ગરમીમાં ગુજરાતીઓની ફેવરિટ જગ્યાઓમાં હિમાચલ પ્રદેશ ટોપ પર હોય છે. ઉનાળામાં ગુજરાતીઓ મોટાભાગે શિમલા, કુલુ, મનાલી જેવા સ્થળોએ ફરવા જવાનું વધારે પસંદ કરતા હોય છે. વર્ષોથી ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં ઉનાળામાં હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડ અને શિયાળામાં ગોવા, જેસલમેર જવાનો જાણે કે ટ્રેન્ડ થઇ ગયો છે. પરંતુ આજે હું તમને કેટલાક એવા લોકેશન બતાવવાનો છું ત્યાં ઓછી પ્રવાસીઓની ઓછી ભીડ વચ્ચે તમે કુદરતને એન્જોય કરી શકશો.
બર્મિઑક, સિક્કિમ
સિક્કિમ ભારતના સુંદર રાજ્યોમાંનું એક છે. જે પહાડો અને લીલાછમ મેદાનોથી ઘેરાયેલું છે. સિક્કિમ દુનિયાનું ત્રીજું સૌથી ઉંચુ પર્વત શિખર છે. સિક્કિમ 1974 સુધી અલગ દેશ તરીકે ઓળખાતું હતું. વર્ષ 1975માં સિક્કિમના વડાપ્રધાને ભારતીય સંસદને અનુરોધ કર્યો કે તે ભારતનું અંગ બનવા માંગે છે એટલે જે પણ પગલા ભરવા પડે તે ભરો. છેવટે 16 મે 1975ના રોજ સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું.
સિક્કિમ પક્ષીઓ માટે સ્વર્ગ ગણાય છે. સિક્કિમમાં પક્ષીઓની 552 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. હિમાલયન ગીધ પોતાની અનોખી ઓળખ ધરાવે છે. બર્મિઑકમાં પણ તમને પક્ષીઓની વિવિધ જાતો જોવા મળશે. આ જગ્યા પ્રવાસીઓમાં ઓછી જાણીતી છે. જે પશ્ચિમ સિક્કિમમાં આવેલી છે. અહીંથી તમને કોકટાંગ, કાબ્રુ, કંચનજંગા, કુંભકરણ અને રાથોંગના સુંદર દ્રશ્યો જોવા મળે છે. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ જોવાલાયક છે.
કેવી રીતે જશો
સિક્કિમ જવા માટે નજીકનું એરપોર્ટ પશ્ચિમ બંગાળનું બાગડોગરા છે. જે ગંગટોકથી 124 કિ.મી. દૂર છે. રેલવેમાં જવું હોય તો ન્યૂ જલપાઇગુડી રેલવે સ્ટેશન છે. રોડ માર્ગે જવું હોય તો તમે સિલીગુડી, દાર્જિલિંગ, કલિમપોંગથી સિક્કીમ જઇ શકો છો.
યરકોડ, તમિલનાડુ
તમિલનાડુમાં આવેલું યરકોડ દક્ષિણ ભારતનું એક સુંદર પહાડી સ્ટેશન છે. આ હિલ સ્ટેશન પૂર્વી ઘાટના શેવરૉય પર્વત શ્રેણીના પહાડો પર સ્થિત છે. આ લોકપ્રિય હિલ સ્ટેશનને દક્ષિણનું ઘરેણું પણ કહેવાય છે. યરકોડ નામ આસપાસના જંગલોના નામ પરથી રાખવામાં આવ્યું છે. અહીં સુંદર યરકોડ તળાવ છે. આ આખો પહાડી વિસ્તાર ગાઢ જંગલો, કૉફીના બગીચાઓથી ઘેરાયેલો છે. પ્રકૃતિ પ્રેમીઓથી લઇને જંગલ એડવેન્ચરના શોખીનો માટે આ જગ્યા ખાસ માનવામાં આવે છે. પરિવાર અને મિત્રો સાથે અહીં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકાય છે. અહીં પગોડા લેક, કિલિયુર ફોલ્સ, શેવરૉય મંદિર, ગ્રેંજ ટ્રી ટ્રોપ એડવેન્ચર પાર્ક વગેરે જગ્યાઓ જોવાલાયક છે.
ટ્રેનથી યરકોડ કેવી રીતે જશો
યરકોડનું નજીકનું રેલવે સ્ટેશન દાનિશપેટ રેલવે સ્ટેશન છે. જો કે યરકોડથી 22 કિ.મી. દૂર સેલમ રેલવે સ્ટેશન મુખ્ય રેલવે સ્ટેશન છે. સેલમ રેલવે સ્ટેશન જે અમદાવાદ, બેંગ્લોર, મુંબઇ, કોઇમ્બતૂર, દિલ્હી, કોલકાતા અને અન્ય ભારતીય રેલવે સ્ટેશન સાથે જોડાયેલું છે. અહીં ઘણી સુપરફાસ્ટ ટ્રેનો દોડે છે.
બસથી કેવી રીતે પહોંચશો
ચેન્નઇ, મદુરાઇ, તિરુચારપલ્લી અને તંજાવુર જેવા મુખ્ય શહેરોથી સારીરીતે જોડાયેલુ છે.
વિમાન દ્વારા
સેલમ એરપોર્ટ જે 38 કિ.મી. દૂર છે. યરકોડ પહોંચવા એરપોર્ટની બહારથી ટેક્સી કરી શકો છો. આ ઉપરાંત, ઑટો-રિક્શા લઇ શકો છો.
સકલેશપુર, કર્ણાટક
સકલેશપુર, વેસ્ટર્ન ઘાટમાં વસેલું એક સુંદર હિલ સ્ટેશન છે જે તાજગી પ્રદાન કરે છે. આ શહેર 949 મીટરની ઊંચાઇ પર છે અને બેંગ્લોર-મૈસૂર રાજમાર્ગની પાસે હોવાના કારણે અહીં સરળતાથી પહોંચી શકાય છે. હસન જિલ્લાનો ભાગ, સકલેશપુર ભારતમાં કોફી અને ઇલાયચીનું એક મોટું ઉત્પાદક છે.
એક પૌરાણિક કથા અનુસાર હોયસલા શાસકોને આ શહેરમાં એક ખંડિત શિવલિંગ મળ્યું તેથી તેમણે તરત તેનું નામ સકલેશપુર રાખી દીધું. તો કેટલાક સ્થાનિકોના અનુસાર આ શહેર કૃષિ ઉત્પાદનમાં ઘણું જ સંપન્ન હતું તેથી તેનું નામ સકલેશપુર પડ્યું. અહીં અનેક પ્રકારના જીવ અને પર્યટકો માટે લોકપ્રિય રમત ટ્રેકિંગ છે. બિસ્લે રિઝર્વ વન અને કુમાર પર્વત પર ટ્રેકિંગ લાભકારી હોઇ શકે છે.
કેવી રીતે જશો સકલેશપુર
35 કિ.મી.દૂર હસન માટે ટ્રેન પકડવી પડશે. અહીં સૌથી નજીકનું એરપોર્ટ મેંગ્લોર છે. અહીં ચોમાસા સિવાય કોઇપણ ઋતુમાં જઇ શકાય છે.
તવાંગ, અરુણાચલ પ્રદેશ
અરૂણાચલ પ્રદેશના સૌથી પશ્ચિમમાં સ્થિત તવાંગ જિલ્લો પોતાની રહસ્યમય અને જાદૂઇ સુંદરતા માટે જાણીતો છે. સમુદ્ર તટથી 10 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત આ જિલ્લાની સરહદ ઉત્તરમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભુતાન અને પૂર્વમાં પશ્ચિમ કમેંગના સેલા પર્વતની શ્રેણીને અડેલું છે. એવું માનવામાં આવે છે કે, તવાંગ શબ્દની વ્યુત્પત્તિ તવાંગ ટાઉનશીપના પશ્ચિમ ભાગની સાથો-સાથ સ્થિત પર્વત શ્રેણી પર બનેલા તવાંગ મઠના કારણે છે. ‘તા'નો અર્થ થાય છે, ઘોડા અને ‘વાંગ' અર્થ થાય છે, પસંદ કરેલા.
પ્રાકૃતિક સુંદરતાના મામલે તવાંગ ઘણું જ સમૃદ્ધ છે અને તેની સુંદરતા કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. અહીં સુરજનું પહેલું કિરણ સૌથી વહેલા બરફથી ઢંકાયેલા શિખરો પર પડે છે અને આ નજારો જોવા લાયક છે અને જ્યારે સુરજનું અંતિમ કિરણ અહીંથી પસાર થાય છે ત્યારે આખું આકાશ અગણિત તારાઓથી ભરાઇ જાય છે. અહીં તવાંગ યુદ્ધ સ્મારક, તવાંગ મઠ, સેલા પાસ, ત્સેર સરોવર, ગોર્સમ ચોર્ટેન, લ્હાસા મઠ, ઉર્ગેલ્લિંગ મઠ વગેરે જોવાલાયક સ્થળ છે.
કેવી રીતે જશો
તવાંગ જવા માટે આસામના ગુવાહાટી જવું પડશે. ગુવાહાટી ટ્રેન કે પ્લેનમાં જઇ શકાય છે. દિલ્હી કે કોલકાતાથી ટ્રેન મળી જશે. ત્યાંથી ટેક્સી દ્વારા તવાંગ જઇ શકાય છે.
હેમિસ, જમ્મૂ-કાશ્મીર
હેમિસ તેના બૌદ્ધ મઠ અને નેશનલ પાર્કના કારણે જાણીતું છે. હેમિસ નેશનલ પાર્કને હેમિસ હાઇ ઓલ્ટીટ્યુડ રાષ્ટ્રીય ઉદ્યાનના નામથી ઓળખવામાં આવે છે. આ સિંધુ નદીના કિનારે છે. આ પાર્કનું નામ પ્રસિદ્ધ બૌદ્ધ મઠ, હેમિસ મઠના નામે રાખવામાં આવ્યું છે.
600 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલા આ ઉદ્યાનને 1981માં નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યું હતું. 1988 સુધી આ પાર્કનો વિસ્તાર 3350 ચોરસ કિ.મી. સેકટરમાં અને ત્યાર બાદ 4400 ચોરસ કિ.મી.માં ફેલાયેલો હતો. આ સાઉથ એશિયાનું બીજુ સૌથી મોટું ઉદ્યાન છે.
કેવી રીતે જશો
હેમિસ જવા માટે તમારે લેહ જવું પડશે. લેહ તમે દિલ્હી, ચંદિગઢ, જમ્મૂથી વિમાનમાં જઇ શકો છો. લેહથી બસ કે ટેક્સી દ્વારા હેમિસ જઇ શકાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો