજસી છતનું સમર્થન કરે છે. પાછળથી આ મંદિરને મહારાણા ફતેહ સિંહ દ્વારા પુનઃનિર્માણ કરાવવામાં આવ્યું હતું.

પાર્શ્વનાથ મંદિર-

Photo of કુંભલગઢમાં ક્યાં રોકાશો? આ રીતે પૈસા બચાવી શકાય by Paurav Joshi

પાર્શ્વનાથ મંદિર (1513 દરમિયાન નિર્મિત) પૂર્વ તરફ આવેલું જૈન મંદિર છે અને કુંભલગઢ કિલ્લામાં બાવન જૈન મંદિર અને ગોલરા જૈન મંદિર મુખ્ય જૈન મંદિર છે.

ગણેશ મંદિર-

ગણેશ મંદિરને કિલ્લાની અંદરના બધા મંદિરોમાં સૌથી પ્રાચીન માનવામાં આવે છે. જે 12 ફીટ(3.7 મીટર) ના મંચ પર બનાવવામાં આવેલું છે. કુંભલગઢ કિલ્લાના પૂર્વ કિનારે 1458 CE દરમિયાન નિર્મિત નીલકંઠ મહાદેવ મંદિર પણ આવેલું છે.

બાવન દેવી મંદિર-

બાવન દેવી મંદિરનું નામ એક જ પરિસરમાં 52 મંદિરો હોવાથી પડ્યું છે. આ મંદિરનું માત્ર એક જ પ્રવેશ દ્વાર છે. બાવન મંદિરોમાંથી બે મોટા આકારના મંદિર છે જે કેન્દ્રમાં બનાવેલાં છે. બાકીના 50 મંદિર નાના આકારના છે.

Photo of કુંભલગઢમાં ક્યાં રોકાશો? આ રીતે પૈસા બચાવી શકાય by Paurav Joshi

જગદીશ મંદિર-

કુંભલગઢની પાસે જ ઉદયપુરના સિટી પેલેસ પરિસરમાં બનેલ આકર્ષક મંદિર છે. જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરને લક્ષ્મી નારાયણના નામે પણ એળખવામાં આવે છે. મંદિરનું નક્શીકામ અને અનેક આકર્ષક મૂર્તિઓ દર્શનાર્થીઓને આકર્ષે છે.

વાઈલ્ડ લાઈફ સેન્ચુરીઃ

કુંભલગઢ ફોર્ટની બહાર 578 કિ.મીમાં વાઈલ્ડ લાઈફ સેન્ચુરી પથરાયેલી છે. થ્રિલ અને એડવેન્ચર માટે આ બેસ્ટ જગ્યા છે. અરવલ્લીની આ સેન્ચુરીમાં તમને જાત જાતના પશુ પંખીઓ જોવા મળે છે. એક સમયે રાજાઓ આ જંગલમાં શિકાર કરવા આવતા હતા. તમને અહીં વરુ, દીપડા, રીંછ, નીલગાય, હરણ, ચિંકારા અને જંગલી બિલાડી સહિત અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળશે. અહીં 200થી વધુ પ્રજાતિના પંખીઓ પણ જોવા મળે છે. તમને અહીં બતક, મોર, કિંગ ફિશર સહિત અનેક વિવિધતાના પક્ષીઓ જાવો મળશે. અહીં તમે ઘોડા પર કે જીપમાં સફારી એન્જોય કરી શકો છો.

પરશુરામ મંદિરઃ

Photo of કુંભલગઢમાં ક્યાં રોકાશો? આ રીતે પૈસા બચાવી શકાય by Paurav Joshi

કુંભલગઢ પાસે એક ગુફા આવેલી છે જેમાં ભગવાન પરશુરામ ધ્યાન ધરતા હતા. ભગવાન શિવજીને સમર્પિત આ ગુફામાં ભગવાન ગણેશનું મંદિર પણ આવેલું છે. તેમાં નવ પવિત્ર કુંડ અને તળાવ આવેલા છે જે ક્યારેય સૂકાતા નથી. તમારે આ મંદિર સુધી પહોંચવા 500 પગથિયા ચડવા પડશે.

કુંભલગઢ પ્રવેશ શુલ્ક-

ભારતીય અને સાર્ક દેશોના નાગરિકો માટે 15 રૂપિયા અને અન્ય માટે 200 રૂપિયા શુલ્ક નક્કી કરાયેલો છે.

કુંભલગઢ કિલ્લો ખુલવાનો સમય-

સવારે 9-00 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads